આઝાદ-આનંદને બાંધી મુઠ્ઠી ખૂલી જવાનો ડર

એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ
થોડા સમયની શાંતિ પછી કૉંગ્રેસમાં પાછું ડખાપંચક શરૂ થયું છે અને સોનિયા તથા રાહુલ ગાંધીના વિરોધી બળવાખોર જૂથના નેતાઓએ તલવાર તાણી છે. પાંચેક દિવસ પહેલાં કૉંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદને જમ્મુ અને કાશ્મીરમાં રાજકીય બાબતોની સમિતિ અને સમન્વય સમિતિના પ્રમુખ બનાવાયા તેમાં માઠું લાગી ગયું હતું. આઝાદે રાજકીય બાબતોની સમિતિ અને સમન્વય સમિતિના પ્રમુખ બનાવ્યાના કલાકોમાં રાજીનામું ધરી દઈને ધડાકો કરેલો.
હવે કૉંગ્રેસના બીજા એક નેતા આનંદ શર્માને પણ હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી સમિતિના ચૅરમૅન બનાવાતાં માઠું લાગી ગયું. અલબત્ત આનંદ શર્માએ હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી સમિતિના ચૅરમૅનપદે નિમાયાના ચાર મહિના પછી રાજીનામું આપ્યું છે. આનંદ શર્માએ સોનિયા ગાધીને પત્ર લખીને ખુલ્લી નારાજગી વ્યક્ત કરી છે અને રાજીનામું આપ્યું છે. આનંદ શર્માનું કહેવું છે કે, કૉંગ્રેસની કોઈપણ બેઠકમાં તેમને આમંત્રિત કરવામાં આવતા નથી અને તેમની પાર્ટીમાં અવગણના કરવામાં આવી રહી છે તેથી તેમના સ્વાભિમાનને ઠેસ પહોંચી છે. આ કારણે પોતે રાજીનામું ધરી રહ્યા છે.
આનંદ શર્મા પહેલાં રાજ્યસભામાં કૉંગ્રેસના ઉપનેતા હતા પણ કૉંગ્રેસે તેમને ફરી ટિકિટ ના આપતાં નવરા થઈ ગયા હતા. શર્માને ૨૬ એપ્રિલે હિમાચલ પ્રદેશમાં ચૂંટણી સંચાલન સમિતિના પ્રમુખ નિમવામાં આવ્યા હતા. આ વર્ષના અંતમાં થનારી હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણી કૉંગ્રેસ માટે મહત્વની છે. હિમાચલમાં અત્યારે ભાજપ સત્તામાં છે ને કૉંગ્રેસ ભાજપ પાસેથી સત્તા ખૂંચવી લેવાની મથામણ કરી રહી છે ત્યારે જ આ ડખો થયો છે.
આનંદ શર્મા મૂળ હિમાચલ પ્રદેશના છે પણ વર્ષોથી રાષ્ટ્રીયકક્ષાએ જ છે. આ કારણે શર્માને હિમાચલ પ્રદેશના સૌથી મોટા નેતાઓમાં એક ગણવામાં આવે છે પણ તેમનો સ્થાનિક સ્તરે એવો કોઈ પ્રભાવ નથી. આનંદ શર્મા વિદ્યાર્થી કાળથી રાજકારણમાં સક્રિય હતા ને કૉંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈના પ્રમુખ પણ રહ્યા છે. આનંદ શર્માએ ૧૯૮૨માં પહેલીવાર હિમાચલ પ્રદેશમાંથી વિધાનસભા ચૂંટણી લડી હતી પણ હારી ગયા હતા.
જો કે યુથ કૉંગ્રેસમાં સક્રિય હોવાથી રાજીવ ગાંધીની નજરમાં વસી ગયા હતા. રાજીવ ગાંધીની ભલામણથી ૧૯૮૪માં તત્કાલીન પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીએ તેમને રાજ્યસભાની ટિકિટ આપી હતી. શર્મા ત્યારથી રાજ્યસભાના સભ્ય છે અને પાર્ટીમાં ઘણા ઉચ્ચ પદો પર રહ્યાં છે પણ કદી ચૂંટણી લડ્યા નથી. જો કે વરસો લગી મોટા હોદ્દા ભોગવ્યા હોવાથી રાષ્ટ્રીયકક્ષાએ મોટા નેતા ગણાતા હોવાથી તેમને જવાબદારી અપાઈ હતી પણ તેમણે સ્વાભિમાનનો મુદ્દો ઊભો કરીને રાજીનામું ધરી દીધું. શર્માએ આશ્ર્વાસન આપ્યું છે કે, પોતે કૉંગ્રેસના ઉમેદવારો માટે પ્રચાર કરશે. શર્મા હિમાચલમાં પ્રચાર કરે કે ના કરે, મતદારોને બહુ ફરક નહીં પડે તેથી કૉંગ્રેસ બહું હરખાવા જેવું નથી.
ગુલામ નબી આઝાદ પછી આનંદ શર્માનું રાજીનામું કૉંગ્રેસમાં ભારેલો અગ્નિ હોવાના પુરાવારૂપ છે. આઝાદે પણ બિલકુલ આ જ સ્ટાઈલમાં રાજીનામું ધર્યું હતું. ૧૬ ઑગસ્ટે જમ્મુ-કાશ્મીરના ગુલામ નબી આઝાદને ઈલેક્શન કેમ્પેઈન કમિટિના ચૅરમૅન બનાવવામાં આવ્યા ને તેના ૨ કલાક પછી રાજીનામું આપીન તેમણે ધડાકો કરી દીધો હતો.
આઝાદનું માનવું છે કે, પોતે રાષ્ટ્રીયકક્ષાએ રાજકીય બાબતોની સમિતિના સભ્ય છે ત્યારે રાજ્યકક્ષાની સમિતિમાં મૂકીને ડીમોશન કરાયું છે. તેના વિરોધમાં તેમણે બંને સમિતિમાંથી રાજીનામું ધરી દીધું હતું. આઝાદે જે કારણ આપ્યું એ ગળે ઉતરે એવું નહોતું કેમ કે વાસ્તવમાં સોનિયા ગાંધીએ આડકતરી રીતે આઝાદને મુખ્યમંત્રીપદના ઉમેદવાર જાહેર કરી દીધા હતા.
સોનિયાએ આઝાદ ઈચ્છતા હતા એ રીતે જમ્મુ-કાશ્મીર સંગઠનમાં મોટો ફેરફાર કરીને ગુલામ નબી આઝાદના ખાસ મનાતા વિકાર રસૂલ વાનીને જમ્મુ-કાશ્મીર કૉંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે. ગુલામ નબી આઝાદને કેમ્પેઈન કમિટીના ચૅરમૅન બનાવ્યા ને સાથે સાથે રાજકીય બાબતોની સમિતિ અને સમન્વય સમિતિના પ્રમુખ પણ બનાવવામાં આવ્યા હતા. એ રીતે જોઈએ તો સોનિયાએ આઝાદને જમ્મુ અને કાશ્મીરના મામલે સર્વસત્તાધીશ બનાવી દીધા હતા પણ આઝાદે વાહિયાત કારણ આગળ ધરીને રાજીનામું ધરી દીધું.
સોનિયા ગાંધીએ આઝાદને મહત્વ આપીને બળવાખોર જૂથ સાથે સમાધાનના સંકેત આપ્યા હતા પણ આઝાદને એ માન્ય નહોતું. સોનિયા રાહુલને ફરી કૉંગ્રેસ પ્રમુખ બનાવવા માગે છે. કૉંગ્રેસ પ્રમુખપદની ચૂંટણીમાં આઝાદ સહિતના બળવાખોર નેતાઓ રાહુલ ગાંધીની વરણી સામે કોઈ મુશ્કેલી ના ઊભી કરે એટલા માટે આઝાદને મહત્ત્વ અપાયું હોવાનું મનાતું હતું પણ આઝાદને આ વાત માફક ના આવી અને એ ઊભા થઈ ગયા.
કૉંગ્રેસે સત્તાવાર રીતે એવું કારણ આપ્યું છે કે આઝાદે ખરાબ સ્વાસ્થ્યના કારણે જમ્મુ અને કાશ્મીરમાં ઈલેક્શન કેમ્પેઈન સમિતિનું અધ્યક્ષપદ સંભાળવાનો ઈન્કાર કર્યો છે. ગુલામ નબી આઝાદની નજીકનાં સૂત્રોનું કહેવું છે કે, આઝાદને નારાજગી એ વાતથી છે કે તેમની ભલામણોની અવગણના કરવામાં આવી રહી છે અને કારણે નવી જવાબદારી લેવાથી ઈન્કાર કર્યો છે.
કૉંગ્રેસ ઘરનો કંકાસ બહાર ના આવે એટલે વાતને વાળવા આ બધી વાતો કરે છે જ્યારે આઝાદના સમર્થકો પોતાની ટંગડી ઊંચી રાખવા જુદું જ વાજું વગાડી રહ્યા છે પણ વાસ્તવમાં આઝાદ અને આનંદ શર્મા સહિતના બળવાખોર નેતાઓ જવાબદારી લેવાતી દૂર ભાગી રહ્યા છે કેમ કે તેમને પોતાની બાંધી મુઠ્ઠી ખૂલી જવાનો ડર છે.
આઝાદ અને આનંદ શર્મા સહિતના બળવાખોર નેતાઓ બહોળા મતદાર વર્ગને અપીલ કરી શકે એવા નેતા જ નથી. એ લોકો વરસોથી નહેરુ-ગાંધી ખાનદાનની ચાપલૂસી કરીને ટક્યા છે. આ ચાપલૂસીના કારણે રાજ્યસભામાં પહોંચી જતા ને મંત્રીપદ પણ ભોગવતા પણ કૉંગ્રેસને જીતાડવાની તેમનામાં તાકાત નથી. બલ્કે ચૂંટણી લડીને પોતે જ જીતી શકે તેમ નથી.
સોનિયા ગાંધીએ આઝાદને જમ્મુ અને કાશ્મીર તથા આનંદ શર્માને હિમાચલ પ્રદેશમાં કૉંગ્રેસને જીતાડવાની જવાબદારી સોંપી હતી પણ બંનેને ખબર છે કે, આપણામાં જીતાડવાની તાકાત જ નથી. કૉંગ્રેસની કારમી હાર થાય ને બેઆબરૂ થઈને પતી જવું પડે એ પહેલાં તેમણે વાહિયાત કારણો રજૂ કરીને રાજીનામાં ધરી દીધાં.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.