એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ
ગુજરાતમાં વધુ એક પેપર ફૂટી જતાં યુવાનો રાતા પાણીએ રડી રહ્યા છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ૨૯ જાન્યુઆરીએ જિલ્લા અને તાલુકા પંચાયતો માટે જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાવાની હતી. લાખો યુવાનો આ પરીક્ષા આપવા થનગનતા હતા ને મોટાભાગના તો પરીક્ષા કેન્દ્રો પર પણ પહોંચી ગયેલા ત્યાં જ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે રાવણ કાઢ્યો. પરીક્ષા શરૂ થવાના કલાકો પહેલાં મંડળે પ્રેસ નોટ બહાર પાડીને કહી દીધું કે, પેપર લીક થયું હોવાથી જુનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખવામાં આવે છે. ગુજરાતના ૯.૫૩ લાખ ઉમેદવારો આ પરીક્ષા આપવાના હતા. મંડળે એક ફરફરિયું બહાર પાડીને આ લાખો વિદ્યાર્થીઓને રઝળતા કરી દીધા.
પેપર લીક તો આઘાતજનક છે જ પણ વધારે આઘાતજનક ઘટના એ પછી ગુજરાતની ભાજપ સરકાર અને ભાજપના નેતાઓનું વર્તન છે. ગુજરાતમાં ભાજપના નેતા સરકારની સિધ્ધીઓમાં ગુણગાન ગાવા માટે છાસવારે પત્રકાર પરિષદો કરે છે ને તેમાં પોતાના આકાઓની એવી ચાપલૂસી કરે છે કે જે જોઈને સવાલ થાય કે, આ માણસમાં કરોડરજજુ છે કે નહીં ? ખેર, એ અલગ મુદ્દો છે ને તેની પણ કોઈ વાર વાત કરીશું પણ અત્યારે પેપર લીકની વાત કરી લઈએ. ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ રઝળી પડ્યા છતા તેમને સાંત્વન આપવા ના તો સરકારનો કોઈ મંત્રી હાજર થયો કે ના ભાજપનો કોઈ નેતા દેખાયો. નિવેદનશૂરા ભાજપના નેતાઓને લોકો સમક્ષ આ મુદ્દે સ્પષ્ટતા કરવાની પોતાની ફરજ છે એ વાતનો અહેસાસ નથી એ ખરેખર આઘાતજનક કહેવાય.
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ પરીક્ષા લેવાનું હતું તેથી તેના ચૅરમૅન સંદીપ કુમારનો તો જાહેરમાં આવ્યા વિના છૂટકો નહોતો પણ તેમણેય જે કંઈ કહ્યું એ જોઈને આઘાત લાગે. પોતાની નિષ્ફળતાની કબૂલાત કરવાના બદલે સંદીપ કુમારે બહારની ગેંગનું કૃત્ય હોવાનું કહીને હાથ ખંખેરી નાંખ્યા. ગુજરાતના લાખો યુવાનો પર અહેસાન કરતા હોય એમ એલાન પણ કર્યું કે, બહુ જલદી પરીક્ષા લેવાશે.
આ આઘાત ઓછા હોય તેમ ગુજરાત એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ) પણ મેદાનમાં આવી ગઈ. એટીએસએ પણ જાહેરાત કરી નાંખી કે, પેપર લીક કૌભાંડમાં ગુજરાતના ૬ સહિત કુલ ૧૬ આરોપી છે ને પેપર લીક કૌભાંડમાં વડોદરાનો ભાસ્કર ચૌધરી મુખ્ય સૂત્રધાર છે. એટીએસના અધિકારીઓએ વધાઈ ખાધી કે, વડોદરા ખાતે રેડ પાડીને કૌભાંડના મુખ્ય આરોપી પ્રદીપકુમાર નાયક, કેતન બારોટ, ભાસ્કર ચૌધરી વગેરે ઉમેદવારોને પેપર વેચતા પહેલાં પકડી પાડવામાં આવ્યા છે.
એટીએસના અધિકારીઓએ કઈ રીતે પોતે પેપર લીક કૌભાંડના આરોપીઓ પર વોચ ગોઠવીને તેમને ઝડપી લીધા તેની શૌર્ય કથા પણ સંભળાવી ને બહુ મોટી બહાદુરી કરી હોય એમ જાહેર કર્યું કે, એટીએસને તો પેપર લીક થયું હોવાની ત્રણ-ચાર દિવસથી ખબર હતી. ભલા માણસ, તમને ચાર દિવસથી ખબર હતી તો પછી પહેલાં આરોપીઓને કેમ ન પકડ્યા? પરીક્ષા આપવા માટે લાખો વિદ્યાર્થીઓ ઘરેથી નીકળેલા ને છેલ્લી ઘડીએ પરીક્ષા રદ થતાં એ લોકો પરેશાન થયા તેની રાહ જોઈને કેમ બેસી રહ્યા ?
