દેશના વિકાસના મોડેલ તરીકે ઓળખાતા ગુજરાતમાં દિવસદીઠ નવ મજૂર આત્મહત્યા કરતા હોવાની માહિતી ખુદ કેન્દ્ર સરકારે આપી હતી. રાજ્યસભામાં કેન્દ્રમા રાજ્યકક્ષાના પ્રધાન નિત્યનારાયણ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. છેલ્લા પાંચ વષર્ના આંકડા અનુસાર વર્ષ 2017માં 2131માં મજૂરે એટલે કે રોજનું રોજ કમાઈને ખાનારાએ આત્મહત્યા કરી હતી. જે અનુસાર દિવસદીઠ છ રોજમદાર આત્મહત્યા કરતા હતા, જે વધીને 2018માં 2522 થઈ હતી. એક જ વષર્માં આત્મહત્યાના પ્રમાણામાં 18.34 ટકાનો વધારો થયો હતો. વર્ષ 2019માં 2754, 2022માં 3206 રોજમદારે આત્મહત્યા કરી હતી.
નિષ્ણાતોના માનવા અનુસાર મજૂરોની આત્મહત્યા પાછળનું કારણ દિવસદીઠની મજૂરી ઓછી હોવાનું છે. આથી તેઓ મોંઘવારીને લીધે જીવનનું ગુજરાન ચલાવી શકતા નથી. અહીંના મજૂર સંગઠનોના જણાવ્યા અનુસાર રોજમદારોને મનરેગા વિશે ચોક્કસ માહિતી જ નથી હોતી. આ સ્કીમ અંતર્ગત તેને આખા દિવસનું કામ મળતું નથી વેતન પર નિયમિત મળતું નથી. આ એવો વર્ગ છે જેને રોજબરોજની જરૂરતો પૂરી કરવા માટે હાથમાં રોકડ રકમ જોઈએ છે. વળી, રોજની આર્થિક ખેંચતાણ અને અછત વચ્ચે તેમના પારિવારિક સંબંધો પણ તણાવપૂર્ણ હોય છે અને બીમારી તેમ જ ખોટી આદતો પણ ઘર કરી જાય છે. કોરોનાકાળ બાદ સ્થિતિ વધારે વણસી હોવાનું પણ નિષ્ણાતો કહી રહ્યા છે.