સૌનો શબ્દ એ શ્રી નરેન્દ્રભાઈ મોદીના પાંચ દાયકાની વિચાર-કાર્યશક્તિની એકસૂત્રતાની મંત્રસાધના છે

વીક એન્ડ

 ભરત પંડ્યા

શ્રી નરેન્દ્રભાઈ મોદી એVisionary Leader છે. તેમની વિચાર-કાર્યપદ્ધતિ વર્ષો સુધી સાતત્યપૂર્ણ હોય છે. તેઓ એક શબ્દને પસંદ કરે છે તેને સૂત્ર બનાવીને કાયમી રીતે એક્શન મંત્ર બનાવી દે છે.
તેઓ લગભગ ૧૫ વર્ષ પ્રચારક, ૧૫ વર્ષ ભાજપ સંગઠનમાં, ૧૩ વર્ષ મુખ્ય મંત્રી અને ૮ વર્ષ પ્રધાનમંત્રી-પ્રધાનસેવક તરીકે કામ કરી રહ્યા છે. જ્યારે તેઓ પ્રચારક અને પ્રદેશ મહામંત્રી હતા ત્યારે સ્વયંસેવક અને કાર્યકર્તાઓને પ્રાસંગિક રીતે પત્ર લખતા અને કાર્યકર્તાઓ પત્રનો જવાબ પણ આપતા હતા. તેઓ પહેલેથી જ જવાબદેહી પ્રકૃતિ ધરાવે છે. મને પણ ૧૯૮૪માં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૭ પાનાંનો પત્ર લખેલો તે મારા જીવનનો પ્રેરણામંત્ર બની ગયો હતો. પત્રમાં છેલ્લે, સૌનો લખીને નરેન્દ્ર મોદી સહી કરતા હતા. તેમનો આ સૌનો શબ્દ લગભગ ૩૫ વર્ષની સફર ખેડીને તેમાં અન્ય શબ્દ-ભાવ-કૃતિ એકસૂત્રતા ઉમેરાતી ગઈ.
સૌનો સાથ-સૌનો વિકાસ,
સૌનો વિશ્ર્વાસ-સૌનો પ્રયાસ
આ સૂત્ર મંત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીની ૫૦ વર્ષની વિચાર કાર્યપદ્ધતિની એકસૂત્રતાની સાધના છે. દેશહિત-જનહિત માટેના દિશાદર્શન સાથેની એક લાંબી તપશ્ર્ચર્યા છે.
———
સૌનો સાથ-સૌનો વિકાસ
ગુજરાતમાં ૨૦૦૦ની સાલમાં અતિવૃષ્ટિના કારણે પૂરની પરિસ્થિતિમાં અમદાવાદ સહિત કેટલાંક શહેરો-ગામો અસરગ્રસ્ત થયાં હતાં. તેવા છાપામાં સમાચારો આવતાં અને ‘ગુજરાત ડૂબી ગયું, ડૂબી ગયું’ તેવું રાજ્યની બહાર પણ વાતાવરણ બનતું હતું. ૨૦૦૧માં આવેલા ભૂકંપને કારણે ગુજરાતના કેટલાક વિસ્તાર અને ખાસ કરીને કચ્છમાં અનેક બિલ્ડિંગો, ઘર, દુકાનો પડી ગયાં હતાં. ત્યારે ‘ગુજરાત ભાંગી ગયું, ભાંગી ગયું’ તેવા દેશ-દુનિયામાં સમાચારો છવાઈ ગયા હતા. ૨૦૦૧માં શ્રી નરેન્દ્રભાઈ મોદી મુખ્ય મંત્રી બન્યા અને થોડાક મહિનામાં ૨૦૦૨માં સાબરમતી ટ્રેનમાં ગોધરા કાંડ થયો ત્યારે ગુજરાત વિરોધીઓએ ‘ગુજરાત સળગી ગયું, સળગી ગયું’ તેવો અતિ અપપ્રચાર કર્યો. તે સમયે શ્રી નરેન્દ્રભાઈ મોદી સહેજ પણ વિચલિત થયા વગર ગુજરાતના સર્વાંગી વિકાસ, માન-સન્માન-ગૌરવ માટે એક લોકસેવક અને લોકનાયકની જેમ ઝઝૂમ્યા. આ સમયે ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ સૂત્ર સાથે અનેક ગરીબલક્ષી, રોજગારલક્ષી, વિકાસલક્ષી યોજનાઓ, કાર્યક્રમો, પ્રોજેક્ટોની હારમાળા સર્જી હતી. ગુજરાતને બેઠું જ નહીં, પરંતુ વિકાસના પથ પર દોડતું કરી દીધું અને દેશમાં ગુજરાત મૂડીરોકાણ, રોજગાર, કૃષિ અને શિક્ષણક્ષેત્રમાં અગ્રેસર રહ્યું.
