વિદેશ પ્રધાન એસ. જયશંકરે ગુરુવારે પાકિસ્તાન પર આવી પડેલાં અર્થસંકટ વિશે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું અને તેમણે પાકિસ્તાન પર હુમલો કરતાં જણાવ્યું હતું કોઈ પણ દેશ મુશ્કેલ સમયથી બહાર નથી આવી શકતો અને સમૃદ્ધ તાકાત નથી બની શકતો જો એનો મૂળ ઉદ્યોગ આંતકવાદ છે.
એસ. જયશંકરે વિદેશ મંત્રાલય દ્વારા આયોજિત એશિયા આર્થિક સંવાદમાં તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાનના સંબંધમાં આંતકવાદ એ મૂળભૂત મુદ્દો છે અને આપણે એનો અસ્વીકાર નહીં કરવો જોઈએ. ચીનના મામલે તેમણે કહ્યું હતું કે ચીન સાથેના આપણા સંબંધોમાં આર્થિક પડકારો હકીકતમાં ખૂબ જ ગંભીર છે. ચીન સાથે વેપારમાં જોવા મળતા અસંતુલનની જવાબદારી માત્ર સરકારની નહીં પણ ઉદ્યોગપતિઓની પણ છે.
આ પહેલાં ગુરુવારે અન્ય એક કાર્યક્રમમાં હાજરી આપવા ગયેલા વિદેશ ખાતાના પ્રધાને જણાવ્યું હતું તે આજે ભારતની છબિ દુનિયામાં એવા દેશની બની ગઈ છે કે જે પોતાની રાષ્ટ્રીય સુરક્ષાના બચાવ માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. દરેક દેશની પોત-પોતાની મુશ્કેલીઓ છે અને કોઈ પણ પડકાર રાષ્ટ્રીય સુરક્ષાથી વધુ મહત્ત્વની ના હોઈ શકે.
વધુમાં તેમણે એવું પણ જણાવ્યું હતું કે ભારત એક એવો દેશ છે કે જેને ન તો બહાર ધકેલી શકાય છે કે ન તો તે એક નિર્ધારિત સીમા રેખા કોઈને ઉલ્લંઘવા દેશે. છેલ્લાં કેટલાક વર્ષોની વાત કરું તો આપણી પશ્ચિમી સીમા પર લાંબા સમયથી આપણી ધીરજની પરીક્ષા લેવાઈ રહી છે. હું સમજું છે કે હવે પરિસ્થિતિ જરા અલગ છે અને બધા જ આ વાતથી સહમત પણ થશે…