Homeવીકએન્ડસત્યને ઉલેચવાના પ્રયોગો

સત્યને ઉલેચવાના પ્રયોગો

શ્રદ્ધા હત્યા કેસને ઉકેલવા માટે લાઈ ડિટેક્ટર અને નાર્કો ટેસ્ટની અનુમતિ અપાઈ ગઈ છે ત્યારે સત્યને ઉજાગર કરવામાં આ ટેસ્ટ કેટલા કારગત નીવડશે?

ફોકસ -મુકેશ પંડ્યા

શ્રદ્ધાની હત્યા તેના જ લિવ ઇન પાર્ટનર આફતાબે કરી તેને આજે છથી સાત મહિના વીતી ગયા છે. સાંયોગિક રીતે બધા જ એમ માની શકે કે આ હત્યા આફતાબે જ કરી હશે, પરંતુ કોર્ટની આંખે પાટા બાંધ્યા હોય છે. સો ગુનેગાર ભલે છૂટી જાય પણ એક નિર્દોષ ફસાવો ન જોઈએ એ સિદ્ધાંત પર ચાલી રહેલી કોર્ટને પોલીસે જડબેસલાક પુરાવા પૂરા પાડવા જ પડે.
શ્રદ્ધાની હત્યા ખૂબ જ યોજનાબદ્ધ રીતે અને ઠંડે કલેજે કરવામાં આવી છે એટલે સ્વાભાવિક છે કે આ ઘટનાને આંખેથી નિહાળનાર અર્થાત્ ચશ્મદીદ ગવાહ તો મળવા અસંભવ છે. આ ઘટનાને ઘણો સમય વીતી જવાથી આરોપીને પુરાવા નષ્ટ કરવાની પણ તકો મળી છે. કોઈ વ્યક્તિ આવેશમાં આવી જઈને હત્યા કરી બેસે ત્યારે કોઈને કોઈ પુરાવા છોડી દેતો હોય છે જે તેને ગુનેગાર પુરવાર કરવામાં મદદરૂપ થાય, પરંતુ આફતાબે ઘણું
વિચારી સમજીને તેમ જ ઈન્ટરનેટ પર રિસર્ચ કરીને શાંત ચિત્તે ખૂન કર્યું હોવાથી તેને શકના આધારે પક્ડી તો શકાય પણ ગૂનેગાર સાબિત કરવા માટે પોલીસે અથાક પ્રયત્નો કરવા પડશે. એમ કહોને કે આ ઘટના પાછળ રહેલા સત્યને ઉલેચવા ઘણા પાપડ વણવા પડશે.
આ વાતને ધ્યાનમાં રાખીને જ પોલીસે તેનો લાઇ ડિટેક્ટર અને નાર્કો ટેસ્ટ કરવાનો નિર્ણય લીધો છે અને અદાલતની અનુમતિ પણ લીધી છે.
હવે સવાલ એ છે કે આવા ટેસ્ટ કરીને સત્યની નજીક પહોંચી શકાય? ગૂનેગારને દોષિત સાબિત કરી શકાય? આનો ઉત્તર મેળવતા અગાઉ આપણે આ બે ટસ્ટ વિશે ટૂંકમા જાણી લેવું જરૂરી છે.
લાઈ ડિટેક્ટર ટેસ્ટ
સૌપ્રથમ લાઇ ડિટેક્ટર ટેસ્ટની વાત કરીએ તો આ ટેસ્ટમાં ગુનેગારના શરીર પર અનેક જાતના ઇલેક્ટ્રોડ્સ લગાડી પ્રશ્ર્નોત્તરી દરમિયાન તેના શરીરમાં થતા ફેરફારોને વિવિધ ગ્રાફ્સ દ્વારા નોંધવામા આવે છે. એટલે જ આ ટેસ્ટને પોલિગ્રાફ ટેસ્ટ પણ કહેવાય છે. દરેક પ્રશ્ર્નોના જવાબ આપતી વખતે તેના હૃદયનાં ધબકારામાં કેવો ફેરફાર થાય છે. બ્લડ પ્રેશરમાં કેટલો વધારો ઘટાડો થાય છે. પરસેવો છૂટે છે કે નહી . કંપારી કે ધ્રૂજારી થાય છે કે નહીં તે બધી બાબતોની નોંધ લેવાય છે. જે વ્યક્તિ પોલીસે પૂછેલા પ્રશ્ર્નનો જૂઠો જવાબ આપતી હોય તે વ્યક્તિના હૃદયનાં ધબકારામાં કે ઉપર વર્ણવેલી અન્ય બાબતોમાં ઘણાં ફેરફાર થતા હોય છે.
નાર્કો ટેસ્ટની વાત કરીએ તો આ ટેસ્ટમાં
