એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ
કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે તેથી ટીપુ સુલતાનનો મુદ્દો પાછો ચગ્યો છે. કર્ણાટકમાં ટીપુ સુલાતનના નામની હોળી છેલ્લાં ઘણાં વરસોથી સળગેલી જ છે ને છાસવારે ભડકા થયા જ કરે છે. કર્ણાટકમાં અગાઉની કૉંગ્રેસની સરકારે મુસ્લિમ મતબૅંકની લ્હાયમાં ટીપુ સુલતાનને મોટો ભા બનાવી દીધો હતો.
કૉંગ્રેસ સરકારે કર્ણાટકમાં દર વર્ષે ૧૦ નવેમ્બરે ટીપુની જન્મજ્યંતિની શાનદાર ઉજવણી કરવાની પ્રથા શરૂ કરેલી. સામે ભાજપ તેનો ઉગ્ર વિરોધ કરતો હતો. કુમારસ્વામીની પાર્ટી જનતા દળ સેક્યુલર પણ ટીપુ સુલતાનની જન્મજ્યંતિની ઉજવણીની વિરુદ્ધ છે. આ ઉપરાંત કેથોલિક ખ્રિસ્તીઓને પણ ટીપુ સુલતાન સામે વાંધો છે કેમ કે ટીપુએ કેથોલિક ખ્રિસ્તીઓની પણ કત્લેઆમ કરાવેલી. હિંદુઓ અને કેથોલિક ખ્રિસ્તીઓ સાથે મળીને ટીપુનો સતત વિરોધ કરે છે તેથી કર્ણાટકમાં આ સળગતો મુદ્દો છે.
આ મુદ્દાના આધારે મત મળે છે તેથી રાજકારણીઓને તેને સળગતો રાખવામાં રસ છે. રાજકારણીઓ કોઈ ને કોઈ બહાને આ મુદ્દાને ભડકાવે છે ને રાજકીય ફાયદો મેળવવા મથે છે. આ વખતે પણ એવું જ થયું છે. વિધાનસભાની ચૂંટણી આવી એટલે ભાજપના નેતાઓએ ટીપુ સુલતાનને ભાંડવાનો કાર્યક્રમ બહુ પહેલાં જ શરૂ કરી દીધેલો. હવે કર્ણાટકની ભાજપ સરકારના મંત્રી મુનિરત્નની ફિલ્મ પ્રોડક્શન કંપનીએ એક ફિલ્મ બનાવી છે. તેમાં દાવો કરાયો છે કે, ટીપુ સુલતાન અંગ્રેજો સામેના યુદ્ધમાં મરાયેલો એ વાત સાવ ખોટી છે.
આ ફિલ્મમાં બતાવાયું છે કે, ટીપુને તો ઉરી ગોવડા અને નાન્જે ગોવડા નામના વોક્કાલિંગા સમુદાયના બે બહાદુરોએ માર્યો હતો. ઉરી ગોવડા અને નાન્જે ગોવડા વોક્કાલિંગા સમુદાયના સેનાપતિઓ હતા. મૈસૂરમાં વરસોથી આ દંતકથા ચાલે છે. અદ્દાંદા કરીઅપ્પા નામના લેખકે પોતાના પુસ્તકમાં તેનો ઉલ્લેખ કરેલો ને તેના પરથી પછી નાટક બનેલું.
કરીઅપ્પાએ દાવો કરેલો કે, ટીપુ સુલતાને ૮૦ હજાર કુર્ગીઓને પણ મારી નાંખ્યા હતા. ઈતિહાસકારો આ બંને દાવાને ખોટો ગણાવે છે. વોક્કાલિંગા સમુદાય આ વાતને સાચી માને છે. જેડીએસની મતબૅંક વોક્કાલિગં સમુદાય છે તેથી કુમારસ્વામી આણિ મંડળી આ દાવાને સાચો ગણાવે છે જ્યારે ભાજપને હિંદુ મતબૅંકમાં રસ હોવાથી ટીપુ વિરોધી વાતોને સાચી ગણાવે છે. હવે ચૂંટણી નજીક આવી છે ત્યારે ફરી આ દાવાને ચગાવાઈ રહ્યો છે ને તેમાં બબાલ થઈ ગઈ છે.
ટીપુને ખરેખર કોણે માર્યો એ કહેવું મુશ્કેલ છે પણ ટીપુ વિવાદાસ્પદ કેરેક્ટર છે જ. ટીપુ મૈસૂરનો બાદશાહ હતો ને દંભી સેક્યુલર ઈતિહાસકારોએ તેને મહાન ને સેક્યુલર બાદશાહ બનાવીને આપણી સામે રજૂ કર્યો પણ છેલ્લાં કેટલાંક વરસોમાં થયેલાં સંશોધનો જોતાં ટીપુનાં લખ્ખણ વખાણવા જેવા નથી જ.
ડાબેરી ઈતિહાસકારોએ લખેલાં દેશના ઈતિહાસનાં પાઠ્યપુસ્તકો પ્રમાણે ટીપુ મહાન શાસક હતો. આ ઈતિહાસ પ્રમાણે ટીપુ સુલતાન સર્વધર્મ સમભાવમાં માનતો અને હિંદુઓને પણ સાચવતો હતો. .
ટીપુના પિતા હૈદર અલીએ ખડું કરેલું મૈસૂરનું સામ્રાજ્ય ટીપુને વારસામાં મળેલું પણ એ આ સામ્રાજ્યને સાચવી ના શક્યો છતાં ઈતિહાસકારોની આ જમાત ટીપુને ટાઈગર ઓફ મૈસૂર જેવાં વિશેષણોથી નવાજીને ટીપુને દેશના મહાન શાસકોમાં એક ગણાવે છે. તેમના મતે સેક્યુલર ટીપુએ હિંદુઓના શૃંગેરી મઠને મદદ કરીને મરાઠાઓના આક્રમણથી બચાવ્યું હતું. ટીપુ અંગ્રેજો સામે બહાદુરીથી લડેલો અને દેશને આઝાદ કરવા માટે સર્વસ્વ દાવ પર લગાવી દીધેલું. ટીપુએ દેશની આઝાદી માટે જંગ કરેલો ને પોતાના બે દીકરાનાં બલિદાન પણ આપી દીધેલાં. પોતે પણ અંગ્રેજો સામે લડતાં મરેલો.
ટીપુ સુલતાનની આ મહાનતાનાં ગુણગાન પેઢીઓની પેઢીઓ સમક્ષ ગવાયાં પછી હિંદુવાદી ઈતિહાસકારોએ ખણખોદ કરીને શોધેલી વાતો લોકો સમક્ષ મૂકાઈ. આ વાતો ટીપુનો જુદો જ ચહેરો આપણી સામે રજૂ કરે છે. હિંદુ ઈતિહાસકારોનો દાવો છે કે અત્યાર લગી આપણે ટીપુને મહાન માનીને પૂજતા રહ્યા પણ. ટીપુનું જે ચિત્રણ કરાય છે એ સાવ ખોટું છે.
વાસ્તવમાં ટીપુ હળાહળ કોમવાદી હતો. ટીપુએ મોટા ભાગે હિન્દુ રાજાઓ પર હુમલા કરીને ચાર લાખ હિંદુઓને પતાવી દીધા હતા. ટીપુએ મોટા પાયે ધર્માંતરણ પણ કરાવેલું ને લાખો હિંદુઓને વટલાવીને મુસ્લિમ બનાવી દીધા હતા. ટીપુ એવા લોકેને છોડી દેતો કે જે ઈસ્લામ સ્વીકારી લેતા પણ બીજાં બધાંને મારી નાંખતો. તેણે ૪૦ હજાર કોડાવા હિન્દુઓને વટલાઈને મુસ્લિમ બનવાની જવાની ફરજ પાડી હતી. ટીપુએ તમિલ આંયગર બ્રાહ્મણોની પણ કત્લેઆમ કરાવેલી.
ટીપુ માનતો ખ્રિસ્તીઓ અંગ્રેજોના પીઠ્ઠુ છે. ખ્રિસ્તીઓ અંદરખાને તેમને મદદ કરે છે એવું માનતા ટીપુએ ખ્રિસ્તીઓને પણ નહોતા છોડ્યા. ટીપુએ મેંગલોર પર હુમલો કર્યો પછી ૭૦ હજાર સીરિયન કેથોલિક ખ્રિસ્તીને કેદમાં રાખેલા. ૨૪ ફેબ્રુઆરી, ૧૮૮૪થી ૪, મે ૧૯૯૯ લગી એટલે ક ૧૫ વરસ લગી ટીપુની કેદમાં તેમને જાનવરની જેમ રખાયેલા. આ ખ્રિસ્તીઓને જાનવરની જેમ કેદમાં પૂરીને તેમના પર અસહ્ય અત્યાચારો કર્યા હતા. સાત હજાર ખ્રિસ્તીઓ ગમે તે રીતે ભાગ્યા પણ બાકીના ટીપુના અત્યાચારો અને ક્રૂરતાનો ભોગ બનીને મોતને ભેટ્યા. જેલમાં સબડતા ખ્રિસ્તી કેદીઓને ટીપુના મોત પછી છોડવામાં આવ્યા હતા. ટીપુના અત્યાચારોની થથરી જવાય તેવી કથાઓ તેમણે કહેલી ને તેનું દસ્તાવેજીકરણ પણ થયેલું.
ટીપુને મહાન માનનારા ઈતિહાસકારો આ વાતોને ખોટી ગણાવે છે પણ હિંદુઓના મોટા વર્ગ અને ખ્રિસ્તીઓમાં પણ તેને માટે નફરત છે એ અકારણ ન જ હોય. પેઢી દર પેઢી ચાલી આવતી વાતોના કારણે જ વર્તમાન પેઢીના માનસમાં ટીપુની એક ઈમેજ બંધાઈ હોય એ જોતાં ટીપુને સર્વધર્મ સમભાવમાં માનનારા બાદશાહ તરીકે સ્વીકારવો અઘરો છે. કૉંગ્રેસ મુસ્લિમોના મતોને વાસ્તે ટીપુની પાલખી ઉંચકીને ફરે તેનાથી ટીપુ મહાન બની જતો નથી.
જ્યાં સુધી ટીપુ અંગ્રજો સામે લડતાં મરેલો કે નહીં એ મુદ્દાનો પ્રશ્ર્ન છે તો ટીપુના મોત અંગે પહેલા પણ વિરોધાભાસી દાવા થયા છે. આ પૈકી ક્યો દાવો સાચો એ નક્કી કરવું અઘરું છે તેથી આ વિવાદ ચાલ્યા જ કરશે. રાજકીય ફાયદાની વાત છે તેથી ઈતિહાસકારો વાદવિવાદ ન કરે તો પણ રાજકારણીઓ તો આ મુદ્દાને સળગતો રાખવાના જ. ઉ