એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ
પંજાબમાં ભગવંત માનની સરકારે અંતે ખાલિસ્તાનવાદી નેતા અમૃતપાલસિંહના સમર્થકો પર તૂટી પડવાની હિંમત બતાવી દીધી. પંજાબ પોલીસે શનિવારે શરૂ કરેલા અભિયાન હેઠળ અમૃતપાલના ૧૦૦ જેટલા સમર્થકોને ઉઠાવીને જેલમા નાંખી દીધા છે. અમૃતપાલ પોતે ફરાર છે એવું પોલીસે કહ્યું છે પણ પોલીસ અમૃતપાલને લઈ જતી હોય એવી તસવીરો ફરતી થઈ પછી પોલીસ સાચું બોલે છે કે કેમ એ સવાલ છે. પંજાબ પોલીસ અમૃતપાલનો ઘડોલાડવો કરીને દુશ્મનને ઉગતો જ ડામવાનું ડહાપણ બતાવવા માગે છે કે શું એવો સવાલ પણ થઈ રહ્યો છે.
પંજાબ પોલીસ અમૃતપાલનું શું કરશે તેની ખબર બે-ચાર દિવસમાં પડી જ જશે તેથી તેની ચર્ચા કરવાનો મતલબ નથી પણ આ કાર્યવાહી સાચી દિશામાં છે તેમાં બેમત નથી. આ કાર્યવાહી અત્યારે ના કરાય તો તેની આકરી કિંમત દેશે ચૂકવવી પડે. અમૃતપાલનો ઈરાદો ૧૯૮૦ અને ૧૯૯૦ના દાયકામાં પંજાબમાં ખાલિસ્તાનની માગણી સાથે હિંસા ભડકી હતી તેનું પુનરાવર્તન કરવાનો છે તેમાં કોઈ શંકા નથી. અમૃતપાલનાં અત્યાર લગીનાં લખ્ખણ એવાં જ છે. અમૃતપાલ તથા તેના સમર્થકોને પોતાની માગણીનો સ્વીકાર કરાવવા માટે માટે હિંસા કરવી પડે કે હથિયાર ઉઠાવવાં પડે તો તેનો પણ છોછ નથી એ પણ સૌએ જોયું જ છે.
જરનૈલસિંહ ભિંડરાનવાલેને પોતાનો આદર્શ માનતો અમૃતપાલ તેમના જ રસ્તે જઈ રહ્યો છે. જરનૈલસિંહ ભિંડરાનવાલેએ પંજાબમાં ૧૯૮૦ના દાયકામાં આતંકવાદને ભડકાવીને લોકોનું જીવવું હરામ કરી નાખેલું. ભિંડરાનવાલે પંજાબમાં ખાલિસ્તાનવાદી આતંકવાદનો પ્રણેતા મનાય છે. પંજાબમાં અકાલી દળના વર્ચસ્વને તોડવા ઈન્દિરા ગાંધીએ ઊભો કરેલો ભિંડરાનવાલે દમદમી તક્સાલનો જથ્થેદાર હતો. ભિંડરાનવાલેએ પછીથી અકાલી દળ સાથે હાથ મિલાવીને ધરમયુદ્ધ મોરચા બનાવ્યો અને ઈન્દિરા ગાંધીની સામે બાંયો ચડાવીને આતંકવાદને ભડકાવ્યો હતો.
ભિંડરાનવાલેએ શીખ યુવાનોને અલગ ખાલિસ્તાનની માગણી માટે હથિયાર ઉઠાવવા ભડકાવ્યા હતા. તેના કારણે શીખ યુવાનો હથિયારો લઈને નિકળી પડ્યા ને ખાલિસ્તાની આતંકવાદની શરૂઆત થઈ. પાકિસ્તાને બળતામાં પેટ્રોલ હોમવાનું કામ કર્યું ને પાકિસ્તાનની મદદથી ખાલિસ્તાની આતંકવાદ ભડક્યો. પાકિસ્તાને ઊભા કરેલા ખાલિસ્તાન કમાન્ડો ફોર્સ, ઓલ ઈન્ડિયા શીખ સ્ટુડન્ટ ફેડરેશન સહિતનાં આતંકવાદી સંગઠનો એ વખતે રોજ પાંચ-સાત હત્યાઓ કરતાં, બેંકો લૂંટતાં ને રાજકારણીઓની પણ હત્યા કરી દેતા.
ભિંડરાનવાલેએ ૧૯૮૨માં શીખો માટે પવિત્ર મનાતા અમૃતસરના સુવર્ણ મંદિર પર કબજો કરીને તેને આતંકવાદનો અડ્ડો બનાવી દીધેલો. ભિંડરાનવાલેએ હથિયારબદ્ધ માણસો ગોઠવીને કિલ્લેબંધી કરી દીધી ને શીખોના પવિત્ર સુવર્ણ મંદિરમાંથી આતંકવાદી પ્રવૃત્તિઓ કરવા માંડી એટલે ભિંડરાનવાલેના સફાયા માટે ઈન્દિરાએ સુવર્ણ મંદિરમાં લશ્કર મોકલવાના આદેશ આપેલો. એ વખતના લશ્કરી વડા કૃષ્ણરાવે શીખ સૈનિકોના બળવાના ડરે ઈન્કાર કર્યો પણ તેમના પછી લશ્કરી વડા બનેલા જનરલ અરૂણ વૈદ્યે એ ઈચ્છા પૂરી કરી. ૧૯૮૨માં પહેલી વાર સુવર્ણ મંદિરમાં લશ્કર મોકલાયું ત્યારે ભિંડરાનવાલેના માણસો જતા રહેલા પણ લશ્કરની વિદાય પછી ફરી સુવર્ણ મંદિર પર કબજો કરી લીધો.
ઈન્દિરાએ જૂન ૧૯૮૪માં ફરી સુવર્ણ મંદિરમાં લશ્કર મોકલીને ઓપરેશન બ્લુ સ્ટાર કરાવ્યું તેમાં ભિંડરાનવાલે માર્યો ગયો હતો. જો કે સુવર્ણ મંદિરમા લશ્કર મોકલાયું તેના કારણે શીખોની ધાર્મિક લાગણી દુભાઈ અને ઈન્દિરા ગાંધીની હત્યા થઈ. ઈન્દિરાની હત્યાના પગલે થયેલાં શીખ વિરોધી રમખાણોના કારણે ખાલિસ્તાનવાદીઓ વધારે ઉગ્રતાથી હિંસા તરફ વળ્યા. સામાન્ય લોકોનો પણ તેમને ટેકો મળ્યો. આ કારણ એ પછીના એક દાયકા સુધી પંજાબ જ નહીં પણ આખા દેશે ખાલિસ્તાની આતંકવાદનાં માઠાં પરિણામ ભોગવ્યાં.
પંજાબમાં અમૃતપાલ એ જ સ્થિતિ પેદા કરવા માગે છે. અમૃતપાલ પોતાને તો ભિંડરાનવાલેનો અનુયાયી ગણાવે જ છે પણ પંજાબના દરેક યુવાને ભિંડરાનવાલે બનવું જોઈએ એવો હુંકાર પણ કરે છે. શીખોની ધાર્મિક બાબતમાં કોઈની દખલ ના જોઈએ, શીખો માટે અલગ ખાલસા રાજ જોઈએ એવી ભિંડરાનવાલે જેવી જ વાતો અમૃતપાલ કરે છે. અમૃતપાલ ઉગ્રવાદી શીખોના બનેલા સંગઠન ‘વારિસ પંજાબ દે’ના માધ્યમથી ભડકાઉ ભાષણો કરીને અલગ ખાલિસ્તાનની માગણી માટે જાન પણ આપી દેવાના હુંકાર કરી રહ્યો છે.
અમૃતપાલ શીખો અને હિંદુઓ વચ્ચે વૈમનસ્ય ઊભું કરવા પણ મથી રહ્યો છે. અમૃતસરમાં શિવસેનાના નેતા સુધીર સૂરીની હત્યા થઈ તેમાં અમૃતપાલની સંડોવણી હોવાના આક્ષેપ થયેલા. એ વખતે અમૃતપાલને નજરકેદ કરાયેલો પણ પુરાવાના અભાવે આરોપી ના બનાવી શકાયો. એ પછી અમૃતપાલના સમર્થકોએ જલંધરના ગુરદ્વારા સાહિબમાં ઘૂસીને સોફા અને ખુરશીઓ તોડી નાખેલા કેમ કે શીખ ધર્મની મર્યાદા પ્રમાણે ગ્રંથસાહિબની સામે કોઈ ઉપર ના બેસી શકે.
ગયા મહિને અમૃતપાલના સમર્થકો પોલીસ સ્ટેશન પર હુમલો કરીને એક યુવકને છોડાવી ગયેલા. અમૃતપાલ વિરૂદ્ધ કોમેન્ટ કરનારા વિરેન્દ્રસિંહને અમૃતપાલના સમર્થકોએ ઢોરમાર મારીને રસ્તા પર ફેંકી દીધેલો. આ કેસમાં ફરિયાદ થતાં પોલીસે અમૃતપાલ સિંહના સાગરિત લવપ્રીત તૂફાનીની ધરપકડ કરતાં અમૃતપાલના હજારો સમર્થકો અમૃતસરના અજનાલા પોલીસ સ્ટેશન પર ઉમટી પડેલા. લાઠીઓ અને તલવારો સાથે ઉમટેલા અમૃતપાલના સમર્થકોએ પોલીસોને ફટકાર્યા અને પોલીસ સ્ટેશન પર કબજો કરી લીધો હતો.
અમૃતપાલે પોલીસને ધમકી આપી હતી કે, એક કલાકમાં ફરિયાદ રદ નહીં થાય તો પંજાબમાં કંઈ પણ થઈ શકે છે. અમૃતપાલની ધમકી સામે પોલીસે શરણાગતિ સ્વીકારીને તૂફાની સહિતના આરોપીઓને છોડી મૂક્યા હતા. અમૃતપાલે જાહેરમાં નાક વાઢી લીધું પછી પોલીસે તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ બનાવવાની જાહેરાત કરી હતી.
અમૃતપાલની વાતો અને વર્તન પરથી ખબર પડે કે, અમૃતપાલને ખાલિસ્તાનની માગણીના નામે ભારતમાં હિંસા ભડકાવવામાં જ રસ છે. ભારતમાં ફરી અશાંતિ અને અરાજકતા ઊભી કરવા સિવાય તેને બીજા કશામાં રસ નથી. આ સ્થિતિમાં અમૃતપાલને ઊગતો ડામી દેવા માટે જે કરવું પડે એ કરવું જોઈએ.
અજનાલાની ઘટનાને કારણે આબરૂનો ભારે ધજાગરો થયો હોવા છતાં પંજાબ પોલીસ ગમ ખાઈ ગયેલી. હવે પૂરતી તૈયારી કર્યા પછી પંજાબ પોલીસે તલવાર તાણી જ છે તો અમૃતપાલનો ખેલ પૂરો જ કરી નાખવો જોઈએ. દેશમાં શાંતિ જોઈતી હોય તો તેના સિવાય બીજો કોઈ ઉપાય નથી. ઉ