એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ
જમ્મુ અને કાશ્મીરમાં આ વરસે વિધાનસભાની ચૂંટણી યોજાશે કે નહીં તેની અટકળો ચાલી રહી છે ત્યારે સુપ્રીમ કોર્ટે સોમવારે મોટો ચુકાદો આપીને જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા બેઠકોના મતવિસ્તારોના નવા સીમાંકનને પડકારતી અરજીને ફગાવી દીધી. તેના કારણે જમ્મુ અને કાશ્મીરમાં આ વરસે વિધાનસભાની ચૂંટણી યોજવાનો માર્ગ મોકળો થઈ ગયો છે.
સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો મહત્ત્વનો છે કેમ કે આ મુદ્દો બંધારણીય અર્થઘટનનો હતો. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા પછી ઓગસ્ટ મહિનામાં જમ્મુ અને કાશ્મીર મુદ્દે બે મોટા ઐતિહાસિક નિર્ણય લીધા હતા. મોદી સરકારે પહેલો નિર્ણય જમ્મુ અને કાશ્મીરને ખાસ દરજ્જો આપતી બંધારણની કલમ ૩૭૦ અને કલમ ૩૫ એને નાબૂદ કરવાનો લીધો હતો.
મોદી સરકારે બીજો ઐતિહાસિક નિર્ણય જમ્મુ અને કાશ્મીરને બે ભાગમાં વહેંચવાનો લીધો. જમ્મુ અને કાશ્મીર રાજ્ય કાશ્મીર ખીણ, જમ્મુ અને લેહ-લદ્દાખ એ ત્રણ પ્રદેશમાં વહેંચાયેલું છે. મોદી સરકારે લદ્દાખને જમ્મુ અને કાશ્મીરથી અલગ કરીને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપ્યો હતો. જમ્મુ અને કાશ્મીરને પણ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દીધો પણ ફરક એટલો છે કે જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા હશે જ્યારે લદ્દાખમાં વિધાનસભા નહીં હોય.
જમ્મુ અને કાશ્મીરમાં રાજકીય પ્રક્રિયા શરૂ કરવા માટે નવું સીમાંકન કરવું જરૂરી હતું કેમ કે લદ્દાખનો પ્રદેશ બાદ થતાં ચાર બેઠકો ઘટી હતી. મોદી સરકારે સીમાંકન કમિશનની રચના કરીને જમ્મુ અને કાશ્મીરની તમામ વિધાનસભા બેઠકોના નવા સીમાંકનની કામગીરી સોંપી હતી. ૬ માર્ચ, ૨૦૨૦ ના રોજ કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રાલયે સીમાંકન અધિનિયમ, ૨૦૦૨ ની કલમ ૩ હેઠળ નવું સીમાંકન પંચ રચેલું. સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જસ્ટિસ રંજના દેસાઈને સીમાંકન પંચનાં અધ્યક્ષ બનાવાયાં હતાં.
શ્રીનગરના બે સજજનો હાજી અબ્દુલ ગની ખાન અને મોહમ્મદ અયુબ મટ્ટુએ તેની સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને મહત્ત્વનો મુદ્દો ઉઠાવ્યો હતો કે, દેશના કાયદા હેઠળ, સીમાંકનની કવાયત હાથ ધરવાની સત્તા ભારતીય ચૂંટણીપંચ જ ધરાવે છે તેથી કેન્દ્ર સરકારે બનાવેલા સીમાંકન પંચે કરેલા નવા સીમાંકનને માન્ય ના રાખવું જોઈએ. તેમની બીજી દલીલ એ હતી કે, સીમાંકનની કવાયત ૨૦૧૧ની વસ્તી ગણતરી પર આધારિત ન હોવી જોઈએ પરંતુ ૨૦૦૧ની વસ્તી ગણતરી મુજબ થવી જોઈએ કેમ કે ૨૦૦૯ની લોકસભાની ચૂંટણીમાં નવું સીમાંકન કરાયું તેનો આધાર ૨૦૦૧ની વસતી હતી. ૨૦૦૧ને વસતી ગણતરીનો આધાર ના રખાય તો ૨૦૨૬ પછીની પ્રથમ વસ્તી ગણતરીની રાહ જોવી જોઈએ એવી પણ દલીલ કરાઈ હતી.
કેન્દ્ર સરકારે આ દલીલનો વિરોધ કરતાં કહેલું કે, રાજ્યોમા સીમાંકનની સત્તા ચૂંટણી પંચ પાસે છે પણ કેન્દ્રશાસિત પ્રદેશોમાં સીમાંકન કરવા માટે બે વૈકલ્પિક પદ્ધતિઓની જોગવાઈ નવા કાયદા બેઠળ કરાઈ છે. રાજ્યોની વિધાનસભાના મતવિસ્તારોનું સીમાંકન નક્કી કરવાની સત્તા ચૂંટણી પંચ પાસે જ છે ને તેમાં સરકારે કોઈ ફેરફાર કર્યો નથી. ૨૦૦૧ની વસતી ગણતરીને આધાર બનાવવાની દલીલનો પણ સરકારે વિરોધ કરેલો કેમ કે છેલ્લાં ૨૨ વર્ષમાં ઘણાં સમીકરણો બદલાઈ ગયાં છે. બીજી તરફ કેન્દ્ર સરકાર નવા રચાયેલા કેન્દ્રશાસિત પ્રદેશને તાત્કાલિક લોકશાહી આપવા વિચારે છે તેથી ૨૦૨૬ સુધી રાહ જોઈ શકાય એમ નથી એવી દલીલ પણ તેમણે કરી હતી.
