Homeએકસ્ટ્રા અફેરયોગી ગેંગસ્ટર અતિક અહેમદને ખતમ કરી શકશે?

યોગી ગેંગસ્ટર અતિક અહેમદને ખતમ કરી શકશે?

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

ઉત્તર પ્રદેશનો ગૅંગસ્ટર કમ રાજકારણી અતિક અહેમદ ફરી ચર્ચામાં છે. યુપીના પ્રયાગરાજમાં ગયા મહિને ઉમેશ પાલની હત્યા થયેલી. સાબરમતી જેલમાં બંધ અતિક અહમદને આ કેસમાં પૂછપરછ માટે પ્રયાગરાજ લઈ જવા ઉત્તર પ્રદેશની પોલીસ રવાના થઈ ત્યારે આશંકા હતી કે, યુપી પોલીસ અતિક અહમદને પણ એન્કાઉન્ટરમાં પતાવી દેશે પણ અતિકના સદ્નસીબે એ સહીસલામત પ્રયાગરાજ પહોંચી ગયો છે. અલબત્ત, અત્યારે તો બચી ગયેલો અતિક ક્યાં સુધી બચી શકશે તેની ચર્ચા છે ને તેના કારણે જ અતિક અહમદ ચર્ચામાં છે.
યુપીમાં યોગી આદિત્યનાથે સત્તા સંભાળી પછી માફિયાઓને પતાવવા માંડ્યા છે. યુપી પોલીસ પણ મુંબઈ પોલીસની જેમ એનકાઉન્ટર પર એન્કાઉન્ટર કરીને એક પછી એક ગુંડાઓના ઢાળી રહી છે. યુપીમાંથી ગુનાખોરીનો અંત લાવીને બહારનાં લોકોને આકર્ષવાનો યોગીનો ગેમ પ્લાન છે પણ તેમાં જે કેટલાક લોકો વિઘ્નરૂપ છે તેમાં એક અતિક અહમદ પણ છે. અતિક અહમદ યુપીમાં જોરદાર ગૅંગ ચલાવે છે તેથી લાંબા સમયથી યોગી સરકારના નિશાને છે. હવે ઉમેશ પાલ હત્યાના કારણે યોગી સરકારને અતિકનો ઘડોલાડવો કરવાની તક મળી છે ત્યારે શું થાય છે તેના પર સૌની નજર છે.
ઉમેશ પાલ ૨૦૦૫માં પ્રજાસત્તાક દિને પ્રયાગરાજમાં બસપાના ધારાસભ્ય રાજુ પાલની ધોળા દિવસે કરાયેલી હત્યાના કેસમાં મુખ્ય સાક્ષી હતા. ઉમેશ પાલ રાજુ પાલનો સાળો પણ છે. રાજુ પાલની હત્યાના કેસમાં અતિક અહમદ મુખ્ય આરોપી છે તેથી ઉમેશ પાલની હત્યા અતિકે જ કરાવી હોવાનું સ્પષ્ટ હતું. પોલીસ તપાસમાં અતિકના માણસોનો હાથ હોવાનું બહાર આવતાં યુપી પોલીસ અતિકના માણસોને એક પછી એક એન્કાઉન્ટર્સમાં ઢાળી રહી છે ત્યારે બીજી તરફ સાબરમતી જેલમાં બંધ અતિકને પણ આ કેસમાં પૂછપરછ માટે યુપી લઈ આવવા કોર્ટે ફરમાન કરેલું.
આ ફરમાનને પગલે યુપી પોલીસ અમદાવાદની સાબરમતી જેલમાંથી અતિકને પ્રયાગરાજ લઈ જવા આવી ત્યારે ફફડી ગયેલા અતિકે પહેલાં તો યુપી પોલીસ સાથે જવાની જ ના પાડી દીધેલી. જો કે કોર્ટના આદેશન પગલે અતિકના બાપનો પણ પોલિસ સાથે ગયા વિના છૂટકો નહોતો. અતિકને જડબેસાલક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે યુપી પહોંચાડી દેવાયો છે પણ હવે એ યુપીથી પાછો સાબરમતી આવશે કે કેમ તેમાં શંકા છે. તેનું કારણ એ કે, યોગી ગમે તે રીતે અતિકનો ઘડોલાડવો કરવા માગે છે.
યોગી અતિકને પતાવવા માગે છે કેમ કે અતિકનું ગુનાખોરીનું સામ્રાજ્ય બહુ મોટું છે. અતિક અહેમદ સામે ઉમેશ પાલની હત્યા સહિતના ૧૨૦થી વધારે કેસ છે. ખૂન, ધાડ, અપહરણ, ખંડણી, ઠગાઈ સહિતના અનેક ગુના તેની સામે નોંધાઈ ચૂક્યા છે. અતિકે પોતાની ધાકના કારણે રાજકીય સફર પણ શરૂ કરી હતી ને તેમા સફળ પણ થયો. ચાર વાર ધારાસભ્ય અને એક વાર સાંસદ રહી ચૂકેલા અતિકનો એક સમયે દબદબો હતો.
