એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ
લાંબા સમયથી જે મુદ્દે કશું બોલવા જેવું જ ના હોય એ મુદ્દે પણ લવારા કરી કરીને કૉંગ્રેસના નેતા પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યા કરે છે. યાદ કરવા બેસશો તો એક પછી એક એવા મુદ્દા યાદ આવશે જ કે આપણને સવાલ થાય કે, આ વાતમાં વાંધો લેવા જેવું કે વિરુદ્ધમાં બોલવા જેવું શું છે કે કૉંગ્રેસના નેતા કૂદી પડ્યા છે? તાજો દાખલો કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હીના પ્રખ્યાત રાજપથનું નામ બદલીને કર્તવ્યપથ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો એ મુદ્દે કૉંગ્રેસે આપેલી પ્રતિક્રિયા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ વખતે લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિનના ભાષણમાં એલાન કરેલું કે, અંગ્રેજોના સમયના શાસનની માનસિક્તા દર્શાવતાં દરેક સિમ્બોલને દેશમાંથી હટાવવામાં આવશે. આ જાહેરાતના સંદર્ભમાં મોદી સરકારે દિલ્હીના રાજપથ અને સેંટ્રલ વિસ્ટા લોનનું નામ બદલીને કર્તવ્યપથ કરવાનો નિર્ણય કર્યો છે. નવી દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશન (એનડીએમસી)એ રાજપથ અને સેન્ટ્રલ વિસ્ટા લોનનું નામ બદલીને કર્તવ્યપથ કરવા આજે બુધવારે વિશેષ બેઠક પણ બોલાવી છે.
આ બેઠકમાં નામ બદલવાના દરખાસ્તને મંજૂરી અપાશે. આ મંજૂરી મળી ગયા પછી કેન્દ્ર સરકાર રાજપથનું નામ બદલીને કર્તવ્યપથ રાખવાનું નોટિફિકેશન બહાર પાડશે. આ નોટિફિકેશન બહાર પડે એ સાથે જ ઇન્ડિયા ગેટથી રાષ્ટ્રપતિ ભવન સુધીનો રસ્તો રાજપથને બદલે કર્તવ્યપથ બની જશે.
મોદી સરકારે લીધેલો આ બહુ સામાન્ય નિર્ણય છે ને તેની સામે કોઈને કશો વાંધો ના હોવો જોઈએ ત્યારે કૉંગ્રેસે જુદું જ વાજું વગાડ્યું છે. કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરાએ બહુ જોરદાર કટાક્ષ કરતા હોય એમ લખ્યું કે, રાજપથનું નામ બદલવું જ હતું તો રાજધર્મ પથ કરી નાંખવાની જરૂર હતી. કમ સે કમ અટલ બિહારી વાજપેયીના આત્માને તો શાંતિ મળી હોત. ૨૦૦૨નાં ગુજરાતનાં રમખાણો પછી અટલ બિહારી વાજપેયીએ રાજધર્મ નિભાવવાની મોદીને સલાહ આપી હતી. વાજપેયીએ મોદી સામે નારાજગી દર્શાવી એવું અર્થઘટન એ વખતે કરાયું હતું ને હજુ કરાય છે. એ અર્થઘટન સાવ ખોટું છે પણ તેની વાત કરવાનો અત્યારે અર્થ નથી. ખેરાએ એ સંદર્ભમાં આ કટાક્ષ કર્યો છે.
ખેરા કૉંગ્રેસના મીડિયા અને પબ્લિસિટી વિભાગના રાષ્ટ્રીય ચૅરમૅન છે તેથી તેમનું વલણ કૉંગ્રેસનું સત્તાવાર વલણ જ ગણાય. કૉંગ્રેસે ખેરાના વિચારો અંગત છે એવી ચોખવટ પણ નથી કરી તેથી પણ આ વિચારો કૉંગ્રેસના જ ગણાય એ જોતાં સવાલ થાય કે, રાજપથનું નામ કર્તવ્યપથ કરાય તેમાં કૉંગ્રેસીઓના પેટમાં શું કરવા ચૂંક ઉપડી છે?
મોદી સરકારનો નિર્ણય સાવ સાચો છે કેમ કે રાજપથનું સાચું નામ તો કિંગ્સ વે છે. રાજપથ નામ પ્રચલિત થયું પણ વાસ્તવમાં આ નામ ‘કિંગ્સ વે’નો હિંદી અનુવાદ છે. ‘કિંગ્સ વે’ નામ અંગ્રેજોએ આપેલું તેથી રાજપથ હિંદી શબ્દ હોવા છતાં તેનું કનેક્શન અંગ્રેજોના શાસન સાથે છે જ. રાજપથને ૧૯૪૭ પહેલા ‘કિંગ્સ વે’ જ કહેવામાં આવતો હતો. ઈંગ્લેન્ડના રાજા નવી દિલ્હીનું ઉદ્ઘાટન કરવા આવ્યા ત્યારે તેમની સવારી આ રસ્તેથી નિકળી હતી તેથી તેને કિંગ્સ વે નામ અપાયેલું. રાજપથ પશ્ર્ચિમમાં રાષ્ટ્રપતિ ભવનથી વિજય ચોક થઈને પૂર્વમાં ઈન્ડિયા ગેટ થઈને ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ સુધી જાય છે. પશ્ર્ચિમમાં રાયસીના હિલ્સ પર આવેલા રાષ્ટ્રપતિ ભવનની બંને બાજુએ સચિવાલયના નોર્થ બ્લોક અને સાઉથ બ્લોક છે.
અંગ્રેજોએ કોલકાત્તાથી રાજધાની બદલીને દિલ્હી કરી ત્યારે આ બધું ઊભું કરેલું. ન્યુ દિલ્હી શહેરની ડીઝાઈન અંગ્રેજ આર્કિટેક્ટ એડવિન લુટિયન્સે બનાવી હતી. રાજપથની આસપાસની ઇમારતો લ્યુટિયન્સ અને હર્બર્ટ બેકર નામના અન્ય આર્કિટેક્ટ દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી. તેથી આ આખો વિસ્તાર જ અંગ્રેજોના જમાનાની યાદ અપાવે છે, આપણે અંગ્રેજોના ગુલામ હતા એ સમયની યાદ અપાવે છે.
આ સંજોગોમાં તેનું નામ બદલવામાં કશું ખોટું નથી. આપણે ઈતિહાસ બદલી શકવાના નથી પણ જેના કારણે ગુલામીનો ઈતિહાસ યાદ આવે એવાં નામ તો બદલી જ શકીએ. મોદી સરકારે એ જ કામ કર્યું છે ત્યારે આપણને ગર્વ થવો જોઈએ પણ કૉંગ્રેસે ગર્વ કરવાના બદલે જુદું જ વાજું વગાડ્યું છે એ જોઈને આઘાત લાગે છે.
પવન ખેરાએ કરેલી વાતો કૉંગ્રેસ કશું હકારાત્મક કરવાના બદલે માત્ર મોદી જે કંઈ કરે તેનો આંધળો વિરોધ કરીને સંતોષ માનવાની માનસિકતા ધરાવે છે તેનો પણ પુરાવો છે. વિરોધ પક્ષ તરીકે કૉંગ્રેસ મોદીનો વિરોધ કરે તેમાં કશું ખોટું નથી પણ એ વિરોધ મુદ્દા આધારિત હોવો જોઈએ. અહીં તો મુદ્દો જ નથી છતાં કૉંગ્રેસ વિરોધ કરે છે એ જોઈને આઘાત લાગે છે.
કૉંગ્રેસ આ પ્રકારની માનસિકતા પહેલાં પણ બતાવી ચૂકી છે. ભૂતકાળમાં મોદી સરકારના ઈશારે દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશને દિલ્હીના ઔરંગઝેબ રોડનું નામ બદલીને ડૉ. કલામ રોડ કર્યું ત્યારે પણ કૉંગ્રેસે કકળાટ કરેલો. કૉંગ્રેસનું કહેવું હતું કે ભાજપ જૂનાં નામો બદલીને એક ખોટી પરંપરા ઊભી કરી રહ્યો છે ને ઈતિહાસ સાથે ચેડાં કરી રહ્યો છે. કૉંગ્રેસનું તો કહેવું એમ પણ હતું કે ભાજપ મુસ્લિમોને ભડકાવીને દિલ્હીને ભડકે બાળવાના કારસા કરી રહ્યો છે. ઔરંગઝેબના બદલે ડૉ. કલામનું નામ લખાય તેમાં મુસ્લિમો શું કરવા ઉશ્કેરાય તેનો જવાબ આપણને ખબર નથી પણ ટૂંકમાં વાત એટલી જ છે કે, કૉંગ્રેસની આ માનસિકતા નવી નથી.
રસપ્રદ વાત એ છે કે, કૉંગ્રેસે પોતે આઝાદી પછી દિલ્હીમાં અંગ્રેજોએ આપેલાં ઢગલાબંધ નામ બદલી નાંખેલાં ને હવે ભાજપ એ જ કામ કરે છે ત્યારે અમે કરીએ એ લીલા ને તમે કરો એ છિનાળું એવી માનસિકતા બતાવી રહ્યા છે.
કૉંગ્રેસે આ માનસિકતામાંથી બહાર આવવાની જરૂર છે. મોદીનો આંધળો વિરોધ કરવાના બદલે હકારાત્મક વલણ અપનાવીને પોતે ફરી લોકોમાં કઈ રીતે પ્રિય બની શકે એ વિશે વિચારવાની જરૂર છે. બાકી આ રીતે જ વર્તતા રહેશે તો ભવિષ્યમાં કૉંગ્રેસની યાદમાં રોડ બનાવવા પડશે. ઉ

 

Google search engine