ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ -ડૉ. રાજેશ ચૌહાણ
૧૮ ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ છે ત્યારે ગુજરાતી પ્રવાસીઓએ વિશ્ર્વમાં વસીને શાંતિ, અહિંસા, નિડરતા, સાહસિકતા, સમજદારી, સંયમ, સાદગી, પ્રતિબદ્ધતા, કરુણા અને આત્મવિશ્ર્વાસ સહકાર, સર્જનાત્મકતા, સહાનુભુતિ જેવા ગુણો દ્વારા ગુજરાતી સંસ્કૃતિને ખૂણે ખૂણે પહોંચાડી છે. આવું કેમ? ક્યારે? કેમ સંભવ બન્યું તેના વિશે જાણીએ. એક વાત ચોક્કસ યાદ રાખવા જેવી છે કે, તેમને ક્યારેય ભારતીયતા છોડી (નાગરિકતાના સંદર્ભમાં નહીં) નથી. તેમણે રાષ્ટ્ર પ્રત્યેનું ઋણ હંમેશાં અદા કર્યું છે. દરેક પ્રવૃત્તિમાં રાષ્ટ્ર કેન્દ્ર રહ્યું છે.
હજારો વર્ષોથી ગુજરાત અથવા ગુજરાતના પેટાપ્રદેશો અલગ અલગ નામથી પ્રચલિત છે. તેમ છતાં હંમેશાં સાંસ્કૃતિક અને આર્થિક એકતાના કારણે તેની ઓળખ ગુજરાત તરીકે રહી છે. રાજકીય કારણોથી ગુજરાતની ઓળખ નહીં, પરંતુ તેની ભૂગોળ, ભાષા-સાહિત્ય, સંતો-મહંતો, સ્વાતંત્ર્ય સેનાની, કવિઓ, દરેક પ્રદેશોનું એકબીજા પરનું આર્થિક સ્વાવલંબન, પેટા પ્રદેશો વચ્ચે લોકોની અવર-જવર, ધાર્મિક સંપ્રદાય/પંથો, ગુજરાતનો દરિયાકાંઠો અને બિનનિવાસી ગુજરાતીઓ-આ સઘળા ગુજરાતીઓએ ગુજરાતી સંસ્કૃતિની આગવી ઓળખ ઊભી કરી છે અને જાળવી રાખી છે.
માત્ર અંગેજોએ જ ભારતમાં વિદેશી વસાહતો સ્થાપી એવું નથી. બીજી તરફ ગુજરાતના વેપારીઓએ વિદેશોમાં તેમની વસાહતી સ્થાપી હતી. અને જે દેશોમાં તેઓ ગયા ત્યાંની પ્રજા સાથે એકરૂપ થઈને તેમણે તેનો આર્થિક અને સાંસ્કૃતિક વિકાસ કર્યો. આ લાંબી પરંપરા એવી તો ચાલી કે આજે લાખો ગુજરાતીઓ વિશ્ર્વના વિવિધ દેશોમાં વસવાટ કરી રહ્યા છે.
મકરન્દ મહેતા પોતાના પુસ્તક ‘ગુજરાત અને દરિયો’ માં લખે છે કે, ગુજરાતના અનેક દેશોમાંના લોકો સાથેના હજારો વર્ષોના સંબંધને કારણે ગુજરાતીઓની દૃષ્ટિ ઉદાર રહી છે. કોઈક અપવાદો બાદ કરતાં શાહ- સોદાગરો, પ્રવાસીઓ, રાજદૂતો, નાવિકો, વ્યાપારીઓ વગેરે બીજા દેશોમાં ગુજરાતને પ્રસ્તૃત કરીને ત્યાં તેમણે ગુજરાતી સંસ્કૃતિનું આદાન-પ્રદાન કર્યું છે. બીજી તરફ ત્યાની સંસ્કૃતિનું પણ આદાન-પ્રદાન કર્યું. ભાષા, રીતિરિવાજ, પહેરવેશ, જ્ઞાન, ટેક્નોલોજી, કળાઓ, ફેશન, મનોરંજન અને દરબારી રીતરસમો બંને દિશામાં આવ્યાં અને ગયાં છે. ઇતિહાસકારોએ એમનું ધ્યાન મુખ્યત્વે વિદેશ વ્યાપાર પર કેન્દ્રિત કર્યું છે. સંસ્કૃતિ તરફનું તેમનું ધ્યાન ગયું નથી આ બાબત પર સંશોધન કરવું રહ્યું.
આ સૌ ગુજરાતીઓએ આપણા કવિ અરદેશર ખબરદારની ભાવનાને પ્રગટ કરી છે જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં સદાકાળ ગુજરાત વળી આપણા મહાન કવિ ઉમાશંકર જોશીએ ‘હું ગુર્જર ભારતવાસી’ કાવ્ય રચ્યું છે:
અર્બુદ-અરબસમુદ્ર વચાળે
ધરતીના આ આઉ દુધાળે,
આવી વળગી હર્ષ-ઉછાળ
ઉત્તર પશ્ર્ચિમ દક્ષિણ પૂર્વથી વિધ વિધ પ્રજા સુહાસી
હું ગુર્જર ભારતવાસી
ગુજરાતનો જેની સાથે વ્યાપાર રહ્યો છે તેવા દેશો ઈરાન, મેસોપોટેમિયા, સુમેરિયા, બેબિલોનિયા, અરબસ્તાન, ઇજિપ્ત, રોમન સામ્રાજ્ય, તેમજ અગ્નિએશિયામાં આવેલા ઇન્ડોનેશિયા, મલેશિયા, થાઇલેન્ડ, સિંગાપોર, ફિલિપીન્સ અને કંબોડિયા ઉપરાંત અન્ય દેશોએ પણ વર્ષોથી વ્યાપાર અને સંસ્કૃતિ મુલક સંસ્કારોનું સિંચન કર્યું હતું.
દરેક દેશ અને પ્રદેશને તેની આગવી ઓળખ હોય છે. આવી ઓળખ જ્યારે પ્રજાની સામૂહિક ચેતનામાં પરિવર્તિત થાય ત્યારે તે ગૌરવ પ્રાપ્ત કરે છે ત્યારે તે અસ્મિતા એમ રૂપાળું નામ ધારણ કરે છે. ગુજરાતની અસ્મિતાનું જો કોઈ નક્કર અને તેજસ્વી પાસું હોય તો તે તેણે હજારો વર્ષોથી વિકસાવેલી વ્યાપારી સંસ્કૃતિ છે.
ગુજરાતના દરિયાઈ સંસ્કારો સાથે ફળદ્રુપ જમીન, મહેનતુ ખેડૂતો, અનુભવી વહાણવટીઓ, વેપારીઓ, શરાફી, દલાલો અને કુશળ કારીગરોએ તેમજ અન્ય તમામ લોકોએ પણ ગુજરાતના વિકાસમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. વળી, જે-તે સમયનાં શાસકોની વિધાયક નીતિઓ પણ મહત્ત્વની હતી. ગુજરાતની દરિયાઈલક્ષી વ્યાપારી સંસ્કૃતિ અહિંસા, શાંતિ અને સહિષ્ણુતાનાં મૂલ્યો ઉપર રચાઈ હતી. જયારે વિદેશીઓની હિંસા અને અસહિષ્ણુતાનાં મુલ્યો આધારિત હતી. ઇતિહાસમાં અરબો, ઇરાની, તુર્કો, પોર્ટુગીઝો, ઇટાલિયનો, અંગ્રેજો, વલંદાઓ અને ફ્રેન્ચોએ ગુજરાતી વેપારીઓની શાંતિપ્રિય, સહિષ્ણુ અને મૈત્રીપૂર્ણ વૃત્તિની પ્રશંસા કરી છે
આ આંતરસંબંધો અને આદાનપ્રદાન મહત્ત્વનાં સાબિત થયા હતા. ખુદ ગુજરાતી ભાષા અને રહેણીકરણી ઉપર પણ તેની અસર જોવામાં આવે છે. તેની સાથેસાથે ગુજરાતના સંસ્કારોની પણ વિદેશો ઉપર અસરો જોવા મળે છે. આવા વૈશ્ર્વિક, સુવ્યસ્થિત અને સર્વગ્રાહી દષ્ટિકોણને આધારે વિવિધ સમયે વિકસેલાં લોથલ, વેરાવળ, દ્વારકા, ભરૂચ, ખંભાત, ઘોઘા, ભાવનગર, ભદ્રેશ્ર્વર, માંડવી, મુંઝા, રાંદેર અને સુરત,અલંગ વગેરે સ્થળનો ઈતિહાસ વિસ્તૃત છે.
