એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ
ઉત્તરાખંડમાં જોશીમઠની સમસ્યાનો ઉકેલ હજુ આવ્યો નથી ત્યાં ચારધામ યાત્રાની જાહેરાત કરી દેવાઈ છે. ઉત્તરાખંડમાં આવેલાં હિંદુઓનાં ચાર પવિત્ર ધર્મસ્થાનો બદરીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને જમનોત્રીને ઉત્તરાખંડનાં ચારધામ કહેવાય છે. ઉત્તરાખંડની ભાજપ સરકારે કરેલી જાહેરાત પ્રમાણે, ૨૫ એપ્રિલથી ચારધામની યાત્રા શરૂ થઈ જશે.
ઉત્તરાખંડ સરકારની જાહેરાત પ્રમાણે, કેદારનાથ મંદિર ૨૫ એપ્રિલે સવારે ૬.૨૦ વાગ્યાથી ભક્તો માટે ખોલી દેવામાં આવશે જ્યારે બે દિવસ પછી એટલે કે ૨૭ એપ્રિલના રોજ બદરીનાથ ધામના કપાટ સવારે ૭.૧૦ વાગ્યાથી ખોલવામાં આવશે. કેદારનાથની સાથે જ ગંગોત્રી અને જમનોત્રી પણ ખુલી જતાં હોય છે તેથી ૨૫ એપ્રિલથી હિંદુ શ્રદ્ધાળુઓ ચારધામની યાત્રા કરી શકશે.
ચિંતાની વાત એ છે કે, એક તરફ ઉત્તરાખંડ સરકારે ચારધામ યાત્રાની જાહેરાત કરી છે ત્યારે બીજી તરફ છેલ્લા છ મહિનાથી ગાજી રહેલા જોશીમઠમાં ફરી તિરાડો જોવા મળી છે. વધારે ચિંતાની વાત એ છે કે, આ વખતે તિરાડો જોશીમઠ-બદરીનાથ હાઈવે પર જ જોવા મળી છે. હાઈવે પરની આ ૧૦થી વધારે મોટી તિરાડો જોશીમઠથી મારવાડી વચ્ચે ૧૦ કિમીના પટ્ટામાં ફેલાયેલી છે.
આ હાઈવે જોશીમઠ અને બદરીનાથને જોડે છે તેથી ચાર ધામની યાત્રાએ જનારાં આ હાઈવે પરથી જ નીકળશે. તેના કારણે ચારધામની યાત્રા પર સંકટનાં વાદળ ઘેરાઈ રહ્યાં છે. આ વિસ્તારમાં ધીરે ધીરે તિરાડોની સંખ્યા વધી રહી છે ને પહેલાં ઈમારતોમાં પડેલી તિરાડો હવે હાઈવે પર પણ દેખાતાં સ્થિતિ ગંભીર છે એ કહેવાની જરૂર નથી.
જોશીમઠમાં જમીન ઘસવાથી અત્યાર સુધી ૮૬૮ ઘરોમાં તિરાડ પડી છે ને તેનો ઉકેલ આવ્યો નથી ત્યાં હાઈવે પર તિરાડો દેખાતાં નવી આફત આવી છે પણ સરકારને તિરાડો કરતાં વધારે ચિંતા યાત્રાળુઓ આવે ને કમાણી થાય તેની છે. આ કારણે પહેલાં તો હાઈવે પરની તિરાડોની વાતને ગંભીરતાથી લેવાઈ જ નહોતી પણ સ્થાનિક લોકોએ બાંયો ચડાવી પછી સરકારે જાગવું પડ્યું છે.
જોશીમઠમાં મકાનોમાં તિરાડો પડી પછી જોશીમઠ બચાવો સંઘર્ષ સમિતિ બનાવાઈ છે કે જે હાથ પર હાથ મૂકીને બેસી રહેલી સરકાર પર દબાણ લાવીને જગાડવા મથે છે. આ સમિતિએ સરકારને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, આ ખૂબ જ મોટું સંકટ છે. ચારધામ યાત્રા દરમિયાન હજારોની સંખ્યામાં ભક્ત અને શ્રદ્ધાળુઓ બદરીનાથ જશે અને બદરીનાથ પહોંચવા માટેનો આ હાઈવે જ એકમાત્ર રસ્તો છે.
હાઈવે પર પડેલી તિરાડોને જોતાં જમીન ધસી પડે એવો ખતરો છે ને હજારો શ્રદ્ધાળુઓના જીવ પર જોખમ છે તેથી જે કંઈ પણ કરવું હોય એ જજલદી કરો પણ સરકારે આ વાત એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાંખેલી. સમિતિએ ક્યાં ક્યાં તિરાડો પડી છે એ પણ કહેલું. તેમાંથી એક તિરાડ તો બ્રિજ પાસે છે. આ બ્રિજ બેસી જાય તો શું થાય તેની કલ્પના કરી શકાય એમ જ નથી. હાઈવે પર થોડા દિવસ પહેલાં પડેલી બે તિરાડને બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનના માણસોએ ભરી દીધી હતી પણ આ તિરાડો હવે ફરીથી દેખાવા લાગી છે. તેના પરથી જ ખબર પડે કે જમીનમાં મોટું પોલાણ થઈ ગયું છે.
સમિતિએ તો ત્યાં લગી કહેલું કે, બીજું કંઈ ના કરો તો કંઈ નહીં પણ વાહનો પર પ્રતિબંધ મૂકી દો કેમ કે જરાક બેદરકારી પણ ચારધામ યાત્રાના શ્રદ્ધાળુઓના જીવ માટે મોટો ખતરો બની શકે છે. ચારધામની યાત્રા દરમિયાન થોકબંધ અવર-જવર થશે જ એ જોતાં સંકટ વધી શકે છે તેથી કમ સે કમ વાહનો પર પ્રતિબંધ મૂકી દો તો મોટી હોનારત ના થાય પણ સરકાર સાંભળતી જ નહોતી.
સરકારની નિર્ભરતાથી થાકીને સમિતિએ મીડિયાને પોતાની સાથે લીધું ને મીડિયામાં આ મુદ્દો ચગતાં છેવટે ચમોલી જિલ્લાના કલેક્ટરે એક ટીમને જાતતપાસ માટે મોકલવાનું એલાન કરવું પડ્યું છે. આ ટીમ તપાસ કર્યા પછી પોતાનો રિપોર્ટ તંત્રને સોંપશે ને એ પછી આ મામલે આગળ કાર્યવાહી કરવામાં આવશે એવું એલાન કલેક્ટર દ્વારા કરાયું છે. આ કમિટી ક્યાં લગી રિપોર્ટ સોંપશે એ નક્કી નથી એ જોતાં સરકાર અત્યારે થઈ રહેલી હોહાને ટાઢી પાડવા માટે તપાસનું નાટક કરી રહી છે એ સ્પષ્ટ છે.
ઉત્તરાખંડ સરકારને કમાણીમાં રસ છે તેથી એ કશું કરે એવી આશા રાખવા જેવી નથી પણ હિંદુઓએ આ મુદ્દાને ગંભીરતાથી લેવાની જરૂર છે કેમ કે આ પ્રશ્ર્ન હિંદુઓના જીવનનો છે. લાખો હિંદુઓ ઉત્તરાખંડમાં ચારધામની યાત્રા માટે જતા હોય છે. આ શ્રદ્ધાનો વિષય છે ને હિંદુ શ્રદ્ધાળુઓને એ અધિકાર પણ છે તેથી ચારધામની યાત્રાએ જવામાં કશું ખોટું નથી પણ આ યાત્રા સલામત અને સુરક્ષિત રહે એ જોવું જરૂરી છે. સાથે સાથે જોશીમઠ અને બીજાં હિંદુ ધર્મસ્થાનોની સલામતી જળવાય એ પણ જરૂરી છે. વધારે પડતી ભીડ કે ધસારાના કારણે આ ધર્મસ્થાનો પર કોઈ જોખમ ના આવે એ જોવાની હિંદુઓની ફરજ છે કેમ કે આ ધર્મસ્થાનો હિંદુઓનાં છે.
આ સંજોગોમાં હિંદુઓએ બને ત્યાં સુધી વાહનોનો ઉપયોગ ટાળવો જોઈએ. વાહનો વિના યાત્રા કરવી બહુ કપરી છે પણ આપણા પૂર્વજો એ રીતે જ ચારધામની યાત્રા કરતા હતા. દુર્ગમ સ્થાનો પર આવેલાં તીર્થસ્થાનો પર જવાથી વધારે પુણ્ય મળે એ માન્યતાના કારણે જ બદરીનાથ, કેદારનાથ સહિતનાં ધર્મસ્થાનોનું મહાત્મ્ય વધ્યું છે. હિંદુઓએ ફરી કષ્ટ સાથેની યાત્રા તરફ વળે તો એ સારું છે. તેના કારણે વણજોઈતી ભીડ ટળશે ને જેમના હૃદયમાં ખરેખર શ્રદ્ધા છે એ લોકો ગમે તેવાં કષ્ટ વેઠીને પણ પહોંચશે.
હિંદુવાદી સંગઠનોએ પણ આગળ આવીને ચારધામની યાત્રા કઈ રીતે કરવી હિતાવહ છે એ વિશે શ્રદ્ધાળુઓને યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ. સ્થાનિક નિષ્ણાતો, ભૂસ્તરશાસ્ત્રીઓ વગેરેના ઓપિનિયન લઈને લોકોને સાચી માહિતી પહોંચાડવી જોઈએ, આ સંગઠનો હિંદુઓના હિતમાં બીજું કશું નક્કર તો કરતાં નથી પણ કમ સે કમ આટવું તો કરી જ શકે.