Homeવાદ પ્રતિવાદનેકીઓ બેઅસર થવાના કારણો કદી જાણવાનો પ્રયત્ન કર્યો છે?

નેકીઓ બેઅસર થવાના કારણો કદી જાણવાનો પ્રયત્ન કર્યો છે?

મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી

ભલાઈ વગરની ભક્તિ પ્રર્યાપ્ત નથી, તો ભક્તિ વિનાની ભલાઈ એકડા વગરના મીંડા જેવી છે જેની અનુભૂતિ કરાવતો બે મિત્રો વચ્ચેનો સંવાદ હિદાયત (બોધ, જ્ઞાન) આપનરો બની રહેવા પામશે:
બે જીગરજાન મિત્રો હતા. જાણે બંને ખોળિયામાં એક જ જીવ. પાક્કા ક્રિયાકાંડી, રોજામાં ફરક પડે નહીં. ઈસ્લામના નિયમ પ્રમાણે જ જીવે. બંનેએ એક સંધિ કરી. આ જગતમાંથી જે પહેલું વિદાય થાય તે મૃત્યુ પછીનો વૃતાંત જીવિત મિત્રને ખ્વાબમાં આવીને કહે.
સમયના વહેણ સાથે એક મિત્રે આ જગતથી પ્રયાણ કર્યું. જીવિત મિત્ર પ્રતિક્ષા કરતો રહ્યો.
જોતજોતામાં ત્રણ વર્ષ વીતી ગયા અને એક રાતે મૃત્યુ પામેલો મિત્ર તેના સપનામાં આવી ગયો. આપવીતીનાં વર્ણન કરતા કહેવા લાગ્યો કે મૃત્યુ પછી સ્વર્ગીય અને નરકીય વર્ગીકરણ કક્ષામાં રાખી ફરિસ્તા (દૂત) હિસાબ – કિતાબ કરવા લાગ્યો. કહે મારું પાનું સાવ જ કોરું છે. મેં કહ્યું સર્વે ક્રિયાકાંડો બજાવી લાવ્યો છું અને શરીઅત પ્રમાણે જીવન જીવ્યો છું. દૂત કહે આ તો તમારાથી અપેક્ષિત જ હતું, પરંતુ ભક્તિથી સંવેદના જાગી હોય અને કંઈ ભલાઈનું કાર્ય કર્યું હોય તેની નોંધ નથી.
હું ઘણું કરગર્યો. મારા હિસાબ ફરી વાર જોયા કહ્યું. સાવ જ નીચે જોઈ શકાય તેવું એક નાનકડું કામ, મારાથી થયેલું ભલાઈનું કામ મળી આવ્યું. એક અનાથ બાળાના મસ્તક પર હાથ મૂકી મેં તેને પ્રોત્સાહનના બે શબ્દો કહ્યા હતા. આ નાનકડું ભલાઈનું કામ મહાન કાર્ય કરી ગયું. હવે સ્વર્ગમાં મારું સ્થાન નિશ્ર્ચિત છે. ભલાઈ વગરની ભક્તિ પ્રર્યાપ્ત નથી, તો ભક્તિ વિનાની ભલાઈ એકડા વગરના મીંડા જેવી છે. બંને એકબીજાના પૂરક છે.
દીને ઈસ્લામના આજ્ઞાંક્તિ અનુયાયી તરીકે આપણે અલ્લાહના યથાશક્તિ આદેશોનું પાલન કરીએ છીએ. કોઈપણ વ્યસ્ત સંજોગોમાં સમય થયે નમાઝ માટે તેની સમક્ષ ઊભા થઈ જઈએ છીએ. કોઈપણ ઋતુમાં આખો દિવસ ભૂખ્યા – તરસ્યા જ નહીં ઈંદ્રિયો અને વૃત્તિઓ પર સંયમ રાખી રોજા રાખીએ છીએ. અલ્લાહે કૃપા કરી હોય અને આર્થિક સ્થિતિ સંગીન હોય તો હજ તેમ જ ઝકાતનાં કર્તવ્યો પણ પૂર્ણ કરીએ છીએ. આ આદેશોનું પાલન કરી આપણે અલ્લાહ પર ઉપકાર નથી કરતા, તે આપણી ઉપાસના છે, ફર્જ છે, અનિવાર્યતા છે, પરંતુ સર્જક આનાથી સંપૂર્ણ સંતુષ્ઠ અને રાજી નથી, તે કંઈક વિશેષ ઈચ્છે છે. ઈબાદત ભક્તિના ફળ સ્વરૂપ તે તેવી રીતે જ માનવજાત પ્રત્યે સંવેદના અને કરૂણાની અપેક્ષા સેવે છે. કહી શકાય કે ક્રિયાકાંડમાં રહી જતી ઊણપ જનસેવાથી ભરપાઈ કરવાની તક પૂરી પાડે છે.
પ્રત્યેક ધર્મમાં મૂળભૂત સિદ્ધાંતરૂપે નિર્ધારિત ક્રિયાકાંડો નિર્ધારિત સમયે કરવાના હોય છે. આ ક્રિયાકાંડો ધન પેઠે માત્ર માધ્યમ છે. તે સ્વયં અંત નથી, પરંતુ કંઈક પ્રાપ્ત કરવાનું સાધન છે. ધન કમાઈને તીજોરીમાં સંઘરી રાખવાથી કશો લાભ થતો નથી. તેનો ઉપયોગ જીવન સમૃદ્ધિ માટે થાય તો જ તેનો અર્થ. તેવી જ રીતે ભક્તિ આપણને માનવતા પ્રત્યે દોરે નહીં તો તેનો કંઈ જ અર્થ નથી. ભક્તિને ભલાઈનું – સેવાનું આભૂષણ પહેરાવીએ તો જ તે શોભે. જેમ ભક્તિનો રંગ લાગતો જાય તેમ આપણે સંવેદનશીલ થતા જઈએ અને કરૂણાનું ઝરણું આપણા અંતરમાં વહેવાં લાગે.
આ વિશે રસુલલ્લાહ ફરમાવે છે- ‘તે મોમીન નથી જે પોતે પેટ ભરીને ખાય અને તેનો પાડોશી ભૂખ્યો હોય. તે મુસલમાન નથી જેનો પાડોશી તેનાં કષ્ટોથી સુરક્ષિત નહીં હોય.’ હઝરત અલી (અ. સ.) ફરમાવે છે કે – ‘એક વ્યક્તિએ બીજી વ્યક્તિને ઉપયોગી થવું જોઈએ. તે પોતાની જાત માટે ગમે તેટલું કરે તે મહત્ત્વનું નથી. મહત્ત્વનું એ છે કે તે બીજા માટે શું કરે છે?’ એક પશુ બીજા પશુનો જીવ બચાવી શકતું નથી. મનુષ્ય તે કરી શકે છે.
હઝરત સુફી સૈયદનું કથન છે- ‘વૃદ્ધ, બીમાર, મજબૂર, પરેશાનને સહારો નહીં આપનારની ખંતથી થયેલી નેકીઓ (ક્રિયાકાંડો) બેઅસર (અર્થહીન) બની જાય છે.’
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ ગાયું છે – ‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે.’ આમ, દરેક ધર્મમાં માનવતા – જનસેવા – ભલાઈ અગ્રસ્થાને છે. જનસેવા જ મુદ્રાલેખ, ભલાઈ, ધર્મનો પાયો હોઈ, સરળ ગુજરાતી ભાષામાં પ્રગટ થતા લખાણો હિદાયત આપનારા છે.
– આબિદ લાખાણી
* * *
આજનો બોધ
* કહે છે કે ઊંટ જ્યારે મસ્ત થઈ જાય છે, ત્યારે ચાલીસ દિવસ સુધી ઘાસ વગેરે ખાતું નથી. જો તેના પર પહેલાં કરતાં બમણો બોજ લાદી દેવામાં આવે તો પણ તેને ચારાની ઈચ્છા થતી નથી.
જ્યારે ઉંટ પોતાના મહબૂબ (અલ્લાહના) મિત્ર પયગંબર હઝરત મહંમદ સલ્લલ્લાહો અલયહે વસલ્લમ (સઅવ)ની યાદમાં પોતાની ઈચ્છાઓને ત્યજી દે છે અને ભારે બોજ ઉઠાવી લે છે, તો શું તમે અલ્લાહને રાજી કરવા માટે તમારી નાજા્ઈઝ (હરામ) ઈચ્છાઓને ત્યજી છે?
* કદી ખાવાપીવાનું બંધ કર્યું છે?
* કદી પોતાની જાત પર ભારે બોજ ઉઠાવ્યો છે?
* જો તમે આ વર્ણન કરેલ કામોમાંથી કોઈ કામ નથી કર્યું, તો તમારો દાવો જૂઠો છે, જે તમને ન તો દુનિયામાં લાભ આપશે, ન આખેરત (પરલોક)માં, ન મખ્લૂક (દુનિયા)ની નજીક ફાયદામંદ (લાભકર્તા) છે, ન ખાલિક (રોજી આપનાર જગતકર્તા)ની હુઝૂરી (નમાઝ, રોજા, ઈબાદત, બંદગી, પ્રાર્થના)માં લાભદાયી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular