એકસ્ટ્રા અફેર-ભરત ભારદ્વાજ

કર્ણાટકમાં શ્રી મુરુઘ મઠના મુખ્ય મહંત શિવમૂર્તિ મુરુઘા શરણારુને કોર્ટે ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં ચિત્રદુર્ગ જેલમાં મોકલી આપતાં શરણારુ જેલની હવા ખાતા થઈ ગયા છે. શરણારુ લિંગાયત સમુદાયના મોટા મઠોમાં એક શ્રી મુરુઘ મઠના મુખ્ય મહંત એટલે કે મઠાધિપતિ છે. આ મઠ સ્કૂલો ચલાવે છે અને હોસ્ટેલ્સ પણ ચલાવે છે. શરણારુ સામે આ મઠની શાળામાં ભણતી બે સગીરા પર બળાત્કાર ગુજારીને જાતીય શોષણ કરવાનો આરોપ છે.
મઠ દ્વારા સંચાલિત શાળામાં અભ્યાસ કરતી માત્ર ૧૫ વર્ષ અને ૧૬ વર્ષની બે દીકરીઓએ આક્ષેપ મૂકેલો કે, આ કહેલાતા સંત શરણારુ છેલ્લા સાડા ત્રણ વર્ષથી વધુ સમયથી તેમનું જાતીય શોષણ કરે છે, તેમને હવસનો ભોગ બનાવે છે. આ આક્ષેપો થતાં જ શરણારુ છૂ થઈ ગયેલા ને આગોતરા જામીન માટે અરજી કરી હતી. તેમની જામીન અરજી પર તાત્કાલિક સુનાવણીનો હાઈ કોર્ટે ઈન્કાર કરેલો તેથી શરણારુએ શરણાગતિ સ્વીકારવી પડેલી. બે દિવસ પહેલાં કર્ણાટક પોલીસે શરણારુની ધરપકડ કરેલી પણ છાતીમાં દુખાવાની ફરિયાદ કરીને શરણારુ જિલ્લા હૉસ્પિટલમાં દાખલ થઈ ગયા છે.
શરણારુ સામેના આરોપો અત્યંત ગંભીર છે પણ તેનાથી ગંભીર બાબત કહેવાતા હિંદુવાદીઓની ચૂપકીદી છે. આપણે ત્યાં છેલ્લા કેટલાક સમયથી વાત વાતમાં જેમની લાગણી દુભાઈ જાય છે એવા કહેવાતા હિંદુવાદીઓની ફૌજ સોશિયલ મીડિયા પર સક્રિય છે. આ ફૌજ ફિલ્મોને નિશાન બનાવે છે કેમ કે તેમાં જોરદાર પબ્લિસિટી મળે છે. લાલસિંહ ચઢ્ઢાથી માંડીને લાઈગર સુધીની ફિલ્મોના બહિષ્કારનું એલાન કરીને આ ટ્રોલ આર્મીએ ખાસી ચર્ચા જગાવી છે.
જે ફિલ્મોના બહિષ્કારનાં એલાન થયાં તેના કલાકારો કે તેની સાથે સંકળાયેલાં કોઈએ હિંદુત્વનું અપમાન કરેલું કે નહીં તેની પંચાતમાં આપણે પડતા નથી પણ શરણારુએ જે કર્યું છે એ હિંદુત્વનું હળાહળ અપમાન છે તેમાં બેમત નથી. હિંદુત્વના નામે ખૂલેલા મઠની શાળામાં ભણતી માસૂમ છોકરીઓનું શારીરિક શોષણ કરીને શરણારુએ હિંદુત્વની ગૌરવશાળી પરંપરાનું અપમાન કર્યું છે. આપણે ત્યાં સંતને સૌથી ઊંચો દરજજો આપવામાં આવે છે.
સંત તો શંકાથી પણ પર હોવો જોઈએ એવું આપણે માનીએ છીએ ત્યારે આ કહેવાતા સંત સામે તો નાની નાની છોકરીઓનો શોષણનો આરોપ છે. આવા માણસના બહિષ્કારનું કે તેને સંત તરીકે નહીં સંબોધવા કેમ ટ્રોલ આર્મી મેદાનમાં નથી આવતી? મઠવાળા પાછા શરણારુનો બચાવ કરે છે ને તેની સામે પણ સૌ ચૂપ છે. જેની સામે ગંભીર આક્ષેપો છે એવા શરણારુનો બચાવ કરનારા મઠની સામે બોલવાની પણ કોઈની હિંમત નથી.
ફિલ્મોને ટ્રોલ કરવામાં મર્દાનગી સમજતી જમાતની સાથેસાથે હિંદુત્વના મુદ્દે કંઈ ને કંઈ બકવાસ કર્યા કરતા રાજકારણીઓ અને હિંદુત્વના ઠેકેદાર સંગઠનો પણ ચૂપ છે. તેનું કારણ એ કે શરણારુ લિંગાયત સમાજના કહેવાતા સંત છે, મઠાધિપતિ છે. તેમનો પ્રભાવ કેટલો હશે એ રામ જાણે પણ લિંગાયત મઠાધિપતિનો સિક્કો વાગેલો છે તેથી બધાંની બોલતી બંધ છે.
શિવમૂર્તિ મરુઘા શરણારુ સગીરાઓનું જાતિય શોષણ કરે છે એવા આક્ષેપો લાંબા સમયથી થતા હતા પણ કોઈ તેમની વાત સાંભળવા તૈયાર નહોતું. જેમના પર અત્યાચાર થયા છે એ છોકરીઓ પણ હિંદુ જ છે પણ એ સામાન્ય પરિવારની દીકરીઓ છે જ્યારે શરણારૂ વગદાર મઠાધિપતી છે. આ કારણે છોકરીઓની વાત કહેવાતાં હિંદુવાદી સંગઠનોના કાન લગી પહોંચી નહોતી.
અત્યાચાર સહન ના થતાં બે સગીર છોકરી હૉસ્ટેલમાંથી ભાગીને મૈસૂર પહોંચી. મૈસૂર પહોંચીને તેમણે ‘ઓદાનદી’ નામની એનજીઓનો સંપર્ક કર્યો હતો. આ એનજીઓના કર્તાહર્તાઓએ ૨૬ ઑગસ્ટે મૈસૂરમાં બાળ કલ્યાણ સમિતિ સામે છોકરીઓને રજૂ કરી. છોકરીઓને મળનારા અધિકારી સંવેદનશીલ હશે તેથી તેમણે તેમની વાત શાંતિથી સાંભળી ને એ જ રાત્રે મરુઘા શરણ સહિત ૫ લોકો સામે કેસ નોંધી દીધો. જે કર્યું એ સંસ્થા અને અધિકારીએ કર્યું, હિંદુઓનાં હિતોની વાતો કરતાં સંગઠનોએ તો કશું કર્યું નથી.
કર્ણાટકમાં લિંગાયત અને વીરશૈવ સમુદાયની વસતી કુલ વસતીના આશરે ૧૮ ટકા હોવાનું મનાય છે. આ કારણે તેમનો જોરદાર દબદબો છે. ગુજરાતમાં પટેલો કે મહારાષ્ટ્રના રાજકારણમાં મરાઠાઓનું વર્ચસ્વ છે એવું વર્ચસ્વ કર્ણાટકના રાજકારણમાં લિંગાયત સમાજનું છે. કર્ણાટક વિધાનસભામાં કુલ ૨૨૪ વિધાનસભ્યો છે ને તેમાંથી ૫૪ ધારાસભ્ય લિંગાયત-વીરશૈવ છે. આ ઉપરાંત લગભગ ૧૦૦ બેઠકો પર લિંગાયત-વીરશૈવ સમાજના મતો નિર્ણાયક છે.
આ કારણે લિંગાયત સમાજ કહે એ બધું જ કરવા રાજકારણીઓ તૈયાર થઈ જાય છે. લિંગાયત સમુદાયનો એક વર્ગ ઘણા લાંબા સમયથી માંગ કરી રહ્યો હતો કે લિંગાયતને હિન્દુ ધર્મથી અલગ ધર્મ જાહેર કરવામાં આવે. કૉંગ્રેસે સત્તાને ખાતર એ માંગ સ્વીકારવાની પણ તૈયારી બતાવેલી. કૉંગ્રેસ સત્તામાં હતી ત્યારે ૨૦૧૩માં આ માગ ફગાવી દીધેલી પણ પછી રાજકીય સમીકરણો બદલાયાં તેથી કૉંગ્રેસને લિંગાયત સમાજને હિંદુ ધર્મથી અલગ કરવાની માગમાં રસ પડી ગયો.
કૉંગ્રેસના તત્કાલીન મુખ્યમંત્રી સિદ્ધરામૈયાએ હાઇ કોર્ટના રિટાયર્ડ જજ જસ્ટીસ નાગામોહન દાસની અધ્યક્ષતામાં એક સમિતિ રચી નાંખી હતી. આ સમિતિએ લિંગાયત તથા વીરશૈવ સમુદાયને અલગ ધર્મની સાથે લઘુમતિનો દરજજોે આપવાની ભલામણ કરી હતી. સિદ્ધારમૈયા કેબિનેટે તેને મંજૂરી પણ આપી દીધી હતી. એ દરખાસ્તનો અમલ ના થયો પણ લિંગાયત સમાજને સાચવવા રાજકારણીએ કઈ હદે જઈ શકે છે તેનું આ જ્વલંત ઉદાહરણ હતું. ભાજપ તો લિંગાયત સમુદાયના કારણે જ સત્તામાં છે તેથી તેમને સાચવવા બધું જ કરી છૂટે છે.
મુરુઘ આશ્રમ એક પ્રભાવશાળી સંસ્થા છે અને તેની નિયમિતપણે મુલાકાત લેનારા રાજકારણીઓની લાંબી યાદી છે. શરણારુએ થોડા સમય પહેલાં રાહુલ ગાંધીને ‘લિંગદીક્ષા’ આપી હતી. ભાજપના નેતા પણ નિયમિતરીતે તેમના પગ પકડવા જાય છે.
શરણારુના કેસમાં આ જ કારણે રાજકારણીઓ ચૂપ છે. અત્યારે શરણારુ જેલની હવા ખાય છે પણ ના કરે નારાયણ ને કાલે બહાર આવી જાય તો મત માટે પાછા તેમના જ પગ પકડવા પડે. તેના કરતાં નહીં બોલ્યામાં નવ ગુણ સમજીને બધા ચૂપ છે. હિંદુ છોકરીઓની લાજ લૂંટાતી હોય તો ભલે લૂંટાય, તેનાથી હિંદુત્વનું અપમાન થોડું થાય છે?

Google search engine