ધન, પદ અને પ્રતિષ્ઠા સાથે સારું સ્વાસ્થ્ય, સંતોષ અને મનની શાંતિ પણ જરૂરી
જિનદર્શન -મહેન્દ્ર પુનાતર
જીવનમાં એવો સમય ક્યારે ય નથી આવતો જ્યારે આપણે એમ કહી શકીએ કે હવે બધું મારી પાસે છે. કશાની જરૂર નથી. દરેક માણસને એમ લાગે છે કે હજુ ઘણું મેળવવાનું અને કરવાનું બાકી રહી ગયું છે. અને માણસ જિંદગીભર દોડતો રહે છે, પરંતુ એવી ક્ષણ આવે અને એવો અહેસાસ ઊભો થાય કે જીવનમાં બધું મળી ગયું છે. હવે કશી અબળખા રહી નથી. તે ક્ષણથી દોડ બંધ થઈ જશે અને કશી વાસના રહેશે નહીં. ઈચ્છા અને વાસના માણસને પકડી રાખે છે. જીવનનું આ મોટું બંધન છે. એક વાસના પૂરી થાય ત્યાં નવી વાસના આપણને પકડી લે છે અને નવેસરથી શરૂઆત કરવી પડે છે. ધન મળી ગયું તો કીર્તિની વાસના ઊભી થાય છે. પદ પ્રતિષ્ઠા ની વાસના ઊભી થાય છે.આમ ચક્ર ચાલ્યા કરે છે. ઈચ્છાનો કોઈ અંત નથી.
માણસ એક સાથે ઘણી દિશાઓમાં દોડે છે. એક સાથે ઘણી બધી ચીજો મેળવવા પ્રયાસ કરે છે, પરંતુ જીવનમાં કેટલીક ચીજો વિપરીત છે. આપણે તેને એક સાથે નહીં મેળવી શકીએ એક મેળવીશું તો બીજી ગુમાવીશું અને બીજું મેળવીશું તો પહેલી ગુમાવીશું. કારણ કે મન વિપરીતમાં દોડી રહ્યું છે. માણસને ખોટા કામ કરવા છે અને પ્રામાણિકતાનો દેખાવ કરવો છે. રાવણ જેવા કરતૂત છે અને રામ બનવું છે. અંદર શેતાન છે અને સંત બનવું છે. લોભ અને કૃપણતા છે અને દાનવીર બનવું છે. આ બંને વસ્તુઓ એકસાથે ચાલી શકે નહીં. કાં તો આપણે લોભી કંજૂસ બની શકીએ કાં તો દાનવીર. પ્રામાણિક બનવું હોય તો અપ્રામાણિકતા છોડવી પડે. સાધુ બનવું હોય તો શેતાનિયત છોડવી પડે. એક જોડામાં બે પગ રાખી શકાય નહીં. એક મેળવીએ તો બીજી વસ્તુ ગુમાવવી પડે.
જીવનમાં આવું જ બની રહ્યું છે થોડું મેળવવા માટે ઘણું ગુમાવવું પડે છે. જેમને ધન, દોલત, કીર્તિ, પ્રતિષ્ઠા બધું મળી ગયું છે તેમને કેટલું છોડવું પડ્યું છે, કેટલું ગુમાવવું પડ્યું છે તેનો સહી અંદાજ તેઓ તેમના અંતરાત્માને પૂછે તો જરૂર મળી શકે. ધન, પદ અને પ્રતિષ્ઠા સાથે સારું સ્વાસ્થ્ય, સંતોષ, અને મનની શાંતિ પણ જરૂરી છે. ધન જો આપણને ગેરમાર્ગે લઈ જાય તો ધન નકામું છે. આ બધું મળ્યાં પછી સંતુલન ન જાળવી શકાય તો ગબડી પડતાં વાર લાગતી નથી. જે સીડી આપણને ઉપર લઇ જાય છે તે નીચે ઉતારી પણ શકે છે.
જીવનનો નિયમ છે કે આપણે જેટલું મેળવતા જઈએ છે એટલું સામે ગુમાવતા જઈએ છીએ પણ તેનો ખ્યાલ જલદીથી આવતો નથી. અને જે મેળવ્યું છે તેનો રસ પણ લાંબા સમય સુધી ટકતો નથી. માણસ નવી ચીજોમાં મન લગાવવાનું શરૂ કરી દે છે. એક માણસે મરતી વખતે પોતાના પુત્રને કહ્યું ; મારો જીવ જાય એ પહેલા હું તને કહી દઉં જીવનમાં બે વાત ધ્યાનમાં રાખજે એક પ્રામાણિકતા અને બીજુ ડહાપણ. આનું તું બરાબર પાલન કરજે. ક્યારે ય વચનભંગ કરતો નહીં. જે વચન આપે તેને પૂરું કરજે.
પુત્રે કહ્યું પ્રામાણિકતાની વાત આપે કહી એ ઠીક છે. પણ આ ડહાપણનો શો અર્થ છે. બાપે કહ્યું ; ભૂલથી પણ ક્યારેય કોઈને વચન નહીં આપતો.
બસ આવું જ વિપરીત રીતે વહેંચાયેલું જીવન છે બંને હાથમાં લાડુ લેવાનો પ્રયત્ન કરીએ છીએ અને એક હાથમાં પણ લાડુ રહેતો નથી. આપણે અનેક વસ્તુઓને લક્ષ બનાવી લઈએ છીએ અને બધામાં વહેંચાઈ જઈએ છીએ. જીવનમાં મોટાભાગના વિરોધાભાસો આને કારણે છે. મન જુદી જુદી દિશામાં દોડી રહ્યું છે. એટલે મેળવવા જેવું કશું મળતું નથી અને જે આપણે જન્મથી સાથે લાવ્યા છીએ તે ખોવાઈ જાય છે. બધું મળશે, પરંતુ આત્મા ખોવાઈ જશે તો આ બધાનો કોઈ મોટો હિસાબ નથી. પામવા કરતાં ખોવામાંથી બચવાનું છે. પરમાત્માનું સાંનિધ્ય તો આપણને મળેલું છે પણ આપણે કરવાનું નહીં કરીને અને ન કરવાનું કરીને તેને ખોઈ નાખીએ છીએ.
દરેક માણસને પોતાની પાસે નથી તેનું અદભુત આકર્ષણ હોય છે. પછી તે પૈસા હોય, બુદ્ધિ હોય કે શક્તિ હોય. જે વસ્તુની અછત અભાવ અને ઊણપ હોય છે તે વસ્તુ પાછળ માણસ પાગલ બની જાય છે. પોતાના કરતાં બીજા પાસે શું છે તેની માણસને ચિંતા છે. બીજાની પાસે રહેલું વધારે મહત્ત્વનું અને અદભુત લાગે છે. દુનિયામાં બે વસ્તુઓ ભયંકર છે એક તો ઇચ્છિત વસ્તુ મહેનત વગર જલ્દીથી મળી જાય. અને બીજું ઇચ્છિત વસ્તુ મહેનત અને પરિશ્રમ કરવા છતાં ન મળે. આ બંને અંતિમો માણસ માટે દુ:ખનું સર્જન કરે છે. માણસને મહેનત વગર જે મળી જાય તો તેની કિંમત રહેતી નથી. સહેલાઈથી બધી વસ્તુઓ પ્રાપ્ત થાય છે ત્યારે અભિમાન અને અહંકાર આવી જાય છે. પોતાની તાકાત, શક્તિ, સામર્થ્ય અને આવડત અંગે ગર્વ ઊભો થાય છે. જીવનમાં સફળતા મળે પછી અહંકાર ઊભો ન થાય અને પ્રભુની પ્રસાદી રૂપે તેનો સ્વીકાર થાય અને નમ્રતા ભાવ ઊભો થાય તો તેનાથી સફળતા અને સિદ્ધિ દીપી ઊઠે છે. કેટલાક માણસો થોડી એવી સફળતા મળે તો ફુલાઈ જતા હોય છે અને પોતે કાંઈક છે એવો ગર્વ અનુભવતા હોય છે.
સફળતા અને નિષ્ફળતા જીવનમાં આવ્યા કરે છે માણસ ગમે તેવો બુદ્ધિશાળી હોય તો પણ બધી બાબતમાં સફળ નીવડે એવું નથી. સફળતા અને નિષ્ફળતા સમય અને સંજોગોને આધીન છે. આમાં હતાશ કે નિરાશ થવાની જરૂર નથી. જે માણસ મુશ્કેલીમાં ગભરાતો નથી અને તેનો મક્કમતાથી સામનો કરે છે તે મુશ્કેલીને પાર કરી જાય છે. દુ:ખમાં અને મુશ્કેલીમાં માણસે હિંમત અને ધૈર્ય રાખવું જોઈએ.
ભય અને શંકા માણસને પરેશાન કરે છે. ભય આવે ત્યારે માણસને કશું સૂઝતું નથી. ગમે ત્યાં અટવાઇ જાય છે. નિર્ભય માણસ સંજોગો સામે બાથ ભીડી શકે છે. સત્યના માર્ગે જે માણસ ચાલે છે તેને ભય કે ડર જેવું કશું હોતું નથી. જે માણસ ખોટું કામ કરે છે, અને જેના ગોરખ ધંધા છે તેને પળે પળે ડરવું પડે છે. સત્યના માર્ગે ચાલવું એ ખાંડાની ધાર પર ચાલવા જેવું મુશ્કેલ છે. સત્યના માર્ગે ચાલે છે તેને વિજય મળશે એવું નિશ્ર્ચિત નથી. સત્ય જય અને પરાજય સાથે સંકળાયેલું નથી. જો એમ જ હોત તો જેનો વિજય થાય તે સત્ય ગણાત અને જેનો પરાજય થાય તે અસત્ય ગણાત. જગતમાં અસત્યના માર્ગે ચાલનારાઓ પણ ઘડીભર વિજય મેળવી શકે છે, પરંતુ આવો જય બહુ લાંબો સમય ટકતો નથી. ખોટું કામ કરનારાઓ અંદરખાને ખુશી અને શાંતિ અનુભવી શકતા નથી. અંતર ડંખતું હોય છે. આ પ્રકારના માણસો બહારથી ખુશ જણાય છે, પરંતુ અંદરખાને બેચેની, વ્યથા, અસલામતી અને તાણ અનુભવતા હોય છે.
સુખ અને દુ:ખમાં સમતા ધારણ કરવી જોઈએ. સુખમાં ફુલાવું નહીં અને દુ:ખમાં ગભરાવું નહીં. સારાં કર્મો કરીશું તો સુખ પામીશું અને ખરાબ કર્મો કરીશું તો તેનાં માઠાં પરિણામો ભોગવવા પડશે. જીવનમાં જે કંઈ મળે છે સારું કે નરસું તે આપણે જે કંઈ કર્યું છે તેનો પ્રતિભાવ છે. દુ:ખ આવી પડે ત્યારે કોઈને દોષ દેવાની જરૂર નથી. અંતરમાં ડોકિયું કરીશું તો સાચી દ્રષ્ટિ પ્રાપ્ત થશે. જીવનનો આટલો સાર સમજી લેવાય તો સુખ – દુ:ખ, આશા – નિરાશા, રાગ – દ્વેષ, માન – અભિમાન જેવું કશું રહેશે નહીં. આપણને આપણું ભાન કરાવે અને સહી માર્ગે દોરે એનું નામ જાગૃતિ.