Homeરોજ બરોજરાજીવ ગાંધીના હત્યારાની મુક્તિ : સજા ફાંસીની થાય અને મુક્તિ જેલવાસમાં જ...

રાજીવ ગાંધીના હત્યારાની મુક્તિ : સજા ફાંસીની થાય અને મુક્તિ જેલવાસમાં જ મળી જાય

રોજ બરોજ -અભિમન્યુ મોદી

તમિળનાડુના વેલૂર ગામમાં સપરમા દહાડે લોકોની ભીડ જોવા મળે બાકી તો બધા પોતપોતાના કામમાં રચ્યા-પચ્યા હોય ત્યાં અચાનક દેશની તમામ ચેનલના પત્રકારો હાજર થઈ ગયા. ગામમાં પગ મૂકવાની જગ્યા નહીં. વેલૂરવાસીઓએ પૂછપરછ કરી એટલે ખબર પડી કે નલિની શ્રીહરણ નામની મહિલાનો પત્રકારો ઇન્ટરવ્યૂ લેવા આવ્યા છે. સાંકડી ગલીમાં પત્રકારો સલવાયા ગયા છતાં તેમના ચહેરા પર એક્સક્લુઝિવ સમાચાર મળશે તેની ખુશી છલકાતી હતી. ગલીની બહાર રિક્ષા ઊભી રહી. તેમાંથી નલિની બહાર આવી. પળવારમાં ચેનલના કેમેરા અને પ્રશ્ર્નના તીર તેમના તરફ છૂટવા લાગ્યાં. તેના ચહેરા પરનો રાજીપો જ કહેતો હતો કે તે કેટલી ખુશ છે. તમિળભાષામાં તેણે એટલી લાગણી જ વ્યક્ત કરી હતી કે હવે તે મુક્તિથી જીવન જીવી શકશે. સુપ્રીમ કોર્ટે પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યાના કેસમાં સજા કાપી રહેલા તમામ છ આરોપીને મુદત પહેલા મુક્ત કરવાનો આદેશ કર્યો પણ મીડિયા માટે ટીઆરપી ઉત્પન્ન કરી શકે એવી એક માત્ર નલિની શ્રીહરણ હતી.
કોર્ટના મતે દોષિતોએ ત્રણ દાયકાથી પણ વધુ સમય જેલમાં વીતાવ્યા છે. દોષિતોનું આચરણ પણ સંતોષજનક રહ્યું છે. કોર્ટના ચુકાદાને પડકારવો કે લાલકારવો યોગ્ય નથી છતાં પણ નેટિઝન્સ રાજીવ ગાંધીની સરખામણી બિલ્કિસ બાનુ સાથે કરી રહ્યા છે. નેટિઝન્સના મતે બિલ્કિસ બાનુ કેસમાં જે રીતે આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે ગેંગરેપ અને હત્યા જેવા ગંભીર ગુનાઓ આચરેલા કેદીઓને આજીવન કેદને બદલે ૧૫ વર્ષની સજા પૂરી થવાના આધારે તથા તેમના જેલવાસ દરમિયાનના ઉત્તમ આચરણને કારણે મુક્ત કર્યા એ જ રીતે રાજીવ ગાંધી હત્યા કાંડમાં પણ કોર્ટે ફાંસીના આરોપીઓને ૩૦ વર્ષના જેલવાસને ધ્યાને રાખીને મુક્ત કર્યા છે.
સત્તા અને જવાબદારી એક સિક્કાની બે બાજુ છે અને ભારતના ન્યાયાધીશો પણ તેમાંથી બાકાત નથી. દેશમાં હાલના માહોલમાં લોકોને ન્યાયધીશ પ્રત્યે અપાર આશા અને શ્રદ્ધા છે. ન્યાયાધીશની જવાબદારી વધુ મહત્ત્વની એટલા માટે છે, કારણ કે ભારતીય સમાજ એક કલ્યાણકારી રાજ્ય વ્યવસ્થામાંથી ઉદારવાદી અર્થકારણ તરફ બહુ ઝડપથી આગળ વધી રહ્યો છે.ન્યાયધીશ હવે માત્ર ખુરશી પર બેસીને મૂક સાક્ષી નથી બની રહ્યા પણ તેમની ભૂમિકા બદલાઇ રહી છે. કાયદાની પ્રક્રિયા અને તેના પાલન પરનો અંકુશ ન્યાયાધીશ પાસે છે. વૈશ્ર્વિક વાતાવરણમાં ન્યાયાધીશે લોકોને ઝડપથી ન્યાય મળે એ જોવું પણ એટલું જ જરૂરી બની ગયું છે.
