નોકરીની લાલચ આપી યુવાનો પાસેથી લાખોની લૂંટ ચલાવનારી ટોળીના રેકેટનો માટુંગા પોલીસે ખેલ ખૂલ્લો પાડ્યો હતો. દેશભરના યુવાનોને વિદેશમાં સારા પગારની નોકરીની લાલચ આપી લાખોની લૂંટ ચલાવનારા આખરે જેલની હવા ખાશે. માટુંગા પોલીસે આવા બે લોકોને દિલ્લી તથા લખનવથી ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી પાંચ મોબાઇલ, 40 સિમકાર્ડ, 25 ડેબિટ કાર્ડ તથા અન્ય ઘણી વસ્તુંઓ મળી આવી હતી. આ બંનેએ તેમના સાથીદારો સાથે મળીને દેશના અનેક યુવાનોને ઠગ્યા હોવાનો ખૂલાસો થયો હતો. દાદરમાં રહેનારા અનીલ ક્ષીરસાગરે કોરોના કાળમાં લોકડાઉન થતાં નોકરી ગુમાવી હતી. તેમણે નોકરી આપનારી એક સંસ્થાનો સંપર્ક કરી બાયોડેટા અપલોડ કર્યો હતો. ત્યારબાદ અનીલને અલગ અલગ નંબર પરથી ફોન આવવા લાગ્યા. તેમણે બાયોડેટો જોયો છે અને દુબઇની એક પ્રસિદ્ધ કંપનીમાં વેકેન્સી છે એમ જણાવ્યું હતું. આ કંપનીમાં તેમનું સિલેક્શન થઇ ગયું છે એવો ઇમેલ પણ તેમને આવ્યો. ત્યાર બાદ અલગ અલગ કારણો બતાવી તેમની પાસેથી 1 લાખ 80 હજાર પડાવવામાં આવ્યા. આટલા બધા રુપિયા આપ્યા હોવા છતાં પૈસાની માંગણી બંધ ન થતાં અનીલને શક થયો. અને એમણે આપેલા રુપિયા પાછા માંગ્યા. ત્યાર બાદ સામેવાળી વ્યક્તિએ સંપર્ક જ બંધ કરી દીધો. ત્યારે તેમને ફસાવવામાં આવ્યા છે આ વાતનું તેમને ભાન થયું અને એમણે તરત જ માટુંગા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી. નોકરીના નામે લૂંટના અનેક કિસ્સા બનતા હોવાથી પોલીસે તેની ગંભીરતાથી નોંધ લીધી. ત્યાર બાદ આ લોકોના ફોન અને બેન્ક એકાઉન્ટની ટેકનીકલ ડિટેલ્સ મેળવી આખરે પોલીસ દિલ્લી અને લખનવ સુધી પહોંચી. પોલીસે વિકાસ કુમાર યાદવ અને ઋષભ મનીષ દુબે આ બે જણની ધરપકડ કરી. અને એમની પાસેથી તમામ સામાન કબજે કરી તેમને જેલભેગા કર્યા આ બંને જણ નોકરીની શોધનારા યુવાનોને ફસાવી તેમની પાસેથી રુપિયા પડવાતા હતા તેવો ખૂલાસો તેમણે પોલીસ તપાસમાં કર્યો અને અત્યાર સુધી મહારાષ્ટ્ર, હૈદરાબાદ, તામીલનાડુ, તેલંગાના, કર્નાટક ઉપરાંત દેશના અલગ અલગ રાજ્યોમાંથી લોકોને ફસાવી નોકરીના બાહાને લાખોની ઠગાઇ કરતા હોવાનો પણ ખૂલાસો થયો હતો.