સુપ્રીમ કોર્ટે આ દલીલને માન્ય રાખીને સીમાંકનને પરડકારતી અરજી ફગાવી છે.
અલબત્ત સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે, જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ, ૨૦૧૯ની માન્યતા અંગે કોઈ ચુકાદો આપ્યો નથી. જમ્મુ અને કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરવાના કેન્દ્રના નિર્ણયને પડકારતી અરજીઓ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ને તેનો ચુકાદો યોગ્ય સમયે આવશે. સુપ્રીમ કોર્ટ જમ્મુ અને કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરવાના કેન્દ્રના નિર્ણયને અયોગ્ય ઠેરવે તો આપોઆપ નવું સીમાંકન રદ થઈ જાય.
સુપ્રીમ કોર્ટનો ચુકાદો બહુ મહત્ત્વનો છે કેમ કે તેના કારણે કાશ્મીરમાં રાજકીય પ્રક્રિયાનો રસ્તો ખૂલી ગયો છે. કાશ્મીરમાં રાજકીય પ્રક્રિયા શરૂ કરવા માટે સીમાંકન કરાવવું જરૂરી હતું કે જેથી જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ભવિષ્યમાં યોજાનારી ચૂંટણીઓ કાશ્મીરનાં બદલાયેલાં ભૌગોલિક સમીકરણો પ્રમાણે થાય. બંધારણની કલમ ૩૭૦ની નાબૂદી પછી જમ્મુ અને કાશ્મીરનું વિભાજન કરાયું એ સંજોગોમાં નવું સીમાંકન કરવું જ પડે તેથી નવા સીમાંકનમાં કશું ખોટું નહોતું.
મોદી સરકારે એ પ્રક્રિયા પૂરી કરીને નવા સીમાંકનની જાહેરાત પણ કરી નાખી હતી પણ સુપ્રીમ કોર્ટમાં માલો અટવાયેલો રહે તો નવું સીમાંકન માન્ય ના ગણાય. નવું સીમાંકન માન્ય ના ગણાય તો ચૂંટણી પણ ના કરી શકાય એ જોતાં કાશ્મીર રાષ્ટ્રપતિશાસન હેઠળ જ રહે ને લોકશાહીની સ્થાપના જ ના થાય. આ સ્થિતિ પેદા ના થાય એટલા માટે નવા સીમાંકન પર સુપ્રીમ કોર્ટની મંજૂરીની મહોર જરૂરી હતી કે જેથી કોઈ કાયદાકીય અવરોધ ના રહે. આ ચુકાદાથી એ અવરોધ દૂર થયો છે.
મોદી સરકાર હવે ક્યારે ચૂંટણીની જાહેરાત કરે છે એ જોવાનું રહે છે કેમ કે જમ્મુ અને કાશ્મીરમાં રાજકીય પ્રક્રિયા શરૂ થાય, ચૂંટાયેલી સરકાર આવે એ અત્યંત જરૂરી છે. જમ્મુ અના કાશ્મીરમાં લોકોના મતોથી ચૂંટાયેલી સરકાર સ્થાપિત કરીને જ ભારત કાશ્મીર ને કાશ્મીરીઓ ભારત સાથે દિલથી જોડાયેલા છે એ સાબિત કરી શકે છે. લોકો મતદાનમાં ભાગ લે તેના કારણે તેમનો ભારતને ટેકો છે એ વાત આપોઆપર સાબિત થઈ જાય.
બંધારણની કલમ ૩૭૦ અને કલમ ૩૫ એ નાબૂદ કરી દેવાઈ એ વાતને સાડા ત્રણ વર્ષ થઈ ગયાં છે છતાં જમ્મુ અને કાશ્મીરમાં રાજકીય પ્રવૃત્તિ ફરી શરૂ થઈ નથી. તેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની આબરૂનો ધજાગરો થાય છે. ભારત લોકશાહી દેશ છે ને લોકશાહી દેશમાં ચૂંટાયેલી સરકારના બદલે લેફ્ટનન્ટ ગવર્નર કે લશ્કર રાજ કરે એ શરમજનક કહેવાય. મોદી સરકારે આ શરમજનક સ્થિતિને નિવારવા ચૂંટણી કરાવવી જરૂરી છે.
સુપ્રીમ કોર્ટના ચુકાદાએ એ તખ્તો તૈયાર કરી દીધો છે. હવે મોદી સરકારે ઝડપથી નિર્ણય લેવાનો છે ને જમ્મુ અને કાશ્મીરમાં ઝડપથી ચૂંટણી કરાવીને કલમ ૩૭૦ની નાબૂદીનો વિરોધ કરનારાંને જડબાતોડ જવાબ આપવાનો છે.