એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ
સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ કોલકાત્તા જઈને મમતા બેનરજીને મળ્યા એ સાથે જ ભાજપ-કૉંગ્રેસ વિનાના રાજકીય મોરચાનું ઘમ્મરવલોણું પાછું શરૂ થયું છે. મમતાને મળ્યા પછી અખિલેશે સત્તાવાર રીતે કોઈ એલાન કર્યું નથી પણ તેમની નજીકનાં સૂત્રોનો દાવો છ કે, ભાજપ અને કૉંગ્રેસ વિનાના પ્રાદેશિક પક્ષોનો ત્રીજો મોરચો બનાવવામાં આવશે. આ મોરચામાં ઓડિશાના મુખ્યમંત્રી નવિન પટનાઈક પણ જોડાશે. બિજુ જનતા દળના મુખિયા નવિન પટનાઈકે ભાજપ અને કૉંગ્રેસ વિનાના કોઈ પણ મોરચામાં જોડાવાની સંમતિ આપી છે.
મમતા બેનરજી આવતા અઠવાડિયે નવિન પટનાઈકને મળશે ત્યારે ત્રીજા મોરચા અંગે ચર્ચા કરીને અંતિમ સ્વરૂપ અપાશે એવો પણ તેમનો દાવો છે. અખિલેશે દિલ્હી કે લખનઊ છોડીને કોલકાત્તામાં સમાજવાદી પાર્ટીનું રાષ્ટ્રીય અધિવેશન કોલકાત્તામાં રાખ્યું તેની પાછળનો ઉદ્દેશ મમતા સાથે નિકટતા વધારવાનો હોવાનો પણ સૂત્રોનો દાવો છે.
મીડિયામાં આ રિપોર્ટ આવ્યા તેના કારણે રાજકીય ઉત્તેજના છે ત્યારે બીજી તરફ કૉંગ્રેસ આ મુદ્દે નચિંત છે. કૉંગ્રેસના મુખ્ય પ્રવક્તા જયરામ રમેશે તૃણમૂલ કૉંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના ત્રીજા મોરચાને અવાસ્તવિક અને બિનઅસરકારક ગણાવ્યો છે. રમેશનું કહેવું છે કે, કૉંગ્રેસ વિના કોઈ વિપક્ષી મોરચો મજબૂત નથી. રમેશે સાફ શબ્દોમાં કહ્યું કે, તમે ગમે તેટલા મોરચા બનાવો લો પણ તેમાં કૉંગ્રેસ ના હોય તો કોઈ અર્થ નથી. ભાજપને હરાવવા માટે બનાવાતા મોરચામાં કૉંગ્રેસનું હોવું જરૂરી છે. જયરામે તો ત્યાં સુધી કહ્યું કે, તૃણમૂલ કૉંગ્રેસ અને સમાજવાદી પાર્ટી એકબીજા સાથે જોડાય એ બહુ મોટી વાત નથી.
જયરામ રમેશે કટાક્ષ પણ કર્યો કે, લોકો આ રીતે જોડાતા રહે છે અને મોરચા બનતા રહે છે. થર્ડ ફ્રન્ટ, ફોર્થ ફ્રન્ટ, ફિફ્થ ફ્રન્ટ એમ મોરચા બન્યા કરશે પણ વિપક્ષના કોઈ પણ મોરચાને અસરકારક બનાવવા કૉંગ્રેસનું હોવું જરૂરી છે. કૉંગ્રેસ વિના વિપક્ષનો કોઈ મોરચો શક્ય નથી અને વિપક્ષનું કોઈ પણ જોડાણ થાય તો તેમાં કૉંગ્રેસની ભૂમિકા મહત્ત્વની રહેશે. જયરામ રમેશે તો અત્યારથી લોકસભાની ૨૦૨૪ની ચૂંટણી માટે મોરચો બનાવવાની હિલચાલને પણ ઉતાવળિયું પગલું ગણાવી છે.
રમેશના મતે, થોડા મહિનામાં કર્ણાટકમાં ચૂંટણી થશે. એ પછી તેલંગાણા, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, મિઝોરમમાં ચૂંટણી થશે. ૨૦૨૩માં રાજકીય પક્ષો આ રાજ્યોની ચૂંટણીમાં વ્યસ્ત રહશે ને આ રાજ્યોનાં પરિણામોના આધારે લોકસભાની ચૂંટણી માટે ૨૦૨૪માં શું કરવું એ નક્કી કરાશે. અત્યારથી કશું પણ નક્કી કરવું બહુ વહેલું છે.
કૉંગ્રેસીઓ બહુ વાસ્તવવાદી નથી ને મોટા ભાગનો સમય ગળે ઉતરે નહીં એવી વાતો જ કરતા રહે છે. આ વખતે પણ જયરામ રમેશે એવી જ વાત કરી છે. કૉંગ્રેસ ના હોય તો ભાજપને હરાવી ના શકાય કે ત્રીજો મોરચો એકલા હાથે ભાજપને ના હરાવી શકે એવા ભ્રમમાં કૉંગ્રેસીઓ વરસોથી જીવે છે ને રમેશે કરેલી વાતોમાં એ માનસિકતા છલકાય છે. જયરામ રમેશનું નિવેદન કૉંગ્રેસ વાસ્તવિકતાથી દૂર ને દૂર થતી જાય છે તેનો વધુ એક પુરાવો છે.
કૉંગ્રેસને વરસોથી એક વાત સમજાતી જ નથી કે, પોતાના વર્ચસ્વના દિવસો બહુ પહેલાં જ પતી ગયા છે ને હવે પોતે રાષ્ટ્રવ્યાપી પ્રભાવ ધરાવતો પક્ષ જ નથી. બલ્કે પ્રાદેશિક પક્ષોની કક્ષાએ આવી ગયેલો પક્ષ છે. બીજી તરફ પ્રાદેશિક પક્ષો સતત મજબૂત બની રહ્યા છે ને ભાજપને ટક્કર આપી રહ્યા છે. આ પ્રાદેશિક પક્ષોનો પ્રભાવ જે વિસ્તારોમાં છે એ વિસ્તારોમાં લોકસભાની બેઠકોના સમીકરણો પર નજર નાંખશો તો સમજાશે કે કાગળ પર તો કૉંગ્રેસની મદદ વિના પણ પ્રાદેશિક પક્ષો ભાજપને પછાડી શકે તેમ છે જ.
કૉંગ્રેસ સિવાયના ભાજપ વિરોધી પક્ષોનો પ્રભાવ દેશનાં ત્રણ સૌથી મોટાં રાજ્યોમાં છે જયારે કૉંગ્રેસ ત્યાં ચિત્રમાં જ નથી. આ ત્રણેય રાજ્યોમાં ભાજપ પાછો જોરદાર તાકાતવર છે ને આ ત્રણ રાજ્યોમાં પણ ભાજપ હારે તો તેને મોટો ફટકો પડી જાય. ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર એ ત્રણ રાજ્યોમાં કુલ મળીને લોકસભાની ૧૬૮ બેઠકો છે. ભાજપે તેમાંથી ૬૨ બેઠકો જીતેલી જ્યારે બિહારની ૪૦માંથી ૨૨ બેઠકો જીતેલી. મહારાષ્ટ્રની ૪૮ બેઠકોમાંથી ભાજપે ૨૩ બેઠકો જીતેલી. આ બેઠકો ભાજપે પોતે જ જીતેલી બેઠકો છે. યુપીમાં અપના દલ, મહારાષ્ટ્રમાં શિવસેના અને બિહારમાં એલજેપી તથા જેડીયુ સાથે ભાજપનું જોડાણ હતું તેથી ભાજપ તમામ બેઠકો પર નહોતો લડ્યો. આમ છતાં ભાજપ ૧૦૭ બેઠકો જીતેલો.
અત્યારે સમીકરણો અલગ છે. મહારાષ્ટ્રમાં શિવસેનામાં ભંગાણ પછી ઉદ્ધવ ભાજપ સામે છે જ્યારે બિહારમાં નીતીશ ભાજપ સામે છે. યુપીમાં અખિલેશ યાદવ, મહારાષ્ટ્રમાં શરદ પવાર અને ઉદ્ધવ અને બિહારમાં નીતીશ-તેજસ્વી જોરદાર દેખાવ કરીને ૭૦ ટકા જેટલી બેઠકો જીતી જાય તો ભાજપના બાર વાગી જાય. ભાજપને સીધો પચાસેક બેઠકોનો ફટકો પડી જાય અને વિપક્ષો પાસે ૧૧૫થી ૧૨૦ બેઠકો હોય.
આ સિવાય બીજા છ રાજ્યો એવાં છે કે જ્યાં ભાજપ પ્રાદેશિક પક્ષો સામે બહુ તાકાતવર નથી. પશ્ર્ચિમ બંગાળ (૪૨), તમિલનાડુ (૩૯), આંધ્ર પ્રદેશ (૨૫), કેરળ (૨૧), ઓડિશા (૨૧) અને તેલંગણા (૧૭) એ છ રાજ્યો એવાં છે કે જ્યાં ભાજપ ગમે તેટલું જોર કર્યા છતાં અત્યાર સુધી ફાવ્યો નથી. આ છ રાજ્યોમાં લોકસભાની ૧૬૫ બેઠકો છે. આ છ રાજ્યોમાં કેરળને બાદ કરતાં કૉંગ્રેસ ક્યાંય ચિત્રમાં નથી.
હવે પ્રાદેશિક પક્ષો આ રાજ્યોમાં પણ ૭૦ ટકાની આસપાસ બેઠકો જીતે તો તેમના ખાતામાં બીજી ૧૧૦ બેઠકો થઈ જાય. મતલબ કે, દેશનાં નવ મહત્ત્વનાં રાજ્યોમાંથી પ્રાદેશિક પક્ષો સિત્તેર ટકા બેઠકો જીતે તો ૨૩૫ બેઠકો જીતી શકે તેમ છે. અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી દિલ્હી અને પંજાબમાં મજબૂત બની છે. આ બંને રાજ્યોની કુલ મળીને ૨૦ બેઠકો છે. આમ આદમી પાર્ટી તેમાંથી ૧૦ બેઠકો લઈ જાય તો પ્રાદેશિક પક્ષોની બેઠકોનો આંકડો ૨૪૫ પર પહોંચી જાય. એ પછી બહુમતી માટે માંડ ત્રીસેક બેઠકો જોઈએ. આ ૧૧ રાજ્યોની કુલ ૩૫૩ બેઠકોમાંથી માનો કે પ્રાદેશિક પક્ષો ૮૦ ટકા બેઠકો જીતે તો ૨૭૨ બેઠકોનો આંકડો પાર કરીને બહુમતી મેળવી જાય.
વાસ્તવિક રીતે આ શક્ય નથી એ સાચું પણ કોંગ્રેસ હોય તો જ પ્રાદેશિક પક્ષો ભાજપને હરાવી શકે એ કોંગ્રેસનો બહુ મોટો ભ્રમ છે. કૉંગ્રેસે આ ભ્રમમાંથી બહાર આવવાની જરૂર છે. ઉ