Homeએકસ્ટ્રા અફેરઓસ્કર અવૉર્ડ્સમાં ભારત માટે ડબલ ધમાકા

ઓસ્કર અવૉર્ડ્સમાં ભારત માટે ડબલ ધમાકા

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

વિશ્ર્વ સિનેમામાં સર્વોચ્ચ મનાતા અકાદમી અવૉર્ડ્સ એટલે કે ઓસ્કર અવૉર્ડ્સની જાહેરાત થઈ ગઈ ને ભારત માટે ડબલ ધમાકા થઈ ગયો. સોમવારે સવારે અમેરિકાના લોસ એન્જલસમાં યોજાયેલા ઑસ્કર અવૉર્ડ્સમાં પહેલાં કાર્તિકી ગોન્સાલ્વીઝ અને ગુણીત મોંગાની ‘ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ’એ બેસ્ટ ડોક્યુમેન્ટરી (શોર્ટ સબ્જેક્ટ)’ કેટેગરીમાં ઓસ્કર અવૉર્ડ જીતીને ભારતીયોની સવાર સુધારી દીધી ને પછી રાજામૌલીની યશસ્વી ફિલ્મ ‘આરઆરઆર’ ‘ના નાટુ નાટુ’ ગીતે બેસ્ટ ઓરિજિનલ સોંગની કેટેગરીમાં ઓસ્કર અવૉર્ડ જીતીને સોને પે સુહાગા કરી નાંખ્યું.
‘ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ’ અને ‘આરઆરઆર’ ‘ના નાટુ નાટુ’ ગીત ઉપરાંત શૌનક સેનની ડોક્યુમેન્ટરી ફિચર ફિલ્મ ‘ઓલ ધેટ બ્રીધ્સ’ પણ ઓસ્કર અવૉર્ડ્સની રેસમાં હતી. પ્રદૂષણના કારણે બેભાન થઈને પડી જતા બ્લેક કાઈટ પક્ષીને બચાવવા મથતા બે મુસ્લિમ ભાઈઓ મોહમ્મદ સાઉદ અને નદીમ શેહઝાદની કથા કહેતી ‘ઓલ ધેટ બ્રીધ્સ’ પણ સુંદર ફિલ્મ છે પણ અવૉર્ડ ના જીતી શકી. એ રીતે ભારતની ત્રણ એન્ટ્રી ઓસ્કરની ફાઈનલ રેસમાં હતી ને તેમાંથી બે એન્ટ્રી જીતી છે એ મોટી વાત છે.
મજાની વાત એ છે કે, આ વખતે ઓસ્કર જીતનારી બંને ભારતીય એન્ટ્રીએ ઈતિહાસ દોહરાવ્યો છે. રસપ્રદ વાત એ છે કે, ‘ઓલ ધેટ બ્રીધ્સ’ના કિસ્સામાં પણ ઈતિહાસ દોહરાવાયો છે. ગયા વર્ષે રિન્ચુ થોમસ અને સુસ્મિતા ઘોષની ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘રાઈટિંગ વિથ ફાયર’ ડોક્યુમેન્ટરી ફીચર કેટેગરીમાં નોમિનેટ થઈ હતી પરંતુ ઑસ્કર અવૉર્ડ મેળવી શકી ન હતી. આ વખતે ‘ઓલ ધેટ બ્રીધ્સ’ સાથે એવું જ થયું. ખેર, વિશ્ર્વના સર્વોચ્ચ અવૉર્ડ માટે નોમિનેટ થવું એ પણ મોટી વાત છે. ‘ઓલ ધેટ બ્રીધ્સ’ પણ એ રીતે ઈતિહાસ રચી જ ગઈ છે.
