નેશનલ ફિલ્મ એવૉર્ડ્સમાંથી ગુજરાતીઓની બાદબાકી

દેશ વિદેશ

અજય દેવગણ શ્રેષ્ઠ અભિનેતા

નવી દિલ્હી: અહીં શુક્રવારે જાહેર કરાયેલા નેશનલ ફિલ્મ એવૉર્ડ્સમાં ગુજરાતી ફિલ્મ, કલાકારો, ગાયકો કે આ ક્ષેત્ર સાથે સંકળાયેલી ભાગ્યેજ કોઈ ગુજરાતી વ્યક્તિનું નામ પસંદગી પામ્યું હોવાથી ગુજરાતીઓની બાદબાકી થઈ હોવાનું લાગે છે. શુક્રવારે નવી દિલ્હીના નેશનલ મીડિયા સેન્ટર ખાતે ડિરેક્ટોરેટ ઑફ ફિલ્મ ફેસ્ટિવલ્સે ૬૮મા નેશનલ ફિલ્મ એવૉર્ડ્સની જાહેરાત કરી હતી. નેશનલ ફિલ્મ એવૉર્ડ્સનો આરંભ વર્ષ ૧૯૫૩માં કરવામાં આવ્યો હતો. એ વખતે મરાઠી ફિલ્મ ‘શામ ચી આઈ’ને શ્રેષ્ઠ ફિલ્મનો એવૉર્ડ અપાયો હતો.
માહિતી અને પ્રસારણ મંત્રાલયના નેજા હેઠળના ડિરેક્ટોરેટ ઑફ ફિલ્મ એવૉર્ડ્સના વર્ષ ૨૦૨૧ માટેના એવૉર્ડ્સમાં શ્રેષ્ઠ અભિનેતાનો એવૉર્ડ ‘તાન્હાજી: ધ અનસંગ વૉરિયર’ માટે અજય દેવગણને અને તમિળ ફિલ્મ ‘સૂરારાઈ પોત્રુ’ માટે સૂરિયાને સહિયારા ધોરણે પસંદગી કરવામાં આવી છે. ઍર ડેક્કનના સ્થાપક જી.આર. ગોપીનાથના જીવન પર આધારિત ફિલ્મ ‘સૂરારાઈ પોત્રુ’માં અભિનય માટે અપર્ણા બાલામુરલીને શ્રેષ્ઠ અભિનેત્રીના એવૉર્ડ માટે પસંદ કરવામાં આવી છે. ‘સૂરારાઈ પોત્રુ’ ફિલ્મને શ્રેષ્ઠ ફીચર ફિલ્મના એવૉર્ડ માટે પસંદ કરવામાં આવી છે. સૂરારાઈ પોત્રુને પટકથા અને સંગીત નિર્દેશન સહિત અન્ય કેટેગરીઝમાં પણ નેશનલ એવૉર્ડ્સ માટે પસંદ કરવામાં આવી છે.
શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ તરીકે ‘તુલસીદાસ જુનિયર’ અને શ્રેષ્ઠ મરાઠી ફિલ્મ તરીકે ‘ગોષ્ઠ એકા પૈઠણી ચી’ને પસંદ કરવામાં આવી છે. આશુતોષ ગોવારીકર પ્રોડક્શન્સની ફિલ્મ ‘તુલસીદાસ જુનિયર’માં અભિનેતા સ્વ. રાજીવ કપૂર છેલ્લી વખત રૂપેરી પડદે જોવા મળ્યા હતા. એ ફિલ્મના બાળ કલાકાર વરુણ બુદ્ધદેવને સ્પેશિયલ જ્યુરી મેન્શન પ્રાપ્ત થયું હતું. શ્રેષ્ઠ ગીતકારના એવૉર્ડ માટે સૈનાની પસંદગી કરવામાં આવી છે. શ્રેષ્ઠ દિગ્દર્શન માટે ફિલ્મ ‘ઓહ ધેટ્સ ભાનુ’ (ઇંગ્લિશ, તમિળ, મલયાલમ અને હિન્દી)ને પસંદ કરવામાં આવી છે. મહારાષ્ટ્રના શાીય સંગીતના ગાયક રાહુલ દેશપાંડેને ફિલ્મ ‘મી વસંતરાવ’ માટે શ્રેષ્ઠ પાર્શ્ર્વગાયકના પારિતોષિક માટે પસંદ કરવામાં આવ્યા છે. બે મરાઠી ફિલ્મો ‘અવાચિંત’ અને ‘ગોદાકાઠ’ માટે કિશોર કદમને પારિતોષિક માટે પસંદ કરવામાં આવ્યા છે. નૉન ફીચર ફિલ્મ્સ કેટેગરીમાં મરાઠી ફિલ્મ ‘કંકુમાર્ચન’ને પસંદ કરવામાં આવી છે. ફિલ્મ ‘તાન્હાજી…’ માટે બેસ્ટ કૉસ્ચ્યુમ ડિઝાઇનિંગના એવૉર્ડ નચિકેત બર્વે અને મહેશ શેરલાને પસંદ કરવામાં આવ્યા છે. (એેજન્સી)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.