ગુજરાતીઓ સેંકડો વર્ષોથી વિદેશમાં વસાહતો સ્થાપતા આવ્યા છે. વ્યવહારકુશળ પ્રજાને શોભે તેવી મીઠાશભરી ગુજરાતી ભાષાનું પણ ઘડતર થયું છે. આજે ગુજરાતીઓ બ્રિટન, ઞજ , કેનેડા, ઓસ્ટ્રેલિયા, ટાંઝાનિયા, ડેનીયા, યુગાન્ડા, આફ્રિકા, ઓમાન, આરબ દેશો તેમજ વિશ્ર્વના લગભગ ૧૨૫ દેશોમાં વસવાટ કરે છે. તેની પાછળ ગુજરાતી વ્યાપાર અને સંસ્કૃતિની ગુજરાતની લાંબી પરંપરા રહી છે.
મકરન્દ મહેતા અને શિરીન મહેતા પોતાના પુસ્તક બ્રિટનમાં ગુજરાતી ડાયસ્પોરા : ‘ઐતિહાસિક અને સાંપ્રત પ્રવાહોમાં’ લખે છે કે, ૧૭મા સૈકામાં એક પણ ગુજરાતી કે હિંદી ઇંગ્લેન્ડ પહોંચ્યાના ઉલ્લેખો પ્રાપ્ત થતા નથી. અઢારમા સૈકાથી તેની શરૂઆત ધીમે ધીમે થઈ હતી. (આમ છતાં પ્રાચીન સમયમાં વિદેશ જવાના સ્ત્રોત મળે છે.) આમ છતાં ગુજરાતીઓ અને કંપનીના પોતપોતાના લાભની દષ્ટિએ અંગ્રેજો અને ગુજરાતીઓ એકબીજાને અનિવાર્ય ગણતા હતા. સુરત અને અમદાવાદ જેવાં નગરો આગ્રા કે દિલ્હીની જેમ મુઘલહિંદનાં પાટનગરો નહીં, પણ મહાન વ્યાપારી નગરો તરીકે વિકસ્યાં હતાં.
અંગ્રેજો અને ગુજરાતીઓ વચ્ચેના સુમેળભર્યા સંબંધો હોવા છતાં ઘણી વાર ખટરાગો ઊભા થતા. તે કેવી રીતે થતા હશે ? તેનો ઉકેલ શું? મુઘલ શાસકો ભૂમિ ઉપર શક્તિશાળી હતા પણ તેમણે અગાઉના પોર્ટુગીઝો તેમજ ત્યાર પછી અંગ્રેજો અને વલંદાઓની જેમ દરિયાઈ સત્તા પ્રાપ્ત કરી નહોતી. આવા સંજોગોમાં ગુજરાતીઓનાં વહાણો યુરોપિયન દરિયાઈ લુટારાઓએ મધદરિયે લૂંટી લેતા. આવો એક પ્રસંગ અમદાવાદના કરોડપતિ જૈન વેપારી, નગરશેઠ અને મહાજનોના વડા શાંતિદાસ ઝવેરીનું વહાણ અંગ્રેજ લુટારાઓએ લૂંટી લીધું. તેમણે ગુજરાતના ગવર્નરને ફરિયાદ કરી. મહાજનોનો મિજાજ પારખીને ગવર્નરે સમસ્યાઓના નિવારણ માટે શાંતિદાસ ઝવેરી, મહાજનો તેમજ અંગ્રેજોની સંયુક્ત સભા બોલાવી. તે અગાઉ ૧૬૧૫માં ઇંગ્લેન્ડની સરકારે સર ટોમસરોએ સૌને સલાહ આપી કે જે ગુજરાતીઓ તેમનાં વહાણોનો ઉપયોગ કરવાને બદલે સુરક્ષાના પાસ (ભફિયિંત) ખરીદીને બ્રિટિશ વહાણોમાં મોકલે તો તેનું રક્ષણ કરવાની અમે બાંહેધરી આપીએ છીએ. પરંતુ ભરી સભામાં શાંતિદાસે અંગ્રેજ એલચીને જુસ્સાદાર ભાષામાં પડકાર કર્યો કે ‘તમારાં વહાણોનો ઉપયોગ કરીને શું અમારે ગુજરાતીઓના તળપદા વહાણવટાને કુહાડી મારવાનો છે? તમારી દરિયાઈ તાકાતનો વળતો જવાબ આપવા અમે સક્ષમ છીએ શાંતિદાસે મહાજન’ સંસ્થા દ્વારા રાજસત્તા ઉપર પોતાની વગ વાપરી અને અંગ્રેજોને કેદમાં પુરાવ્યા. છેવટે શાંતિદાસ તેમના અને બીજા વેપારીઓના નુકસાનનું વળતર પ્રાપ્ત કરીને જ સંતોષ પામ્યા. આવો જ પ્રસંગ જયારે ૧૬૩૬માં ફરીથી બન્યો ત્યારે શાંતિદાસ તેમની વગનો ઉપયોગ કરીને વળતર મેળવ્યું હતું.
એક બીજો પ્રસંગ પણ સુરતના કરોડપતિ જૈન વિરજી વોરાએ અંગ્રેજો પાસેથી ખરીદેલ માલ હલકી કક્ષાનો નીકળ્યો. વીરજી વોરાએ તેની લાગવગનો ઉપયોગ કરીને કંપનીના લંડન-સ્થિત કોર્ટ ઓફ ડાયરેક્ટર્સને ફરિયાદ કરી અને સંપૂર્ણ વળતર પ્રાપ્ત કર્યું. વળી કંપનીએ વી૨જી વોરાનું મહત્ત્વ જાણીને તેને જર્મન બનાવટની મીનાકારી નકશીકામવાળી સ્ટીલ તેમજ બેલ્જિયમમાં તૈયાર થયેલો મોટો અરીસો ભેટ તરીકે મોકાલાવ્યો. વીરજીએ પણ કંપનીનો આભાર માનતો પત્ર લખ્યો. પત્ર કોઈ અંગ્રેજે અંગ્રેજી ભાષામાં લખી આપ્યો હતો પણ તેની નીચે ‘વીરજી વોહોરા’ એમ સહી ગુજરાતીમાં કરી હતી. આ પત્ર લંડનની ઇન્ડિયા ઑફિસ લાઇબ્રેરીમાં આજદિન સુધી સચવાયો છે.
૧૭૦૭માં ઔરંગઝેબન અવસાન બાદ મુઘલ સામ્રાજ્યના ઝડપી પતનના સમયે ભીમજી પારેખ (૧૬૧૦- ૧૬૮૬)ના પૌત્ર લાલદાસ વિઠ્ઠલદાસ પારેખ તથા રુસ્તમજી માણેકજી દલાલ કંપનીના શરાફ અને દલાલ હતા. રુસ્તમજીનો પુત્ર નવરોજી દલાલ ૧૭૨૩માં ઇંગ્લેન્ડ ગયા હતા. નવરોજી ઇંગ્લેન્ડ જનાર સૌ પ્રથમ પ્રતિષ્ઠિત ભારતીય હતા. નવરોજી અઢી વર્ષ રહીને અને કેસ જીતીને સુરત જવા સપ્ટેમ્બર ૧૭૨૫માં પાછા ફર્યા. હિંદ અને ગુજરાતના આ સૌ પ્રથમ ‘ઇંગ્લેન્ડ-રીટર્ન’ને અંગ્રેજો તેમજ સુરતના વેપારીઓ તથા નવાબે માન આપવા ખાસ મેળાવડો યોજ્યો.
પેશ્ર્વા રઘુનાથરાવે (રાઘોબા) તેના ભત્રીજા નારાયણરાવનું ખૂન કરવા બદલ મરાઠાઓએ તેમને પદભ્રષ્ટ કર્યા હોવાથી રાઘોબાએ તેનો કેસ લડવા ૧૭૮૧માં હનુમંતરાવ નામના મુત્સદી અને તેને મદદ કરવા રતનજી મણીયાર અને તેના પુત્ર ખરશેદજીને ઈંગ્લેન્ડ મોકલ્યા. તેઓ લંડનમાં ઘૂમતા ઈંગ્લેન્ડના મહાન પાર્લામેન્ટેરિયન અને વક્તા એડમન્ડ બર્કનો સંપર્ક થતાં બર્કે આ ત્રણે હિન્દુસ્તાની ‘એમ્બેસેડરોને’ પોતાના બીક્ધસફીલ્ડના આલીશાન મકાનમાં રહેવા આમંત્ર્યા.
બ્રિટિશ શાસનના આ ઐતિહાસક ૧૮૧૮-૧૯૪૭ તબક્કામાં મહીપતરામ રૂપરામ, કરસનદાસ મૂળજી, દાદાભાઈ નવરોજી, બી.એમ. મલબારી, અનસૂયા સારાભાઈ, જમશેદજી તાતા, અંબાલાલ સારાભાઈ, સયાજીરાવ ગાયકવાડ, ગોંડલ નરેશ ભગવતસિંહ, ગાંધીજી, ડૉ. જીવરાજ મહેતા અને ડૉ. સુમન્ત મહેતા જેવા સેંકડો સમાજ-સુધારકો, શિક્ષણશાસ્ત્રીઓ, વિદ્યાર્થીઓ, રાજા-મહારાજાઓ, ડૉક્ટરો, વકીલોએ અને પ્રયોજકોએ (હજ્ઞયિતિ, ઇંગ્લેન્ડની મુસાફરી કરી અને ત્યાંથી સ્વદેશ પાછા ફર્યા બાદ સામાજિક, શૈક્ષણિક અને આર્થિક ક્ષેત્રોમાં તેઓ પરિવર્તનના પ્રવાહકો બન્યા.
આ સમય દરમિયાન ઇંગ્લેન્ડ જવાની પહેલ કરનાર નડિયાદના પાટીદાર જમીનદાર શામળદાસ દેસાઈ (૧૭૮૮-૧૮૫૪) હતા. તેઓ ઈસ્ટ ઇન્ડિયા કંપની સામે કેસ લડવા ૧૮૩૨માં ઇંગ્લેન્ડ ગયા અને કેસ જીતીને અઢી વર્ષ બાદ નડિયાદ પાછા ફર્યા. શામળદાસ ગુજરાતી સંસ્કૃતિ અનુરૂપ શુદ્ધ પોષાક પહેરતા. તેમના અંગ્રેજ મિત્ર તે સુપ્રસિદ્ધ કાર્ટીઝ કર કેપ્ટન રોબર્ટ મેલવીલ પ્રિન્ડલે શામળદાસને ભેટમાં આપેલો લંડન શહેરનો બેનમૂન નક્શો આજે પણ તેમના વંશે સાચવી રાખ્યો છે.
૧૮૬૦ના દાયકામાં મહીપતરામ રૂપરામ અને કરસનદાસ મૂળજી જેવા સમાજસુધારકો અને પરાગજી ભીમજી તથા મૂળજી ઠાકરસી જેવા ભાટિયા વેપારીઓએ ઇંગ્લેન્ડની મુસાફરી કરી. આ દસકામાં ૧૮૫૦ અને ૧૮૬૦ના ગુજરાતીઓએ ટેક્નોલોજી દ્વારા મુંબઈ અને અમદાવાદમાં એવો તો પ્રચંડ મિલઉદ્યોગ વિકસાવ્યો કે, આ નગરો વિશ્વના માન્ચેસ્ટર તરીકે પ્રચલિત બન્યા.
ગુજરાતીઓ જે દેશમાં વસ્યા છે તે દેશના લોકો સાથે સુમેળ ભર્યા સંબંધો કેળવીને ત્યાંના વિકાસમાં ફાળો આપ્યો છે. તેમણે ગુજરાતી ભાષા અને ગુજરાતી સંસ્કૃતિરૂપી પોતાની ઓળખને જાળવી રાખીને વિદેશી સંસ્કૃતિઓનાં સારાં તત્ત્વો ગ્રહણ કર્યાં છે. વળી, તેમણે ગુજરાત સાથેનો ભાવાત્મક સંબંધ જાળવી રાખ્યો છે.
૧૯મા સૈકાના અંતિમ દાયકાઓમાં વિભિન્ન પ્રદેશમાંથી મજૂરી કે નાના વ્યાપાર માટે ગયા હતા. તેમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને તળ ગુજરાતના ભાટિયા, ખોજા, વહોરા, મેમણ, જૈન, લોહાણા, પાટીદાર ઉપરાંત દરજી, મોચી, કોળી અને વણકરોનો સમાવેશ થાય છે. અનેક પ્રજાઓના સંસર્ગમાં આવવાને લીધે તેઓ આ દેશોમાં ખૂબ ઘડાયા હતા.
૧૯૭૦ના દાયકામાં ગુજરાતીઓએ મોટી સંખ્યામાં વિદેશમાં ગયા. સૌરાષ્ટ્ર, કચ્છ અને તળગુજરાતમાંથી આ ગુજરાતીઓએ ૨૦મા સૈકાની શરૂઆતથી પૂર્વ આફ્રિકામાં સ્થળાંતર કર્યાં હતાં અને તેની સમૃદ્ધિમાં મહત્ત્વનો ફાળી આપ્યો હતો. બ્રિટિશ ગુજરાતીઓ અનેક જ્ઞાતિઓ અને કોમોમાં વહેંચાયેલા હોવા છતાં તેમણે બ્રિટનમાં એક વ્યાપારી કોમ તરીકેની ઓળખ ઊભી કરી છે અને બ્રિટનના આર્થિક તેમજ વ્યાવસાયિક વિકાસમાં અનન્ય ફાળો આપ્યો છે.
૨૦મી સદીના છઠ્ઠા -સાતમા દાયકાઓમાં તેમણે બ્રિટનમાં સ્થળાંતર કર્યાં હતાં. પૂર્વ આફ્રિકામાંથી બ્રિટનમાં થયેલાં સ્થળાંતર પ્રવાસી(ડાયસ્પોરા) સ્વરૂપમાં હતા જ્યારે અમેરિકા અને કેનેડામાં ગુજરાતીઓએ કરેલાં સ્થળાંતર આર્થિક અને સાંસ્કૃતિક વિકાસ માટેનાં છે.
વિશ્ર્વની વસતિ સાતસો અબજને વટાવી ગઈ છે. તેમાંથી ૩.૨ ટકા વસતિ પ્રવાસી બની હતી અને પાંચ વર્ષમાં તે ટ્રેન્ડમાં વધારો થયો છે. વધીને ૩.૩ ટકા પ્રવાસી થયા છે. આ ટ્રેન્ડ ગુજરાતમાં આપણે વધારે સારી રીતે સમજી શકીએ છીએ, કેમ કે વધુને વધુ લોકોને વિદેશ જવું છે. માત્ર ચરોતર, ગાંધીનગર, અમદાવાદ, ખંભાત, સુરતમાંથી જ લોકો વિદેશ જાય તે વાત હવે રહી નથી. પોતાનું સગું વિદેશ હોય તેમણે વિદેશ જવું છે તેવી વાત રહી નથી. શિક્ષણ, ટેકનોલોજી, વ્યવસાય, અન્ય અર્થે પણ દરેકને વિદેશ જવું છે. ઉપરાંત અનેક ગુજરાતીઓનો સમાવેશ થાય છે.