વિધાનસભામાં ધારાસભ્યો જાગે છે કે ઊંઘે છે તે ચેક કરવા જાણી જોઇને જૂનું બજેટ વાંચેલ
ઊડતી વાત -ભરત વૈષ્ણવ
ગિરધરભાઇ. અંદાજપત્ર ઉર્ફે બજેટ એટલે શું? રાજુ રદીએ લાલ સુટકેસમાંથી પુસ્તિકા કાઢી મને પૂછયું. રાજુ રદ્ી માટે એનસાઇકલોપીડિયા છે. એ ખાનગીમાં મને રોબોટ કે આર્ટિફિશયસ ઇન્ટેલિજન્સ માને છે!! ચેટપીજીટી કે બોર્ડ માને છે.
રાજુ, અંદાજપત્ર એ આંકડાની માયાજાળ છે. જેમાં સામાન્ય માણસ તો ઠીક પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે નિષ્ણાતો પણ ગોથા ખાય છે. નાણામંત્રી દેશના અર્થતંત્રનું ફૂલગુલાબી પિકચર રજૂ કરે છે. અંદાજપત્રના અંદાજો ક્યારેય સાચા પડતા નથી. મેં બજેટની ગૂંચવણ કહી.
ગિરધરભાઇ, બજેટમાં રૂપિયો ક્યાંથી આવશે? એના અંદાજો હોય. બજેટમાં રૂપિયો ક્યાં જશે? એના અંદાજો હોય, પરંતુ રૂપિયો કોના ગજવામાં કાણું પાડીને છીનવાઇ, ઝૂંટવાઇ જશે તેનો ક્યારેય ક્રોસ રેફરન્સ હોતો નથી. એ જ રીતે કરોડો ગરીબ-મધ્યમવર્ગને શેરડીના કૂચાની જેમ નિચોવીને રૂપિયો અદાણી – અંબાણી -બિચાણીના અજગર જેવા કાયમ ખાલી રહેતા ગજવામાં જશે એની પણ વિગતો આપવામાં આવતી નથી!! રૂપિયો ખરીદશક્તિની દ્રષ્ટિએ નાભિશ્ર્વાસ પર છે કે વિદેશી લોનોના મુદલ-વ્યાજ- વ્યાજનું વ્યાજ ચુકવવામાં ખપી જશે એની પણ વિગતો હોતી નથી. રાજુએ બજેટ નામના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરી નાખ્યું !!!
રાજુ વિકાસના છદ્મ નામે પ્રજા પર તોતિંગ કરવેરાનો બોજ નાખવામાં આવે છે. મેરઠ એકસપ્રેસનો ઉપયોગ રાજુ રદ્ી કરવાનો ન હોય તો રાજુ શું કામ ટેક્સ ભરે. તમને થયેલ આવક પર કાયદેસર ટેક્સ ભર્યા પછીની આવક પર જીએસટી કે બીજા ગબ્બરસિંગ ટેક્સ શું કામ ભરવાનો?? જેમ ભમરો ફૂલ પરનો મધુ ચૂસે એમ રાજાએ પ્રજા પાસેથી કર લેવો જોઇએ એમ કૌટિલ્યએ કહ્યું છે. અહીં તો ભમરો ફૂલ તો સમજ્યા પણ પાંદડા, ડાળી, થડ ઇવન ઝાડના મૂળિયા પણ વિષવેલની માફક ચૂસી લે છે!! છતાં, પ્રજાવત્સલતાની દુહાઈ દેવામાં આવે છે!!! મેં બજેટની ખાસિયત રાજુ રદ્ીને કહી.
ગિરધરભાઇ, આપણે ત્યાં ‘કોથળામાંથી બિલાડું કાઢવું’ કે ‘ખોદ્યો ડુંગરને નીકળ્યો ઉંદર’ કહેવત બજેટ પર એકદમ પરફેકટ ફીટ થાય છે. નાણામંત્રી બજેટની બેગમાંથી વંદો કાઢે છે કે છછુંદર કાઢે છે તેની ખબર પડતી નથી. કોઇ સરકાર પાંચ વરસની મુદ્ત માટે હોય તે પચીસ વરસની કે ત્રીસ વરસની બ્લુ પ્રિન્ટ એ પણ બ્લેક એન્ડ વ્હાઇટમાં કેવી રીતે કાઢી શકે? ખોટ કરતાં સફેદ હાથી કે ડાયનોસોર સમાન જાહેર સાહસો ડિસઇન્વેસ્ટમેન્ટના નામે પાણીના ભાવે મળતિયા મિત્રોને લ્હાણી કરે. ઇટસ ઓકે. જે સાહસો નફો કરતા હોય, રાષ્ટ્રીય સુરક્ષા માટે આવશ્યક હોય તેવાં સાહસો પણ વેચી નાખવા તે નાદારીનો નમૂનો છે. આવા કામ માટે અઢાર કલાક કામ કરતાં ઊંઘનો સમય વધારો મિત્રોઅઅ… બી કુંભકર્ણ!! ઇઝ ઓફ ડુઇંગ માલદારને વધુ માલદાર બનાવવાનું ધુપ્પલ છે. ઇઝ ઓફ ડુઇંગમાં મકાન વગર ભણતાં બાળકોને શાળાનું મકાન બાંધવા, ડિસ્કો રોડ પર મહાન ખાડાના કારણે પ્રસૂતા હૉસ્પિટલ પહોંચે તે પહેલાં રસ્તામાં ડિલિવરી થઇ જાય તો સારો રોડ બનાવવો, દવાખાના બનાવવા વગેરેનો કેમ સમાવેશ થતો નહીં હોય?? રાજુએ આક્રોશ વ્યક્ત કર્યો!!
રાજુ, બજેટ નામે ઓળખાતા ડોકયુમેન્ટમાં પાર્ટ-એ અને પાર્ટ-બી એમ બે ભાગ હોય છે અને એક પત્રકમાં આવક જાવકનું પત્રક હોય. પાર્ટ એમાં ફંડ એલોકેશનની દરખાસ્તો હોય. પાર્ટ બીમાં ટેક્સમાં વધારા ઘટાડાની દરખાસ્ત હોય! પરીક્ષા અને નોકરીની પરીક્ષાનાં પેપરો ફટાકડાની જેમ ફૂટે છે. આઝાદી મળ્યાથી આજદિન સુધી એકવાર પણ બજેટ ફૂટ્યું નથી. સરકારની કામગીરીની મથરાવટી મેલી હોય છે, રગશિયા ગાડા જેવી કે ગળિયા બળદ જેવી ગણાય છે. બજેટમાં મુદ્રણ સરકારી પ્રેસમાં થાય છે. છતાં બજેટ લીક ન થાય તે માટે બજેટ સાથે સંકળાયેલ બાબુના મોબાઇલ જપ્ત કરી બજેટ રજૂ ન થાય ત્યાં સુધી નજરકેદની જેમ રાખે છે. આપણા બજેટ પરીક્ષાના પેપર જેમ લીક થતા નથી એ આપણું સરકારી પ્રાઇડ અને એચિવમેન્ટ છે!! મેં રાજુને અભેદ બજેટની વાત કરી.
ગિરધરભાઇ, બજેટ એ એવો કમનસીબ દસ્તાવેજ છે. જેને વાંચ્યા વગર શાસક પક્ષ એટલે ટ્રેઝરી બેન્ચ પ્રશંસાનો નાયગ્રા ધોધ કે ભાકરા નાંગલ પુલ બનાવે છે. રેતીમાં સ્તુતિનાં વહાણો ચલાવે છે. જ્યારે વિપક્ષના મિત્રો પણ બજેટ વાંચ્યા વગર ડોન કિહોટેની જેમ હવામાં વિરોધની ટીકાની તલવાર વીંઝે રાખે છે!! કોઇ મહેકમ અધિકારી તમામને રાજી કરી શકે નહીં. જેટલાને રાજી કરે તેના કરતાં વધારેને નારાજ કરે છે. ટુંકમાં, વહુ અને વરસાદની માફક બજેટને પણ જશ મળતો નથી. અલબત, જશને બદલે જૂતિયા મળે છે!! રાજુએ કરમ કહાણી શેર કરી!!
રાજુ, બંધારણની જોગવાઈ મુજબ બજેટ ઘડતર બંધારણીય પ્રક્રિયા છે. બજેટ દરખાસ્તો પર ચર્ચા કાપ દરખાસ્તો, ધ્વનિમતથી બજેટ મંજૂર કરવું, બજેટ વિધેયક પર રાજયપાલ કે રાષ્ટ્રપતિની સહી થાય, ગેઝેટ નોટીફિકેશન થાય ત્યારે બજેટ મંજૂર થયું રહેવાય. જીએસટીના અમલ પછી કર વધારવા કે ઘટાડાની મંજૂરીની સત્તા સંસદ પાસેથી જતી રહી છે અને જીએસટી કાઉન્સિલ પાસે ગઇ છે. સંસદની સંપ્રભુતા નિરસ્ત કરવામાં આવી
છે. હવે બજેટમાં કેવળ ફંડની ફાળવણી જ કરવાની રહે છે. જીએસટીના દાયરામાં હોય તે સિવાયના કરમાં સંસદ વધારો ઘટાડો કરી શકે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ જીએસટી કાઉન્સિલ સલાહકારી બની ગઇ છે. આમ, રોરિંગ લાયન સર્કસનો કહ્યાગરો સિંહ બની ગયો છે! મેં ભગ્ન હૃદયે અવદશા કહી. હમણા એક રાજ્યના નાણામંત્રીએ વિધાનસભામાં ધારાસભ્યો જાગે છે કે ઊંઘે છે તે ચેક કરવા જાણી જોઇને જૂનું બજેટ વાંચેલ – એવરી થીંગ ફેયર ઇન લવ, વોર એન્ડ બજેટ!!!
આમ, પણ બજેટમાં આંકડા, શાયરી ટુચકા સિવાય નવું શું હોય છે? ધનવાનને ધનની લહાણીની કહાણી હોય છે. ગરીબી હટાવવાને બદલે ગરીબિ હટે છે. રોજગાર આપવાના નામે પકોડા તળવા કે નાલિના ગેસમાંથી ચા બનાવવાના જહાંપનાહના નુસ્ખા હોય છે. પ્રાકૃતિક ખેતીની વાત કરી બીટી બિયારણોને હવા દેવાની કારસ્તાની હોય છે!! હું ડુંગળી લસણનો ઉપયોગ કરતો નથી એટલે ડુંગળી લસણના ભાવો વધે તેમાં મારે કોઇ લેવાદેવા નથી. બજેટની તિકકડમમાં રાજકોષીય ખાધ વધી હોય, આવક સામે ખર્ચ વધ્યો હોય, સરકારનું દેવુ પણ વઘ્યું હોય છતાં બજેટ સરપ્સલ હોય! આવી કરામત હુડીની કે કે. લાલ જાદુગર ન કરી શકે પણ ભારતનો લાલ કરી શકે!!! વિધાનસભા ગૃહમાં હોહા /બવંડર થયું. જો કે હો હા બંધ થતાં થતાં પાછું નવા બજેટનું વાંચન કર્યું. જે આગલાને સારું કહેવડાવે તેવું બદતર હતું!!!