આ યુવાનોએ ઘરેથી પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવા માટે ખર્ચેલાં ભાડાં ને બીજા ખર્ચા પાણીમાં ગયા ત્યાં લગી એટીએસવાળા મૂરતની રાહ જોતા હતા? ગામડેથી શહેરમાં પરીક્ષા આપવા માટે ઘણા વિદ્યાર્થી તો આગલા દિવસે જ આવી ગયેલા. હોટલમાં કે બીજે રોકાયેલા ને તેમના કરોડો રૂપિયા એકઝાટકે પાણીમાં જતા રહ્યા. એટીએસને પહેલાંથી ખબર હતી તો આ યુવાનોનાં નાણાં બચાવી શકાયાં હોત. તેના બદલે પોલીસ કેમ મોંમાં મગ ઓરીને બેસી રહી એ સમજાતું નથી.
એટીએસ અત્યારે જે કંઈ કરે છે એ વાસ્તવમાં તો ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળાં મારવા જેવું છે. ગુજરાત પોલીસ તેમાં પણ ગર્વ અનુભવે છે એ ખરેખર હાસ્યાસ્પદ કહેવાય. ફલાણાએ પેપર છપાવા જતી વખતે લીધેલું ને ઢીંકણાને આપ્યું ને પછી ઢીંકણાએ પૂંછડાને આપ્યું એ બધી વાતો નિરર્થક છે. તેના કારણે યુવાનોની મહેનત પર પાણી ફરી વળ્યું તેનું વળતર મળવાનું નથી કે યુવાનોને માનસિક આઘાત લાગ્યો છે તેની અસર પણ ઘટવાની નથી ઉલટાનું યુવાનો વધારે તણાવમાં આવી ગયા છે કેમ કે પેપર ફૂટવાનો સિલસિલો વણથંભ્યો ચાલુ જ છે. તેના કારણે યુવાનોને એવું જ લાગશે કે, ગમે તેટલી મહેનત કરો પણ તેનો અર્થ જ નથી કેમ કે પેપર લીક થતાં રોકવાની આ સરકારમાં તાકાત જ નથી.
ગુજરાતના પેપર લીક કૌભાંડે સાબિત કર્યું છે કે, ગુજરાતમાં ચૂંટણી થઈ ગઈ ને નવી સરકાર આવી ગઈ પણ બીજું કશું બદલાયું નથી. ગુજરાતમાં છેલ્લા એક દાયકામાં જ દસથી વધારે સ્પર્ધાત્મક પરીક્ષાનાં પેપર ફૂટ્યાં છે. ૨૦૧૩માં ગુજરાત સર્વિસ પબ્લિક સર્વિસ કમિશનની ચીફ ઓફિસરની ભરતી પરીક્ષાથી માંડીને અત્યારે જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યું ત્યાં સુધીમાં સંખ્યાબંધ પેપર ફૂટ્યાં છે. આ એવાં પેપર લીકની વાત કરી કે જેમાં લાખો વિદ્યાર્થીઓ રઝળી પડ્યા હોય. બાકી નાની નાની પરીક્ષાની વાત કરવા બેસીએ તો એક સપ્લીમેન્ટરી પણ નાની પડે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ને ગુજરાત પંચાયત પસંદગી સેવા મંડળ તો પેપર લીક થવા મુદ્દે એ હદે વગોવાયેલાં છે કે, વરસમાં એકાદ વાર તો તેમનાં નામ છાપરે ચડે જ છે.
ગુજરાતમાં પેપર લીક થવાનું મુખ્ય કારણ સ્પર્ધાત્મક પરીક્ષા લેતી સરકારી એજન્સીઓનું ભ્રષ્ટતંત્ર અને સરકારમાં બેઠેલા નમૂનાઓમાં આ ભ્રષ્ટાચાર રોકવાની ઈચ્છાશક્તિનો અભાવ છે. એજન્સીઓનું તંત્ર અધિકારીઓ અથવા તો નીચલા સ્તરના રાજકારણીઓને હવાલે કરી દેવાયું છે કે જેમને કઈ રીતે આ બધું રોકવું તેની ગતાગમ પડતી નથી. ઘણા કિસ્સામાં તો તેમની સાથે સંકળાયેલા લોકોના પાપે પેપર ફૂટ્યાં હોવાનું પણ બન્યું છે.
આ લોકોના જવાબ માગીને તેમને સજા કરવાની જવાબદારી સરકારની છે પણ સરકારમાં સાવ નબળા લોકો બેઠેલા છે. તેમનામાં અધિકારીઓને સજા કરવાની તાકાત જ નથી તેથી પેપર લીક થયા કરે છે, યુવાનો રડ્યા કરે છે ને નીંભર તંત્ર પોતાની રીતે ચાલ્યા કરે છે. ઉ