એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ
ભારતમાં લોકોને હજારો તકલીફો છે પણ રાજકારણીઓ પાસે એ તકલીફો ઉકેલવાનો સમય નથી. તેના બદલે ફાલતુ મુદ્દે વિવાદો ઊભા કરીને એ લોકો પોતાનો જ સમય બગાડે જ છે પણ લોકોનો સમય પણ બગાડે છે. મહારાષ્ટ્ર ભાજપનાં મહિલા મોરચા પ્રમુખ ચિત્રા વાઘે હવે ઉર્ફી જાવેદના કપડાં અંગે ઊભો કરેલો વિવાદ તેનો તાજો નમૂનો છે.
ચિત્રા વાઘે ઉર્ફીનાં કપડાં સામે વાંધો લઈને પોલીસ ફરિયાદ કરી છે. ચિત્રા વાઘનો આક્ષેપ છે કે, ઉર્ફી મુંબઈની સડકો પર અશ્ર્લીલતા ફેલાવી રહી છે અને ભાજપ આ અશ્લીલતાને રોકશે. વાઘનો દાવો છે કે, એક મહિલાએ તેમને ઉર્ફીની વીડિયો લિંક મોકલી હતી. એ જોયા પછી પોતાને ખબર પડી કે, ઉર્ફી અશ્લીલતા ફેલાવી રહી છે તેથી પોતે ઉર્ફીની ધરપકડની માંગ કરી છે.
ચિત્રા સામે એનસીપીનાં નેતા અને સાંસદ સુપ્રિયા સુલે મેદાનમાં આવ્યાં છે. સુલેએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને ચીમકી આપી છે કે, ભાજપના નેતાઓ દ્વારા મહિલાઓ પર કરાતી નિવેદનબાજી તાત્કાલિક બંધ કરાવો અને ભાજપના નેતાઓને મહિલાઓનું સન્માન કરતાં શીખવો. પ્રગતિશીલ મહારાષ્ટ્રમાં કોઈ મહિલાને ટાર્ગેટ કરાય છે. આ વાત એક સભ્ય અને સુસંસ્કૃત રાજ્યને શોભતી નથી.
ફડણવીસ શું જવાબ આપે છે એ જોવાનું છે પણ ચિત્રાએ જે મુદ્દો ઉઠાવ્યો છે એ દંભની ચરમસીમા જેવો છે. ચિત્રાબેનને ઉર્ફી મુંબઈના રસ્તા પર નગ્નતા ફેલાવી રહી છે તેની ચિંતા છે પણ મુંબઈના રસ્તા પર ફરતા હજારો ભિખારીઓની ચિંતા નથી કે તેના કારણે શું ફેલાઈ રહ્યું છે તેની ચિંતા નથી. મુંબઈની સડકો પર હજારો બાળકો ભીખ માંગે છે, હજારો નાની-નાની છોકરીઓ કપડાં ખરીદવાનાં નાણાં નથી એટલે ફાટેલાં ને સાવ મેલાંઘેલાં કપડા પહેરીને અર્ધનગ્નાવસ્થામાં ફરે છે તેની ચિંતા નથી, હજારો છોકરીઓ પેટનો ખાડો પૂરવા દેહના સોદા કરે છે તેની પણ ચિંતા નથી પણ બહેનને ઉર્ફી જાવેદનાં કપડાંની ચિંતા છે.
ઉર્ફીની કહેવાતી નગ્નતાના કારણે ચિત્રા વાઘને તકલીફ થઈ ગઈ ને પોલીસ પાસે દોડી ગયાં પણ સડકો પર ફરતી નાની નાની છોકરીઓ કે દેહ વેચતી છોકરીઓને માફિયાઓની ચુંગાલમાંથી છોડાવવા કદી પોલીસ પાસે ગયાં ખરાં? ચિત્રાને જ નહીં પણ જેમને પણ ઉર્ફ જાવેદનાં કપડાંના કારણે ભારતીય સંસ્કૃતિ જોખમમાં હોવાનું લાગે છે એ બધાંને આ વાત લાગુ પડે છે.
બીજુ એ કે, ઉર્ફી અશ્લીલતા ફેલાવતી હોય તો તેની સામે પગલાં લેવાનું કામ પોલીસનું છે. મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાની સરકાર છે. પોલીસ તેમના હાથ નીચે છે તો પછી પોલીસ કેમ કોઈ પગલાં લેતી નથી? કેમ કે પોલીસને ઉર્ફીનાં કપડાંમાં કશું ખોટું લાગતું નથી. પોલીસ જેમના હાથ નીચે કામ કરે છે એ સરકારમાં બેઠેલાં લોકોને પણ કશું ખોટું લાગતું નથી. પોલીસને ખરેખર ઉર્ફી અશ્ર્લીલતા ફેલાવે છે એવું લાગશે ત્યારે પગલાં લેશે. પોલીસ એવું પગલાં લેતી નથી તેનો અર્થ એ કે, ઉર્ફીએ કોઈ કાયદો તોડ્યો નથી પણ ચિત્રા જવાં લોકો વણજોઈતો વિવાદ ઊભો કરે છે.
