એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ
કૉંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીને મોદી અટક ધરાવતાં લોકો પર બદનક્ષીકારક ટીપ્પણી કરવા બદલ સુરતની કોર્ટે દોષિત ઠેરવીને બે વર્ષની સજા ફટકારી તેના કારણે રાહુલ સાંસદ તરીકે ગેરલાયક ઠરી ગયા છે. લોકસભા સચિવાલયે આ અંગેનું જાહેરનામું બહાર પાડી દીધું છે અને ‘રિપ્રેઝેંટેશન ઑફ ધ પીપલ્સ એક્ટ ૧૯૫૧’ એટલે કે જનપ્રતિનિધિત્વ ધારાની કલમ ૮ હેઠળ રાહુલ ગાંધીને સાંસદ તરીકે ગેરલાયક ઠેરવી દીધા છે.
રાહુલને સજા કોર્ટે ફટકારી છે તેથી આ ચુકાદા વિશે ટીપ્પણી કરવાનો મતલબ નથી પણ આ ચુકાદાના કારણે ‘રિપ્રેઝેંટેશન ઑફ ધ પીપલ્સ એક્ટ ૧૯૫૧’ એટલે કે જનપ્રતિનિધિત્વ ધારાની કલમ ૮ હેઠળ રાહુલ ગાંધી સંસદનું સભ્યપદ ગુમાવશે કે નહીં એ સવાલ પૂછાઈ રહ્યો હતો. કોર્ટે રાહુલને દોષિત ઠેરવવાની સાથે સજા સ્થગિત કરી તેના કારણે ગૂંચવાડો પણ સર્જાયો હતો.
સુરતના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચ.એચ. વર્માની કોર્ટે રાહુલ ગાંધીને આઈપીસીની કલમ ૪૯૯ અને ૫૦૦ હેઠળ દોષિત ઠેરવ્યા પછી તેમના જામીન મંજૂર કરીને ૩૦ દિવસ માટે સજાને સ્થગિત પણ કરી હતી કે જેથી રાહુલ ગાંધી હાઈ કોર્ટમાં અપીલ કરી શકે. આ આદેશના કારણે રાહુલ ગાંધીની સજાનો અમલ ઓછામાં ઓછા ૩૦ દિવસ માટે કરવાનો નથી એ સ્પષ્ટ હતું. રાહુલ ગાંધી હાઈ કોર્ટમાં અપીલ કરે પછી હાઈ કોર્ટ જે નિર્ણય લેશે તેના આધારે રાહુલની સજાનો ફેંસલો થાય પણ રાહુલનું સંસદ સભ્યપદ જાય કે નહીં એ અંગે અનિશ્ર્ચિતતા હતી. લોકસભા સચિવાલયે એ ગૂંચવાડો દૂર કરીને રાહુલને ગેરલાયક ઠેરવી દીધા છે.
રાહુલને ગેરલાયક ઠેરવવાના મુદ્દે કાનૂની જોગવાઈઓનું અલગ અલગ અર્થઘટન કરાયું હતું. કાનૂની નિષ્ણાતોનો એક વર્ગ માનતો હતો કે, કોર્ટે રાહુલને દોષિત ઠેરવ્યા એ સાથે રાહુલે સભ્યપદ ગુમાવી દીધું છે. બીજો વર્ગ માનતો કે, રાહુલનું સભ્યપદ તાત્કાલિક ના જાય કેમ કે કોર્ટે સજાને સ્થગિત કરી છે. કોર્ટે સજાનો અમલ તાત્કાલિક રીતે કરવાનો આદેશ આપ્યો નથી તેથી રાહુલનું સંસદ સભ્યપદ બચી જશે.
કાનૂની નિષ્ણાતોનો એક વર્ગ કહતો કે, કોર્ટ સજા સ્થગિત કરે એ પૂરતું નથી પણ સજાના અમલ પર સ્ટે પણ જરૂરી છે. મનાઈહુકમ ના અપાય તો રાહુલ ગેરલાયક ઠરી જ ચૂક્યા છે. ભૂતકાળમાં લાલુપ્રસાદ યાદવથી માંડીને કુલદીપ સેંગર સુધીના રાજકારણીઓએ સજા થતા જ તાત્કાલિક સભ્યપદ ગુમાવેલું તેના દાખલા પણ અપાય છે. કૉંગ્રેસીઓની દલીલ હતી કે, એ લોકોનો કેસ અને રાહુલનો કેસ અલગ છે પણ કાનૂનની નજરમાં એવા ભેદભાવ નથી ને ક્યા ગુના માટે સજા થઈ છે એ જ મહત્ત્વનું છે.
કાનૂની જોગવાઈ એટલે કે ‘રિપ્રેઝેન્ટેશન ઑફ ધ પીપલ્સ એક્ટ ૧૯૫૧’ની કલમ ૮(૩) હેઠળ કોઈ સાંસદ કે ધારાસભ્યને કોઈ ગુનામાં દોષિત જાહેર થાય અને તેને ૨ વર્ષ કે તેનાથી વધુની સજા સંભળાવાય તો તેનું સંસદ કે વિધાનસભાનું સભ્યપદ જતું રહે છે. આ દોષિત વ્યક્તિ સજા ભોગવી લીધાના એટલે કે જેલમુક્તિના ૬ વર્ષ સુધી ચૂંટણી પણ લડી ના શકે.
બીજી તરફ ‘રિપ્રેઝેંટેશન ઑફ ધ પીપલ્સ એક્ટ’ની કલમ ૮ (૪) જણાવે છે કે દોષિત સાંસદ કે ધારાસભ્યનું સભ્યપદ તરત જ જતું નથી. તેમની પાસે ત્રણ મહિનાનો સમય હોય છે. આ દરમિયાન હાઈ કોર્ટ અથવા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરે તો અપીલની સુનાવણી પૂરી ના થાય ત્યાં સુધી સભ્યપદ જતું નથી. અપીલ ન કરે તો તેમની સભ્યપદ ત્રણ મહિના પછી ખતમ થઈ જાય છે. રાહુલ ગાંધીના કેસમાં આ જોગવાઈ લાગુ પડે છે એવું આ નિષ્ણાતોનું માનવું હતું.
સુપ્રીમ કોર્ટે ‘રિપ્રેઝેંટેશન ઑફ ધ પીપલ્સ એક્ટ ૧૯૫૧’ ની કલમ ૮(૪) હેઠળની મુક્તિને જુલાઈ ૨૦૧૩માં લીલી થોમસ વિરુદ્ધ ભારત સરકારના કેસમાં આ જોગવાઈને ગેરબંધારણીય ઠેરવતાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, સાંસદ કે ધારાસભ્યને દોષિત ઠેરવીને તેમને ૨ વર્ષ કે તેથી વધુની સજા કરાય તો દોષિત ઠરતાંની સાથે જ તેમનું સંસદ કે વિધાનસભાનું સભ્યપદ જતું રહે છે. આ જુદી જુદી જોગવાઈઓના કારણે રાહુલ ગાંધી સંસદસભ્યપદે છે કે નહીં એ અંગે ગૂંચવાડો હતો ને હવે એ ગૂંચવાડો પૂરો થઈ ગયો છે.
જો કે લોકસભા સચિવાલયના જાહેરનામાના કારણે રાહુલની રાજકીય કારકિર્દી પતી જતી નથી. રાહુલ ગાંધી પોતાની સજા સામે સ્ટે લઈ આવે તો પણ ૨૦૨૪ની લોકસભા ચૂંટણી લડી શકે છે. એકવાર સ્ટે આવે પછી કેસ લંબાઈ જ જવાનો છે તેથી રાહુલને કોઈ ચિંતા ના રહે.
કાનૂની નિષ્ણાતોનો મત છે કે, માનહાનિના કેસમાં ૨ વર્ષની જેલની મહત્તમ સજા છે. આ કેસમાં બે વર્ષથી વધુ સજા આપી શકાય નહીં. કોર્ટે રાહુલને મહત્તમ સજા કરી દીધી છે એ જોતાં ઉપલી કોર્ટમાં રાહુલ માટે સજા ઓછી થવાના પૂરા ચાન્સ છે. રાહુલની સજા ઘટે તો પણ બે વર્ષની સજાનો નિયમ લાગુ ના પડે.
આ સિવાય એક વર્ગ એવું માને છે કે, રાહુલ માટે નિર્દોષ ઠરવાના પૂરા ચાન્સ છે. કાનૂની અને બંધારણીય નિષ્ણાત કપિલ સિબ્બલે સુરતની કોર્ટે ફટકારેલી સજાને વિચિત્ર (બિઝેર) ગણાવી છે. બીજા ઘણા કાનૂની નિષ્ણાતોએ સિબ્બલની વાતમાં સૂર પૂરાવ્યો છે.
કપિલ સિબ્બલે પોતાની વાત કેમ સાચી છે તેનો તર્ક પણ આપ્યો છે. રાહુલે ૨૦૧૯ લોકસભા ચૂંટણી પહેલાં કર્ણાટકના કોલારમાં એક રેલી દરમિયાન કહેલું કે, બધા જ ચોરોની સરનેમ મોદી જ કેમ હોય છે ? લલિત મોદી, નીરવ મોદી, નરેન્દ્ર મોદી.
આ ટીપ્પણીના પગલે સુરત પશ્ર્ચિમના ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. મોદીનું કહેવું હતું કે રાહુલ ગાંધીએ અમારા પૂરા સમાજને ચોર કહ્યો છે અને આ અમારા સમાજની માનહાનિ છે.
સિબ્બલનું કહેવું છે કે, રાહુલે કરેલી ટીપ્પણી કોઈ ચોક્કસ સમાજ સામે નહોતી પણ વ્યક્તિગત હતી. કોઈ વ્યક્તિ સામે ટીપ્પણી કરવા બદલ બે વર્ષની કેદની સજા થાય એ વિચિત્ર કહેવાય.
હાઈ કોર્ટ કે સુપ્રીમ કોર્ટને આ દલીલ સાચી લાગે ને રાહુલ છૂટી જાય એવું બની શકે.