એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ28
અમેરિકા માટે પોતાનાં હિતો જ સર્વોપરિ છે ને પોતાનાં હિતો જાળવવા માટે અમેરિકા ગમે તે કરી શકે છે. જેની સાથે દોસ્તી હોય તેને લાત મારીને હડધૂત કરવામાં પણ તેને છોછ નથી ને જેને ગાળો દેતું હોય તેને ગળે લગાડવામાં પણ તેને શરમ નથી નડતી. અમેરિકાની આ માનસિકતાનો પરચો બહુ વાર મળ્યો છે ને અમેરિકાની સરહદમાં ઘૂસેલા ચીનના બલૂનને મામલે અમેરિકાએ ફરી એ જ સ્વાર્થીપણાનો પરચો આપ્યો છે.
અમેરિકાની સરહદમાં ફરી રહેલા ચીનના બલૂનને ચોથી ફેબ્રુઆરીએ મિસાઇલથી તોડી પાડવામાં આવ્યું તેના પગલે અમેરિકા અને ચીન વચ્ચે તણાવ વધી ગયો છે. અમેરિકાનો આક્ષેપ હતો કે, ચીન દ્વારા આ બલૂન મારફતે સરહદમાં ઘૂસણખોરી કરીને અમેરિકાનાં પરમાણુ મથકોની જાસૂસી કરવામાં આવી હતી. બીજી તરફ ચીનનું કહેવું છે કે, આ બલૂન નાગરિક હેતુ માટેનાં હતાં ને હવામાનની માહિતી એકઠી કરવા જ આવ્યાં હતાં. ચીને યોગ્ય સમયે તેનો જવાબ આપવાની ચીમકી પણ આપી હતી.
દરમિયાનમાં અમેરિકાએ આ જ પ્રકારનાં બીજાં ચાર બલૂન અથવા તો યુએફઓ તોડી પાડ્યાં હોવાનો દાવો કર્યો હતો. અમેરિકાએ સત્તાવાર રીતે કશું કહ્યું નહોતું પણ આડકતરી રીતે આ બલૂન પણ ચીનનાં હોવાનો સંકેત આપેલો. હવે અમેરિકાએ ગુલાંટ લગાવી દીધી છે. અમેરિકન પ્રમુખ જો બાઈડને ચીન સાથેના સંબંધોમાં વ્યાપેલી તંગદિલીને હળવી કરવા માટે જાહેર કર્યું છે કે, બલૂનની ઘટના બાદ જે ત્રણ યુએફઓ તોડી પડાયાં તેમને ચીનની સાથે સંબંધ નહોતો. ચોથી ફેબ્રુઆરીએ મિસાઇલથી બલૂનને તોડી પાડવામાં આવ્યું એ ચીનનું હતું પણ ત્યાર બાદ તોડી પાડવામાં આવેલા ત્રણેય યુએફઓ ખાનગી કંપનીઓનાં રિસર્ચ અથવા તો અન્ય બલૂન હોઇ શકે છે.
બાઇડને ચીનનું બલૂન તોડી પાડ્યું એ માટે માફી માગી નથી પણ ચીનને સારું લગાડવા એવું ચોક્કસ કહ્યું છે કે, અમેરિકા ચીન સાથે સંઘર્ષ નથી ઈચ્છતું પણ સ્પર્ધા ઇચ્છે છે. ચીન પણ બલૂન તોડી પાડવાની ઘટનાના કારણે અમેરિકા સાથે સંબંધોને ખરાબ નહીં કરે એવી આશા પણ બાઈડને વ્યક્ત કરી. બાઈડને એમ પણ કહ્યું છે કે પોતે વાતચીત માટેનો માર્ગ ખુલ્લો રાખવા માટે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વાત કરશે.
અમેરિકાએ ચીનના બલૂન પછી ત્રણ અન્ય શંકાસ્પદ વસ્તુઓનો તોડી પાડી ત્યારે ચીન પર પોતાની સરહદમાં ઘૂસીને આંતરિક બાબતોમાં દખલગીરી કરવાનો આરોપ પણ મૂક્યો હતો. સાથે સાથે ચીમકી પણ આપી હતી કે, ચીનની આ હરકતો સાંખી લેવાશે નહીં. બલૂન કાંડ પછી અમેરિકાના વિદેશમંત્રી એન્ટની જે બ્લિન્કેને ચીનની યાત્રા રદ કરી દીધી હતી. સામે ચીને પણ એ જ પ્રકારનું વર્તન કરીને અમેરિકાના સંરક્ષણમંત્રી લોયડ જે. ઓસ્ટીનના ફોનનો જવાબ આપ્યો ન હતો.
આ ઘટનાક્રનમના કારણે અમેરિકા અને ચીનના સંબંધોમાં તણાવ દેખાતો જ હતો પણ હવે અચાનક અમેરિકાના સૂર બદલાઈ ગયા છે. અત્યાર સુધી ચીન સામે આક્રમક ભાષા બોલતા બાઈડન અચાનક ઢીલાઢફ થઈ ગયા તેના કારણે આખી દુનિયામાં આશ્ર્ચર્ય છે પણ આ વરસોથી અમેરિકાની નીતિ છે. અમેરિકા ચીન પર આર્થિક રીતે એટલું બધું નિર્ભર થઈ ગયું છે કે, ચીન સાથેના સંબંધો બગાડવા તેને પરવડે તેમ જ નથી.
બાઈડનના સૂર ઢીલા પડ્યા એ માટે અમેરિકાની મોટી કંપનીઓનું દબાણ કામ કરી ગયું હોવાનું કહેવાય છે. ચીન સાથે વેપારી સંબંધો જાળવવા એ અમેરિકાની મજબૂરી છે કેમ કે અમેરિકાની ટોચની કંપનીઓ ચીન સાથે અબજોડૉલરનો વેપાર કરે છે. આ કંપનીઓના દબાણમાં બાઇડેને ખુલાસો કરવાની ફરજ પડી છે એ દેખીતું છે.
ચીને બલૂનકાંડ પછી અમેરિકાની બે ટોચની કંપની લોકહિડ માર્ટીન અને ફોર્ડ મોટર્સને સૌથી પહેલાં બૂચ લગાવી દીધેલો. લોકહિડ માર્ટિન વિશ્ર્વમાં સંરક્ષણ ઉત્પાદનોમાં ટોચની કંપની છે અને ૭૦થી વધુ દેશોમાં નિકાસ કરે છે. લોકહિડ માર્ટિન લશ્કરી કરારો અમેરિકન સરકારની સાથે મળીને કરે છે. ચીને બલૂનકાંડ પછી લોકહિડનાં ઉત્પાદનો લેવાનો ઈનકાર કરી દેતાં કંપની દોડતી થઈ ગયેલી.
ચીને અમેરિકન કાર કંપની ફોર્ડ મોટરને ઇલેક્ટ્રિક વાહનોના પ્લાન્ટ માટે લિથિયમ આયર્ન ફોસ્ફેટ બેટરી ટેક્નોલોજી આપવાનો કરાર કર્યો છે. બલૂનકાંડ પછી આ સમજૂતી અંગે ફેરવિચારણા કરવાની જાહેરાત કરી હતી. આ સમજૂતીમાં કોઈ ભ્રષ્ટાચાર થયો છે કે નહીં તેની તપાસ કરવાની જાહેરાત કરી હતી. ચીન સમજૂતી તોડી નાંખે તો કોર ટેક્નોલોજી ફોર્ડને ન મળે ને ફોર્ડની ઈવી બનાવવાની મહત્ત્વાકાંક્ષા યોજના પર પાણી ફરી વળે. ડચકાં ખાઈ રહેલી ફોર્ડને ચીન પાસેથી ટેકનોલોજી ના મળે તો તાળાં વાગી જાય તેથી ફોર્ડ પણ દોડતી થઈ ગયેલી.
ચીને લોકહિડ માર્ટિન અને ફોર્ડનું નાક દબાવીને બાઈડનનું મોં ખોલાવી દીધું છે. બાઈડને એક બલૂન ચીનનું હતું એ વાતને વળગી રહેવું પડ્યું કેમ કે આ મામલે થૂંકેલું ચાટી શકાય તેમ નથી પણ બીજા કિસ્સાઓમાં ચીનને ક્લીન ચીટ આપવી પડી છે.
ચીનની આર્થિક તાકાત કેટલી જબરદસ્ત છે તેનો આ પુરાવો છે. ચીને ધીરે ધીરે પોતાની તાકાત વધારી છે. અમેરિકા સહિતના દેશોને સાવ સસ્તો માલ પધરાવીને ચીન તેમનાં પેટમાં પેઠું ને હવે પેટમાં ઘૂસીને પગ પહોળી કરી રહ્યું છે. અમેરિકાના પેટમાં દુ:ખે છે છતાં અમેરિકા કશું કરી શકતું નથી કેમ કે ચીનની તાકાત જબરદસ્ત થઈ ગઈ છે ને તેના કરતાં પણ મોટી વાત એ છે કે, અમેરિકા ચીનનું આશ્રિત થઈ ગયું છે.
આ પહેલાં ડોનલ્ડ ટ્રમ્પે ચીનને નાથવાની કોશિશ કરેલી. ચીન અમેરિકા પાસેથી ઓછો માલ લે છે ને વધારે પધરાવે છે. તેના કારણે બંને દેશો વચ્ચેની વ્યાપાર ખાધ વધતી જાય છે. ટ્રમ્પે આ ખાધ ઘટાડવા બહુ મથામણ કરી જોઈ પણ ચીને મચક નહોતી આપી કેમ કે તેને ખબર છે કે, અમેરિકાનો હવે ચીન વિના છૂટકો નથી. ચીન પાસે બહુ જબરદસ્ત મેનપાવર છે ને ટેકનોલોજી છે. તેનો ઉપયોગ કરીને ચીન આખી દુનિયાને સસ્તો માલ પધરાવે છે. તેનો વિકલ્પ નહીં શોધાય ત્યાં સુધી અમેરિકાએ ચીન સામે નમવું પડશે. ઉ