——–
સૌને સન્માન
મને યાદ છે કે ૨૦૦૧માં સંસ્કારધામમાં સંઘના સિનિયર પ્રચારકો અને સેવાવ્રતીઓના સન્માન માટે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તપોવંદના કાર્યક્રમ કર્યો હતો. મુખ્ય મંત્રી બન્યા પછી ગુજરાત કોલેજમાં યોજાયેલા ગુરુવંદના કાર્યક્રમમાં તેમણે પોતાને ભણાવેલા તમામ શિક્ષકોને વંદન કરીને સન્માનિત કર્યા હતા. ૨૦૧૦માં ગુજરાતનાં ૫૦ વર્ષ પૂર્ણ થતાં હતાં ત્યારે દરેક રાજકીય પાર્ટીનાં ૫૦ વર્ષમાં જે પણ ધારાસભ્ય, સંસદસભ્ય ચૂંટાયા હતા. તે તમામને બોલાવીને વિધાનસભા ગૃહનું એક વિશેષ સત્ર બોલાવીને માન-સન્માન કર્યું. ફોટોસેશન અને તેમણે તમામનું પરિચય પુસ્તક આપવામાં આવ્યું હતું. સ્વર્ણિમ યાત્રા દ્વારા દરેક ગામમાં સિનિયર સિટિઝન, વયવંદના, સૌથી ભણેલી દીકરી કે વહુ, પ્રગતિશીલ ખેડૂત, દાતાઓનું સન્માન કર્યું હતું. અનેક વાર સરપંચોને ગાંધીનગર બોલાવીને માન-સન્માન કરવામાં આવ્યું હતું.
શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના મહાપુરુષોને સન્માન આપવાની પરંપરા શરૂ કરી. આઝાદીનાં ૫૫ વર્ષ પછી ક્રાંતિવીર શ્યામજીકૃષ્ણ વર્માનાં અસ્થિને જીનિવાના મ્યુઝિયમમાંથી લાવીને વીરાંજલિ યાત્રા કચ્છના માંડવી સુધી કાઢવામાં આવી હતી અને માંડવી ખાતે ઈન્ડિયા હાઉસ સન્માન સ્મારક બનાવવામાં આવ્યું. ગાંધીજી-મહાત્મા મંદિર, દાંડી કુટીર હોય કે સરદાર પટેલના માન-સન્માન-ગૌરવ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી, ડો. બાબાસાહેબ આંબેડકરજીની સાથે જોડાયેલા પંચતીર્થનું નિર્માણ તેમ જ દરેક શહીદોના સન્માન માટે દિલ્હીમાં ભવ્ય શહીદ સ્મારક બનાવ્યું. હમણાં જ નવા સંસદભવનમાં આંગણામાં સ્વાતંત્ર્યસેનાની સુભાષચંદ્ર બોઝની પ્રતિમા મૂકવામાં આવી. શ્રી નરેન્દ્રભાઈ જે રાજ્યોમાં જાય છે તે રાજ્યોના સંતો, સ્વાતંત્ર્યસેનાનીઓ, મહાપુરુષો વગેરેને હંમેશાં યાદ કરે છે.
——–
મારો ભાજપ, સૌનો ભાજપ
પ્રદેશ મહામંત્રી સમયે ભાજપના સંગઠનને સર્વવ્યાપી, સર્વસ્પર્શી બનાવવા માટે મીટિંગોમાં વિસ્તૃત વિચારો મૂકતા હતા. કાર્યકર્તાનું ભાજપ સાથેનુંAttachment વધુ મજબૂત બને અને તમામ સમાજ, વર્ગ, વિસ્તાર સાથે કનેક્ટ થાય તેવું તેમણે એક સૂત્ર આપ્યું.
‘મારો ભાજપ-સારો ભાજપ, મારો ભાજપ-સૌનો ભાજપ’ આ સૂત્રથી કાર્યકર્તા અને દરેક સમાજ સાથે સારી રાજનીતિનો લગાવ, જોડાણ વધ્યું. ભાજપમાં તેઓએ પ્રતિષ્ઠિત લોકો જેવા કે, વેપારી, વકીલ, ડોક્ટર્સ, અધ્યાપકો, શિક્ષકો, યુવાનો, મહિલાઓ, ખેડૂતો, શ્રમિક વર્ગ સહિત તમામ વર્ગ અને સમાજને જોડવાનો સફળ પ્રયાસ કર્યો હતો. સમાજશ્રેષ્ઠીઓ, સેવાભાવી વ્યક્તિઓ, શિક્ષિત વર્ગમાંથી નવી ભરતી કરીને ભાજપના સંગઠનને વધુ મજબૂત બનાવ્યું હતું. શહેરી અને ગ્રામ્યસ્તર સુધી ભાજપના સંગઠનને વિસ્તૃત કરીને ‘મારો ભાજપ-સૌનો ભાજપ’ સૂત્રને સાર્થક કર્યું.
સૌનો વિકાસ-સૌનો વિશ્ર્વાસ
શ્રી નરેન્દ્રભાઈ મોદીના જીવનનું એક રહસ્ય એ છે કે તેઓ ક્યારેય પોતાના ખિસ્સામાં પૈસાનું પાકીટ રાખતા નહોતા. મેં ક્યારેય તેમને ખિસ્સામાં પાકીટ રાખતાં જોયા નથી. પૈસા પ્રત્યે સંપૂર્ણ નિર્લેપ રહ્યા છે. ખિસ્સું ખાલી, પરંતુ હૃદય (દિલ) સંવેદનાથી ભરેલું રહ્યું છે. તત્કાલીન પ્રધાનમંત્રી શ્રી રાજીવ ગાંધીનું કબૂલાતનામું હતું કે હું દિલ્હીથી ૧ રૂ. મોકલું છું અને છેક નીચે સુધી પહોંચતાં માત્ર ૧૫ પૈસા પહોંચે છે, એટલે કે ૧ રૂ.માંથી ૮૫ પૈસાનો ભ્રષ્ટાચાર રોકવા માટેનું કોઈ એક્શન કે સોલ્યુશન નહોતું.
શ્રી મોદીજીને પહેલેથી System Change કરવાનું ઝનૂન હતું. DBTમાધ્યમથી ૫૩ મંત્રાલયોની ૩૧૯ યોજનાઓ દ્વારા અત્યાર સુધીમાં ૨૫ લાખ કરોડ ટ્રાન્જેક્શન દ્વારા દેશના કરોડો લાભાર્થીઓનાં બેંક ખાતાંમાં સીધેસીધા યોજનાઓના પૈસા પહોંચાડ્યા છે. DBT માધ્યમથી ૨.૨૨ લાખ કરોડ રૂ.નો ભ્રષ્ટાચાર અટકાવ્યો છે. કિસાન સન્માન નિધિમાં ૧૧ કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં દર વર્ષે રૂ. ૬,૦૦૦ આવે છે. દેશના લગભગ ૫૦ કરોડ લોકોને ૫ લાખ રૂ. સુધીની મફત સારવાર માટે આયુષ્યમાન કાર્ડ મળી રહ્યાં છે. કોવિડમાં ૮૦ કરોડ લોકોને બે વર્ષ સુધી મફત અનાજ આપવામાં આવ્યું. ૧૦૮ એમ્બ્યુલન્સ આજે કોઈ પણ જ્ઞાતિ, સમાજની વ્યક્તિ ફોન કરીને બોલાવી શકે છે. મહિલા, યુવા, ખેડૂત, ગરીબ, દિવ્યાંગ સહિત અનેક યોજનાઓ અને જન્મથી માંડીને મૃત્યુ સુધીની યોજનાઓ દ્વારા ભાજપની સરકાર લોકોના પડખે ઊભી છે. આ સરકાર સૌની છે. એટલે જ, જનતાનો શ્રી મોદીજીમાં રહેલો વિશ્ર્વાસ ઉત્તરોત્તર વધતો જાય છે.