રાજા-રજવાડાંના સમયમાં ન્યાયાધીશને બધાથી ઉપર માનવામાં આવતા હતા, પણ હવે સમય બદલાયો છે અને જાહેરસેવા સાથે સંકળાયેલી કોઇપણ વ્યક્તિ તેની જવાબદારીમાંથી અને ઉત્તરદાયિત્વમાંથી છટકી શકે તેમ નથી. તો સુપ્રીમ કોર્ટની બેન્ચે ખુદ કાયદાનો ભંગ કરીને રાજીવ ગાંધીના હત્યારોને મુક્ત કરવાનો નિર્ણય હવામાં તો નહીં જ લીધો હોય ને.. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ બી.વી. નાગરત્નાની બેન્ચના ચુકાદા અનુસાર નલિની શ્રીહરણ, આર.પી. રવિચંદ્રન, સંથન, મુરુગન, રોબર્ટ પાયસ અને જયકુમારને બંધારણની કલમ ૧૪૨ હેઠળ અસામાન્ય સત્તાનો ઉપયોગ કરતા ૩૦ વર્ષથી પણ વધુ સમય જેલમાં વીતાવવાના આધારે મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કાયદામાં ચોક્કસપણે એવી જોગવાઈ છે કે રાજ્યપાલ અને સરકાર જો આવા ગંભીર કેસમાં કોઈ નિર્ણય જાહેર ન કરે તો આ સ્થિતિમાં આરોપીઓને દયાની અરજીના આધારે કોર્ટ સ્વયં ચુકાદો આપી શકે છે પણ તેનાથી નવો વિવાદ શરૂ થઈ ગયો છે. શું ભારતનું ન્યાયતંત્ર એટલું પાંગળું છે કે દેશના વડા પ્રધાનના શરીરના ચીથરાં ઉડાવ્યા બાદ તેના હત્યારો જેલમાં રહે એટલે તેને સજા મળી ગઈ કહેવાય?
કોર્ટે જે દોષિતો નલિની શ્રીહરણ, આર.પી. રવિચંદ્રન, સંથન, મુરુગન, રોબર્ટ પાયસ અને જયકુમારને મુક્ત કર્યા છે તે દરેક હત્યારાએ ૩૦ વર્ષના જેલવાસ દરમિયાન પેરોલ પર પરિવાર સાથે સારા-માઠા પ્રસંગો માણી લીધા છે. યુવાવયે તેમની ધરપકડ થઈ હતી એટલે નલિનીએ તો કમ્પ્યુટર એપ્લિકેશનમાં પીજી ડિપ્લોમા અને રવિચંદ્રને ફાઈન આર્ટ્સમાં પીજી ડિપ્લોમાની ડિગ્રી હાંસલ કરી છે. તેમના જીવનની ઉત્કર્ષ જેલવાસ દરમિયાન પણ થયો જ છે.
થોડા સમય પહેલાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ માટે કૉંગ્રેસના અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપત્ની શબ્દ વાપર્યા તેમાં તો ભાજપે આભ તૂટી પડ્યું હોય એવો દેકારો કરી નાખેલો. ચૌધરીએ કરેલી ગુસ્તાખી સામે ભાજપની મહિલા નેતાઓ તો એટલી ઉગ્ર બની ગયેલી કે રણચંડી જ લાગતી હતી. દેશની મહિલાઓનું અપમાન થઈ ગયું હોવાનો દેકારો તેમણે કરી નાખેલો. પણ બિલ્કિસ બાનુના કેસમાં શું થયું? માનવના વેશમાં રહેલા ૧૧ જેટલા નરભક્ષી રાક્ષસોએ સગર્ભા મહિલાનું શિયળ લૂંટ્યું, તેના પરિજનોને જીવતા ભડથું કરી નાખ્યા. તેને ફાંસીને સજા મળી હતી. જે સમય જતા જન્મટીપમાં પરિવર્તિત થઈ ગઈ અને હવે તે મુક્તપણે વિહરી રહ્યા છે. બિલ્કિસ કેસમાં નેટિઝન્સે દોષિતોનું મહિમા મંડન કરનાર નેતાઓને ભાન કરાવ્યું કે આ નૈતિક અધ:પતનની નિશાની છે ત્યારે કોર્ટને સરકાર સામે લાલ આંખ કરવાનો વિચાર આવ્યો!
સોશિયલ મીડિયાના જંગમાં લોકમાનસમાં પણ એવો વિચાર જન્મ્યો કે દેશના પ્રધાનમંત્રીની હત્યા કર્યા બાદ જો જેલવાસ જ ભોગવવો પડે તો અપરાધીઓને નવું બળ મળશે? ભારતના નિષ્ઠાવાન સપૂતની યોજનાબદ્ધ હત્યા બાદ તેના આરોપીઓને તો દાખલ રૂપ સજા મળવી જ જોઈએ. હવે રાજીવ ગાંધી હત્યાકાંડનું પ્રકરણ ઇતિહાસમાં કઈ રીતે આલેખાશે? માનવબોમ્બનો શ્રીલંકામાં જન્મ અને તેની સાથે જોડાયેલા દોષિતોની જેલવાસ બાદ સરળ મુક્તિ!, ભારતમાં કાળાપાણીની સજા મળવી એટલે નરકની યાતના ભોગવવા સમાન છે પરંતુ રાજીવ ગાંધી કે બિલ્કિસ બાનુના હત્યારાઓએ આવી સજા ભોગવી જ નથી. સજા શબ્દ તો તેમના માટે દુન્યવી બની ગયો છે. પ્રત્યક્ષ રીતે ગેંગસ્ટર અબુ સાલેમને કાયદાની છટકબારીનો લાભ મળ્યો તેમ પરોક્ષ રીતે રાજીવ ગાંધી હત્યાકાંડના આરોપીઓ માટે પણ કાયદો વરદાન બન્યો છે.
સાલેમ ૨૦૦૨માં પોર્ટુગલમાં ઝડપાયો પછી તેને ભારત પાછો લાવવા માટે લાંબી કાનૂની લડત ચાલી હતી. સાલેમના ગુના ગંભીર હતા પણ તે પોલીસની પકડની બહાર હતો. બગાસુ ખાતાં પતાસું મળે એમ સાલેમ પોર્ટુગલમાંથી પકડાયો ત્યારે અટલ બિહારી વાજપેયીની સરકાર હતી અને અડવાણી ગૃહ મંત્રી હતા. વાજપેયીના શાસનમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી હુમલા મોટા પ્રમાણમાં થયેલા તેથી અડવાણીના માથે માછલાં ધોવાતાં હતાં. અડવાણીને છોટે સરદાર ગણાવડાવીને લોખંડી પુરૂષ ગણાવવાનો શોખ હતો પણ આતંકવાદી હુમલાઓએ તેમની આબરૂના કાંકરા કરી નાખેલા. અડવાણીને પોતાની ઈમેજ સુધારવી હતી તેમાં સાલેમ પકડાયો તેથી અડવાણીએ તક ઝડપી લીધી. અડવાણી સાલેમને ગમે તે ભોગે ભારત લાવવા માગતા હતા.
પોર્ટુગલે શરત મૂકેલી કે, સાલેમને લઈ જવો હોય તો ભલે લઈ જાઓ પણ તેને ફાંસી નહીં આપી શકો. સાલેમના ગુના એટલા સંગીન હતા કે તેને ફાંસી જ થાય પણ ગરજવાનને અક્કલ ના હોય એ હિસાબે અડવાણીએ પોતાની ઈમેજ સુધારવા હા પાડી દીધી અને સાલેમને ભારત લઈ આવ્યા. સાલેમને તેના પાપો માટે પૂરતી સજા ના આપી શકવાના હોઈએ તો તેને લાવવાનો અર્થ જ નહોતો પણ પોતાની વાહવાહીના લોભમાં અડવાણીએ પહેલાં જ કાંડાં કાપીને આપી દીધેલાં તેથી મુંબઈ બોમ્બ બ્લાસ્ટ કેસમાં સાલેમ બચી ગયેલો. આ કેસમાં સાલેમને ફાંસીથી ઓછું કશું ખપે જ નહીં પણ આ ખાતરીના કારણે સીબીઆઈએ ફાંસીના બદલે જનમટીપ આપવાની રેકર્ડ વગાડવી પડેલી. ટાડા કોર્ટે એ વાત માન્ય રાખીને સાલેમને જનમટીપ આપી હતી. ૨૦૩૦માં એ સજા પતશે એટલે એ છૂટી જશે.
સાલેમ ૬૦ વર્ષનો છે પણ હજુ હટ્ટોકટ્ટો છે એ જોતાં ૨૦૩૦માં છૂટશે પછી પણ શાંતિથી જીવી શકશે. એ જ રીતે બિલ્કિસ બાનુ હોય અને રાજીવ ગાંધીના હત્યારાઓ પણ હવે આઝાદ છે. દેશની ત્રણ સૌથી મોટી, ભીષણ અને આતંકવાદને પ્રોત્સાહન આપે તેવી ઘટનાઓના અપરાધીઓ શાંતિથી જીવી શકે તેનાથી મોટી કમનસીબી બીજી શું કહેવાય?

RELATED ARTICLES

Most Popular