Homeદેશ વિદેશઍક્સાઇઝ કેસ: સિસોદિયાને પાંચ દિવસની સીબીઆઈ કસ્ટડી

ઍક્સાઇઝ કેસ: સિસોદિયાને પાંચ દિવસની સીબીઆઈ કસ્ટડી

નવી દિલ્હી: વિવાદાસ્પદ એક્સાઇઝ કેસમાં દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાને પાંચ દિવસ સીબીઆઈ કસ્ટડીમાં રિમાન્ડ પર રાખવાનો આદેશ દિલ્હીની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે સોમવારે આપ્યો હતો. એક્સાઇઝ કૌભાંડની તપાસ કરતા સીબીઆઈના અધિકારીઓએ રવિવારે સાંજે મનીષ સિસોદિયાને પૂછપરછ કર્યા બાદ એ કેસમાં તેમની ધરપકડ કરી હતી. ત્યારબાદ સોમવારે તેમને સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. સીબીઆઈની વધુ પૂછપરછ માટે મનીષ સિસોદિયાની પાંચ દિવસ કસ્ટડીની માગણી સ્પેશિયલ જજ એમ. કે. નાગપાલે માન્ય રાખી હતી.
અગાઉ અદાલતે સીબીઆઈ અને મનીષ સિસોદિયાના વકીલોની દલીલો સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખ્યો હતો. દિલ્હીની રાજ્ય સરકારની વર્ષ ૨૦૨૧-૨૦૨૨ માટેની શરાબ-એક્સાઇઝ નીતિના ઘડતર અને અમલમાં કથિત ભ્રષ્ટાચાર બાબતે રવિવારે સાંજે સીબીઆઈના અધિકારીઓએ મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. દિલ્હીની રાજ્ય સરકારના ૩૩માંથી ૧૮ (શિક્ષણ, આરોગ્ય, પીડબલ્યુડી સહિત) ખાતાંનો અખત્યાર સંભાળતા મનીષ સિસોદિયાની ધરપકડને પગલે ત્યાંની અનેક યોજનાઓ બાબતે અનિશ્ર્ચિતતા સર્જાઈ છે.
દરમિયાન આમ આદમી પાર્ટી (એએપી)એ મનીષ સિસોદિયાની ધરપકડના સંદર્ભમાં ભારતીય જનતા પક્ષ અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. એએપીના વરિષ્ઠ નેતા સંજય સિંહે સોમવારે જણાવ્યું હતું કે દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાની ધરપકડ ભાજપની આપખુદશાહીનું પ્રતીક છે અને એ પગલું અદાણી વિવાદથી લોકોનું ધ્યાન હટાવવાના પ્રયાસરૂપે લેવાયું છે. સંજય સિંહે સોમવારે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે અદાણી વિવાદની તપાસ માટે સંયુક્ત સંસદીય સમિતિ નિયુક્ત કરવાની માગણી કરતા રાજકીય પક્ષો અને નેતાઓને ભાજપ ‘પરેશાન’ કરે છે. અદાણીના મુદ્દે સીબીઆઈ, સેબી, આવકવેરા વિભાગ બધા ચૂપ બેઠા છે. એ એજન્સીઓ કરોડો રૂપિયાના ગેરવ્યવહારના આરોપોનો સામનો કરતા અદાણી સામે તપાસ કરવાને બદલે સમર્પિતભાવે સેવા કરતા નેતાઓની ધરપકડ કરે છે.
સિસોદિયાની ધરપકડના વિરોધમાં દિલ્હીના રસ્તા પર દેખાવો કરતા એએપીના આરોપોના જવાબમાં ભારતીય જનતા પક્ષે જણાવ્યું હતું કે સીબીઆઈ ‘ભ્રષ્ટાચારીઓ’ સામે કાયદેસર કાર્યવાહી કરે છે. દિલ્હી રાજ્યના શાસક પક્ષ કાયદા, બંધારણ અને જનતાને માનતો નથી. એએપી નાટક કરવા સાથે અરાજકતાનું પ્રદર્શન કરીને તપાસ સંસ્થાઓની કામગીરી રોકવાનો નિર્ધાર દર્શાવે છે. તેઓ ન્યાયપ્રક્રિયામાં અવરોધ નાખીને ‘અદાલતનો તિરસ્કાર’ દર્શાવી રહ્યા છે. એએપીનું અસલ નામ ‘અરાજક અપરાધ પાર્ટી’ છે. આ પક્ષના સત્યેન્દર જૈન ઘણા મહિનાથી જેલમાં છે. (એજન્સી)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular