કેફિયત-એ-કચ્છ -રાજેશ માહેશ્ર્વરી
વર્ષ ૨૦૦૧ના ભયાનક ધરતીકંપ પશ્ર્ચાત્ત દેશના સરહદી વિસ્તારમાં આવેલા કચ્છમાં એક બાજુ સર્જાયેલી ઔદ્યોગિક ક્રાંતિ અને તેને સમાંતર છેલ્લા દોઢ થી બે દાયકામાં વિકસેલા પ્રવાસન ક્ષેત્રે જાણે દુનિયાના નકશામાં કચ્છની અલગ જ ઓળખનું સર્જન કર્યું છે.
એક સમયે સિઝન પૂરતુ સીમિત રહેલું કચ્છ હવે ધીરે ધીરે કોઈ ઋતુ કે સમયનું મોહતાજ નથી અહીં પ્રવાસન ક્ષેત્રે લગભગ બારે મહિના અને ૩૬૫ દિવસ જેટલું કહીએ તો અતિશયોક્તિ નથી. આ બારમાસી પ્રવાસન હોવાની સાથે અમુક કચ્છના લોકો, તંત્ર અને પ્રવાસની સાથે સંકળાયેલા ધંધાર્થીઓની જવાબદેહી પણ વધી જવા પામી છે.
માળખાકીય સુવિધાઓ, હોટલો, ધર્મશાળાઓ, રેસ્ટોરન્ટસ, સફાઈ અને પ્રદૂષણ રહિત વાતાવરણ અને અનેક પાસાઓ વિશે આપણે સજાગ રહેવું પડશે.
“કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખાના પ્રચલિત નારા વચ્ચે હજારો અને લાખો સહેલાણીઓની આવનજાવન અને તેમના કારણે થઈ રહેલી મોટી આવકના માહોલ વચ્ચે ખૂટતી કડીઓ પૂરી કરાય અને પ્રવાસીઓ માટેની સુવિધાઓ વધુ લોકભોગ્ય બનાવાય તો કાશ્મીર કે કેરળ ને ‘કચ્છ’ ચોક્કસ સ્પર્ધામાં ઊણું ઊતરે તેમ નથી બલકે ટક્કર આપે એવું છે.
સફેદ રણ અને રણોત્સવથી પતંગોત્સવ અનેકવિધ આયોજનો તેમ જ અનેક વૈવિધ્યપૂર્ણ સ્થળો ઉપરાંત વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિ ઉપરાંત ધાર્મિક, ઐતિહાસિક અને પુરાતત્વીય ખનન પામેલાં નગરો તેમ જ જિયોલોજીની જીવંત પ્રયોગશાળા સમું કચ્છ અન્ય આરક્ષિત સ્થાનોના ખજાનાઓને લઈને દેશ-વિદેશના પર્યટકોને માટે કચ્છ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તો પર્યટકોના આ ક્રેઝ છેલ્લા લાંબા સમયથી ઉત્તરોત્તર વધતો જોવા મળી રહ્યો છે. છેલ્લાં પાંચેક વર્ષમાં કચ્છની મુલાકાતે આવેલા પ્રવાસીઓના આંકડા અને તેમના કારણે સરકારી તિજોરીમાં અને ખાનગી ધંધાદારીઓ, વ્યવસાયમાં જોવા મળેલી તેજી જેવા કે વાહન વ્યવહાર, હોટેલ, ખાણીપીણી, કચ્છમાં બનતી હસ્તકલા અને અન્ય કચ્છની પહેચાન સમી મીઠાઈ, પકવાનો, અઝરખ પ્રીન્ટ, ખરકી, રોગાનકળા, એવા અનેક વિધ વ્યવસાયોમાં અત્યંત તેજી જોવા મળે છે અને લોકો બે પાંદડે થયેલ છે.
આ ક્ષેત્ર કેટલી હદે વિકસિત બની ચૂક્યું છે અને હજુએ ઘણું વિકસી શકે તેમ છે તેમાં કોઈ બે મત નથી.
અહીં માતાનો મઢ અને નારાયણ સરોવર આ બે હિન્દુ ધર્મનાં મોટાં તીર્થો કહી શકાય તેમાં પર્યટન વિભાગ દ્વારા માળખાકીય સુવિધાનો હજુ પણ અભાવ છે. માતાના મઢનો ગટરના પાણીનો પ્રશ્ર્ન કેટલાય સમયથી નિલંબિત છે. માટે અહીં ગંદકી અને દુર્ગંધથી શ્રદ્ધાળુઓ પરેશાન છે.
નારાયણ સરોવરમાં પણ માળખાકીય સુવિધાઓ વધારવાની જરૂરી છે અને તેનું પર્યટન ખાતા દ્વારા માર્કેટિંગ કરવું જરૂરી છે. તો આ નારાયણ સરોવર અને કોટેશ્ર્વરની મહત્તા લોકો સુધી પહોંચે અને પ્રવાસીઓ ખેંચાઈને આવે અને અહીં રાતવાસો કરે આજુબાજુ લખપત તાલુકાની ગુફાઓ અને વન્ય સૃષ્ટીનો પણ પ્રવાસ કરે તો હજુ પણ અહીં મહેસૂલી આવક અનેકગણી વધી શકે.
તાજેતરમાં પૂર્ણ થયેલ દુનિયાભરમાં જાણીતા એવા રણઉત્સવમાં આવેલા પર્યટકોની સંખ્યા વચ્ચે ક્ષેત્રની અધૂરાશો-ઊણપોને લઈને પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયેલા હતા. પ્રવાસનના આનુષાંગિક ક્ષેત્ર અને વ્યવસાયને તેજીની ભેટ આપી છે. એનાથી વિશેષ સુગમ આયોજન વિચારવાને અને તેને અમલી બનાવવાનો સમય પણ પાકી ગયો છે, તેવું અનુભવીઓ અને આ ક્ષેત્રના તજજ્ઞો કહી રહ્યા છે.
પ્રવાસન ક્ષેત્ર સાથે સંલગ્ન વ્યક્તિઓ સાથેની મુલાકાત દરમ્યાન જાણવા મળેલી વિગતો મુજબ એક સમયે શિયાળામાં વિદેશી સહેલાણીની પસંદગી
માટે કચ્છ મોખરે રહેતું હતું. તો પ્રકૃતિ અને પક્ષીવિદો ઉપરાંત સાહસ અને આરોહણના ચાહકો પણ કચ્છ પસંદ કરતા હતા. આ ક્ષેત્ર એ જમાનામાં અમુક ઋતુઓ પૂરતું રહેતું હતું પણ હવે છેલ્લા એક દાયકાથી શિયાળો, ચોમાસું કે ઉનાળો એમ ત્રણેય સિઝન અને બારેમાસ કચ્છનો ક્રેઝ સહેલાણીઓ માટે ‘ટોપ પ્રાયોરિટી’ (મુખ્ય પસંદગી)નું સ્થાન બની રહ્યું છે. દિવાળી અને ઉનાળુ બન્ને વેકેશન અને રણોત્સવ જ નહીં, પણ હવે તો વીકએન્ડમાં પણ બે-ત્રણ દિવસની ટૂર કચ્છ માટે સહજ બની છે. બહારથી અવિરત આવી રહેલા ઉતારુઓ સહિતનો માહોલ આ ક્ષેત્રે કરેલા વિકાસની સાક્ષી પૂરી રહ્યા છે.
વ્યવસાયને સંલગ્ન સૂત્રો આ સંબંધી વધુ વિગતો આપતા જણાવે છે કે, પર્યટકોની વધેલી અવરજવરથી હોટલ, રેસ્ટોરન્ટ અને વાહન વ્યવહાર સહિતના વિવિધ વ્યવસાય તેજીના ઘોડા પર સવારી કરી રહ્યા છે.
ધોળાવીરા કે ધોરડો જેવા દુર્ગમ અને છેવાડાના વિસ્તારમાં જવા એક સમયે પીવાનું પાણી સાહજિક રીતે મળવું મુશ્કેલ રહેતું ત્યાં આજે ફાઈવસ્ટાર સુવિધાઓ મળતી થઈ છે. (ક્રમશ:)