જૈનો પોતાના સ્તવનો-ગીતો માટે અલાયદું સંગીત વિદ્યાલય ક્યારે સ્થાપશે?

રોજ બરોજ

રોજ બરોજ – યોગેશ સાગર

પર્યુષણને જૈનો મહાપર્વ કહે છે. પર્વાધિરાજ પર્યુષણ પણ કહેવાય છે. બંને વિશેષણો બિનજૈનોને કદાચ અતિશયોક્તિ સભર લાગે પણ તે વિશેષણો સાથે સહમત એટલા માટે થવાય છે કે ક્ષમાપના માટે જ સમર્પિત હોય એવો આખા વિશ્ર્વમાં એકમાત્ર તહેવાર છે. આ એવી ઉજવણી છે જેમાં દ્રવ્યોનું સેવન નથી કરવાનું, જેમાં મિષ્ટાન્નની ઉજાણી નથી કરવાની, જેમાં ફટાકડા કે રંગોથી પાર્ટી નથી કરવાની. પણ સંયમનો માર્ગ અપનાવવાનો છે. જૈનો પર્યુષણમાં મિનિમાલિસ્ટીક અપ્રોચ અપનાવે છે. શક્ય એટલી ઓછી વસ્તુઓનો ઉપયોગ/વિનિયોગ કરે છે. ત્યાગભાવનાનો મહિમા આલેખાય છે. આખાય વર્ષ દરમિયાન કરેલા પાપોની પ્રકાર સહિત વ્યવસ્થિતપણે સમસ્ત જગત પ્રત્યે માફી માંગવામાં આવે છે. પર્યુષણ માટે મહાપર્વ સાબિત થાય છે. જેમાં જાતની નહીં પણ આત્માની અને સંસારના સમસ્ત જીવોની ચિંતા થાય છે.
પર્યુષણ દરમિયાન સાધુ ભગવંતોની વૈયાવચ્ચ ઘણી થતી હોય છે. બધા સંઘો સન્યાસી સાધુઓની સેવા-સુશ્રુષા આખું વર્ષ કરતા જ હોય છે. મુંબઈ, અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા અને બીજા શહેરો કે ગામોમાં પર્યુષણ વ્યાખ્યાનમાળાનું આયોજન થતું હોય છે. જેમાં જુદા જુદા વક્તાઓ જૈન ધર્મ અને એ ઉપરાંત સત્ય, અહિંસા, નૈતિકતા જેવા ધાર્મિક, માર્મિક અને આધ્યાત્મિક વિષયો ઉપર વક્તવ્યો આપતા હોય છે. જીવદયામાં જૈનો અવ્વલ છે એવું કહેવું ખોટું નહિ ગણાય. પાંજરાપોળ અને બીજા મનુષ્યેતર જીવો માટે જૈન શ્રેષ્ઠીઓ અઢળક દાન આપતા હોય છે. કતલખાને જતા પશુઓને છોડાવવાથી લઈને તે જીવોના આજીવન નિભાવખર્ચ સુધીની વ્યવસ્થા જૈનો કરતા હોય છે. એક સુસભ્ય અને સુશિક્ષિત સમાજ તરીકે જૈનો સોસાયટી માટે અને દેશ માટે શક્ય એટલું યોગદાન આપતા હોય છે. શિક્ષણ અને મેડિકલ અંતર્ગત બાબતોમાં પણ જૈન દાતાઓનો મોટો ફાળો છે. સમાજમાંથી વેરભાવ વૃત્તિ ઓછી થાય અને સમતાભાવની લાગણી પ્રસરે તેના માટે જૈનો સદીઓથી અથાગ પ્રયત્નો કરી રહ્યા છે.
સાલ મુબારકનો શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવે કે ન આવે પણ સંવત્સરીના પ્રતિક્રમણ પછી મિચ્છામી દુક્કડમનો સંદેશો જૈનો અચૂક પહોચાડે. સાવ નજીકના સગા સંબંધી કે ફક્ત ચહેરેથી ઓળખતા હોય તેવી વ્યકિતઓને પણ હાથ જોડીને મિચ્છામી દુક્કડમ કરવામાં આવે છે. સામે ચાલીને માફી માંગવી એ બહુ મોટી વાત છે. હિન્દુસ્તાનનું એક અમર સૂત્ર છે : ક્ષમા વીરસ્ય આભુષણમ્ આપણે વીર છીએ એવો અહંકાર તો ન જ પોષવાનો હોય પણ ક્ષમા આપવા અને ક્ષમા માંગવા ઉપર વ્યવહારુ જગતમાં ભાર અવશ્ય મૂકવાનો હોય. આંખને બદલે આંખની વેરભાવના આખા જગતને આંધળી કરી મૂકે. એવું જીસસ ક્રાઇસ્ટથી લઈને ગાંધીજી સુધી ઘણા મહામાનવો કહી ગયા છે પણ તેનો અમલ કરવો પડે. મિચ્છામી દુક્કડમ શબ્દપ્રયોગમાં તે ભાવ છે. પછી એ ભાવ અકબંધ રહે છે કે માત્ર અક્ષરો બની જાય છે તે જે તે વ્યક્તિ ઉપર નિર્ભર છે. પરંતુ ક્ષમાપર્વ એવા પર્યુષણનું ગઈકાલે સમાપન થયું ત્યારે એક વાત જે વર્ષોથી ઉડીને આંખે વળગે છે તેના વિશે ટકોર કરવાનું મન થાય છે.
તે મુદ્દો છે – ફિલ્મી ઢાળમાં ગાવામાં આવતા સ્તવનો કે ગીતો. પર્યુષણ પર્વ દરમિયાન કે જૈન સંઘ ભેગો થાય ત્યારે કોઈ તપસ્વીની અનુમોદના કરવા માટે, તીર્થંકરોને સંગીત દ્વારા યાદ કરવા માટે કે મહાવીર જન્મ કલ્યાણ જેવા અવસર ઉપર અમુક વિધિઓ દરમિયાન ઓર્કેસ્ટ્રાના સાંજીદાઓ ગીતો વગાડતા હોય છે. તે ગીતોના શબ્દો તો કોઈ ગીતકારે લખેલા હોય છે પણ તેનો રાગ કે ઢાળ પ્રખ્યાત ફિલ્મી ગીતોના હોય છે. ફિલ્મી ગીતોના ઢાળ ઉપર ભક્તિભાવને લાગતા શબ્દો ચડાવીને સ્તવનો કે ગીતો લલકારવામાં આવે છે. જૈનોમાં દાન – પુણ્ય માટે સૌથી વધુ દાનની બોલી લગાવનારનું બહુમાન થાય ત્યારે પણ આવા ગીતો વાગતા હોય છે. મણમાં ઘી બોલવામાં આવે અર્થાત્ દાનની રકમ બોલવામાં આવે. પાલીતાણા જેવા જૈન તીર્થસ્થળોએ ઉપધાન તપથી લઈને ઘણા તપ કરવા માટે આખા ભારતમાંથી જૈનો ભેગા થાય કે પછી દીક્ષા સમારોહ હોય ત્યારે પણ આ પ્રકારના ગીતો વાગે તો નવાઈ નહીં. હિન્દી ફિલ્મી ગીતોનો ઢાળ અને તેની ઉપર પ્રભુભક્તિના શબ્દો. એમાં પણ રાખવામાં આવેલા ગાયક કલાકારનો અવાજ, ધૂમધડાકા સાથે વાગતા વાજિંત્રો અને લાઉડસ્પીકરમાંથી આવતો મોટો અવાજ જેને કારણે શબ્દો સ્પષ્ટ સંભળાય જ નહીં પણ ફિલ્મી રાગ સંભળાય. માટે તે સમયે દેરાસરમાં કે ઉપાશ્રયમાં કે પછી કોઈ મોટા મંડપ નીચે બેઠેલા શ્રાવકગણનું ધ્યાન ભક્તિગીત તરફ ઓછું અને તે ગીત જે બોલીવુડના ગીતના ઢાળ ઉપર ગવાતું હોય તે ગીતને યાદ કરવામાં વધુ ખેંચાય. વિરોધાભાસ એ થાય કે પ્રતિક્રમણ દરમિયાન ફિલ્મો જોઈ હોય, નાટકો જોયા હોય કે ઢીંગલા ઢીંગલી પરણાવ્યા હોય તેની માફી માંગવાની આવે અને પછી એ જ પ્રતિક્રમણ પૂરું થયા પછી યોજાતી ભાવના કે બીજા દિવસના પારણાંની ભવ્ય ઉજવણીમાં ફિલ્મી ઢાળ ઉપર રજૂ થતું ભક્તિગીત કાને પડે. બાલ્યાવસ્થામાં એવો વિચાર પણ આવેલો કે જે કરવાની આ લોકો ના પાડે છે એ જ કામ આ લોકો કેમ કરે છે. ફિલ્મ જોવાથી કર્મ બંધાતું હોય તો ફિલ્મી ગીતના ઢાળ ઉપર જે તે ભક્તિગીત બનાવવા માટે મોટેરાઓએ તો એ ફિલ્મ જોવી પડી હશે કે પછી તે ગાયન સાંભળવું પડ્યું હશે ને.
હવે આમાં વ્હેરઅબાઉટીઝમનો સ્કોપ નથી કે એવી દલીલ પણ આવશ્યક નથી કે બીજા ધર્મમાં પણ આ પ્રકારના ફિલ્મી ઢાળમાં ગવાતા ભક્તિગીતો તો બને જ છે તો એને કેમ કઈ કહેતા નથી. આપણે કોઈને કાંઈ કહેવાનું નથી પણ જે વિરોધાભાસ અહીં સર્જાય છે એની થોડી વાત છે. મુખ્ય વાત તો એ છે કે આ પ્રકારે ગીતો રજૂ થવાને કારણે એવો સંદેશો પણ સોસાયટીમાં જાય છે કે જૈનો પાસે મૌલિકતા નથી કે જેનો ક્રિએટિવ નથી કે જૈનો બીજી ધુનો ક્રેડિટ આપીને કોપી કરે છે અથવા તો ક્રેડિટ આપ્યા વિના લઈ લે છે. જૈનીઝમમાં કળા જેવા તત્ત્વોનું બહુ મહત્ત્વ નથી એવું નિરાકરણ પણ કોઈ કાઢી શકે હકીકતમાં તે વાત ખોટી છે જૈનો પરાપૂર્વથી કળામાં માહેર રહ્યા છે . કલાતત્ત્વનો વિરોધ જૈનોએ કર્યો નથી. બલ્કે કલાનું સંવર્ધન જૈનોએ કરેલું છે જેમ કે ચિત્રકલા. લઘૂચિત્રોની શરૂઆત ભારતમાં બૌદ્ધ ગ્રંથો અને જૈન ગ્રંથોએ કરી છે એવું કહી શકાય. મુગલ શૈલી તો બહુ પછીથી આવી. દેરાસરોની બહારની દીવાલ ઉપર સંગીતવાદ્યો સાથે મ્યુરલ્સ બન્યા હોય છે. પ્રથમ તીર્થંકર ઋષભદેવે તેમના એકસો બે સંતાનોને બધી વિદ્યાઓમાં નિપુણ બનાવ્યા હતા. તેમની પુત્રી બ્રાહ્મીના નામે તો લિપિ એશિયામાં પ્રચલિત થઈ.
જૈન સ્તવન સાહિત્ય સમૃદ્ધ છે. જૈનકથાઓ તો બહુ પ્રચંડ રીતે સમૃદ્ધ છે. રામાયણનું જૈન વર્ઝન પણ છે. જૈન સાહિત્ય એટલા વિપુલ પ્રમાણમાં છે કે જેનો અંદાજ માંડી શકાય એમ નથી. કોઈ એક વ્યક્તિ એક જ જન્મમાં વર્તમાનમાં ઉપલબ્ધ એટલું જૈન સાહિત્ય વાંચી શકે તે શક્ય નથી. આ તો જેટલું ઉપલબ્ધ છે તે સાહિત્ય પણ આટલા વિશાળ જથ્થામાં છે તો જે નાશ પામ્યું છે કે સચવાઈ શક્યું નથી તે જૈન સાહિત્ય કેટલું વિરાટ હશે? માત્ર કલ્પના કરવી રહી. ભારતની ભૂમિની આ જ મહાનતા છે જ્યાં હિન્દુ, જૈન અને બૌદ્ધ જેવા મહાન ધર્મો ઉદ્ભવે. ટુંકમાં, આપણી વાત એ છે કે જૈન સાહિત્ય બહુ જ સમૃદ્ધ છે, સ્તવનો અઢળક છે તો અત્યારે થતી કોઈપણ ધાર્મિક પ્રવૃત્તિમાં ઉછીના ઢાળ/રાગ ઉપર ભક્તિગીતો કેમ રજુ થાય છે? દાન કે પ્રભુભક્તિ કે સાધર્મિક લાભમાં પાછું ફરીને ન જોતાં જૈનો અને બધા મોભીઓ તથા જૈન સંઘપતિઓ આ બાબતે કેમ ઉદાસીન છે? નખશિખ ઓરીજીનલ અને જૈન ધર્મનું મહત્ત્વ જળવાઈ રહે એવા ગીતો કેમ બનાવી ન શકાય? કે કોઈને આ ત્રુટિ લાગતી જ નથી?
આ ત્રુટિ જો જૈન શ્રેષ્ઠીઓને લાગે તો તેનું નિરાકરણ સહેલું છે. આવતા પર્યુષણ પહેલા બધે જ સાંગોપાંગ જૈન હોય અને ઓરીજીનલ હોય એવા ગીતોનો ઢગલો થઈ શકે. એક મહાસંગીતવિદ્યાલય ખોલવામાં આવે. જેમાં સંગીત તથા કવિતા – ગીતોની સમજ હોય એવા કોઈ પણ અનુભવી ભેગા થાય. બિનઅનુભવી પણ ક્ષમતા ધરાવતા યુવાનો કે વડીલોને પણ ચાન્સ આપવામાં આવે. બધા ભેગા થાય અને દરેક ધાર્મિક પ્રવૃત્તિ માટે યોગ્ય હોય એવા જુદા જુદા ગીતો રચવામાં આવે. દીક્ષા માટે, મહાવીર સ્વામીના સપનાં માટે, અઠ્ઠાઈ તપના પારણાં માટે, નવા દેરાસરમાં પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા માટે, ગુરુવંદના માટે, ઘીની બોલી માટે વગેરે દરેક ધાર્મિક ઇવેન્ટ માટે અનુરૂપ હોય એવા ગીતો કે સ્તવનોની મોટી બેંક બનાવવામાં આવે. રાજસ્થાન અને મહારાષ્ટ્ર તથા બિહારના જૈનોને પણ એમાં સામેલ કરવામાં આવે. દક્ષિણ ભારતના જૈનોનું યોગદાન પણ એમાં હોય જ. ગુજરાતીઓ તો અફ કોર્સ હોય જ.
પ્રોફેશનલની મદદ લેવામાં વાંધો શું? મ્યુઝિક ડિરેક્ટરો એક માગતા હજાર મળશે. એ જ રીતે ભજનો લખતા, ગીતો લખતા, પદ્યની સમજ હોય તેવા મર્મજ્ઞ બહુ છે. તે બધાને ભેગા કરીએ તો એક જ વર્ષમાં તે જૈન મ્યુઝિકલ સંસ્થા એક વર્ષની અંદર નવા અને મૌલિક બે હજાર જૈન ગીતો બનાવી નાખે. પછી એમાંથી લોકપ્રિય અને લોકભોગ્ય હોય એવા ગીતો ધીમે ધીમે ઓટોમેટિક વાયરલ થશે, પ્રસરશે. બીજે વર્ષે બીજા હજાર ગીતો બનાવવાના. લોકબોલીએ ચડેલા જૈન ગીતોનું સાહિત્ય સમૃદ્ધ કરવાની તાતી જરૂરિયાત છે. ફિલ્મી ઢાળમાં ગવાતા ભક્તિગીતો નથી શોભતા. ભજન પરંપરાનો એક આખો અલાયદો ઇતિહાસ છે અને ભજનિકોની એક આગવી દુનિયા હોય છે. પ્રભુમાં માનતા હોઈએ તો પ્રભુભક્તિને અભિવ્યક્ત કરવાની પદ્ધતિ અસલ કેમ ન હોય? ઉ

1 thought on “જૈનો પોતાના સ્તવનો-ગીતો માટે અલાયદું સંગીત વિદ્યાલય ક્યારે સ્થાપશે?

  1. There is a point to be made here. Narayan Swami took music arrangements from film songs and wrote and sang the words he had substituted in them. Gujaratis gush over his ‘talent’. Forgive me for not agreeing with you. We used to do the same with some film songs and alter the words, plug them in and sing to the filmi tune. No talent needed here. Avinash Vyas wrote lyrics and set them to music himself. Weather Bhajans, Muslim Naat or Sikh Gurbani, they are all based on Hindustani Classical Music. Here is where Jains are taking short cut and not producing their on composers. Forgive me for saying so: you are taking Narayan Swami’s route. You need composers who can set your bhakti sangeet to music. This would still be based on Hindustani Classical music. That is where knowledge and talent need to be directed. Then you will get the desired results. Separate Jain Academy you have envisaged will, pardon me for speaking bluntly, not produce the results you desire.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.