એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીત મેળવનારા ભાજપે મુખ્યમંત્રીપદે ભૂપેન્દ્ર પટેલને રિપીટ કરવાની જાહેરાત પહેલાં જ કરી દીધેલી તેથી ગુજરાતમાં મુખ્યમંત્રી કોણ બનશે એ વિશે કોઈને ઉત્સુકતા નહોતી પણ મંત્રીમંડળમાં કોણ કોણ હશે તેની સૌને ઈંતેજારી હતી. ભાજપે પહેલી વાર ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવ્યા ત્યારે મંત્રીમંડળમાં નો રિપીટ ફોર્મ્યુલા અપનાવીને વિજય રૂપાણી સરકારના એક પણ મંત્રીને રિપીટ નહોતા કર્યા. ભાજપ આ વખતે પણ એ જ દાવ ખેલીને ભૂપેન્દ્ર પટેલ કેબિનેટના તમામ મંત્રીઓને રવાના કરી દે છે કે નહીં એ જાણવામાં પણ સૌને રસ હતો.
સોમવારે ભાજપે ફરી એકવાર ગુજરાતમાં સરકાર બનાવી અને ગાંધીનગરમાં સચિવાલયના હેલિપેડ ગ્રાઉન્ડ પર ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રીપદના શપથ લીધા. ભૂપેન્દ્ર પટેલ સાથે તેમના મંત્રીમંડળના ૧૬ સભ્યોએ પણ શપથ લીધા. ભાજપે નવી સરકારની રચનામાં નો રીપીટ ફોર્મ્યુલા અપનાવીને ભૂપેન્દ્ર પટેલ કેબિનેટના તમામ જૂના મંત્રીઓને રવાના તો નથી કર્યા પણ બહુ ધરખમ ફેરફારો ચોકક્સ કરી દીધા છે. ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં જેમનો સમાવેશ કરાયો તેમાં તો આશ્ર્ચર્ય છે જ પણ જેમને બહાર રખાયા તેમાં તેનાથી વધારે આશ્ર્ચર્ય છે. જેમને મંત્રીમંડળમા સમાવેશ નક્કી મનાતો હતો એવાં ઘણાં મોટાં નામ કપાઈ ગયાં છે ને સામે કેટલાંક નામ એવાં પણ છે કે જેમને સ્થાન મળશે એવી કોઈને કલ્પના પણ નહોતી.
ભૂપેન્દ્ર પટેલ સરકારના કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે કનુભાઈ દેસાઈ, બલવંતસિંહ રાજપૂત, રાઘવજી પટેલ, ઋષીકેશ પટેલ, કુંવરજી બાવળિયા, મૂળુભાઈ બેરા, કુબેર ડિંડોર અને ભાનુબેન બાબરિયાએ શપથ લીધા છે. આ પૈકી કનુભાઈ દેસાઈ, રાઘવજી પટેલ, ઋષીકેશ પટેલ ભૂપેન્દ્ર પટેલની પહેલી કેબિનેટમાં પણ હતા. કુંવરજી બાવળિયા અને કુબેર ડિંડોર પહેલાં મંત્રી હતા તેથી તેમને ફરી સ્થાન અપાયું તેનું કોઈને આશ્ર્ચર્ય નથી પણ બળવંતસિંહ રાજપૂતની એન્ટ્રી ચોક્કસ આશ્ર્ચર્યજનક છે ને એ વાતનો પુરાવો છે કે, મંત્રીમંડળની પસંદગીમાં પણ અમિત શાહનો સિક્કો જ ચાલ્યો છે.
બળવંતસિંહ મૂળ કૉંગ્રેસી છે ને કૉંગ્રેસની ટિકિટ પર ધારાસભ્ય પણ રહ્યા છે. શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહના વેવાઈ બળવંતસિંહ ૨૦૧૭માં કૉંગ્રેસમાં આવેલા. ભાજપે ૨૦૧૭માં અહમદ પટેલને રાજ્યસભામાં જતા રોકવા ભારે ધમપછાડા કરેલા. એ વખતે રાજ્યસભાની ચૂંટણીમાં અહમદ પટેલ ઊભા રહ્યા ત્યારે ભાજપે અહમદ પટેલને હરાવવા કૉંગ્રેસના ધારાસભ્યો પાસે સાગમટે રાજીનામાં અપાવીને કૉંગ્રેસનું સંખ્યાબળ ઘટાડવાનો મોટો દાવ ખેલેલો. એ વખતે શંકરસિંહ વાઘેલા કૉંગ્રેસનાં હતા પણ ભાજપે તેમની સામે ન જાણે શું ગાજર લટકાવ્યું કે એ કૉંગ્રેસથી નોખા થઈ ગયા હતા.
બળવંતસિંહ એ વખતે કૉંગ્રેસના ધારાસભ્ય હતા ને શંકરસિંહના વાદે ચડીને રાજીનામું આપીને કૉંગ્રેસથી અલગ થઈ ગયેલા. ભાજપે બળવંતસિંહ રાજપૂતને ઉમેદવાર બનાવીને અહમદ પટેલ સામે ભિડાવી દીધેલા. રાજપૂત પૈસેટકે સુખી છે ને ભાજપ સત્તામાં છે તેથી બંનેએ મળીને કૉંગ્રેસમાં રમખાણ કરીને સાત ધારાસભ્યોને તોડી પાડેલા. ભાજપમાંથી અમિત શાહ ચૂંટણીમાં રસ લેતા હતા તેથી રાજપૂતને એ તોડી લાવેલા એ કહેવાની જરૂર નથી.
