Homeઉત્સવમહેંગાઈ ડાયન માર ગઈ!

મહેંગાઈ ડાયન માર ગઈ!

શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ

જાણિતા મહાન અંગ્રેજી લેખક શેક્સપિઅરના ‘હેમલેટ’ નાટકનો હીરો હેમલેટ ખુદ બજારમાં થેલી લઈને ઊભો છે અને એના પોતાના જાણિતા સંવાદ ‘ટુ બી ઓર નોટ ટુ બી- ધેટ ઇઝ ધ ક્વેશ્ચન’ અર્થાત્ ’મારું હોવું કે ના હોવું – એ જ સવાલ છે?’ ની જેમ દ્વિધામાં વિચારતો ઊભો છે કે- ‘ખરીદું કે નહીં ખરીદું? એ જ માહાપ્રશ્ર્ન છે’ મોંઘવારી એટલી વધી ગઈ છે કે મારા હેમલેટનું મગજ જ કામ નથી કરી રહ્યું.
એકવાર વશિષ્ઠ મુનિ, એક નગરમાં આવ્યા અને રાજાને કહ્યું- ૬આશ્રમની શાંતિ,વનમાં સાવ ભંગ થઈ ગઈ છે, રાક્ષસો અમને હવનમાં હાડકાં નાખે છે. “રાજાએ કહ્યું- ડરો નહીં.મારા શૂરવીર રાજકુમારોને લઈ જાવ. એ લોકો તીર મારી-મારીને રાક્ષસોનો નાશ કરી દેશે “ત્યારે ગુરુ વશિષ્ઠે કહ્યું- ના મહારાજ, આ મોંઘવારીમાં મારું પોતાનું ગુજરાન ચલાવવું મુશ્કેલ થઇ ગયું છે. ઉપરથી તમારા બે રાજકુમારોના ખર્ચા ક્યાંથી ઉઠાવીશ?
પાંચ પાંડવ ભાઈઓ, વર્ષોથી સંયુક્ત પરિવારમાં રહેતા હતા. પણ આખા પરિવારમાં એકલો ભીમ જ ચાર લોકો જેટલું ખાવાનું ખાતો હતો. મોંઘવારી એટલી વધી ગઈ કે યુધિષ્ઠિર, અર્જુન, નકુલ અને સહદેવથી રહેવાયું નહીં. એટલે એ લોકોએ ભીમને કહ્યું- “ભાઈ, તું તારી પોતાની વ્યવસ્થા અલગથી કરી લે! અમારાથી નહીં નિભાવાય!
આ મોંઘવારીએ તો માણસોની સાથે-સાથે સામાન્ય માણસો સાથે મહાપુરૂષોની હાલત પણ બગાડી નાખી છે. વચ્ચે એકવાર નારદજી રસ્તામાં મળ્યા. મેં એમને પૂછ્યું, “ગુરૂજી ક્યાં જાવ છો? તો નારદજીએ કહ્યું- “આજકાલ, સારી રીતે ગીતો ગાવાના પ્રાઈવેટ ટ્યુશન ક્લાસ કરું છું. આ મોંઘવારીમાં ખાલી માત્ર ભગવાનનું નામ લેવાથી પેટ ન ભરાય!
ભગવાન બુદ્ધ, બોધીવૃક્ષની નીચે તપસ્યા કરી રહ્યા હતા. આંખ ખોલી જોયું- તો સામે સુજાતા ઊભી હતી. એમણે પૂછ્યું, “મારા માટે ખીર લાવી છે? સુજાતાએ કહ્યું, “તથાગત, તમે તો ઝાડની નીચે આંખ બંધ કરીને બેઠા છો. તમને શું ખબર કે બજારમાં ખાંડ, ચોખા, દૂધનો ભાવ શું ચાલે છે? હવે ખીર બનાવવી આ ગરીબ સુજાતાના બસની વાત નથી રહી!
દાસ કબીર, બજારમાં હાથમાં મશાલ લઈને ઊભા રહી ગયા. એમણે કહ્યું કે, “જો ઘર ફૂંકે આપના ચલો હમારે સાથ અર્થાત્ જે પોતાનું ઘર સળગાવી દે, એ મારી સાથે આવે! સામેના ઘરમાંથી એક દાસ કબીરનો શિષ્ય બહાર આવ્યો અને કહ્યું, “હું આવીશ સાહેબ, પણ ઘર સળગાવી દેવાની વાત પર કેમ જોર આપો છો? એને ભાડા પર ચડાવી દઈએ. થોડી મંથલી ઈન્કમ થશે તો ગુરુ-ચેલા બંનેનું કામ ચાલી જશે!
દાળ-ચોખા, ખાંડ-ચા, દૂધ-દહીં હોય કે પછી સોના-ચાંદી, બધી વસ્તુઓના ભાવ વધી ગયા છે કે ભલભલા મૂંઝાઇ ગયા છે!
સિકંદર યૂનાનથી નીકળ્યો અને કંઈ કેટલા દેશો પર જીત મેળવતો હિન્દુસ્તાન આવી પહોંચ્યો. અહીંયાં આવીને એણે એના સાથીઓને પૂછ્યું- “બોલો, શું કરવું છે? આગળ વધીએ કે પાછા જતા રહીએ? સાથીઓએ કહ્યું, “સિકંદર, શાણપણ એમાં જ છે કે આપણે યૂનાન પાછા જતા રહીએ. આ દેશ બહુ મોંઘો છે. અહીંયાના રાજવીઓ તો ઠીક પણ કરીવાણાના દુકાનવાળા આપણી બધી કમાણી લૂંટી લેશે!
“અને મોંઘવારીના ડરથી સિકંદર યૂનાન પાછો જતો રહ્યો!
એક બાજુ હુમાયૂ બહુ બીમાર છે. એના પિતા બાબર પ્રાર્થના કરી રહ્યા છે- “યા અલ્લાહ, મારા દીકરાને સાજો કરી દે. એના બદલામાં મારી જાન લઈ લે. હે ખુદા, દવાઓ અને ઈંજેક્શન બહું મોંઘા થઈ ગયા છે! હવે તું હુમાયૂને બચાવી લે અને મને ઉઠાવી લે, જેનાથી એની પણ તકલીફ દૂર થાય અને મારી પણ!
આજે જહાંગીરે ગયા
મહિનાનું શરાબનું બિલ જોયું અને પીધા વગર જ ચક્કર ખાઈને પડી ગયો. પછી કહ્યું, ‘નૂરેજહાન, આજથી અમે દેશી દારુ જ પીશું. રમ અને વ્હિસ્કી બહું મોંઘા થઈ ગયા છે.’ નૂરજહાંએ કહ્યું, “ઉપરવાળાનો આભાર છે. જો આવી જ મોંઘવારી રહેશે, તો એક દિવસ તમે એને પણ છોડી દઈને એક સારા માણસનું જીવન જીવવા માંડશો!
આજે સંગેમરમરનો ભાવ પૂછ્યા પછી શાહજહાંએ તાજમહલનો એસ્ટીમેટ બનાવડાવ્યો અને આદેશ આપ્યો કે- “તાજમહલ સંગેમરમરનો બનશે નહીં. હું કાર્ડબોર્ડનો તાજમહલ બનાવડાવીશ. અલ્લાહ કસમ, સસ્તો પણ બનશે અને સુંદર પણ હશે!
આજે રાજા ભરથરીએ પિંગલાને કહ્યું- “હું સન્યાસ લઈ રહ્યો છું. આંખમાં આંસુ લાવીને પિંગલાએ કહ્યું- “રાજા, જતાં જતાં મારા એક પ્રશ્નનો જવાબ આપો. તું જતો રહેશે તો કેરોસિનની લાઈનમાં કોણ ઊભું રહેશે? ભરથરીના પગ રોકાઈ ગયા. આ પ્રશ્નનો જવાબ તો એમના ગુરુની પાસે પણ ન હતો!
વર્ષો તપ કર્યા પછી ભગવાને ભક્તને દર્શન આપ્યા. ભક્તે કહ્યું, “પ્રભુ, મને કોઈ એવો રસ્તો બતાવો જેનાથી જીવન સુખી થઈ જાય. ભગવાને કહ્યું- “ભાવ ઘણા વધવાના છે વત્સ, સ્ટોક કરી લે. જીવનનું સુખ આમાં જ છે!
આજે ગંગા નદીને કિનારે પોતાના પૂર્વજોનું તર્પણ કરતા એ માણસે કહ્યું- “હે પૂર્વજો, આ મોંઘવારીમાં તમારું શ્રાદ્ધ કરવું એ મારા બસની વાત નથી. તમને મુક્તિ મળે કે ના મળે, પણ મને મુક્તિ આપો, મને મુક્તિ આપો, મને મુક્તિ આપો!
(મૂલ લેખ: ૧૯૮૦)

RELATED ARTICLES

Most Popular