‘નાટુ નાટુ’ ગીત બેસ્ટ ઓરિજિનલ સોંગની કેટેગરીમાં ઓસ્કર અવૉર્ડ જીતનારું બીજું ગીત છે. આ પહેલાં ડેની બોયલે ડિરેક્ટ કરેલી અમેરિકન પ્રોડક્શનની ફિલ્મ ‘સ્લમડોગ મિલિયોનેર’ની ગીત ‘જય હો’ને બેસ્ટ ઓરિજિનલ સોંગની કેટેગરીમાં ઓસ્કર અવૉર્ડ મળ્યો હતો. સંગીતકાર એ.આર. રહેમાન, ગીતકાર ગુલઝાર તથા ગાયકો સુખવિંદર, મહાલક્ષ્મી ઐયર, તનવી શાહને ‘જય હો’ માટે ઓસ્કાર અવૉર્ડ મળેલો. ‘નાટુ નાટુ’ ગીતે જય હો’નો ઈતિહાસ દોહરાવ્યો છે. ‘નાટુ નાટુ’ માટે સંગીતકાર એમ.એમ. કિરવાની, ગીતકાર ચંદ્રબોસ અને ગાયકો રાહુલ સીપલીગંજ તથા કાલા ભૈરવને ઓસ્કર અવૉર્ડ મળ્યો છે.
અલબત્ત ‘નાટુ નાટુ’ ગીતને ઓસ્કર મળ્યો એ ભારત માટે વધારે ગર્વની વાત છે કેમ કે ‘જય હો’ ગીત જે ફિલ્મ સ્લમડોગ મિલિયોનેર અંગ્રેજી ભાષાની ફિલ્મ હતી ને તેની સાથે સંકલાયેલા મોટા ભાગના લોકો બ્રિટિશ કે અમેરિકન હતા. અલબત્ત ‘જય હો’ ભારતીય સર્જકોની કમાલ હતી તેથી આ ગીતને ઓસ્કાર અવૉર્ડ મળતાં સૌને ગર્વ થયેલો જ. ‘નાટુ નાટુ’ ગીતથી વધારે ગર્વ એટલે થાય કે, ‘આરઆરઆર’ સંપૂર્ણપણે ભારતીય ફિલ્મ છે. આ ગીત ભારતીય લોકગીત પર આધારિત છે ને તેની સાથે સંકળાયેલા તમામ લોકો પણ ભારતીય છે.
ગુણીત મોંગા અને કાર્તિકી ગોન્સાલ્વીઝની ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ ‘એ બેસ્ટ ડોક્યુમેન્ટરી’ બેસ્ટ ડોક્યુમેન્ટરી (શોર્ટ સબ્જેક્ટ)’ કેટેગરીમાં ઓસ્કર અવૉર્ડ જીતીયો એ સાથે જ ગુણીત મોંગાએ પોતાનો જ ઈતિહાસ દોહરાવ્યો છે. આ પહેલાં ગુણીત મોંગાની પીરિયડ. એન્ડ ઓફ સેન્ટન્સ ‘બેસ્ટ ડોક્યુમેન્ટરી (શોર્ટ સબ્જેક્ટ)’ કેટેગરીમાં ઓસ્કર અવૉર્ડ જીતી હતી. હવે ગુણીતે કાર્તિકી સાથે મળીને ચાર જ વર્ષમાં ‘ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ’ માટે બીજો ઓસ્કર અવૉર્ડ જીતીને કમાલ કરી દીધી છે. ગુણીત મોંગા આ ફિલ્મની નિર્માતા છે જ્યારે કાર્તિકી ગોન્સાલ્વિસ નિર્દેશક છે. કાર્તિકી ગોન્સાલ્વિસની તો આ પ્રથમ જ ફિલ્મ છે એ જોતાં કાર્તિકીએ પહેલા જ ધડાકે મીર મારી દીધો છે.
