…જ્યારે અનુપમ ખેર દસમા ધોરણમાં ફેઇલ થયા હતા અને પિતા તેમને બહાર જમવા લઈ ગયા હતા!
આનન-ફાનન -પાર્થ દવે
ફેબ્રુઆરી મહિનાનો આજે પહેલો દિવસ છે. હવેના મહિનાઓમાં પરીક્ષાની મોસમ ખીલી ઉઠશે. વિદ્યાર્થીઓ પુસ્તકોની વચ્ચે હશે. ખાસ તો ૧૦માં અને ૧૨ ધોરણની પરીક્ષાઓ. બોર્ડની પરીક્ષાઓ!
અહીં શું વાંચવું એની વાત નથી કરવી, તે તો મોટાભાગના વિદ્યાર્થીમિત્રોને ખબર હોય જ. પણ આજે કઈ રીતે વાંચવું એ વિશે થોડું કહેવું છે.
તમે વર્ષ આખામાં શરૂઆતથી થોડું થોડું વાંચ્યુ હશે તો તમને જરૂર નથી મગજ પર બહુ ભાર લેવાની. તમે આસાનીથી પ્રશ્ર્નો (એટલે કે જવાબો) પાકા કરી શકશો. પણ જો શરૂઆતમાં મહેનત ન કરી હોય તો? બધું ભેગુ થઈ ગયું હોય તો? તો… ફોર્મ્યૂલા એ છે કે, જૂના ફોનની બદલે સ્માર્ટ ફોન જેવા થઈ જવું! ટાઈમ બગાડ્યા વિના ચતુરાઈપૂર્વક વાંચવું! હવે ૧૨ કલાક મજૂરી કરવાનો અર્થ નથી, પણ ૧૦ કલાકનું કામ ૪ કલાકમાં કરવાનું છે, તો જ લક્ષ્યાંક સુધી પહોંચી શકાશે ને! સ્કુલમાં જે-તે પાઠ કે ચેપ્ટર કે પ્રકરણમાં ધ્યાન આપ્યું હોય તો તેને યાદ કરવું. જેમ કે, ગણિતના દાખલાની રીત યાદ રાખવી અને પોતાના પર વિશ્ર્વાસ રાખવો કે દાખલો સોલ્વ થઈ જ જશે! બહુ અટપટુ લાગતું હોય અથવા પોતાના પલે ન પડતું હોય તેને હાલ છોડી દેવું. સ્કિપ કરવું. બધું વાંચી લીધા બાદ તેને ઉપાડવું. અઘરા અને લાંબા જવાબો વાર્તામાં ઘડીને યાદ રાખવા. એક પોતાની મેળે જ કાલ્પનિક વાર્તા બનાવવી. મનોમન બોલવી.. જેને ગુજરાતી વિષય ગમતો હોય પણ વિજ્ઞાનથી વેર હોય તેને વિજ્ઞાન પણ ગુજરાતીની અદાથી યાદ રાખવાનો પ્રયત્ન કરવો!
સૌથી મહત્ત્વની વાત: ટેન્શન ન લેવું. તૈયારી કરતી વખતે અને પરીક્ષા આપતી વખતે પણ. ટેન્શનના બદલે જોરશોરથી મહેનત કરવી. એ દરમિયાન ખાવા-પીવામાં ધ્યાન રાખવું, કે જેથી બીમારીમાં સમય ન જાય! થોડો સમય અન્ય સાહિત્યનું કે જે બિનજરૂરી લાગે તે પણ વાંચવું. એનાથી ફ્રેશ થઈ જવાશે. થોડું ટીવી જોઈ લેવું, પણ ક્ધટ્રોલમાં.
મહત્ત્વની વાત એ કે, સવારે ઉઠીને વોટ્સએપ પર ‘ગુડ મોર્નિંગ’ના મેસેજ ફોરવર્ડ કરતા હોવ તો તે બંધ કરવા. ઈન શોર્ટ, ફેસબૂક-વોટ્સઅપ-ઈન્સ્ટાગ્રામ-ટ્વિટરથી દૂર રહેવું. હા, તમને અમુક ક્વેરી હોય અને ઝટ સોલ્વ કરવી હોય તો ગુગલને જરૂર પૂછવું. અન્ય પણ વેબ-સાઇટ છે જે તમને ફ્રીમાં તમામ વિષયો શીખવે છે. તમે યુ-ટ્યુબ પર સર્ચ કરીને પણ જે-તે વિષયનું માર્ગદર્શન મેળવી શકો છો. જે વિષય ન સમજાતો હોય, પ્રશ્ર્નના જવાબમાં ખબર ન પડતી હોય તેની તમારાથી વધુ હોશિયાર મિત્ર સાથે ચર્ચા કરવી. સ્કૂલમાં સાહેબનું ન સાંભળ્યુ હોય તો કંઈ નહીં, તે દોસ્તનું સાંભળવું. એટલું ધ્યાનથી સાંભળવું કે પરિક્ષામાં એ પ્રશ્ર્ન પુછાય તો તેનો ઑલમોસ્ટ જવાબ તમે લખી જ શકો. વાંચવાની જરૂર જ ન રહે. સ્માર્ટ વર્ક! ગણિતના દાખલાની ફોર્મ્યૂલા એવી પાકી કરી લો કે આખી જિંદગી મગજમાં રહે. જેથી તમને તે આગલા ધોરણમાં ઉપયોગી થશે. સેમ એઝ ગુજરાતીના છંદ-અલંકાર-જોડણી, વગેરે. ઈન શોર્ટ ગુજરાતી-અંગ્રેજીનું વ્યાકરણ. ગુજરાતીમાં નિબંધ, વિચાર-વિસ્તાર, વગેરે પ્રકારના માર્ક્સ બની શકે તો મૌલિકતાથી મેળવવા. પોતાની રીતે વિચારીને, મગજ દોડાવીને જવાબ લખવા. આ મૌલિકતા તમને ભવિષ્યમાં ખૂબ કામ લાગશે. જેમ કે, ‘એક ફાટેલા પંતગ’ની આત્મકથા હોય તો પોતાની અગાશીમાં એક ફાટેલું પતંગ પડ્યુ છે એમ કલ્પીને તે પતંગને કેવું લાગતું હશે તે વિચારવું. અને લખવા મંડવું.
છેલ્લે એક ‘દાખલા’ની વાત મારે વિદ્યાર્થીઓના વાલીઓ અને શિક્ષકોને પણ કરવી છે. આગોતરી વાત છે. પરીક્ષાના રિઝલ્ટ પછીની વાત છે. દાખલો અનુપમ ખેરના જીવનનો છે. અનુપમ ખેર મિડલ ક્લાસ ફેમિલીથી બિલોન્ગ કરે છે. તેના પિતા હિમાચલ પ્રદેશનમાં સરકારી કર્મચારી હતા. અનુપમના બાળપણમાં તેઓ ક્યારેય રેસ્ટોરન્ટમાં જમવા નહોતા જઈ શક્તા અથવા બહુ જ ઓછા જતા. કેમ કે, તેમના પપ્પાની સેલેરી મર્યાદિત હતી.
વાત એમ છે કે, ૧૦મા ધોરણનું રિઝલ્ટ આવવાનું હતુ. અનુપમ ખેર બહુ હોશિયાર વિદ્યાર્થી નહતા. રિઝલ્ટના બે દિવસ પહેલા અનુપમના પપ્પા તેને એક રેસ્ટોરન્ટમાં જમવા માટે લઈ ગયા. અનુપમને નવાઈ લાગી! કેમ કે કોઈ ખાસ વાત હોય ત્યારે જ તે બહાર જમવા માટે જતા. અનુપમે તો કચોરી અને સમોસા ખાઈ લીધા, પરંતુ હજુ પણ તેને કુતૂહલતા ને આશ્ર્ચર્ય હતું કે વાત શું છે? ત્યારે તેના પિતાએ કહ્યુ: બેટા, મારે એક ખરાબ સમાચાર આપવા છે. તું દસમાની પરીક્ષામાં ફેઈલ થયો છે.
અનુપમ ખેર આ કિસ્સો શેર કરીને પોતાના પુસ્તકમાં લખે છે કે, ‘મેં મારા પિતા પાસે ઘણી બાબતો શીખી છે’, એમાં સૌથી યાદગાર આ બાબત છે. તેમણે મને ફેઈલ થવા માટે ઠપકો નહોતો આપ્યો કે વઢ્યા નહતા, બલ્કે મને સમજાવ્યો હતો.’
મારે આ વાત વિદ્યાર્થીઓના પેરેન્ટ્સને કરવી છે. પ્રમાણિકતાપૂર્વક મહેનત કરવી, તૈયારી કરવી અને પરીક્ષા આપવી આ કામ વિદ્યાર્થીઓનું છે. રિઝલ્ટ બાદ વિદ્યાર્થીઓને સંભાળવાનું કામ વાલીઓનું છે. એ કહેવાની જરૂર નથી કે અહીં એવા વિદ્યાર્થીઓની વાત થઈ રહી છે, જે પરિક્ષાને લઈને ગંભીર છે છતાંય ઍવરેજ છે. એમને પરીક્ષા આપ્યા પછી પરિણામની ચિંતા રહે છે. અને પરિણામ પછી સમાજની. આ આપણને સંભાળવાનું છે. સમજવાનું છે. ઘણી વખત વિદ્યાર્થીઓથી વધુ પ્રેશરમાં માતા-પિતા રહેતા હોય છે, તે ન રહેવું. બોજ નાખવો પણ ઉપાડી શકે તેટલો, છોકરો લદાયેલા બોજની નીચે લથડી પડે તેટલો નહીં. તમે તો જાણો છો તેની ઉંમર, તેનો સમય, તેની જિંદગી ક્યાંથી પસાર થઈ રહી છે, કેમ કે તમે જીવેલો છો એ સમયને. માટે વિશ્ર્વાસ પણ મૂકી જોવો. અને વિદ્યાર્થીઓ યાદ રાખે, પરીક્ષા તે આખરી મુકામ નથી. પરીક્ષા અને રિક્ષા બેઉ એક પછી બીજી આવે જ છે. અનુપમ ખેરે પણ બીજી વાર પરીક્ષા આપી હતી અને પાસ થયા હતા. આવા ઉદાહરણો પણ ઘણા છે. માટે વિદ્યાર્થીમિત્રોને ફરી કહીશ કે, કોઈપણ જાતના આવા ટેન્શન કે ડર વિના તૈયારી કરશો તો વધુ સહેલાઈથી સફળતા મેળવી શકશો. વાંચેલુ ઝડપથી યાદ રહી જશે એ નફામાં!
આગોતરા ઑલ ધ બેસ્ટ દોસ્તો…