Homeલાડકીઆ ‘કેમિકલ પ્રેગ્નન્સી’ વળી કઈ બલા છે તે સમજાવશો?

આ ‘કેમિકલ પ્રેગ્નન્સી’ વળી કઈ બલા છે તે સમજાવશો?

કેતકી જાની

સવાલ: અમારા ગ્રુપમાં એક બહેનપણી જે ૩૬ વર્ષની છે, છેલ્લાં ત્રણ-ચાર વર્ષમાં એને ત્રણ-ચાર વાર ગર્ભપાત જાતે જ થઇ જાય છે. પ્રેગ્નન્સી રિપોર્ટ પોઝિટિવ આવે અને થોડા જ દિવસોમાં બ્લીડિંગ શરૂ થાય અને પ્રેગ્નન્સી રિપોર્ટ નેગેટિવ આવી જાય. એના છેલ્લા ગર્ભપાત વખતે તે ડૉક્ટર પાસે ગઇ ત્યારે હું તેની સાથે ગઇ હતી. ડૉક્ટરે તેના માટે ‘કેમિકલ પ્રેગ્નન્સી’ રહે છે તેને એમ કહ્યું હતું. આ શું બલા છે? મેં કદી સાંભળ્યું નહોતું. આ બધી જ સ્ત્રીઓએ જાણવું જોઇએ, તેના વિશે જણાવશો? મારી મિત્ર કદી ‘મા’ નહીં બની શકે? આ કેમ થાય?
જવાબ: બહેન, ‘કેમિકલ પ્રેગ્નન્સી’ને સરળ શબ્દોમાં ગર્ભાધાનના એકદમ શરૂઆતના તબક્કામાં થઇ જતું ‘મિસ-કરેજ’ કે ‘કસુવાવડ’ જ કહી શકાય. ગર્ભાધાન સત્તાવાર જાહેર કરી શકાય તેવા સ્ટેજમાં પહોંચતાં પહેલાં જ શરીર/ગર્ભાશય જાતે જ તેનું નિષ્કાસન કરે જે પ્રિ-ક્લિનિકલ ભ્રૂણનો ગર્ભપાત કહેવાય. સ્ત્રીનું ફલિત થયેલ ઈંડું ગર્ભાશયમાં પહોંચે છે, શરીરમાં એચસીજી એટલે કે ગર્ભાવસ્થા દરમિયાન અનિવાર્ય તેવું હ્યુમન કોરીઓનિક ગોનાડોટ્રોપિન હાર્મોન સુધ્ધાં ઝરવા માંડે છે, તે દરમિયાન પ્રેગ્નન્સી ટેસ્ટ પૉઝિટિવ જ આવે છે, પરંતુ ગર્ભાશયમાં આરોપિત થયેલું ઈંડું ફલિત હોવા છતાં માત્ર બેથી ત્રણ જ અઠવાડિયાંમાં મૂરઝાઇ જાય છે. ઘણા ઓછા લોકો જાણે છે, પરંતુ ભારતના નૅશનલ હેલ્થ પોર્ટલના સત્તાવાર આંકડા મુજબ દેશમાં થતા કુલ ગર્ભપાતોમાં ૮૦ % ગર્ભપાત કેમિકલ પ્રેગ્નન્સીનો પ્રકાર હોય છે. તમારી મિત્ર બાળક માટે પ્લાન કરતી હશે, તેથી તેને ખબર સુધ્ધાં પડે છે, પરંતુ અનેક સ્ત્રીઓ જે બાળજન્મનું પ્લાનિંગ નથી કરતી તેમને તો ખબર સુધ્ધાં ન પડે કે તે કેમિકલ પ્રેગ્નન્સીનો શિકાર થઇ છે, કેમ કે બે માસિક વચ્ચેના જ સમયગાળામાં ગર્ભ આરોપણ થાય અને તેટલામાં જ તેનું આપોઆપ શરીર દ્વારા જ નિષ્કાસન સુધ્ધાં થઇ જાય, પરંતુ તમારી મિત્ર જેવાં કપલ્સ જે આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ થેરપી કે આઇવીએફ જેવા માધ્યમથી આ માટે પ્રયત્ન કરી રહ્યાં હોય તેવા જ લોકો આ તથ્ય-સત્ય જાણી શકે છે. પ્રેગ્નન્સી ટેસ્ટ પૉઝિટિવ આવે ને થોડા જ દિવસમાં નેગેટિવ પણ આવે, મહિનો પૂરો થઇ માસિક આવવાને બદલે મહિના દરમ્યાન વચ્ચે વચ્ચે બ્લડ સ્પોટિંગ દેખાય છે. પેટની નીચેના ભાગમાં દુખાવો અને લોહીના પરીક્ષણમાં એચસીજી હાર્મોનનું લેવલ નીચું આવવું જેવાં લક્ષણો આમાં દેખાય છે. ગર્ભ છેલ્લે સુધી ફળદ્રુપ રીતે ઊછરશે નહીં તેમ લાગતાં શરીર ગર્ભ સુકાવી નાખે તે સ્થિતિ આ છે. શુક્રાણુ અથવા સ્ત્રીનું ઈંડું બેમાંથી એકની ક્વૉલિટી ખરાબ હોય, ગર્ભાશયમાં હાર્મોનનું લેવલ ભ્રૂણાનુરૂપ ન હોય, ગર્ભાશયમાં ફાઇબ્રોઇડિસ કે અન્ય દૂષણ હોય, ક્યારેક ગર્ભાધાન ગર્ભાશયના મુખ પાસે કે તેની બહાર થઇ ગયું હોય, જે તે સ્ત્રી સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇંફેક્શનથી ગ્રસિત હોય, લોહી જામી જવાની હિમોફિલિયા જેવી કે થાઇરોઇડ જેવી બીમારી હોય આવી સ્ત્રીઓ અને પાંત્રીસ વર્ષથી વધુ વય હોય તેવી સ્ત્રીઓ કેમિકલ પ્રેગ્નન્સીના રિસ્ક ઝોનમાં હોવાનું મનાય છે. દુર્ભાગ્યવશ કેમિકલ પ્રેગ્નન્સીને રોકવાનો આજે અતિઆધુનિક વિજ્ઞાન પાસે કોઇ જ ઉપાય નથી. ગર્ભના વિકાસ માટે જરૂરી હોર્મોન જ શરીર ઉત્પન્ન નથી કરતું તેનો સ્પષ્ટ મતલબ એ જ છે કે શરીર નથી ઇચ્છતું કે પ્રેગ્નન્સી રહે. તમારી મિત્રના કેસમાં તેમના ગાયનેક તેમને વારંવાર આમ થવાનું નિશ્ર્ચિત કારણ ચોક્કસ શોધી શક્યા હશે અને જે તે કારણના નિવારણ માટે તેમનાથી શક્ય તમામ પ્રયત્નો કરતા જ હશે, છતાં પણ ગર્ભાવસ્થા સફળ ન થાય તો તેને કુદરતની મરજી નથી તેમ સમજી આ પરિસ્થિતિ સ્વીકારી લેવા જણાવો. આમાં મિત્રોનો સપોર્ટ ખૂબ જરૂરી છે. તમે બધા ભેગા મળી તેમને મદદ કરો, જેથી તે જલદી આ વાત સ્વીકારી લે. તમારી મિત્ર અને તેનું કુુટુંબ આ જ કારણે બેહદ ડિસ્ટર્બ હશે તેમાં કોઇ શક નથી, પરંતુ તેમને જણાવો કે શરીર કુદરતી રીતે આ કરે છે, તેનું કારણ શરીર સમજે છે કે ગર્ભ ચુસ્ત-તંદુરસ્ત યોગ્ય વિકાસ પામી બાળજન્મ લે તેવો નથી, માટે શરીરની ભાષા સમજી સત્ય સ્વીકારી ખુશ રહે, અસ્તુ.

RELATED ARTICLES

Most Popular