Homeદેશ વિદેશઍક્ઝિટ પોલ: ગુજરાત, હિમાચલમાં ફરી ભાજપ સરકાર

ઍક્ઝિટ પોલ: ગુજરાત, હિમાચલમાં ફરી ભાજપ સરકાર

( અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ, શિમલા, નવી દિલ્હી: ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા તેમ જ દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાન બાદ લેવાયેલા વિવિધ એક્ઝિટ પોલની સરેરાશ મુજબ ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ફરી ભાજપ સરકાર રચાશે.
ગુજરાતમાં ભાજપને બહુમતી માટે જરૂરી બેઠક સરળતાથી મળી રહેશે, જ્યારે હિમાચલ પ્રદેશમાં ભાજપની કૉંગ્રેસ સાથે બળાબળની સ્પર્ધા થશે, પરંતુ થોડી વધુ બેઠક સાથે બહુમતી માટે જરૂરી લક્ષ્યાંક પ્રાપ્ત કરી લેશે.
ગુજરાતમાં બે તબક્કામાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ઓછાં મતદાન બાદ પણ રાજ્યમાં ફરી એક વાર ભાજપ સરકાર બનતી હોવાના તારણ જુદાં જુદાં એક્ઝિટ પોલમાં બહાર આવ્યા છે, જ્યારે હિમાચલ પ્રદેશમાં પણ એક્ઝિટ પોલના તારણની સરેરાશમાં ભાજપને ૩૭ બેઠક, કૉંગ્રેસને ૩૧ બેઠક અને આપને એક પણ બેઠક આપવામાં આવી નથી. ગુજરાતમાં સરકાર બનાવવા માટે ૯૨ બેઠક અને હિમાચલ પ્રદેશમાં ૩૫ બેઠક જોઇએ છે. દિલ્હી મહાનગરપાલિકામાં કુલ ૨૫૦ બેઠકમાંથી આમ આદમી પાર્ટી (આપ)ને સૌથી વધુ ૧૫૬, ભાજપને ૮૬ અને કૉંગ્રેસને આઠ બેઠક મળવાનો વર્તારો કરવામાં આવ્યો છે. બહુમતી માટે મનપામાં કુલ ૧૨૬ બેઠકની જરૂર પડે છે.
ગુજરાતમાં ભાજપને અંદાજે ૧૩૪, કૉંગ્રેસને ૪૧ અને આમ આદમી પક્ષને સાત બેઠક મળવાની આશા રખાય છે.
અગાઉ ગુજરાતના પહેલા તબક્કે ઇવીએમ ખોટકાયાની ઘટનાઓ બાદ બીજા તબક્કાની ચૂંટણીમાં મતદાન વખતે પણ ફરી ઈવીએમ ખોટકાયા હતા. અરવલ્લીના મોડાસામાં, વડોદરાના પાદરામાં, બનાસકાંઠાના મીઠાવીયારણ ગામમાં અને મહિસાગરમાં ખાનપુરના બાકોરમાં ઈવીએમ ખોટવાતા મતદાનની પ્રક્રિયા અટકી ગઈ હતી. જેના કારણે મતદારોની લાઈન લાગી હતી. વડોદરાના પાદરામાં મતદાન મથક ૧૦૧ પર ઈવીએમ ખોટકાયું હતું. મશીન ખોટવાતા મતદાન મથક પર મતદારોની લાંબી લાઈનો લાગી હતી. જ્યારે મોડાસાના સીકામાં પણ ઈવીએમ ખોટવાયું હતું. મહીસાગર જીલ્લામાં ખાનપુરના બાકોર ગામે પણ બુથ ત્રણનું ઈવીએમ ખોરવાયું હતુ. જીલ્લા વહીવટી વિભાગ દ્વારા બે વાર મશીન બદલવામાં આવ્યા છતાં પણ મતદાન શરૂ ન થતા મતદારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ઈવીએમ ખોટવાતા બૂથ બહાર મતદારોની લાંબી લાઈન લાગી ગઈ હતી. અમદાવાદની નારણપુરા બેઠક પર ઈવીએમ ખોટકાયા હતા.

અમદાવાદમાં મોદી અને અમિત શાહે મતદાન કર્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે ૯ વાગ્યે અમદાવાદની સાબરમતી વિધાનસભા બેઠકમાં રાણીપ વિસ્તારમાં આવેલી નિશાન સ્કૂલ ખાતે મતદાન કર્યું હતું, જ્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પત્ની, પુત્ર જય અને પુત્રવધૂ સાથે નારણપુરાના કામેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં આવેલી સબ ઝોનલ ઓફિસમાં મતદાન કયુર્ં હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારની
સાંજે ગુજરાત આવી પહોંચ્યા હતા અને સોમવારે વહેલી સવારે અમદાવાદના રાણીપની નિશાન સ્કૂલમાં મત આપવા માટે પહોંચ્યા હતા. મત આપ્યા બાદ પોતાના મોટા ભાઈ અને સામાજિક કાર્યકર સોમાભાઈ મોદી સાથે મુલાકાત કરી હતી. સોમાભાઈના નિવાસસ્થાને જઈ ત્યાં ૧૦થી ૧૫ મિનિટ સુધી સમય વિતાવ્યો હતો. આ ઉપરાંત શંકરસિંહ, આનંદીબેન પટેલ અને એલિસબ્રિજના ભાજપના ઉમેદવાર અમિત શાહે પરિવાર સાથે મતદાન કર્યું હતું. તો કૉંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે અમદાવાદના નરોડા ખાતે મતદાન કયુર્ં અને મતદાન બાદ જગદિશ ઠાકોરે જીતનો દાવો કર્યો. બીજી બાજુ મુખ્ય ચૂંટણી અધિકારી પી. અધિકારી પી.ભારતીએ ગાંધીનગરમાં મતદાન કયુર્ં હતું. તો અધિક મુખ્ય ચૂંટણી અધિકારી કુલદીપ આર્યએ પણ પોતાનો મત આપ્યો હતો.

વિવિધ ઍક્ઝિટ પોલની સરેરાશ
ગુજરાત હિમાચલ દિલ્હી મનપા
કુલ બેઠકો ૧૮૨ ૬૮ ૨૫૦
બહુમતી માટે જરૂરી ૯૨ ૩૫ ૧૨૬
ભાજપ ૧૩૪ ૩૭ ૮૬
કૉંગ્રેસ ૪૧ ૩૧ ૦૮
આપ ૦૭ ૦૦ ૧૫૬

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular