Homeએકસ્ટ્રા અફેરકોરોનાથી બચવું હોય તો લોકો સતર્ક થાય

કોરોનાથી બચવું હોય તો લોકો સતર્ક થાય

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

લાંબા સમયની શાંતિ પછી કોરોનાના રોગચાળાએ ફરી ઉથલો માર્યો છે. કોરોનાના જન્મસ્થાન ચીનમાં કોરોનાના કેસોમાં ધડાધડ ઉછાળો આવવાની શરૂઆત થઈ ને હવે જાપાન, અમેરિકા, દક્ષિણ કોરીયા, ફ્રાન્સ સહિતના દેશોમાં કોરોનાના રોજના હજારો કેસ આવવા માંડ્યા છે. ચીનમાં લોકશાહી નથી તેથી ખરેખર કેટલા કેસ આવે છે ને કેટલાં લોકો મરે છે તેનો સાચો આંકડો બહાર પડાતો નથી પણ ચીનમાં કોરોનાની સ્થિતિના જે વીડિયો વાયરલ થયા છે એ જોતાં ચીનમાં બધું કાબૂ બહાર જતું રહ્યું છે એ કહેવાની જરૂર નથી.
ચીનમાં લોકો ટપોટપ મરી રહ્યાં છે ને પૂરતી આરોગ્યની વ્યવસ્થા નથી એ દેખાઈ જ રહ્યું છે. હોસ્પિટલોમાં જગા નથી ને સ્મશાનોમાં લાશોના ઢગ ખડકાઈ રહ્યા છે એ જોઈ શકાય છે. દુનિયાના બીજા દેશોમાં હજુ એવી સ્થિતિ નથી પણ કોરોનાને વકરતાં વાર લાગતી નથી તેથી બીજા દેશોમાં પણ એવી સ્થિતી આવી શકે. કોરોનાનો નવો વેરીયન્ટ એકદમ ખતરનાક છે. ઓમિક્રોનનો બીએફ.૭ નામનો સબ-વેરિયન્ટનો જેને ચેપ લાગ્યો હોય તે ૧૮ વ્યક્તિને ચેપ લગાડે ત્યાં સુધી આ સબ-વેરિયન્ટ ઘાતક રહે છે કહેવાય છે. તેના કારણે કોરોના પહેલી વાર આવ્યો ત્યારે ધડાધડ કેસો નોંધાવા માંડેલા એવી સ્થિતી આખી દુનિયામાં સર્જાઈ શકે છે.
ભારતમાં ભગવાનની દયા છે તેથી હજુ લગી ચીન, જાપાન કે અમેરિકા જેવી સ્થિતિ નથી આવી પણ ઓમિક્રોનનો બીએફ.૭ નામનો સબ-વેરિયન્ટ આવી જ ગયો છે. વડોદરામાં અમેરિકા જઈને આવેલાં એક મહિલામાં ઓમિક્રોન સબ-વેરિયન્ટ બીએફ.૭નાં લક્ષણો જોવા મળ્યાં છે ને ભાવનગરના એક વેપારીને પણ આ સબ-વેરીયન્ટનો ચેપ લાગ્યો હોવાનું કહેવાય છે. અમદાવાદ અને ઓડિશામાં પણ આ સબ વેરીયન્ટના બે કેસ મળ્યા છે તેથી ભારતમાં કોરોનાનો ખતરો આવી તો ગયો જ છે ને હવે તેને કઈ રીતે રોકવો એ આપણે વિચારવાનું છે.
એક વર્ષમાં ભારતમાં કોવિડના કેસોમાં સતત ઘટાડો જોવા મળ્યો છે અને અત્યારે દરરોજ દોઢસો કેસ જ આવી રહ્યા છે પણ સમગ્ર વિશ્વમાં દરરોજ છ લાખ આસપાસ કેસ નોંધાઈ રહ્યા છે. જાપાન, દક્ષિણ કોરિયા, યુએસએ, ફ્રાન્સ જેવા દેશોમાં કોવિડથી મૃત્યુની સંખ્યામાં વધારો થયો છે. આ બધા દેશોમાંથી લોકો ભારતમાં આવે છે તેથી કોરોનાના ખતરાને આપણે અવગણી ના શકીએ.
આપણે ત્યાં કહેવાતા નિષ્ણાતો કહી રહ્યા છે કે, ભારતે ડરવાની જરૂર નથી. એઈમ્સના ડૉ. રણદીપ ગુલેરિયાએ સધિયારો આપ્યો છે કે, ભારતીયોએ કોરોનાથી ડરવાની જરૂર નથી કેમ કે ભારતમાં કોરોનાની રસીના બે ડોઝ આપી દેવાયા છે. ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનનું પણ કહેવું છે કે, ભારતમાં ૯૫ ટકા લોકોને રસી આપવામાં આવી છે તેથી કોરોના વકરશે ને દેશમાં લોકડાઉન લાદવું પડશે એવો ડર રાખવાની જરૂર નથી.
એસોસિએશનના ડૉ.અનિલ ગોયલનો દાવો છે કે, ભારતીયોની રોગપ્રતિકારક શક્તિ ચીનના લોકો કરતાં વધુ મજબુત છે તેથી કોરોના બહુ અસર નહીં કરે. કોરોનાની રસી બનાવનારા સીરમ ઇન્સ્ટિટ્યૂટના અદાર પૂનાવાલાનું પણ કહેવું છે કે સતત વધી રહેલા કોરોના કેસના કારણે ભારતીયોએ ગભરાવાની જરૂર નથી કેમ કે ભારતીયોનું રસીકરણ થઈ ગયું છે.
આ અભિપ્રાયો સાચા છે કે ખોટા તેની પંચાતમાં આપણે પડતા નથી કેમ કે કોરોના કંઈ ડૉ. ગુલેરિયા, ડૉ. ગોયલ કે પૂનાવાલાના કહેવાથી આવવાનો નથી. કોરોના આવશે ત્યારે આ બધા કહેવાતા નિષ્ણાતો ક્યાંય છૂ થઈ ગયા હશે તેથી તેમની વાત સાંભળવાના બદલે લોકોએ કોરોના રોકવા શું કરવું જોઈએ એ વિચારવું જોઈએ. અત્યારે આવેલા ચાર કેસ ચાર દાડામાં વધીને ચાલીસ ના થાય ને ચાલીસ દાડામાં ૪૦ હજાર ના થઈ જાય એ માટે શું કરવું એ વિચારણા કરવી જોઈએ.
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે એ વિચારણા શરૂ કરી છે. તેના ભાગરૂપે પહેલાં રાજ્યોને સતર્કતા વધારવા સૂચના આપતો પત્ર કેન્દ્રીય આરોગ્ય સચિવે મોકલ્યો. એ પછી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ઉચ્ચકક્ષાની બેઠક બોલાવી ને ગુરુવારે નરેન્દ્ર મોદીએ પણ બેઠક કરીને શું કરવું તેની ચર્ચા કરી. આ પ્રયત્નોની બધી વાતો થઈ શકે તેમ નથી પણ મનસુખ માંડવિયાએ લોકસભામાં દેશમાં કોરોનાની સ્થિતિ પર નિવેદન આપ્યું તેમાં બધી વાત આવી જાય છે.
માંડવિયાએ સ્વીકાર્યું છ કે, છેલ્લાં ૩ વર્ષમાં કોરોના વાયરસના સતત બદલાતા સ્વરૂપે લોકોનાં આરોગ્ય સામે જોખમ ઊભું કર્યું છે અને તેની અસર દરેક દેશ પર થઈ છે. આ વેરીયન્ટ ખતરનાક છે તેથી લોકોએ ચેતવું જરૂરી છે. કોરોનાની અનેક દેશોમાં અસર થઈ છે અને આપણે સતર્ક છીએ. દેશમાં કોરોનાની ૨૨૦ કરોડ વેક્સિન લગાવવામાં આવી છે. ૯૦ ટકા વસતિને વેક્સિનના બંને ડોઝ મળી ગયા છે અને ૨૫ કરોડથી વધુ લોકોને પ્રિકોશન ડોઝ પણ આપવામાં આવ્યો છે પણ પણ નવા વેરિયન્ટના કારણે પડકાર વધ્યા છે તેથા કોરોનાને લગતા દરેક પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી છે.
માંડવિયાએ કોવિડને નિયંત્રિત કરવા માટે રાજ્યોને જીનોમ સિક્વન્સિંગ વધારવાની સલાહ આપી છે. તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને, રાજ્યોને સતર્ક રહેવા, માસ્ક, સેનિટાઈઝર વિશે જાગૃતિ લાવવા માટે કહેવામાં આવ્યું છે. રાજ્યોને પ્રિકોશન ડોઝ વધારવા અને જાગૃતિ લાવવાના પ્રયાસો કરવા જોઈએ. વિદેશથી આવતા પ્રવાસીઓના રેન્ડમ સેમ્પલિંગ પણ લેવાનું શરૂ કરી દેવાયું છે.
કેન્દ્ર સરકારે અત્યારે જે પગલાં લેવાં શક્ય છે એ લેવાનું શરૂ કર્યું છે ને હવે લોકોએ સતર્કતા બતાવવી જરૂરી છે. લોકો બીજું કશું ના કરે તો પણ એટલી સતર્કતા ચોક્કસ બતાવી શકે કે, ચેપ ના લાગે તેનું પૂરતું ધ્યાન રાખે. કોરોના ચેપથી લાગતો રોગ છે તેથી બીજું કશું થાય તેમ નથી પણ થોડીક સાવચેતીથી પણ બચી શકાય છે.
આ માટે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ અને વેક્સીન શ્રેષ્ઠ ઉપાય છે. લોકો અત્યંત સાવચેત રહે અને માસ્ક પહેરવાનું ચાલુ રાખે તો કોરોનાને રોકી શકે. લોકો પોતે સોશિયલ ડિસ્ટન્સિંગ પાળે તો ચોક્કસપણે કોરોનાનો ખતરો ટાળી શકાય. કમનસીબે આપણે ત્યાં લોકો આ જ વાત સમજતાં નથી તેથી ચિંતા છે. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular