કેતકી જાની
સવાલ: હું સત્યાવીસ વર્ષની યુવતી છું. જન્મથી જ ત્રીજી પણ દીકરી જન્મી હોવાથી મા-બાપ સહિત કુટુંબના તમામ દુ:ખનું કારણ હું જ હોઉં તેમ હંમેશાં તોછડાઈનો ભોગ બની છું. ભણવામાં પણ બદનસીબે આગળ નથી વધી અને નોકરી પણ ઘણાં ફાંફા માર્યા બાદ આછી પાતળી કહેવાય તેવી જ મળી છે. હવે જ્યારે મારાં માટે છોકરા જોવાની શરૂઆત થઈ છે, મને સતત તે ‘ના’ પાડશે કે તેના કુટુંબવાળા ‘ના’ પાડશે તેનો ડર લાગી રહ્યો છે, જો મારો ડર સાચો પડે અને તે છોકરો કે કુટુંબ ‘ના’ પાડશે, તો હું ગાંડી થઈ જઈશ એવું લાગે છે. ઘર બહાર બધે મારાં પર અન્યાય જ થાય છે હંમેશા, જો હું જ ‘ના’ હોઉ તો શાંતિ થઈ જશે? હું શું કરું?
જવાબ : બહેન, બિલકુલ કે લેશમાત્ર એમ ના વિચારીશ કે તું ‘ના’ હોય તો શાંતિ થઈ જશે. જરાય શાંતિ નહીં થાય. ઊલટું કદાચ ઉપાધિ વધી જશે. તેમ પણ બને ને? શક્ય છે કે તારા માતા-પિતા મનથી ખરેખર તને પ્રેમ કરતા હોય પણ સંજોગવશાત અને સામાજિક પ્રેશર નીચે તને ઈગ્નોર કરતા હોય? ખેર, તારા વિશે વિચારતાં મને લાગે છે કે તને સતત રીજેક્શન/અસ્વીકારનો ડર સતાવી રહ્યો છે. અણજોઈતા/અણગમતા બાળકનું બાળપણ, એકદમ સામાન્ય વિદ્યાર્થીજીવન, મુશ્કેલીથી મળેલ નોકરી આ અતિ કપરા કહેવાય તેવા જીવનનાં વિવિધ પાંસાઓએ તારા સ્વત્વ ઉપર ઘા કરી તારા આત્મવિશ્ર્વાસને છિન્નભિન્ન કર્યો છે. કોઈપણ વ્યક્તિ જ્યારે ઘરમાં જ અસ્વીકૃતિ પામે ત્યારે માનસિક રીતે ભાંગી જ પડે તે તદ્દન સહજ છે, તું તો ઘર/શાળા/નોકરી બધે જ મુશ્કેલીથી આગળ વધી છે. તેથી સહજ રીતે આળુ થઈ ગયું છે. તારું મન તેમ મને લાગે છે, પણ હવે જવાબની શરૂમાં કહ્યું તે વાત દિલ-દિમાગમાં કોતરી લે કે તારા ‘ના’ હોવાથી કંઈ જ શાંત નહીં થાય. હોવા-ના હોવાપણાની દોહહ્યલી ક્ષણોએ તારું મન અસંતોષ, નફરત, આત્મગ્લાનિ, અધૂરપ વગેરે અનેક નકારાત્મકતાની લાગણીઓથી તરબતર હશે. હવે તું જ વિચાર કે આવા મનથી કોઈ પણ પ્રકારે ‘શાંતિ’ ક્યાંથી હોય? તારે તો ઉપરથી હવે ઊલટું વિચારવું જોઈએ કે ઘર-કુટુંબ-સમાજ બધે જ હું મારી જાતને એવી સાબિત કેવી રીતે કરું કે દરેકે દરેક વ્યક્તિ માની જાય કે, ખરી છે આ છોકરી. જન્મથી જ પ્રતિકૂળતાના દરિયા વચ્ચે હડદોલા ખાતી રહી હોવા છતાં આજે સફળતા તેને વરી છે. તું તારી જાતને સમૃદ્ધ કરવાનો પ્રયત્ન ના કરી શકે? નોકરી કરતાં કરતાં આગળ ભણવાનું શક્ય બને તો તેની તપાસ કર. પોતાને મિટાવીને બધું શાંત કરવાના વિચારો છોડી તારી જાતને સફળ સાબિત કરી બધાના મોં આશ્ર્ચર્યથી બંધ કરીને સુદ્ધા ‘શાંતિ’ શક્ય છે જ ને? કોઈનું પણ જીવન આસાન નથી હોતું બેટા. ઉતાર-ચઢાવ આવે પણ ચાલવાનું છોડી દેવાય? તારે એમ જ વિચારવાનું કે હવે મારું જીવન અલગ હશે, કારણ કે તું તારા આત્મબળને જગાડીશ. ક્યારેક મન મુજબ ના થાય તો સમજવાનું તારી સાથે કંઈ વધુ સારું બનશે. હકીકતમાં કદાચ તારો સારો સમય શરૂ થશે, તેમ ના બને? કોઈક ખૂબ સમજુ છોકરો તારા જીવનમાં આવે તો? તે કદાચ તારા જન્મથી આજ સુધીનાં દરેક ‘ઘા’નાં મલમ સ્વરૂપે તારી નજીક જ્યારે આવે તેવી તક છે ત્યારે જ તું ‘ના’ હોઉં તો? આવી હીનભાવનાથી ગ્રસિત હશે તો કેમ ચાલશે? બી પોઝિટિવ, તારા મનને નિયંત્રણમાં રાખ. જન્મથી આજ સુધીની વેદનાથી પર જઈને પણ થોડો સમય તારા અસ્તિત્વને વેદનામુક્ત થઈ વિચારવા દે. તું પોતે જ પોતાની કેરટેકર બની પરિસ્થિતિજન્ય સંજોગોમાં સમજપૂર્વકનો સંઘર્ષ ઉમેરી કંઈક એવું કર કે જીવન જીવવું, જે સૌથી મોટી ખુશકિસ્મતી છે, તેને તું ઓળખી શકે. રિજેક્શન તો દરેકે સ્વીકારવું જ પડે. તું એકલી નથી દુનિયામાં જેને તેનો સામનો કર્યો હોય. તારા મનથી અસફળતા/અસ્વીકારના તમામ દંશ કાઢી, નવજીવન તરફ આગળ વધવા દૃઢનિશ્ર્ચયી બન. જે છોકરો/કુટુંબ તું જોઈશ તે ‘હા’ પાડે કે ‘ના’ તે સમય ઉપર છે. પરંતુ તારા મનમાં તે છોકરા સાથે સુંદર ભવિષ્યની શક્યતા હોય તો જ આગળ વધજે. ભૂતકાળના પડછાયા ભવિષ્યની ખુશીઓને હડપ ના કરી જાય તે તારે જ ધ્યાન રાખવું પડશે. અસ્તુ.