‘ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ’ ફિલ્મમાં પરિવારથી છૂટા પડી ગયેલા હાથીના બચ્ચા રઘુને પોતાના સંતાનની જેમ ઉછેરતા બોમ્મન અને બેઈલી નામના દંપતિની કથા છે. અબોલ પશુ અને માણસો વચ્ચેના શબ્દો વિના જ માત્ર સ્પર્શ અને આંખોથી વ્યકત થતા પ્રેમની કથા કહેતી આ હૃદયસ્પર્શી ફિલ્મ ઓસ્કર જીતશે એવી ધારણા હતી જ ને એ સાચી પડી છે. ‘નાટુ નાટુ’ તો મોટા ભાગનાં લોકોએ જોઈ જ લીધું હશે તેથી આ ગીત જોવા ક્યા જવું એ કહેવાની જરૂર નથી પણ ‘ધ એલિફન્ટ વ્હીસ્પર્સ’ ક્યાં જોવા મળશે એ જાણવામાં ઘણાંને રસ છે. ‘ધ એલિફન્ટ વ્હીસ્પર્સ’ નેટફ્લિક્સની ડોક્યુમેન્ટ્રી ફિલ્મ છે તેથી નેટફ્લિક્સ પર જોવા મળશે. નેટફ્લિક્સ પર ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ કેટેગરીમાં જશો એટલે મૂળ તમિલ ભાષામાં બનેલી ને અંગ્રેજી સબ ટાઈટલ ધરાવતી ૩૯ મિનિટ લાંબી ‘ધ એલિફન્ટ વ્હીસ્પર્સ’ જોઈ શકાશે.
ભારત માટે આ ગૌરવની ઘડી છે તેમાં બેમત નથી પણ સાથે સાથે સવાલ પણ થાય કે, વિશ્ર્વમાં સૌથી વધારે ફિલ્મ નિર્માણ કરતા ભારતમાંથી આટલાં વરસોમાં ગણતરીના ઓસ્કર અવૉર્ડ્સ જ મળ્યા એવું કેમ? ભારતની એક પણ ફિલ્મને હજુ સુધી શ્રેષ્ઠ વિદેશી ભાષાની ફિલ્મનો અવૉર્ડ તો મળ્યો જ નથી. આ પહેલાં જય હો ગીત માટે ઓસ્કર અવૉર્ડ જીતનારા ગુલઝાર, એ. આર. રહેમાન, રસૂલ પૂકુટ્ટી, ભાનુ અથૈયાને ઓસ્કાર અવૉર્ડ વિદેશી ફિલ્મમાં આપેલા યોગદાન માટે મળ્યો હતો. વિદેશીઓ તેમની આવડતનો લાભ લઈ શક્યા પણ ભારતીય નિર્માતા નથી લઈ શક્યા. સત્યજીત રેને લાઈફટાઈમ અચિવમેન્ટ અવૉર્ડ અપાયો તેનું કારણ વિદેશમા તેમની ફિલ્મોને મળેલી સરાહના હતી.
ભારત ઓસ્કરમાં જીતી નથી શકતું તેનું કારણ એ છે કે, ભારતમાં ઈન્ટરનેશનલ ઓડિયન્સને પસંદ આવે એવી ફિલ્મો ભાગ્યે જ બને છે. સમગ્ર વિશ્ર્વને સ્પર્શે એવા વિષયો, ઐતિહાસિક વિષયવસ્તુ, ઝણઝણાવી નાંખે એવી માનવી સંવેદના પર આધારિત ફિલ્મોમાં ભારતમાં બનતી જ નથી. તેના બદલે ભારતની મોટા ભાગની ભાષાઓમાં બિબાંઢાળ એટલે કે ફોર્મ્યુલા ફિલ્મો બને છે.
હીરો-હીરોઈનની લવ સ્ટોરી, વિલન, ફાઈટિંગ, ગીતો વગેરે મોટા ભાગની ભારતીય ફિલ્મોમાં હોય છે. ઓસ્કર એવોર્ડ જીતનારી ઘણી ફિલ્મોમાં આ બધું હોય જ છે પણ તેની ટ્રીટમેન્ટ અલગ હોય છે. અત્યારે વિશ્ર્વભરમાં ધૂમ મચાવી રહેલી અવતાર ટુ એક રીતે ફોર્મ્યુલા મૂવી જ છે પણ તેનું બેકગ્રાઉન્ડ અને ટ્રીટમેન્ટ એટલી લાજવાબ છે કે ફિલ્મ સાવ અલગ જ લાગે છે. ભારતીય ફિલ્મો એ સ્તરે પહોંચે તો ઓસ્કર જીતી શકે. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular