એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
પંજાબમાં ખાલિસ્તાનની ચળવળને ફરી સક્રિય કરવા મથતો ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહ અંતે પકડાઈ ગયો. પંજાબ પોલીસે વારિસ પંજાબ દે સંગઠનના વડા અમૃતપાલ સિંહને પકડવા બહુ ફાંફાં માર્યાં પણ અમૃતપાલ હાથ જ લાગતો નહોતો. પંજાબ પોલીસે અમૃતપાલ સિંહ અને તેના સમર્થકોને ઝડપી લેવા માટે જાત જાતનાં ઓપરેશન હાથ ધર્યાં હોવાની ડંફાશો મારેલી પણ દરેક વાર પોલીસને ચકમો આપીને અમૃતપાલ ક્યાં ગાયબ થઈ જતો તેની કોઈને ખબર જ નહોતી પડતી.
અમૃતપાલની ધરપકડ કરવા માટે પંજાબ પોલીસે શરૂ કરેલું ઓપરેશન ચાલતું હતું એ દરમિયાન અમૃતપાલ ફલાણા ઠેકાણે દેખાયો ને ઢીંકણા ઠેકાણે જોવા મળ્યો એવી વાતો બહુ આવી હતી. સીસીટીવી કેમેરાના ફૂટેજ અને ફોટા પણ આવ્યા પણ અમૃતપાલ મળતો નહોતો. પંજાબ પોલીસ પૂરા ૩૬ દિવસ સુધી ફાંફાં મારતી રહી ને એ દરમિયાન અમૃતપાલનાં ઠેકાણાં વિશે વાતો આવ્યા કરતી હતી પણ પકડાતો નહોતો. છેલ્લે ૧૮ માર્ચ, ૨૦૨૩ના રોજ, પોલીસે અમૃતપાલના ગામ જલ્લપુર ખેડામાં તેની ધરપકડ કરવા માટે દરોડો પાડ્યો હતો પણ અમૃતપાલ ભાગી ગયો હતો.
અંતે આ દરોડાના પાંચ દિવસ પછી અમૃતપાલ સામેથી જ હાજર થઈ ગયો ને પંજાબ પોલીસની આબરૂ બચાવી લીધી. બાકી અમૃતપાલ વિદેશ ભાગી ગયો હોત તો પંજાબ પોલીસના માથે કાળી ટીલી લાગી ગઈ હોત. એક અપરાધીને પંજાબ પોલીસ ના પકડી શકી એ મહેણું આખી જિંદગી માટે લાગી ગયું હોત. ખેર, અમૃતપાલે સામેથી શરણાગતિ સ્વીકારતાં પંજાબ પોલીસ એ નાલેશીમાંથી બચી ગઈ.
અમૃતપાલની શરણાગતિ નાટકીય રહી ને તેમાં સૌથી મહત્ત્વનો ભાગ તેણે શરણાગતિ સ્વીકારવા માટે કરેલા સ્થળની પસંદગી છે. અમૃતપાલ ફરાર થયાના ૩૬ દિવસ બાદ મોગા જિલ્લાના રોડે ગામ હાજર થયો. પંજાબમાં આતંકવાદ ફેલાવનારા જરનૈલ સિંહ ભિંડરાનવાલે રોડે ગામના હતા. અમૃતપાલે આ ગામની પસંદગી કરીને ફરી સંકેત આપી દીધો કે તેનો આદર્શ જરનૈલસિંહ ભિંડરાનવાલે છે અને પોતે ભિંડરાનવાલેના રસ્તે જ જવા માગે છે.
અમૃતપાલે શરણાગતિ સ્વીકારતાં પહેલાં રોડે ગામના ગુરૂદ્વારામાં પ્રવચન આપ્યું કે જેમાં ‘ખાલિસ્તાન’તરફી વાતો કરીને પંજાબનાં લોકોને શીખો માટેના અલગ ‘ખાલિસ્તાન’ માટે લડવા હાકલ કરી. પંજાબના યુવાનોને ભિંડરાનવાલે બનવાની હાકલ કરીને અમૃતપાલે ‘ખાલિસ્તાન’ માટે જીવ પણ આપી દેવા તૈયાર રહેવા હુંકાર કર્યો. અમૃતપાલની ધરપકડ પછી સોશિયલ મીડિયા પર ઘણાં લોકોએ ખાલિસ્તાન’ની માગને વ્યાજબી ઠરાવવા પોસ્ટ્સ પણ મૂકવા માંડી છે અને અમૃતપાલને હીરો ગણાવીને તેના માટે કંઈ પણ કરવાની તૈયારી બતાવી છે.
આ ખતરનાક સંકેત છે અને દેશની સુરક્ષા માટે ખતરારૂપ છે એ જોતાં આ મુદ્દે ગંભીરતાથી વિચારવાની જરૂર છે. વાસ્તવમાં આ વાતો વાસ્તવિકતાનું સ્વરૂપ લે એ પહેલાં તેનો ખાતમો કરી દેવા માટે જોરદાર એક્શન પ્લાન અમલમાં મૂકવની જરૂર છે. નહિંતર ધીરે ધીરે ખાલિસ્તાન’ની ચળવળ પાછી શરૂ થશે ને પાકિસ્તાન તો આ તકનો લાભ લેવા ટાંપીને જ બેઠું છે તેથી દેશમાં ફરી આતંકવાદની ઘટનાઓ શરૂ થશે. દુશ્મનને ઊગતો ડામવો સારો એ હિસાબે આ સ્થિતિ આવે એ પહેલાં ખાલિસ્તાન’તરફીઓને કચડી નાંખવા જરૂરી છે.
શીખોનો એક વર્ગ જે ‘ખાલિસ્તાન’ની વાત કરે છે તેનો વિચાર દેશના શીખોના માનસમાં આઝાદી પહેલાં ૧૯૪૦માં ડૉ. વીરસિંહ ભટ્ટી નામના શીખ નેતાએ નાંખેલો. મુસ્લિમો માટે અલગ પાકિસ્તાન તો શીખો માટે અલગ ખાલિસ્તાન એ ડૉ. ભટ્ટીનો વિચાર હતો. આઝાદી પછી શીખોના એક વર્ગે ભારતમાં જ રહીને શીખો માટે અલગ સ્વાયત્ત રાજયના રૂપમાં ‘ખાલિસ્તાન’ની માગણી શરૂ કરી. આ માગણી યોગ્ય નહોતી પણ કમ સે કમ અલગ રાષ્ટ્રની માગણી નહોતી કરાતી એ આશ્ર્વાસન હતું. આ માગણી અહિંસક અને શાંતિપૂર્ણ રીતે હતી તેથી વાંધો નહોતો પણ જરનૈલસિંહ ભિંડરાનવાલેએ આખો સિનેરિયો બદલી નાખ્યો.
જરનૈલસિંહ ભિંડરાનવાલેએ ખાલિસ્તાનની માગણી માટે શીખોને હથિયારો પકડાવીને આતંકવાદને રસ્તે વાળ્યા. ભિંડરાનવાલેએ સુવર્ણ મંદિર પર કબજો કરીને ધામા નાખ્યા. સુવર્ણ મંદિર જેવા પવિત્ર સ્થાનેથી આતંકવાદનો દોરીસંચાર કરતાં ઈન્દિરાએ ૧૯૮૨માં સુવર્ણ મંદિરમાં લશ્કર મોકલ્યું. ભિંડરાનવાલે લશ્કરને જોઈને ભાગી ગયો પણ લશ્કરની વિદાય પછી ફરી સુવર્ણ મંદિર પર કબજો કર્યો. એ પછી ભિંડરાનવાલેના ઈશારે બેફામ આતંકવાદ શરૂ થયો.
છેવટે ઈન્દિરાએ જૂન ૧૯૮૪માં ફરી સુવર્ણ મંદિરમાં લશ્કર મોકલીને ભિંડરાનવાલેને પતાવી દીધો. ઓપરેશન બ્લુ સ્ટારમાં ભિંડરાનવાલે મરાયો પણ સુવર્ણ મંદિરમાં લશ્કરને મોકલાયું હતું તેથી ભડકેલા શીખ યુવકોએ આતંકવાદને ભડકાવ્યો.તેના કારણે ઈન્દિરાની હત્યા પણ થઈ. લગભગ એક દાયકા સુધી પંજાબમાં આતંકવાદીઓએ કાળો કેર વર્તાવી મૂકેલો. કૉંગ્રેસના બિયંતસિંહ મુખ્યમંત્રી બન્યા પછી તેમણે કડક હાથે કામ લઈને આતંકવાદીઓનો સફાયો કરવા માંડ્યો ત્યારે છેક ૧૯૯૫માં પંજાબમાંથી આતંકવાદ સાફ થયો.
એવું કહેવાય છે કે, તમે કોઈ વ્યક્તિને ભલે મારી નાખો પણ તેની વિચારધારાને મારી નથી શકતા. ભિંડરાનવાલેના કેસમાં પણ એવું જ થયું છે. ભિંડરાનવાલે તો મરાયો પણ હથિયારોના જોરે ખાલિસ્તાન લેવાની તેની વિચારધારા નથી મરી. આ જ કારણે પંજાબમાં અઢી દાયકાથી શાંતિ છતાં અમૃતપાલ જેવા લોકો ફરી ‘ખાલિસ્તાન’નો ઝંડો ઊંચકીને ભિંડરાનવાલે સ્ટાઈલનું ખાલિસ્તાનતરફી આંદોલન ભડકાવવા મથી રહ્યા છે.હજુ ‘ખાલિસ્તાન’ની માગ બુલંદ નથી ને શીખ યુવકો આતંકવાદ તરફ વળ્યા નથી એ સારું છે પણ અમૃતપાલનો ઈરાદો શીખ યુવકોને ભડકાવવાનો છે. ભિંડરાનવાલેએ લુચ્ચાઈ વાપરીને ખાલિસ્તાનના મુદ્દાને શીખ ધર્મ સાથે જોડી દીધેલો. દુનિયામાં જ્યાં પણ ધર્મનો પ્રવેશ થાય છે ને ધર્મના નામે લોકોને ભરમાવાય ત્યાં હિંસા થાય જ છે. જિહાદના નામે થતી હિંસા તેનું વરવું ઉદાહરણ છે. ભિંડરાનવાલેએ એ જ કર્યું ને અમૃતપાલ પણ એ જ કરી રહ્યો છે. ધર્મના નામે કંઈ પણ કહો તેથી લોકોની લાગણીઓ જલદી ભડકતી હોય છે. આ નબળાઈનો લાભ ભિંડરાનવાલેએ લીધો ને અમૃતપાલ પણ મથી રહ્યું છે.અમૃતપાલ પોતાના ઈરાદામાં સફળ થાય એ પહેલાં તેની વિચારધારાને ખતમ કરવી જરૂરી છે. એ માટે શું કરવું એ મોદી સરકારે વિચારવું જોઈએ.
Title of the Article and contents of the Article have no match!
મેં ટિપ્પણી એમ લખેલી, કે લેખનું શિર્ષક જે દર્શાવે છે, લેખમાં તે નથી!
મતલબ, Title અને Content અલગ-અલગ છે.