સૌનો સાથ (સૌને ન્યાય-સૌનું સન્માન)
સૌનો સાથ ક્યારે મળે? જ્યારે સૌને ન્યાય મળે અને સૌનું માન-સન્માન સચવાય અને સૌનો વિકાસ થાય તે માટે સમાજનાં ઉત્કર્ષ, એકતા માટેના નિર્ણયો લેવા માટેનો તેમણે પ્રામાણિક પ્રયાસ કર્યો.
ગુજરાત વિધાનસભા ગૃહમાં એક પ્રક્રિયા હોય છે કે SC-ST રાજકીય અનામતને દર ૧૦ વર્ષે રિન્યુ કરવામાં આવતી હોય છે. તે સમયેSC-STઅનામતના ગૌરવ સાથે યથાવત રાખવામાં આવી હતી. પ્રધાનમંત્રી બન્યા તે સમયે OBCને કાયદાકીય સ્વરૂપ આપીને સંસદમાં બિલ પસાર કરીને સૌપ્રથમ વાર માન્યતા સાથે સામાજિક ન્યાય આપવાનું કામ શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપ સરકારે કર્યું અને અન્ય સમાજની લાગણીને ધ્યાનમાં રાખીને આર્થિક રીતે નબળા સમાજ છે તેને પણ ૧૦ ટકાEBC અનામત આપવાનો શુભારંભ ગુજરાતથી કરવામાં આવ્યો. આ બધા જ નિર્ણયો સૌને ન્યાય આપવામાં મક્કમ અને ઐતિહાસિક નિર્ણયો હતા.
સૌનો પ્રયાસ
શ્રી લાલબહાદુર શાસ્ત્રીજી પછી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનથી જે તે કાર્ય કે કાર્યક્રમમાં દેશની જનતા જોડાય છે. સ્વચ્છતા અભિયાનમાં લોકોના સહકારથી ૧૧ કરોડથી વધુ શૌચાલય બનાવીને દેશની જનતાના પ્રયાસથી ૬ લાખ ગામો ખુલ્લામાં શૌચમુક્ત થયાં. કોરોના વોરિયર્સને બિરદાવવા માટે લોકો રાત્રે લાઈટ બંધ કરીને દીપ પ્રગટાવી, થાળી-શંખ વગાડીને જોડાયા હતા. તાજેતરમાં તા. ૧૩થી ૧૫ ઓગસ્ટ દરમ્યાન સમગ્ર દેશમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ દરેક નાગરિકે પોતાનાં ઘર-દુકાન-ઓફિસ વગેરે પર રાષ્ટ્રધ્વજ ગૌરવભેર ફરકાવ્યો હતો. શ્રી નરેન્દ્રભાઈ મોદીના આ પ્રકારના સામાજિક-રાષ્ટ્રીય મુદ્દાઓ પરના આહ્વાનથી દેશની જનતા જનાર્દનનો સાથ-સહકાર મળી રહ્યો છે.
શ્રી નરેન્દ્રભાઈ મોદી દરેકને પોતાના માને છે, તેવી રીતે જ જનતા જનાર્દન પણ શ્રી નરેન્દ્રભાઈને પોતાના જ માને છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીનો સૌનો શબ્દ એ ભાજપના સંગઠનમાં ‘સર્વવ્યાપી’ સૂત્ર બન્યો પછી સરકારની કાર્યપ્રણાલીનું ‘પ્રતીક’ અને હવે, પ્રજામાનસમાં ‘એકતા મંત્ર’ બની ગયો છે. ‘સૌનો સાથ-સૌનો વિકાસ, સૌનો વિકાસ-સૌનો વિશ્ર્વાસ’, આ સૂત્ર પછી જનતાનાં મન-હૃદય સુધી ‘સૌનું ભારત, સૌના નરેન્દ્ર મોદી’, આ સૂત્રની પણ અનુભૂતિ પહોંચી છે.
સૌના… શ્રી નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની હૃદયપૂર્વકની શુભેચ્છાઓ…
(લેખક ગુજરાતના પૂર્વ પ્રદેશ પ્રવક્તા, ભાજપ અને પૂર્વ ધારાસભ્ય છે)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.