બોલીવૂડ સેલેબ્સના લગ્ન હંમેશાં ચર્ચાનો વિષય બને છે કારણ કે આ લગ્નોમાં કરોડોનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે ભવ્ય લગ્નમાં કરોડોનો ખર્ચ કરનાર આ સેલેબ્સના છૂટાછેડા પણ કરોડોમાં છે. બોલીવૂડમાં ઘણા એવા સંબંધો છે જે બનતાની સાથે જ બગડી ગયા, જ્યારે ઘણા એવા સેલેબ્સ છે જેમણે લગ્નનાં ૧૫ વર્ષ પછી પણ પરસ્પર સમજણથી છૂટાછેડા લીધા. છૂટાછેડા પણ કેટલાક સેલેબ્સ માટે ભારે પડ્યા છે. અહીં અમે તમને બોલીવુડના એવા સેલેબ્સ વિશે જણાવીશું જેમણે છૂટાછેડા માટે કરોડો રૂપિયા ખર્ચ્યા છે.
આમિર ખાન અને રીના દત્તા
આમિર ખાન લગ્નના મામલામાં કમનસીબ રહ્યો છે. આમિરના બે વખત છૂટાછેડા થઈ ચૂક્યા છે. તેણે વર્ષ ૧૯૮૬માં રીના દત્તા સાથે પ્રથમ લગ્ન કર્યા હતાં. બંને ૨૦૦૨માં એકબીજાથી અલગ થઈ ગયા હતા. અહેવાલો અનુસાર આમિર ખાને રીના દત્તાને ૫૦ કરોડ રૂપિયા એલિમની તરીકે આપ્યા હતા.
હૃતિક રોશન-સુઝેન ખાન
બોલીવૂડ અભિનેતા રિતિક રોશન અને સુઝેન ખાનના છૂટાછેડા બોલીવૂડના સૌથી મોંઘા છૂટાછેડા છે. લગ્નના ૧૪ વર્ષ બાદ બંનેએ પરસ્પર સમજણથી છૂટાછેડા લીધા હતા. અહેવાલો અનુસાર સુઝેન ખાને ૪૦૦ કરોડનું ભથ્થું માંગ્યું હતું. જે બાદ રિતિક રોશને સુઝેન ખાનને ૩૮૦ કરોડ આપ્યા હતા.
કરિશ્મા કપૂર અને સંજય કપૂર
વર્ષ ૨૦૦૩માં કપૂર પરિવારની લાડકી મોટી દીકરી કરિશ્મા કપૂરે સંજય કપૂર સાથે લગ્ન કર્યાં. લગ્નના ૧૩ વર્ષ બાદ બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. બંનેનાં બે બાળકો છે જે કરિશ્મા સાથે મુંબઈમાં રહે છે. સંજયે છૂટાછેડાના બદલામાં કરિશ્માને બંને બાળકો (કિયાન અને સમાયરા)ના નામે ઘર અને ૧૪ કરોડના બોન્ડ આપ્યા હતા. રિપોર્ટ અનુસાર કરિશ્મા કપૂરને એલીમની તરીકે બંગલો મળ્યો છે. આ ૧૪ કરોડના બોન્ડ પર કરિશ્મા કપૂરને દર મહિને ૧૦૦૦૦૦૦ રૂપિયા મળતા હતા.
ફરહાન અખ્તર-અધુના ભાબાની
બોલીવૂડના બહુપ્રતિભાશાળી અભિનેતા ફરહાન અખ્તરે ૧૬ વર્ષ સુધી સાથે રહ્યા બાદ અધુનાને છૂટાછેડા આપી દીધા હતા. અહેવાલો અનુસાર અધુનાએ છૂટાછેડાના બદલામાં તેની પાસે મુંબઈમાં ૧૦૦૦ ચોરસ ફૂટનો બંગલો માગ્યો હતો. આ સાથે ફરહાન અખ્તર તેની દીકરીઓની સંભાળ રાખવા માટે દર મહિને અધુનાને લાખો રૂપિયા આપે છે.
અરબાઝ ખાન અને મલાઈકા અરોરા
ઘણાં વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા બાદ અરબાઝ ખાન અને મલાઈકા અરોરાએ વર્ષ ૧૯૯૮માં લગ્ન કર્યાં હતાં. પરંતુ વર્ષ ૨૦૧૭માં અરબાઝ ખાન અને મલાઈકા અરોરા એકબીજાથી અલગ થઈ ગયા. તેનું કારણ બંનેનું અફેર હતું. અરબાઝ ખાનથી છૂટાછેડા લીધા બાદ મલાઈકા અરોરાએ ૧૦ થી ૧૫ કરોડ રૂપિયા માગ્યા હતા.