ઉર્ફી જાવેદનાં કપડાં સામે વિરોધ કરનારાઓમાં એટલી અક્કલ પણ નથી કે આવા ફાલતું વિવાદોને ઊભા કરીને એ લોકો ઉર્ફી જાવેદને જ મદદ કરી રહ્યા છે. ઉર્ફી જાવેદ મોટી સેલિબ્રિટી નથી પણ ઓછા કપડાં પહેરીને પોઝ આપીને જાણીતી બની છે. સોશિયલ મીડિયા પર શું ચાલે છે, લોકો શું જુએ છે તેની તેને ખબર છે ને તેનો લાભ એ લે છે. ઉર્ફીનો પોતાનો એક આગવો ચાહક વર્ગ છે ને એ ઉર્ફીના આ પોઝ જુએ છે.
ઉર્ફીને ખબર છે કે આ પ્રકારના પોઝ આપવાથી વિવાદો થશે ને તેને એ જ જોઈએ છે. આ વિવાદોને કારણે તેને પબ્લિસિટી મળે છે ને એ પબ્લિસિટી પર જ તેની દુકાન ચાલે છે. ચિત્રા વાઘે પોલીસ ફરિયાદ કરીને કહ્યું કે ઉર્ફી મુંબઈની સડકો પર નગ્નતા ફેલાવે છે. તેની સામે ઉર્ફી જાવેદે એવું કહી દીધું કે, આ લોકો મને આત્મહત્યા માટે મજબૂર કરી રહ્યા છે અને આ માનસિક અત્યાચારના કારણે હું આત્મહત્યા કરી લઈશ.
ઉર્ફી આપઘાત કરી લે એટલી નબળી નથી ને તેણે આપઘાત કરવો પણ ના જોઈએ પણ મૂળ વાત તેણે પોતાની સામેના મુદ્દાનો ઉપયોગ પબ્લિસિટીમાં રહેવા માટે કરી લીધો તેનો છે. દીપિકાની કેસરી બિકીનીનો વિવાદ ચાલતો હતો ત્યારે ઉર્ફીએ અંગ પ્રદર્શન થાય એવો કેસરી ડ્રેસ પહેરીને વિવાદ પેદા કરી દીધેલો. ઉર્ફી કેસરી ડ્રેસ પહેરીને જ અટકી નહોતી પણ બેકગ્રાઉન્ડમાં બેશરમ સોંગ પણ વગાડ્યું હતું. ચિત્રા વાઘે ઉર્ફી સામે ફરિયાદ કરી તેના મૂળમાં આ વીડિયો છે.
વીડિયોમાં ઉર્ફી કેસરી મિની સ્કર્ટ અને અંગો દેખાય એવું ક્રોપ ટોપ પહેરીને મુંબઈના રસ્તા પર ફરતી દેખાય છે. ઉર્ફીએ શૂઝ પણ ભગવા રંગના પહેરીને પોતાનું સંપૂર્ણ ભગવાકરણ કરી નાંખેલું. તેની સામે કહેવાતાં હિંદુવાદી સંગઠનો, ધાર્મિક સંગઠનો રાજકારણીઓ અને બોલીવૂડના કેટલાંક કંઠીધારીઓએ હોબાળો મચાવ્યો હતો. ને કેટલાકે તો લખ્યું પણ ખરું કે ઉર્ફી આ બધું માત્ર વિવાદ ઉભો કરવા અને લોકોનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે કરી રહી છે.
ભલા માણસ, તમને ખબર છે કે, ઉર્ફી શા માટે આ ઉધામા કરી રહી છે તો પછી શું કરવા તેને મહત્ત્વ આપીને વધારે પબ્લિસિટી આપો છો. તમારા ટ્રોલની ઉર્ફી પર જરાય અસર થવાની નથી. લોકો તેના ફોટા કે વીડિયો જોવાનું બંધ કરવાના નથી. ઉલટાનું જેમને ખબર નથી એવાં લોકો પણ ઉર્ફીએ શું પહેર્યું છે જોવા તેના વીડિયો અને ફોટો જોશે. તેમાં ફાયદો કોને થશે? ઉર્ફીને જ થશે ને વાસ્તવમાં થઈ રહ્યો છે.
ઉર્ફી નથી એક્ટિંગ કરતી કે નથી એવું બીજું કોઈ કામ કરતી કે જેના કારણે તેની નોંધ લેવી પડે. છતાં આ વિવાદોના કારણે એ મીડિયામાં છવાયેલી રહે છે. જે લોકો તેનો વિરોધ કરે છે એ તેનાં પ્યાદાં બનીને તેને મદદ કરી રહ્યાં છે. ઉ