જો કે ભાજપના ઉદય સાથે એ દબદબો ખતમ થઈ ગયો ને અતિક રાજકીય રીતે પતી ગયો પણ તેનું ક્રાઈમ નેટવર્ક અકબંધ છે. ઉમેશ અતિક પાસે આજે પણ યુપીમાં સૌથી મોટી ગૅંગ છે કે જેમાં ૧૫૦ કરતાં વધારે તો પગારદાર શૂટર છે. અલાહાબાદ અને આસપાસના વિસ્તારોમાં અતિકનું ખંડણીખોરી અને કોન્ટ્રાક્ટનું કામ ધમધમે છે. યોગી આદિત્યનાથ સત્તામાં આવ્યા એ દિવસથી અતિક પર તૂટી પડ્યા છે પણ છ વર્ષમાં આ સામ્રાજ્યને ખતમ કરી શક્યા નથી.
હવે અતિક અહમદે ઉમેશ પાલની ધોળા દિવસે ઘરમાં ઘૂસીને હત્યા કરાવીને પોતાની તાકાત તો સાબિત કરી જ છે પણ યોગી સરકારને પડકાર પણ ફેંક્યો છે. અતિકે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ઉમેશ પાલની બિલકુલ ફિલ્મી સ્ટાઈલમાં હત્યા કરાવી હતી. મશીનગનો સાથે ત્રાટકેલા અતિક ગૅંગના છ હુમલાખોરોએ પાલના ઘરમાં ઘૂસીને અંધાધૂંધ ગોળીઓ વરસાવીને સેક્ધડોમા તો પાલને પતાવી દીધેલો.
ઉમેશ પાલના રક્ષણ માટે સતત બંદૂકધારી માણસો તેની સાથે રહેતા પણ હુમલાખોરોએ એવો જોરદાર હુમલો કર્યો કે બચાવની તક જ ના મળી. ઉમેશ પાલ સાંજે પાંચેક વાગ્યે કારમાં બહાર જવા નિકળ્યા ને કાર ઘરની બહાર નિકળી પછી પાલ દરવાજો બંધ કરવા નીચે ઊતર્યા હતા. પાસે જ છૂપાયેલા એક હુમલાખોરે નજીક આવીને ગોળી મારી તેમાં ઘાયલ ઉમેશ પાલ ઘર તરફ ભાગ્યા તો હુમલાખોરે ઘરમાં ઘૂસીને ગોળીઓ મારીને ખેલ ખતમ કરી નાખેલો.
ઉમેશ પાલની સુરક્ષા માટે રખાયેલો ગનમેન રાધવેન્દ્ર બહાર આવ્યો તો તેને પણ તક આપ્યા વિના ધડાધડ ગોળીઓ છોડીને ઘાયલ કરી દીધો. ઉમેશ પાલ પાસે ઘરે રક્ષણ માટે બીજા માણસો પણ હતા. આ માણસો પીછો ના કરે એટલે હુમલાખોરોએ ફિલ્મી સ્ટાઈલમાં અંધાધૂંધ ગોળીઓ વરસાવીને સાથે સાથે બૉમ્બ પણ ફેંકીને છૂ થઈ ગયા હતા. યુપીમાં આ રીતે હત્યા થઈ તેથી યોગીનું નાક વઢાઈ ગયેલું.
આ હત્યાના પગલે અખિલેશ યાદવે યોગી શાસનમાં માફિયા રાજનો આક્ષેપ મૂક્યો તો ભડકેલા યોગીએ હત્યા માટે જવાબદાર અતિક અહમદને સમાજવાદી પાર્ટીએ પોષ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. યોગીએ હુંકાર કરેલો કે, હમ માફિયાઓ કે ખિલાફ હૈં ઔર અતિક અહમદ કો મિટ્ટી મેં મિલા દેંગેં. યોગીના હુંકારને કારણે એ અતિક અહમદને નહીં છોડે એ નક્કી છે તેથી હવે અતિકનું શું થાય છે તેના પર નજર છે.
જોકે અતિકને ખતમ કરવો એટલો સરળ નથી. અતિક રીઢો ને ખૂનખાર ગૅંગસ્ટર છે. અતિક ૧૬ વર્ષની ઉંમરથી ગુનાખોરીની દુનિયામાં છે ને ૧૯ વર્ષની ઉંમરે તેની સામે પહેલો કેસ નોંધાયેલો. યુપીમાં ૧૯૮૬માં ગૅંગસ્ટર એક્ટ અમલમાં આવ્યો પછી સૌથી પહેલો કેસ ૨૩ વર્ષના અતિક અહમદ સામે નોંધાયેલો. અતિકે ૧૯૮૦ના દાયકામાં અલાહાબાદમાં ક્રાઈમ નેટવર્ક ઊભું કરીને શરૂ કરેલી માફિયાગીરી આજેય ચાલુ છે. આ માફિયાગીરીના જોરે ૧૯૮૯માં પહેલી વાર અલાહાબાદ પશ્ર્ચિમ બેઠક પરથી અપક્ષ તરીકે જીતીને અતિક ધારાસભ્ય બનેલો. અતિકે ૧૯૯૧ અને ૧૯૯૩માં પણ અપક્ષ તરીકે જીત મેળવી હતી. ૧૯૯૬માં અતિક સપાની ટિકિટ પર ચોથી વાર ધારાસભ્ય બન્યો. ૨૦૦૪માં ફુલપુર લોકસભા બેઠક પરથી જીતીને લોકસભાનો સભ્ય પણ બનેલો.
અતિકનો આ દબદબો જોતાં યોગી તેને ખતમ કરી શકશે તો મોટી સિદ્ધિ ગણાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -