Homeરોજ બરોજનીતીશ કુમારના સબ-વેરિયન્ટ સમા નેતાન્યાહુ ક્યાં સુધી પીએમ પદને ચોટેલા રહેશે?

નીતીશ કુમારના સબ-વેરિયન્ટ સમા નેતાન્યાહુ ક્યાં સુધી પીએમ પદને ચોટેલા રહેશે?

રોજ બરોજ – અભિમન્યુ મોદી

દિવાળીની રાત્રે એવું ફિલ થતું હતું ને કે ભારત-પાકિસ્તાનનું યુદ્ધ ચાલે છે અને ખુશ્કીદળની એક છાવણીમાં કોઈ પણ ભોગે ઊંઘવાનો પ્રયત્ન કરવાનો છે. ભલે ઘરની બાજુમાં બૉમ્બ ધડાકા થાય, રોકેટ છૂટે તેના પ્રચંડ અવાજને સહન કરીને સુઈ જવાનું, પરોઢિયે શાંતિની અનુભૂતિ થશે જ ને.! દર દિવાળીએ આવો માહોલ ભારતમાં સર્જાય પરંતુ ભારતથી ૪,૫૩૨ કિ.મી.ના અંતરે આવેલા એક દેશમાં ઘણી રાતો આમ જ વિતે છે. પ્રજા ટેવાઈ ગઈ છે. જો કે ત્યાં દિવાળીની ઉજવણી નથી પણ ધર્મની દીવાલો પર કબજો કરવા યુદ્ધ થયા કરે છે. આ દેશ ઉદ્યમી લોકોનો છે. એટલે ખુમારીથી તેઓ લડ્યા કરે છે. તેમને વારસામાં જ યુદ્ધ મળ્યું છે. ૭૫ વર્ષથી નિરંતર આ યુદ્ધ ચાલે છે અને આગળ પણ ચાલતું રહેશે. પાડોશીના ઘરે જે થાય તે તેમાં પંચાત કરવાનો શુ અર્થ પરંતુ પાડોશી અંગત મિત્ર બની જાય તો તેના સંકટ સમયે ઢાલ બનીને ઊભું રહેવું પડે. વાત છે ઇઝરાયલ અને ભારતની દોસ્તીની, વાત છે ઇઝરાયલની હિબ્રુ પ્રજાને મળેલા યુદ્ધગ્રસ્ત વારસાની જેનો આજે પણ કોઈ રાષ્ટ્ર પ્રમુખ ઉકેલ લાવી શક્યા નથી અને હવે ભારત પરોક્ષ રીતે તેના વિવાદમાં જોડાઈ ગયું છે.
ગુજરાતના કચ્છ જિલ્લાની સરખામણીએ ફક્ત ૪૬% ભૌગોલિક ક્ષેત્રફળ ધરાવતા ઇઝરાયલમાં પ્રત્યેક ચોરસ કિલોમીટરે અંદાજે ૫૭ આરબો વસે છે. જે ઇઝરાયલને ગળી જવા માગે છે.ભારતની આઝાદીના પૂરા નવ માસ બાદ ઇઝરાયલ મુક્ત થયું. મહારાણી એલિઝાબેથ અને તેમના પ્રધાનમંડળે ભારતની સાથે કુલ ૧૩ રાષ્ટ્રોને ગુલામી કાળમાંથી મુક્ત કર્યા પણ આયોજન એવું કર્યું કે બધા એકબીજા સાથે લડ્યા જ કરે. જેમ ભારત અને પાકિસ્તાનમાં કાશ્મીર આજ સુધીનો વણઉકેલ્યો કોયડો બની ગયો તેમ બ્રિટને ઇઝરાયલ અને આરબ રાષ્ટ્રોને પેલેસ્ટાઇનમાંથી આઝાદ કર્યા પણ તેમાં જેરૂસલેમની પવિત્ર ભૂમિને અધવચ્ચે મૂકી અને તેનું અધિગ્રહણ કોણ કરશે એ મુદ્દો મિડલ ઇસ્ટમાં વહેતો મુક્યો.
સાઉદી અરબસ્તાન, સિરીયા, લિબિયા, ઈરાક, જોર્ડન, લેબેનોન, ઇજિપ્ત વગેરે આરબ રાષ્ટ્રોએ નવજાત ઇઝરાયલ પર અનેક હુમલા કર્યા પરંતુ આરબો ઇઝરાયલનો નાશ ન કરી શક્યા. જોર્ડને જેરૂસલેમ નગરનો પૂર્વ ભાગ અને પેલેસ્ટાઇનનો જોર્ડન નદીના પશ્ર્ચિમ તટનો પ્રદેશ કબજે કર્યો તો ઇઝરાયલે પશ્ર્ચિમ જેરૂસલેમ અને પોતાને મળવાપાત્ર પ્રદેશ પર કબજે કર્યો. તેમાંથી સરહદી અથડામણો ઉદ્ભવી જે આજે પણ યથાવત્ છે.
આવી વિષમ પરિસ્થિતિમાં ઇઝરાયલે તેના ગુપ્તચર ખાતાને ભારે સશક્ત બનાવ્યું છે. લશ્કરી દળને સક્ષમ બનાવ્યું. શિનબેત, મોસાદ અને અમાન નામની ત્રણ જાસૂસી સંસ્થાઓના પરાક્રમો પર તો અનેક પુસ્તકો લખાય ગયા છે. ઇઝરાયલની કૂટનીતિ શકુનિ જેટલી કૂટીલ છે એટલે દુશ્મન દેશ તેને ઘૂંટણિયે બેસાડી શકે નહિ પરંતુ શકુનિ ગાંધારના ગૃહયુદ્ધને ભૂલી ગયો અને હસ્તિનાપુર પર આધિપત્ય જમાવવામાં પડ્યો રહ્યો, તેના કારણે મહાભારતના યુદ્ધ બાદ શકુનિ પુત્ર વિપ્રચિતીને ભારે હાલાકી ભોગવવી પડી તેમ ઇઝરાયલ તેના ગૃહયુદ્ધથી ધીમી ગતિએ ખતમ થઈ રહ્યું છે.
‘પૂર્ણ બહુમતી’, આ શબ્દ ક્યારેય ઇઝરાયલમાં સાંભળવા જ નથી મળ્યો. આઝાદીના ૭૫ વર્ષમાં એક પણ એવી સરકાર નથી. જેને પ્રજાએ ખોબલે ખોબલે મત આપ્યા હોય. કેમ? ઇઝરાયલમાં ભ્રષ્ટાચારનો વેપલો વધતો જ જાય છે. લાલ કિલ્લા પરથી પીએમ મોદી રાજકારણમાંથી પરિવારવાદ અને ભ્રષ્ટાચારને નાબૂદ કરવાની વાતો કરે છે પણ તેમના જ પરમમિત્ર અને ગત સપ્તાહે ચૂંટણીમાં જીત મેળવી ફરી ઇઝરાયલના પ્રધાનમંત્રી બનેલા બેન્જામિન નેતાન્યાહુ વિરુદ્ધ અઢળક કૌભાંડ બોલે છે. કોરોના કાળમાં સરકારની સેવા કરતા ઇઝરાયલના મીડિયાકર્મીઓ નેતાન્યાહુનું ઉજળું ચિત્ર દુનિયાને દર્શાવતા હતા પરંતુ સોશિયલ મીડિયાએ તેનો ભાંડો ફોડી નાંખ્યો. ઇઝરાયલની આર્થિક રાજધાની તેલ અવિવમાં હજ્જારોની સંખ્યામાં લોકોએ રસ્તા ઉપર ઊતરીને વિરોધમાં પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકારીઓએ નેતાન્યાહુના રાજીનામાની માંગ કરી હતી. અને તેના વીડિયો પણ ખાસ્સા વાઇરલ થયા હતા. છતાંય નેતાન્યાહુ ફરી પીએમ બની ગયા. તો એવો જાદુ થયો કઈ રીતે?
જેમ ભારતમાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ લોકો દ્વારા ચૂંટાઇને લોકસભામાં સ્થાન પામે છે તેમ ઇઝરાયલની પ્રજા કોઈ વ્યક્તિને નહિ પણ સમુળગા રાજકીય પક્ષને મત આપે છે. તેના આધારે જ ઇઝરાયલમાં ચૂંટાયેલા પક્ષને સંસદભવન નેસેટમાં પ્રતિનિધિત્વ મળે છે. ધારો કે કોઇ પાર્ટીને ૧૦ ટકા મત મળે તો ૧૨૦ બેઠકો ગણીએ તો ૧૦ ટકાના ધોરણે ૧૨ બેઠકો મળે છે. નેસેટમાં પહોંચવા માટે કુલ મતદાનના ૩.૨૫ ટકા મત મેળવવા જરૂરી બને છે. ઇઝરાયલમાં દર ૪ વર્ષે ચૂંટણી થાય છે પરંતુ સરકાર વિશ્વાસ મત ખોઇ બેસે કે નેસેટ ખુદ બહુમતીથી ભંગ થવાનો નિર્ણય લે તો ફરી ચુંટણી યોજાય છે. ઇઝરાયલની નેસેટમાં કુલ ૧૨૦ બેઠકો છે. જેમાંથી બહુમતીથી સરકાર રચવાનો જાદુઈ આંક ૬૧ બેઠકોનો છે. છેલ્લાં ૭૫ વર્ષમાં એક પણ પક્ષને એકલા હાથે ૬૧ બેઠકોની બહુમતી મળી નથી.આથી હંમેશાં ગઠબંધન કે ટેકાની જ સરકાર રચાઇ છે.
ભારતની જેમ ઇઝરાયલની ચૂંટણીમાં સામાજિક,ધાર્મિક અને જનજાતિઓના અલગ અલગ સમૂહની પણ મહત્ત્વની ભૂમિકા હોય છે. યુરોપ મૂળના રુઢિચુસ્ત યહૂદીઓની સંખ્યા ૧૦ લાખ છે. ઇઝરાયલમાં આરબોની સંખ્યા ૨૦ ટકા છે. જે ૧૦ ટકા વોટબેન્ક ધરાવે છે.ઇઝરાયલમાં મતદાન હંમેશાં મંગળવારે જ થાય છે. મતદાન મથકે રાષ્ટ્રીય ઓળખપત્ર બતાવવું પડે છે. ઓછામાં ઓછા ૩ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ મતદાતાની ઓળખની તપાસ કરે છે. ત્યાર બાદ મતદાતાને એક કવર આપવામાં આવે છે. જેમાં પોતાની પસંદગીની પાર્ટીના ચૂંટણી પ્રતીકવાળી સ્લિપ મતદાતા સિક્રેટ બેલેટ બોકસમાં નાખે છે ત્યાર પછી મતગણના શરૂ થાય છે. ઇવીએમ સિસ્ટમનો ઉદ્ભવ અહીં થયો નથી.
૯૪ લાખની વસ્તી ધરાવતા ઇઝરાયલમાં ૬૩ લાખ મતદારો છે. બાપડા હંમેશાં એવા જ પક્ષને મત આપે જેણે દેશદાઝના વાયદા કર્યા હોય પણ નીતીશ કુમારના સબ વેરિયન્ટ સમા નેતાન્યાહુ ત્યાં પણ પહોંચી જાય અને પોતાની સરકારની રચના કરે છે. અદ્દલ નીતીશ કુમારની જેમ જ ગમે ત્યારે પક્ષપલટો કરી નાંખે. એટલે જ ઇઝરાયલમાં છેલ્લાં ચાર વર્ષમાં પાંચ વખત લોકસભાની ચૂંટણી યોજાઈ અને નેતાન્યાહુ છઠ્ઠી વખત વડા પ્રધાન બન્યા.
આશરે બે હજાર વર્ષ પહેલા યુફ્રેટિસ-તટે આવેલા ઊર નગરમાંથી અબ્રાહમ નામના નેતાની આગેવાની નીચે કેટલાક યહૂદીઓ આજના કનાન પ્રદેશમાં આવીને વસ્યા. અબ્રાહમને બાર દીકરા હતા. તેમાંથી બાર ટોળીઓ થઈ. સૌથી મોટા દીકરાનું નામ ઇઝરાયલ હતું. કાળાંતરે ઇઝરાયલ સમગ્ર રાષ્ટ્રનું નામ બન્યું. પણ બંને વિશ્ર્વયુદ્ધમાં ઇઝરાયલ અને હિબ્રુઓ છિન્નભિન્ન થઈ ગયા. હિટલરને હિબ્રુ ભાષા અને પ્રજાથી જન્મજાત વાંધો હતો એટલે તેણે હિબ્રુઓને યહૂદી તરીકે સંબોધ્યા આ સંબોધન આજે પણ યથાવત્ છે. પ્રસ્તુત કથા તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં રજૂ કરીને નેતાન્યાહુએ એવું વચન આપ્યું હતું કે તેના શાસનમાં ઇઝરાયલનો વિસ્તાર અને વ્યાપ વધશે અને દુનિયા યહૂદીઓને તેના મૂળ નામ હિબ્રુ તરીકે ઓળખશે. યુદ્ધ પર પૂર્ણવિરામ મુકાશે. આવા ઠાલા વચનો તેઓ ગત ચૂંટણીમાં પણ આપી ચુક્યા છે. તેમણે તો એવું વચન આપ્યું હતું કે જેરુસલેમ પર કોઈ રાષ્ટ્ર આંખ ઉઠાવીને પણ નહીં જુએ છતાં જ્યારે ચૂંટણીનું પરિણામ જાહેર થયું ત્યારે જ ગાઝામાંથી મિસાઈલ આવીને જોરદાર ધડાકો થયો. ત્યારે સમગ્ર વિશ્ર્વએ નેતાન્યાહુની ભારે ટીકા કરી.
પહેલાં પેલેસ્ટાઈન સામેની ઇઝરાયલની લડાઈ સમગ્ર આરબજગતની લડાઈ હતી. જોકે હવે પેલેસ્ટાઈનની લડાઈ બે રાષ્ટ્રો વચ્ચેની જ મુશ્કેલી બની છે. પેલેસ્ટાઈનનું આતંકી સંગઠન હમાસ સતત ઈઝરાયલ પર હુમલા કરે છે. ઇઝરાયલ અને હમાસ વચ્ચે જેરુસલેમ મુદ્દે જ લડાઈ ચાલે છે. ઇઝરાયલે પોતાની આર્મી અને ટેન્ક્ને ગાઝાપટ્ટી પાસે તૈનાત કરવાનું શરૂ કરી દીધું છે. આ બધા વચ્ચે નેતાન્યાહુ ફરી પ્રધાનમંત્રી બનતા યુદ્ધની શકયતા સેવાઇ
રહી છે.
હાલ ભારત અને ઈઝરાયલ વચ્ચે એની ટેંક સ્પાઈક મિસાઈલ ડીલ, ટેક્નોલોજીકલ કોલેબ્રેશન, તેલ અને ગેસ ક્ષેત્રમાં નિવેશ, રિન્યુબલ એનર્જી, એવિએશન સેક્ટર, સાયબર સિક્યોરિટી, અંતરીક્ષ પર રિસર્ચ, ગંગા નદીનું સ્વચ્છતા અભિયાન અને મુક્ત વ્યાપાર સહિત કુલ ૧૦ કરાર થયા છે. હવે મિડલ ઇસ્ટના રાજકારણમાં ફેરફાર થશે તો આ કરારમાં પણ દરાર પડી શકે છે ત્યારે જોવાનું રહેશે કે પીએમ મોદી કઈ રીતે પરિસ્થિતિ પર કાબૂ મેળવશે. ઉ

RELATED ARTICLES

Most Popular