Homeઆપણું ગુજરાતદર વર્ષે આશરે પાંચ લાખ લોકો મરે છે, માત્ર આ કારણથી

દર વર્ષે આશરે પાંચ લાખ લોકો મરે છે, માત્ર આ કારણથી

ભારત વસતિની દૃષ્ટિએ અત્યંત વિશાળ દેશ છે અને તેથી તેની તમામ જરૂરિયાતો પણ વિશાળ જ હોવાની. અન્ન, પાણી, પરિવહન, રોજગારીથી માંડી તમામ જરૂરિયાતો હોય છે 140 કરોડ લોકોની. આવી જ એક જરૂરિયાત છે અને તે છે અંગદાનની. એક આંકડા પ્રમાણે દેશમાં અંદાજિત પાંચ લાખ લોકો મરે છે તેનું કારણ એ છે કે તેમને સમયસર જરૂરી અવયવો મળતા નથી અને તેનું પ્રત્યાપણ થતું નથી. અને દુઃખની વાત તો એ છે કે આ અવયવો છે, પરંતુ ખોટી ધાર્મિક માન્યતાઓ, જાગૃત્તિના અભાવ અને વ્યવસ્થાના અભાવને લીધે તેમને મળતા નથી.
ગુજરાતમાં અંગદાન ક્ષેત્રે નોંધપાત્ર કામ કરનારા ડોનેટ લાઈફના સંસ્થાપક નિલેશ માંડેલવાલાએ આ અંગે મુંબઈ સમાચાર સાથે માંડીને વાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે દેશમાં 1994થી અંગદાન અંગેનો કાયદો અમલમાં આવ્યો. જે અનુસાર માત્ર બ્રેઈનડેડ વ્યક્તિના જ અંગોનું દાન થઈ શકે છે. બ્રેઈનડેડમાં પણ અલગ અલગ સ્થિતિ હોય છે. કોઈપણ વ્યકક્તિને બ્રેઈન હેમરેજ, બ્રેઈન સ્ટ્રોક કે અકસ્માત અથવા અન્ય કારણથી માથાના ભાગમાં ઈજા થાય ત્યારે તે બ્રેઈનડેડ થતો હોય છે. પણ આ સંજોગોમાં જેનું નાનું મગજ બંધ થઈ ગયું હોય અને જેઓ કોમામાં જતા રહ્યા હોય તેઓ દાન કરી શકતા નથી કારણ કે દરદીના ફરી જીવંત થવાની શક્યતા હોય છે. જેઓ વેજીટેટીવ સ્ટેજમાં હોય છે તેઓ પણ દાન કરી શકતા નથી, માત્ર બ્રેઈન ડેડ એટલે જેમને માત્ર બહારથી ઓક્સિજન આપવામાં આવી રહ્યું છે. જેઓ વેન્ટિલેટર પર છે અને વેન્ટિલેટર હટાવતા જ તેઓ મૃત જાહેર કરવામાં આવે છે ને જે લોકો આઈસીયુમાં છે, તેવા લોકો જ અંગદાન કરી શકે છે.
જે વ્યક્તિને અવયવની જરૂર હોય તેણે સરકારી અથવા ખાનગી હોસ્પિટલમાં રજિસ્ટ્રેશન કરવાનું હોય છે. આ હોસ્પિટલ દરદીનું રજિસ્ટ્રેશન નેશનલ ઓર્ગન એન્ડ ટીસ્યૂ ટ્રાન્સપ્લાન્ટેશન ઓર્ગેનાઈઝેશન (નોટો) રોટો કે સોટો એમ ત્રણ સ્તરે કરશે. રોટો રિજનલ લેવલે અને સોટો સ્ટેટ લેવલે કામ કરતી સંસ્થા છે. હવે આ સંસ્થાઓ તેમને મળેલા અવયવોની વહેંચણી કઈ રીતે કરવી તે અંગે અમુક માપદંડોને આધારે નિર્ણય લે છે. ગુજરાતમાં સરકારી હોસ્પિટલમાં દાન થતાં અવયવો સરકારી હોસ્પિટલમાં રજિસ્ટર થયેલા દરદીઓને જ આપવામાં આવે છે. જ્યારે ખાનગી હોસ્પિટલમાં દાન થતાં અવયવોના 60 ટકા સરકારી હોસ્પિટલમાં જ્યારે 40 ટકા ખાનગી અથવા ટ્રસ્ટની હોસ્પિટલોમાં આપવામાં આવે છે. પણ જો કોઈ હોસ્પિટલ અવયવો પ્રોક્યોર કરતી હોય અને ટ્રાન્સપ્લાન્ટ કરતી હોય અને ત્યાં દરદીને જરૂર હોય તો તે હોસ્પિટલને તે અવયવો દાન કરવામાં આવે છે.
આપણે જ્યારે બ્રેઈનડેડ વ્યક્તિઓની વાત કરીએ ત્યારે દેશમાં દર વર્ષે લગભગ દોઢેક લાખ લોકો રોડ અક્સમાતમાં મૃત્યુ પામે છે, જેમાંથી 68 ટકા માથામાં ઈજા થવાને લીધે મૃત્યુ પામતા હોવાનું સર્વે જણાવે છે. આ મૃતકોમાંથી બ્રેઈનડેડ થયેલા મૃતકોની સંખ્યા ખૂબ જ વિશાળ છે. આ સાથે કમનસીબે બ્રેઈનસ્ટ્રોક અને બ્રેઈન હેમરેજના કિસ્સા પણ વધ્યા છે. આથી જો લોકોમાં જાગૃતિ આવે અને તેઓ અંગદાન તરફ વળે તો આપણે લાખોના જીવ બચાવી શકીએ છીએ, એટલું જ નહીં પરંતુ આપણે વિદેશમાં પડતી અંગદાનની જરૂરિયાતોને પણ અમુક અંશે સંતોષી શકીએ છીએ.
ત્યારે સવાલ એ થાય કે તો પછી આપણે આપણા દેશની અંગદાનની જરૂરિયાતોને કેમ સંતોષી નથી શકતા. આનું કારણ જનજાગૃતિનો અભાવ અને અમુક ધાર્મિક માન્યતાઓ છે. માંડેલવાલાનું કહેવાનું છે કે હજુ લોકો એમ માને છે કે જે શરીર લઈને આવ્યા તે શરીર લઈને ન જાઈએ તો મોક્ષ ન મળે. આ સાથે આંખ વિના સ્વર્ગનો રસ્તો ન મળે વગેરે. (આંખ સહિતની ટીસ્યૂના દાન કુદરતી રીતે મૃત્યુ પામતી વ્યક્તિ પણ કરી શકે છે) તેમણે જણાવ્યું હતું કે અમે લોકોને સમજાવીએ છીએ કે કોઈપણ અવયવ ખરાબ થઈ જતા કે અક્સમાતમાં અવયવ કપાઈ જતા જ્યારે તમારો જીવ જોખમમાં મૂકાય છે ત્યારે તમે તે અંગને કઢાવી નાખો છો, તો શું તે બધાને મોક્ષ નથી મળતો …પોતાનો જીવ બચાવવા માટે જે કરીએ છીએ તે અન્યોના જીવ બચાવવા માટે શા માટે ન કરી શકીએ તે વિશે અમે લોકોને સમજાવીએ છીએ અને 18 વર્ષની સખત મહેનત બાદ હવે લોકોમાં ઘણી જાગૃત્તિ આવી છે. તેમની સંસ્થાએ અત્યાર સુધીમાં 1110 ઓર્ગન અને ટીસ્યૂના દાન કરી 1001 જણના જીવ બચાવ્યા છે. જોકે કોઈપણ વ્યક્તિ અંગદાનની પ્રતિજ્ઞા લે અને માનો કે તે બ્રેઈનડેડ થાય પણ ખરી તો પણ તે સમયે તેના પરિવારની સહમતિ ખૂબ જરૂરી છે. આથી લોકોમાં જાગૃત્તિ આવે તો જ આ ભગીરથ કામ થઈ શકે છે.
ત્યારે આપણે ઈચ્છીએ કે કોઈ બ્રેઈનડેડની સ્થિતિમાં ન આવે પણ જો આવે અને પરિવારે વહાલસોયાને ખોવાનો વારો આવે તો તેને હંમેશાં માટે જીવિત રાખવાનો રસ્તો છે અંગદાન.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -