Homeએકસ્ટ્રા અફેરકૉંગ્રેસની જીત લિંગાયત-વોક્કાલિગા નહીં મુસ્લિમોને આભારી

કૉંગ્રેસની જીત લિંગાયત-વોક્કાલિગા નહીં મુસ્લિમોને આભારી

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસે ૨૨૪માંથી ૧૩૫ સીટો જીતીને ભવ્ય વિજય મેળવ્યો અને હવે પોતાના જોર પર સરકાર રચશે. કર્ણાટકની છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં ૧૦૪ બેઠકો જીતનારા ભાજપને ૬૬ બેઠકો અને ૩૭ બેઠકો જીતનારા જેડીએસને ૧૯ બેઠકો મળી છે. કૉંગ્રેસે ૨૦૧૮માં ૮૦ બેઠકો જીતી હતી ને તેમાં સીધો ૫૫ બેઠકોનો વધારો કરીને ૧૩૫ પર પહોંચી ગઈ છે. ભાજપની ૩૮ બેઠકો ઘટી અને જેડીએસની ૧૮ બેઠકો ઘટી એ રીતે બંને પક્ષની કુલ ૫૬ બેઠકો ઘટી છે. આ બંને પક્ષની ૫૬ બેઠકોમાંથી ૫૫ બેઠકો કૉંગ્રેસને ફાળે ગઈ છે જ્યારે એક બેઠક અન્ય પક્ષ લઈ ગયો છે.
રસપ્રદ વાત એ છે કે, ૨૦૧૮ની વિધાનસભા ચૂંટણીમાં મળેલા મતોની ટકાવારીની સરખામણી કરીએ તો ભાજપના મતોની ટકાવારીમાં કોઈ ફરક પડ્યો નથી જ્યારે કૉંગ્રેસને મળેલા મત પાંચ ટકા વધ્યા છે ને જેડીએસને મળેલા મત પાંચ ટકા ઘટ્યા છે પણ આ પાંચ ટકાની વધઘટમાં ભાજપ ને જેડીએસ બંને ધોવાઈ ગયાં છે. કૉંગ્રેસ અને ભાજપના વોટ શેરમાં માત્ર ૭ ટકાનો તફાવત હોવા છતાં બંને પક્ષોની બેઠકોમાં ૭૦ બેઠકોનો તફાવત આવી ગયો છે.
ભાજપને ૨૦૧૮માં કુલ મતોમાંથી ૩૬ ટકા મત મળેલા ને ૨૦૨૩માં ભાજપે તેને મળેલા ૩૬ ટકા મતનો હિસ્સો જાળવી રાખ્યો છે પણ તેની બેઠકો ૧૦૪ પરથી ઘટીને ૬૬ ટકા થઈ ગઈ છે. ભાજપે તોડજોડ કરીને વિધાનસભામાં તેની તાકાત ૧૧૬ બેઠકોની કરી હતી ને તેમાંથી તો ૪૦ ટકાથી વધુ બેઠકો ભાજપે ગુમાવી છે પણ ૨૦૧૮ની સામાન્ય ચૂંટણીમાં મળેલી બેઠકોની સરખામણીમાં પણ ભાજપની ૩૫ ટકાથી વધારે બેઠકો ઘટી છે.
આ બેઠકો ઘટી તેનું કારણ એ છે કે, જેડીએસના પાંચ ટકા મત કૉંગ્રેસ તરફ જતા રહ્યા ને તેમાં કૉંગ્રેસ ફાવી ગઈ. કર્ણાટકમાં ૨૦૧૮માં બેની લડાઈમાં ત્રીજો ફાવી જાય એવો ઘાટ થયેલો ને એ વખતે ફાવી જનાર ભાજપ હતો. આ વખતે પણ બેની લડાઈમાં ત્રીજો ફાવી જાય એવો ઘાટ થયો છે પણ આ વખતે કૉંગ્રેસ ફાવી ગઈ છે.
૨૦૧૮માં કૉંગ્રેસનો વોટ શેર ૩૮ ટકા હતો અને ૮૦ બેઠકો મળેલી. આ વોટ શેર ૨૦૨૩માં વધીને ૪૩ ટકા થયો ને ૧૩૫ બેઠકો થઈ ગઈ. દેવગૌડા અને કુમારસ્વામીની જેડીએસનો ૧૯ વોટ શેર ૨૦૧૮માં ૧૮ ટકા હતો અને ૩૭ બેઠકો પર જીતી મેળવી હતી. આ વખતે તેનો વોટ શેર ૧૩ ટકા થઇ ગયો છે અને ૧૯ બેઠકો પર જીત મેળવી છે.
આ સમીકરણ રસપ્રદ છે અને કૉંગ્રેસ માટે નવી આશાનો સંચાર કરનારાં છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામો પછી ચાલી રહેલા વિશ્ર્લેષણમાં મોટા ભાગે એ સૂર વ્યક્ત થાય છે કે, કર્ણાટકમાં સૌથી મોટા બે સમાજ લિંગાયત અને વોક્કાલિગા કૉંગ્રેસ તરફ વળ્યા તેમાં કૉંગ્રેસની જીત થઈ છે. સામાન્યરીતે લિંગાયત સમાજ ભાજપને મત આપે છે જ્યારે વોક્કાલિગા સમુદાય જેડીએસને મત આપે છે. કૉંગ્રેસે આ વખતે આ બંને મતબૅન્કમાં ગાબડાં પાડ્યાં તેથી તેની બહુમતી મળી એવું સૌ માને છે.
આ માન્યતા સાવ આધારહીન પણ નથી કેમ કે લિંગાયત અને વોક્કાલિંગા બંનેની વસતી વધારે છે એ વિસ્તારોમાં કૉંગ્રેસને જબરદસ્ત સફળતા મળી છે. કૉંગ્રેસને ભવ્ય જીત મુંબઈ કર્ણાટક વિસ્તાર, ઓલ્ડ મૈસૂર અને મધ્ય કર્ણાટકમાં જબરદસ્ત પ્રદર્શનના કારણે મળી મળી છે. મુંબઈ કર્ણાટક વિસ્તાર લિંગાયતોના પ્રભુત્વનો વિસ્તાર છે. લિંગાયત આખ કર્ણાટકમાં ફેલાયેલા છે પણ આ સમુદાયનો મોટો ભાગ મુંબઈ કર્ણાટક વિસ્તારમાં રહે છે. આ વિસ્તારમાં કૉંગ્રેસે ૫૦ બેઠકોમાંથી ૩૩ બેઠકો પર જીત મેળવી છે. ૨૦૧૮માં આ વિસ્તારમાં કૉંગ્રેસે માત્ર ૧૬ બેઠકો જીતી હતી , જ્યારે ભાજપે ૩૧ બેઠકો પર વિજય મેળવ્યો હતો. કૉંગ્રેસની ૧૭ બેઠકો વધી છે જ્યારે ભાજપની ૧૫ બેઠકો ઘટી છે. કૉંગ્રેસને લિંગાયત સમાજનું સમર્થન ના મળ્યું હોય તો આવો દેખાવ થાય જ નહીં.
કૉંગ્રેસે આ જ ઘટનાનું પુનરાવર્તન ઓલ્ડ મૈસૂર ક્ષેત્રમાં કર્યું છે. સામાન્ય રીતે ઓલ્ડ મૈસૂર વિસ્તારમાં જેડી(એસ)નો દબદબો રહેતો હતો પણ કૉંગ્રેસે ૬૪ માંથી ૪૩ બેઠકો જીતીને અભૂતપૂર્વ પ્રદર્શન કર્યું છે. ઓલ્ડ મૈસૂરમાં કૉંગ્રેસે ૨૦૧૮ની તુલનામાં ૨૩ બેઠકો વધારે જીતી છે જ્યારે ભાજપે ૧૧ બેઠકો અને જેડીએસે ૧૨ બેઠકો ગુમાવી છે. ઓલ્ડ મૈસૂરમાં વોક્કાલિંગા મતદારોની સંખ્યા વધારે છે ને તેમણે કૉંગ્રેસને સમર્થન આપ્યું જ હોય તો જ કૉંગ્રેસનો દેખાવ સારો થયો હોય એ પણ કહેવાની જરૂર નથી.
અલબત્ત લિંગાયત અને વોક્કાલિગા બંને સમાજના મતોમાં એટલા મોટા પ્રમાણમાં કૉંગ્રેસ તરફ વળ્યા નથી એ પણ હકીકત છે. લિંગાયત સમાજ કૉંગ્રેસ તરફ સાવ ઢળી ગયો હોત તો ભાજપના મતોની ટકાવારીમાં બે-ચાર ટકાનો ઘટાડો થઈ ગયો હોત પણ એવું થયું નથી. ભાજપને તો ૨૦૧૮ જેટલા જ મત મળ્યા છે. જેડીએસને મળેલા મતોમાં પાંચ ટકાનો જંગી ઘટાડો થયો છે ને તેનું કારણ વોક્કાલિંગા મતોમાં થયેલો જંગી ઘટાડો નથી પણ મુસ્લિમ મતોમાં થયેલો ઘટાડો છે.
કર્ણાટકમાં ભાજપને મુસ્લિમ મતો મળતા નથી એ હકીકત છે. મુસ્લિમ મતો જેડીએસ અને કૉંગ્રેસ વચ્ચે વહેંચાઈ જતા હતા. આ વખતે મુસ્લિમોના મતો સાગમટે કૉંગ્રેસ તરફ વળ્યા તેમાં કૉંગ્રેસ જીતી છે. મુસ્લિમોએ અસદુદ્દીન ઓવૈસી જેવા કટ્ટરવાદીને અવગણીને પણ કૉંગ્રેસને જ મત આપ્યા છે ને તેનું કારણ ભાજપની અત્યંત મુસ્લિમ વિરોધી નીતિ છે. ભાજપે લિંગાયત અને વોક્કાલિગા સમુદાયને ખુશ કરવા મુસ્લિમો માટેની અનામત આ બંને સમુદાયોમાં વહેંચી દેવાનું વચન આપ્યું તેની સામે કૉંગ્રેસે સત્તામાં આવતાં જ મુસ્લિમોને અનામત આપવાનું વચન આપ્યું હતું. ભાજપના નેતા હિઝાબ, હલાલા વગેરે મુદ્દે બકવાસ વાતો કરતા જ હતા. તેના કારણે મુસ્લિમો અકળાયેલા હતા જ ને તેમાં અનામતનો મુદ્દો ઉમેરાયો તેમાં મુસ્લિમો સાગમટે કૉંગ્રેસ તરફ વળી ગયા.
દેશના બીજાં રાજ્યોમાં પણ આ રીતે મુસ્લિમો સાગમટે કૉંગ્રેસ તરફ વળે તો કૉંગ્રેસને મોટો રાજકીય ફાયદો થઈ જાય એ કહેવાની જરૂર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -