એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ
હિન્દી ફિલ્મ સંગીતનાં વધુ એક જાણીતાં પાર્શ્વગાયિકા વાણી જયરામે રવિવારે વિદાય લીધી. દક્ષિણની ફિલ્મોમાં વધારે ગાનારાં પદ્મવિભૂષણથી સન્માનિત વાણી જયરામનું ૭૭ વર્ષની ઉંમરે નિધન થયું. વાણી તેમનાં ચેન્નઈના ઘરમાં મૃત અવસ્થામાં મળી આવ્યાં ને તેમનું મોત રહસ્યમય છે કેમ કે તેમના માથામાં પાછળના ભાગમાં વાગેલું હતું. એવું કહેવાય છે કે, વાણીને ઘણા સમય પહેલાં માથામાં ઇજા થઈ હતી. તેને કારણે તેઓ સતત બીમાર રહેતાં હતાં. આ કારણે જ એ પડી ગયાં ને મોતને ભેટ્યાં.
વાણી જયરામ હિન્દી ફિલ્મ સંગીતની જૂની પેઢીનાં એ ગાયિકા હતાં કે જેમણે લતા મંગેશકર અને આશા ભોંસલેના એકચક્રી શાસનના દિવસોમાં પોતાની નોંધ લેવડાવી હતી, બલકે અમીટ છાપ છોડી હતી. આજની પેઢી માટે વાણી જયરામ અજાણ્યું નામ છે પણ જૂની પેઢીના હિંદી ફિલ્મ સંગીતના રસિયા વાણી જયરામના નામથી માત્ર વાકેફ જ નથી પણ તેમનાં ગીતોના આંશિક પણ છે. વાણી જયરામે દક્ષિણ ભારતીય ફિલ્મોમાં વધારે ગીતો ગાયા કેમ કે વાણી મૂળ દક્ષિણ ભારતીય હતાં. તેમનો જન્મ ૧૯૪૫માં તમિલનાડુના વેલ્લોરમાં થયો હતો અને તેમનું મૂળ નામ કલૈવાની હતું. આ કારણ સ્વભાવિક રીતે જ તેમનો ઝૂકાવ સાઉથની ફિલ્મો તરફ વધારે હોય પણ પણ વાણીએ બીજી ભાષાની ફિલ્મોમાં પણ યાદગાર ગીતો ગાયા છે.
વાણી જયરામે પોતાની પાંચ દાયકામાં પથરાયેલી પાર્શ્વગાયિકા તરીકેની લાંબી કારકિર્દીમાં ૧૯ ભાષામાં ૪ હજારથી પણ વધુ ગીતો ગાયા હોવાનું કહેવાય છે. તમિળ, તેલુગુ, ક્ધનડ, મલયાલમ એ ચાર સાઉથ ભારતની ભાષાઓ ઉપરાંત હિન્દી, ગુજરાતી, ઉર્દૂ, મરાઠી, બંગાળી, ભોજપુરી, તુલૂ અને ઉડિયા જેવી ભાષાની ફિલ્મોમાં પણ તેમણે ગીતો ગાયાં છે. આપણા માટે બીજી ભાષાની ફિલ્મોના ગીતોમાં કાલા અક્ષર ભેંસ બરાબર જેવી હાલત છે તેથી તેમની વાત કરવાનો મતલબ નથી પણ હિંદી અને ગુજરાતી ફિલ્મોમાં પણ વાણીએ એવાં અદ્ભૂત ગીત ગાયાં જ છે કે જેના કારણે તેમને યાદ કરવા પડે. હિદીમાં વાણી જયરામે ૧૦૦ ફિલ્મોમાં ત્રણસોથી વધારે ગીતો ગાયાં.
વાણી જયરામે સંગીતની કારકિર્દીની શરૂઆત વસંત દેસાઈના મરાઠી આલ્બમથી કરી હતી. તેને જબરદસ્ત સફળતા મળતાં વસંત દેસાઈએ ઋષિકેશ મુખરજી સાથે પરિચય કરાવ્યો. આ રીતે હિંદી ફિલ્મોમાં વાણી જયરામની એન્ટ્રી ઋષિકેશ મુખર્જીની ફિલ્મથી થઈ ને વાણીની એન્ટ્રી ધમાકેદાર હતી. ૧૯૭૧માં ઋષિકેશ મુખર્જીની જયા ભાદુરીને ચમકાવતી યાદગાર હિન્દી ‘ગુડ્ડી’માં ૧૯૭૧માં સંગીતકાર વસંત દેસાઈએ વાણી જયરામ પાસે પહેલું હિંદી ગીત ગવડાવેલું.
વાણીએ આ ફિલ્મ માટે ત્રણ ગીતો ગાયેલાં ને ત્રણેય છવાઈ ગયેલાં. ‘હમકો મન કી શક્તિ દેના’, ‘બોલે રે પપીહરા’ અને ‘હરિ બિન કૈસે જીઉં’ એ ત્રણેય ગીતો હિંદી સિનેમાનાં સૌથી યાદગાર ગીતોમાં સ્થાન પામે એવાં છે. મનને શાતા આપતાં આ ગીતો આજેય લોકપ્રિય છે. ગુલઝારે લખેલાં આ ત્રણ ગીતની સફળતાએ વાણી જયરામને જાણીતાં કર્યાં અને હિંદી ફિલ્મોના દ્વાર ખોલી નાંખેલા.
જો કે ૧૯૭૦ અને ૧૯૮૦ના દાયકામાં હિંદી ફિલ્મોમાં પાર્શ્વગાયન કરનારાં વાણી જયરામ પાસે એ જમાનાના સૌથી સફળ ત્રણ સંગીતકારો લક્ષ્મીકાન્ત-પ્યારેલાલ, કલ્યાણજી-આણંદજી અને રાહુલદેવ બર્મને બહુ ગીતો ના ગવડાવ્યાં. તેના કારણે વાણી લતા મંગેશકર, આશા ભોંસલે કે એ પછીની પેઢીનાં અલકા યાજ્ઞિક, અનુરાધા પૌંડવાલ, સાધના સરગમ, સુનિધી ચૌહાણ વગેરેની જેમ લાઈમલાઈટમાં ના રહ્યાં કે ટોચનાં પાર્શ્વગાયિકાની કેટેગરીમાં પણ ના ગણાયં. એ જમાનામાં મોટા બેનરની મોટાભાગની ફિલ્મો આ ત્રણ સંગીતકારોના ભાગે જ આવતી તેથી વાણી જયરામને મોટા બેનરની ફિલ્મોમાં ગાવાનો મોકો પણ ના મળ્યો પણ એ છતાં તેમણે ઘણાં યાદગાર ગીતો ગાયાં.
લક્ષ્મીકાન્ત-પ્યારેલાલ અને કલ્યાણજી-આણંદજી બંનેએ પોતાની કારકિર્દી પતવાના આરે હતી ત્યારે વાણી જયરામ પાસે ગીત ગવડાવ્યાં પણ પંચમદાએ ૧૯૭૩માં મુકેશ સાથે જીંદગી મેં આપ આયે ડ્યુએટ ગવડાવ્યા પછી વાણીને કદી તક ના આપી. તેની સામે ૧૯૫૦ અને ૧૯૬૦ના દાયકાના સફળ પણ ૧૯૭૦ના દાયકામાં જેમના દિવસો પતી ગયેલા એવા નૌશાદ, ઓ.પી. નૈયર, જયદેવ, એસ.એન. ત્રિપાઠી, વસંત દેસાઈ, સલિલ ચૌધરી, મદન મોહન વગેરેએ વાણીને ભરપૂર તક આપી.
નૌશાદે તો પાકીઝામાં વાણી પાસે મોરા સાજન સૌતન ઘર જાયે ગીત ગવડાવ્યું હતું. આ પૈકીની મોટાભાગની ફિલ્મો ધાર્મિક અને બી-સી ગ્રેડની હતી. ઘણી ફિલ્મોમાં તો વાણીનાં એક સાથે ૧૨-૧૩ ગીતો હતાં. વાણી જયરામે બપ્પી લાહિરી, રવિન્દ્ર જૈન માટે પણ ગીતો ગાયાં પણ વધારે ગીતો હિંદી ફિલ્મોમાં સંગીત આપનારા સાઉથના ઈલ્લૈયારાજા સહિતના સંગીતકારોના પણ ગીત ગાયાં હતા.
વાણી જયરામ માટે ‘ગુડ્ડી’ની જેમ ‘મીરા’ પણ યાદગાર ફિલ્મ છે. હેમા માલિનીને ચમકાવતી ગુલઝારની ‘મીરા’ ફિલ્મમાં મહાન સિતારવાદક પંડિત રવિશંકરનું સંગીત હતું. પંડિતજીએ ક્લાસિકલ ટચ સાથે બનાવેલાં ૧૨ ગીત વાણીએ ગાયેલાં. ‘અરી મૈં તો પ્રેમ દીવાની’, ‘કરના ફકિરી, ફિર ક્યા દિલગીરી’, ‘મેં સાંવરે કે રંગ રચી’, ‘મેરે તો ગિરધર ગોપાલ’ વગેરે મીરાંબાઈનાં ગીતોને વાણીએ અમર કરી દીધાં.
વાણી જયરામે ગુજરાતી ફિલ્મો માટે પણ ઘણાં ગીતો ગાયાં હતાં. આ પૈકીનાં મોટાભાગનાં ગીતો અવિનાશ વ્યાસનાં છે. અવિનાશ વ્યાસે હિંદી ફિલ્મોમાં પણ વાણી પાસે ગવડાવ્યું છે. ‘ઘૂંઘટ’ ફિલ્મનું ‘ઓઢું તો ઓઢું’ સતી જસમા ઓડણનું વેરણ વાંસળી વાગી’ બાલ કૃષ્ણલીલાનું ‘શ્યામ પૂછો એક વાત’ અને ‘જળ કમળ છાંડી જાને બાળા’ (‘બાલ કૃષ્ણ લીલા’) વગેરે ગીતો વાણીએ ગયાં છે. વાણીને ૧૯૭૨માં ‘ઘૂંઘટ’ ફિલ્મ માટે ગુજરાત સરકારનો શ્રેષ્ઠ પાર્શ્વગાયિકાનો ઍવૉર્ડ પણ મળ્યો હતો. ભારત સરકારે ૨૦૨૩ માટેના પદ્મ ઍવૉર્ડ જાહેર કર્યા તેમાં વાણી જયરામને પદ્મ ભૂષણથી સન્માનિત કરાયાં હતાં. તેના પરથી જ સંગીતમાં તેમના યોગદાનનો ખ્યાલ આવી જાય.
વાણીનાં મોટાભાગનાં ગીતો યુ-ટ્યુબ પર છે. સમય મળે તો તેમને માણજો ને તેના પરથી વાણી કેવાં ઘડાયેલાં ને શાસ્ત્રીય સંગીત માટે યોગ્ય અવાજ ધરાવતાં ગાયિકા હતાં તેનો ખ્યાલ આવશે. વાણી જયરામે સંગીતમય કારકિર્દીનાં પચાસ વર્ષ પૂરાં કર્યાં હતાં ને કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પાંચ દાયકા અમથાં પૂરાં ના કરે.
પ્રભુ તેમના આત્માને શાંતિ આપે.