શાહ જે રીતે મચી પડેલા તેના કારણ લાગતું હતું કે, અહમદ પટેલની હાર નક્કી છે પણ પટેલ વધારે બળુકા ને ચાલાક સાબિત થતાં ભાજપના એ પ્રયત્ન ફળ્યા નહોતા. અહમદ પટેલ જીતી ગયેલા પણ રાજપૂતે જે લડાયકતા બતાવી તેના કારણે ભાજપે તેમને જીઆઈડીસીના ચૅરમૅન બનાવેલા. તેની મુદત પતી ગયા પછી રાજપૂત નવરા જ હતા તેથી તેમની કારકિર્દી પતી ગયેલી મનાતી હતી ત્યાં શાહના કારણે તેમને સિદ્ધપુરમાંથી ટિકિટ મળી ને જીતી જતાં મંત્રીપદ પણ મળ્યું. બળવંતસિંહ સીધા કેબિનેટ કક્ષાના મંત્રી બન્યા છે એ સૂચક છે. રાજપૂતની કેબિનેટમાં એન્ટ્રી સૌથી મોટું આશ્ર્ચર્ય છે.
ભૂપેન્દ્ર પટેલ કેબિનેટમાં એવી જ બીજી કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે ભાનુબેન બાબરિયાની પસંદગી આશ્ર્ચર્યજનક છે. રાજકોટ જિલ્લામાંથી જસદણ બેઠકના ધારાસભ્ય કુંવરજી બાવળિયાને પણ કેબિનેટ મંત્રી બનાવાયા છે પણ બાવળિયા જૂના જોગી હોવાથી તેમની પસંદગી બરાબર છે પણ રાજકોટ ગ્રામ્યના મહિલા ધારાસભ્ય ભાનુબેન બાબરિયાની પસંદગીથી ભાજપમાં પણ આશ્ચર્ય છે. ભાનુબેન બાબરિયાએ એકમાત્ર મહિલા કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. એક મહિલા દલિત ધારાસભ્યને મંત્રી બનાવીને એક કાંકરે અનેક પક્ષી મરાયાં છે.
ભાનુબેન બાબરિયાના પરિવારનો રાજકારણ સાથે નાતો જૂનો છે. રાજકોટ ગ્રામ્ય બેઠક પર ભાનુબેનના સસરા માધુભાઈ બાબરિયા ૧૯૯૮માં વિજેતા બન્યા હતા. એ પછી ભાનુબેનને ટિકિટ મળતાં ૨૦૦૭ અને ૨૦૧૨માં આ બેઠક જીતી હતી. ૨૦૧૭માં લાખાભાઈ સાગઠિયા સામે ભાનુબેન હારી ગયાં હતાં તેથી તેમની પણ કારકિર્દી પતી ગયેલી મનાતી હતી. આ વખતે તેમને ભાજપે ફરી ટિકિટ આપી ત્યારે તેમના જીતવાની કોઈને આશા નહોતી. ભાનુબેન બાબરિયા જંગી લીડથી જીતીને ધારાસભ્ય જ નથી બન્યાં પણ કેબિનેટ મંત્રી પણ બન્યાં છે. ખંભાળિયામાં ઈસુદાન ગઢવી અને વિક્રમ માડમને હરાવનારા મુળુ બેરા પણ ભાજપના જૂના જોગી છે. વરસો પછી પુનરાગમન કરીને તેમણે પણ કેબિનેટ મંત્રી બનીને આશ્ચર્ય સર્જ્યું છે.
રાજ્યકક્ષાના મંત્રીઓમાં સ્વતંત્ર હવાલા સાથે હર્ષ સંઘવી અને જગદીશ વિશ્ર્વકર્મા (પંચાલ)નો સમાવેશ કરાયો તેના કારણે કોઈને આશ્ર્ચર્ય થયું નથી. રાજ્ય કક્ષાના બીજા મંત્રીઓમાં પરસોત્તમ સોલંકી, બચુભાઈ ખાબડ, મુકેશ પટેલ, ભીખુસિંહ પરમાર અને કુંવરજી હળપતિનો સમાવેશ આશ્ર્ચર્યજનક નથી પણ પ્રફુલ પાનસેરિયાની પસંદગી આશ્ર્ચર્યજનક છે. પ્રફુલ પાનસેરિયા ૨૦૧૨માં કામરેજ વિધાનસભાના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. પાટીદાર આંદોલનને કારણે તેમને સ્થાને વી.ડી. ઝાલાવાડીયાને ટિકિટ આપવામાં આવી હતી. આ વખતે ફરી પ્રફુલ પાનસેરિયાને ટિકિટ અપાતાં એ જીત્યા જ નથી પણ મંત્રી પણ બન્યા છે.
જો કે આ બધાં નામો વધારે ચર્ચા જેમની બાદબાકી કરાઈ તેમની છે. ભૂપેન્દ્ર પટેલ સરકારના ૧૭ મંત્રીને કાપી નંખાયા છે ને તેમાં સૌથી આંચકાજનક જીતુ વાઘાણીની બાદબાકી છે. ભૂપેન્દ્ર પટેલ સરકારમાં નંબર ટુ વાઘાણીનું પતું કપાયું એ આશ્ર્ચર્યજનક છે. નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ અને વિજય રૂપાણીના મંત્રી મંડળમાં મંત્રી રહી ચૂકેલા જયેશ રાદડિયાની પણ બાદબાકી કરવામાં આવી છે. શાહના માનીતા મનાતા શંકરભાઈ ચૌધરી અને અમિત શાહ પણ બહાર છે.
જો કે આશ્ર્ચર્યો સર્જવાં એ ભાજપની ખાસિયત છે તેથી ભાજપના નેતા તેનાથી ટેવાઈ ગયા છે. ઉ