દવા આપીને આરોપીને અર્ધબેહોશ કરવામાં આવે છે જેથી તેનું મગજ વિચારવાનું કે કલ્પના કરવાનુ બંધ કરી દે છે. જૂઠુ બોલવા માટે માણસ થોડું વિચારીને જવાબ આપતો હોય છે. જ્યારે અર્ધબેહોશ અવસ્થામાં તે સાચી વાત બોલી નાખે છે. મુખ્યત્વે ઈથનોલ, સોડિયમ પેન્ટાથોલ કે સોડિયમ એમઈટલ જેવી દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈ ઓપરેશન કરતી વખતે દર્દીને બેહોશ કરવા માટે આવી જ દવા અપાય છે, પરંતુ અહીં આ દવાનો ડોઝ હળવો કરીને આરોપીને અર્ધબેહોશ કરવા પૂરતો જ મર્યાદિત રખાય છે. સત્ય શોધવામાં મદદરૂપ આ દવાઓ ટ્રૂથ સિરમ તરીકે પણ ઓળખાય છે. આરોપી અર્ધચેતનાની અવસ્થામાં પહોંચે પછી તેને વિવિધ પ્રશ્ર્નો પૂછાય છે. તે જે જવાબો આપે તેનાથી તેની સત્યતા કે જૂઠનું આકલન થાય છે.
આવી ટેસ્ટ કરતા પહેલાં કોર્ટની અનુમતિ લેવી પડે છે. જેનો ટેસ્ટ કરવાનો હોય તેને પણ જાણ કરવી પડે છે, આ બન્ને પ્રકારના ટેસ્ટ માટે આરોપી શારીરિક કે માનસિક રીતે સક્ષમ છે કે નહી તે પણ ચકાસવામાં આવે છે. આફતાબને પણ આ ટેસ્ટ કરવાનો હતો તે દિવસે તાવ આવ્યો હોવાથી પછીના દિવસે (૨૪ નવેમ્બરે)આ ટેસ્ટનું પ્રથમ સેશન શરૂ થયું હતું. આ ટેસ્ટ અનેક અધિકારીઓ, ડોક્ટર્સ અને નિષ્ણાતોની હાજરીમાં કરવામાં આવે છે. તેની વીડિયોગ્રાફી પણ કરવામાં આવે છે.
આવી ટેસ્ટની વિશ્ર્વસનિયતા કેટલી ?
પોલિગ્રાફ ટેસ્ટ હોય કે નાર્કો ટેસ્ટ હોય બન્નેની વિશ્ર્વસનીયતા ૧૦૦ ટકા તો ન જ કહેવાય. ઘણી વાર વ્યક્તિ શારીરિક કે માનસિક રીતે કમજોર હોય તો મશીન દ્વારા ખોટા સંકેતો મળે છે . તેના આધારે અર્થઘટનો પણ ખોટા નીકળી શકે છે.
ઘણા રીઢા આરોપી એવા હોય છે જેઓ અડધી બેહોશીની હાલતમાં પણ જૂઠુ બોલી શકતા હોય છે. ઘણા આરોપીઓએ આવા મશીનો સાથે અગાઉ પ્રેક્ટિસ કરેલી હોય છે જેનાથી આવા આરોપીઓ પાસેથી કોઈ પુરાવો મેળવી શકાતો નથી.
અગાઉ આરોપીઓ પાસેથી સાચી માહિતી મેળવવા કડક પૂછપરછ કરવામાં આવતી. ક્યારેક થર્ડ ડિગ્રી ટોર્ચર કરવામાં આવતું. આની સરખામણીમાં પોલિગ્રાફ ટેસ્ટ અને નાર્કો ટેસ્ટ ને થોડીક સોફ્ટ પ્રક્રિયા કહી શકાય.
આફતાબ જેવા કોલ્ડ બ્લડેડ ખૂની પાસેથી સત્ય કઢાવવા અને પુરાવા એકઠા કરવા પોલીસે દરેક જાતના પ્રયાસ કરવા પડશે.
ગાંધીજીએ આત્મકથા લખી હતી તેને સત્યના પ્રયોગો એવું નામ અપાયું હતું એ જ રીતે પોલીસે પણ ગુનાખોરીનુ સત્ય જાણવા અનેક જૂની-નવી પદ્ધતિનો ઉપયોગ કરવો પડશે. ગુનેગારો સત્યને છાવરવાના પ્રયત્નો કરતા જ રહેશે તો સામે પક્ષે પોલીસે તેમની પાસેથી સત્યને ઉલેચવાના પ્રયોગો કરતા જ રહેવું પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular