Homeએકસ્ટ્રા અફેરકર્ણાટકમાં ભાજપ હારે તો નવાઈ નહીં

કર્ણાટકમાં ભાજપ હારે તો નવાઈ નહીં

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઈ ગયું અને લગભગ ૬૬ ટકા જેટલું મતદાન થયું છે પણ કોઈને મતદાનની ટકાવારીમાં રસ નથી. પહેલાં મતદાન ઓછું થયું તો આમ થશે ને વધારે થયું તો આમ થશે એવી ચોવટ ભરપૂર થતી પણ હવે લોકોને એવી ચોવટમાં રસ નથી પડતો કેમ કે લોકોને મુખ્ય રસ પરિણામ જાણવામાં હોય છે. કર્ણાટકની ચૂંટણીનું પરિણામ ૧૩ મેને શનિવારે આવવાનું છે તેથી લોકોની નજર શનિવારે પરિણામ શું આવે છે તેના પર છે ને એ પહેલાં લોકો એક્ઝિટ પોલની ચોવટમાં વ્યસ્ત છે.
ઘણીવાર ચૂંટણીનો માહોલ એકતરફી હોય તો લોકોને એક્ઝિટ પોલમાં પણ રસ પડતો નથી પણ કર્ણાટકમાં આ વખતે કાંટે કી ટક્કર છે તેથી લોકોને એક્ઝિટ પોલમાં રસ છે. બાકી હતું તે મતદાન પૂરું થયા પછી જાહેર થયેલા એક્ઝિટ પોલમાંથી મોટાભાગના પોલમાં ભાજપને બહુમતી નહીં મળે એવી આગાહી કરાઈ છે તેથી એક્ઝિટ પોલ વધારે ચર્ચામાં છે. અલબત્ત અત્યારે જે માહોલ છે એ જોતાં એક્ઝિટ પોલ આંચકાજનક નથી કેમ કે સૌને લાગે જ છે કે, ભાજપ હારી શકે છે.
કર્ણાટક વિધાનસભાની કુલ ૨૨૪ બેઠકો છે ને એક્ઝિટ પોલનાં તારણોની સરેરાશ કાઢીએ તો કૉંગ્રેસ ૧૧૦ બેઠકો પર પહોંચી જશે એવો વરતારો છે. ભાજપ ૯૦ બેઠકોનો આંકડો પરા નહીં કરે જ્યારે કુમારસ્વામીની જેડીએસ ૨૫ બેઠકોની આસપાસ રહેશે. કર્ણાટકમાં ૨૨૪ બેઠક પર મતદાન પત્યા પછી એક્ઝિટ પોલ બહાર પડ્યા તેમાંથી માત્ર એક પોલમાં ભાજપને બહુમતી મળવાની આગાહી કરાઈ છે જ્યારે એક પોલમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બનશે એવી આગાહી છે.
આ વખતના ૧૦ એક્ઝિટ પોલમાંથી ૪ પોલમાં સ્પષ્ટ બહુમતી સાથે કૉંગ્રેસની સરકાર બનશે એવી આગાહી કરાઈ છે જ્યારે ૫ સર્વેમાં કોઈને સ્પષ્ટ બહુમતી નહીં મળે ને ત્રિશંકુ વિધાનસભા રચાશે એવી આગાહી છે. જો કે આ ૫ સર્વેમમાંથી ચાર સર્વેમાં પણ કૉંગ્રેસ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરશે એવી આગાહી તો છે જ.
ભાજપ માટે એક્ઝિટ પોલનાં તારણો ચિંતાજનક છે કેમ કે ભારતમાં સૌથી વધારે વિશ્ર્વસનિય મનાતા બંને પોલમાં ભાજપના ધોવાણની આગાહી કરાઈ છે. ઈન્ડિયા ટુડે-આજતકના પોલમાં કૉંગ્રેસને ૧૩૧ અને ભાજપને માત્ર ૭૮ બેઠકો મળવાની આગાહી છે. એ જ રીતે ટુડેઝ-ચાણક્યના સર્વેમાં પણ ભાજપને ૯૨ જ્યારે કૉંગ્રેસને ૧૨૦ બેઠકો મળશે એવી આગાહી કરાઈ છે. ન્યુઝ નેશનનો સર્વે ભાજપને ૧૧૪ બેઠકો મળશે એવી આગાહી કરે છે પણ એ સિવાય કોઈ સર્વેમાં ભાજપ ૧૦૦ બેઠકો પાર કરશે એવી આગાહી પણ નથી.
ભાજપ માટે બીજી ચિંતાની વાત એ છે કે, ૨૦૧૮માં મતદાન પછીના, ૬ મોટા એક્ઝિટ પોલ્સમાંથી ૪ એક્ઝિટ પોલમાં ભાજપને સૌથી વધારે બેઠકો મળશે એવી આગાહી કરાઈ હતી. આ પોલ સાચા પડ્યા હતા કેમ કે ભાજપ વિધાસભાની ૨૨૪ બેઠકોમાંથી ૧૦૪ બેઠક જીતીને સૌથી મોટો પક્ષ બન્યો હતો. ૨૦૧૮માં ભાજપને ૧૦૪, કૉંગ્રેસને ૭૮ અને જેડીએસને ૩૭ બેઠકો મળી હતી અને કોઈ પક્ષને બહુમતી મળી નહોતી. આ ઈતિહાસ જોતાં આ વખતે પણ એક્ઝિટ પોલ સાચા પડી શકે છે.
ભાજપ માટે બીજો ચિંતાનો મુદ્દો એ છે કે, કર્ણાટકમાં છેલ્લાં ૩૮ વર્ષથી દરેક વાર સત્તા પરિવર્તન થાય છે અને સત્તાધારી પક્ષ જીતતો નથી. કર્ણાટકમાં છેલ્લી વાર સરકાર રિપીટ થઈ હોય એવું ૧૯૮૫મા બનેલું. વખતે રામકૃષ્ણ હેગડેના નેતૃત્વમાં જનતા પાર્ટીએ ફરી ચૂંટણી જીતીને સરકાર રચી હતી. એ પછી દર પાંચ વરસે સરકાર બદલાઈ જ જાય છે. બીજું એ કે, કર્ણાટકમાં છેલ્લાં ઘણા વરસોથી કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી ના મળે એવો પણ ઈતિહાસ છે.
કૉંગ્રેસને ૧૯૯૯ અને ૨૦૧૩માં સ્પષ્ટ બહુમતી મળી હતી પણ ૨૦૦૪, ૨૦૦૮ અને ૨૦૧૮માં કોઈ એક પક્ષને સ્પષ્ટ બહુમતી નથી મળી. આ મુદ્દો ભાજપની વિરુદ્ધ જાય કેમ કે ભાજપને સ્પષ્ટ બહુમતી ના મળે તો તેને કોઈ ટેકો આપવા તૈયાર ના થાય. કૉંગ્રેસ અને જેડીએસ ફરી હાથ મિલાવી શકે પણ જેડીએસ ભાજપ સાથે ના જઈ શકે. સિવાય કે ભાજપ નાકલીટી તાણીને કુમારસ્વામીને મુખ્યમંત્રી બનાવવા તૈયાર થાય.
ભાજપને મોટાભાગના એક્ઝિટ પોલના તારણ પ્રમાણે ૧૦૦થી ઓછી બેઠકો મળે તો પછી ભાજપે પાંચ વર્ષ તળિયા તપાવવાં પડે. ૨૦૧૮માં ભાજપને સ્પષ્ટ બહુમતી નહોતી મળી પણ ૧૦ બેઠકો હતી તેથી રાજ્યપાલ વજુભાઈ વાળાની મહેરબાનીથી ભાજપના યેદિયુરપ્પાએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. જો કે સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે ગૃહમાં બહુમતી સાબિત ન કરી શકતાં રાજીનામું આપવું હતું.
યેદયુરપ્પાના રાજીનામા પછી કૉંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સરકાર બની અને કુમારસ્વામીને મુખ્યમંત્રી બનાવાયા. ૧૪ મહિના બાદ ભાજપે કૉંગ્રેસ અને જેડીએસના કેટલાક ધારાસભ્યોને ખરીદીને રાજીનામાં અપાવતાં કુમારસ્વામીએ ખુરશી છોડવી પડી હતી. યેદિયુરપ્પાએ આ ખેલ પાડેલો. યેદિયુરપ્પાએ કૉંગ્રેસ અને જેડીએસના બળવાખોરોને ભાજપમાં ભેળવી દીધા અને ૧૧૯ ધારાસભ્યોના સમર્થનથી, ફરીથી મુખ્ય પ્રધાન બની ગયા. એ વાત અલગ છે કે, ભાજપે બે વર્ષ પછી યેદિયુરપ્પાને લાત મારીને તગેડી મૂક્યા ને બસવરાજ બોમાઈને મુખ્યમંત્રી બનાવ્યા.
મૂળ વાત એ છે કે, યેદિયુરપ્પા આ ખેલ કરી શક્યા કેમ કે તેમની પાસે ૧૦૪ ધારાસભ્યો હતા. હવે સો કરતાં ઓછા ધારાસભ્યો હોય તો બીજા ૧૫ ધારાસભ્યોને તોડવા પડે જે ભાજપ માટે અઘરું છે તેથી ભાજપે પાંચ વરસ રાહ જોવી પડે. આ સંજોગોમાં ભાજપ એક્ઝિટ પોલ ખોટા પડે એવી પ્રાર્થના કરતો હશે.
એક્ઝિટ પોલનાં તારણ કૉંગ્રેસ માટે કાળઝાળ ગરમીમાં અચાનક પડી ગયેલા ઝાપટા જેવાં છે. ઠેર ઠેર હારી રહેલી કૉંગ્રેસને કર્ણાટકમા જીત મળે ને એક મોટું રાજ્ય તેના હાથમાં આવી જાય તો લોકસભાની ચૂંટણી પહેલાં લીલાલહેર થઈ જાય. બીજું કંઈ નહીં તો કમ સે કમ લોકસભાની ચૂંટણી લડવાનું ફંડ તો હાથમાં આવી જાય કેમ કે કર્ણાટક ખમતીધર રાજ્ય છે.
કૉંગ્રેસ માટે નવેમ્બર-ડિસેમ્બરમાં થનારી રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢની ચૂંટણી અત્યંત મહત્ત્વની છે. કર્ણાટરમાં એક્ઝિ પોલ સાચા પડે તો આ ત્રણ રાજ્યોમાં કૉંગ્રેસનો ઉત્સાહ અલગ જ હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -