સ્થાપત્યનું વાઈ-ફાઈ -હેમંત વાળા
એક સમય એવો હતો જ્યારે સ્થાપત્યમાં ભૌમિતિક ચોક્સાઈનું મહત્ત્વ હતું. તે સમયે સ્થાપત્યમાં પ્રયોજાતાં ગોળ-આકારોમાં પણ ગાણિતિક પ્રમાણમાપ જળવાતાં. આવી ગણનાબદ્ધ રચનાઓમાં સમાજને ‘સુંદરતા’ દેખાતી; એની રચનાની દૃશ્ય-અનુભૂતિ વધુ સમૃદ્ધ ગણાતી. તેના નિયમબદ્ધ, આકારોમાં ક્યાંય બાંધછોડ ન થતી. આજના સમયમાં પરિસ્થિતિ તેનાથી ભિન્ન છે. એના સ્થાપત્યમાં નિયમ-મુક્ત મુક્ત આકારોનું ચલણ વધતું જાય છે; જાણે હાથના મુક્ત ચલનથી જે રેખાઓ ઊપસે – જે આકાર ઘડાય તેને જ સ્થાપત્યમાં જડી દેવાય છે. આમાં ક્યાંય ભૌમિતિક અવલંબન નથી હોતું કે ક્યાંય નથી હોતું નિયમોનું બંધન. બસ, મનને ભાવી જાય તેવી મુક્તતા. સુંદરતાની શાસ્ત્રીય રીતે બાધિત વ્યાખ્યામાંથી હવે સ્વચ્છંદતાને આંબી જાય તે હદ સુધીની સ્વતંત્રતા વધુ પ્રવર્તમાન થતી હોય તેમ
જણાય છે.
સમયનો અભિગમ પણ બદલાયો છે. એક સમયે સમાજ સામૂહિક શિસ્તનો આગ્રહી હતો જ્યારે આજે, દરેક સંજોગોમાં, મુક્તતાને વધુને વધુ પ્રાધાન્ય અપાતું હોય તેમ જણાય છે. એક સમયે સામાજિક નીતિમત્તા તથા બંધારણ ચાલક-બળ હતાં જ્યારે આજે સ્વની અભિવ્યક્તિની સ્વતંત્રતા હાવી છે. સમાજમાં તે સમયે, મુખ્યત્વે, સમૂહ અગત્યનો હતો તો આજે વ્યક્તિ મહત્ત્વની છે. આ બધી બાબતોમાં સ્થાપત્યમાં પણ પ્રતિબિંબિત થાય તે સ્વાભાવિક છે. આમ પણ સ્થાપત્યને સમાજનું દર્પણ તો કહેવાય છે!
જો કે સામાજિક મૂલ્યોમાં આવેલા આવા બદલાવ સાથે સ્થાપત્યને મૂર્તિમંત કરતી સામગ્રીમાં પણ મૂળથી ફેરફાર થયાં છે. આજે મકાનમાં પ્રયોજાતાં મુક્ત-આકારો તે બાંધકામની સામગ્રી તથા તેના ઉપયોગમાં થયેલ વિકાસને આભારી છે. એક સમયે જ્યારે પથ્થર-ઇંટ-લાકડામાંથી જ મકાનો બનાવાતાં ત્યારે મુક્ત વળાંકાકારનું પ્રયોજન જ અસંભવ હતું. બાંધકામમાં જ્યારથી કૉંક્રિટ વપરાતું થયું ત્યારથી સ્થાપત્યના આકારોની ક્ષિતિજ વિકસતી ગઈ. અત્યાર સુધી ભૌમિતિક આકારગત માળખાથી મળતા આકારોથી બાધિત રહેલા સ્થપતિને જાણે હવે પાંખો મળી. હવે તેની ઉડાન ઊંચા આસમાનમાં છે અને તે જરૂરિયાત પ્રમાણેના આકારવામાં ધાતુ તથા એક્રેલિકના પતરાંથી ઈચ્છે તે પ્રમાણે વિહાર કરી શકે છે.
પણ, ભૌમિતિક માળખામાં ચોક્કસ પ્રકારની સ્થિર નિષ્ઠા તથા અનુભૂતિ હતી. તેમાં ક્યાંક પૂર્ણતા માટેની પ્રતિબદ્ધતા હતી. હવેના સમયમાં પ્રયોજાતા મુક્ત-આકારોમાં નથી કોઈ પરંપરા કે નથી કોઈ નિયમાવલી,બંધન વગરનું ઉડાન મજાનું ગણાય. પણ દિશાહિન ઉડાન ક્યાંક પ્રશ્ર્નો ઊભા કરે. સમાજે પ્રશ્ર્ન એ પૂછવાનો છે કે શું આવું મુક્ત-આકારોનું પ્રયોજન ક્યાંક દિશાચૂક તો નથી ને! મકાનનો દેખાવ તેના મૂળ આયોજન-પ્લાન તળદર્શન આધારિત હોવો જોઈએ તેમ વિદ્વાનો કહે છે. જ્યારે પ્લાનના મૂળભૂત માળખાને નજરઅંદાજ કરીને મકાન પર પતરાં જડી જે તે આકાર આપી દેવાય તે પ્રક્રિયા સ્થાપત્યના મૂળભૂત મૂલ્યોને ક્યાંક હાનિ પહોંચાડે છે. ગમે તેટલા સારા દેખાતા મકાનનો આકાર જો સમગ્રતામાંથી ઊભર્યો ન હોય તો ક્યાંક દંભ તો છે જ. સ્થાપત્યની રચનાનો દેખાવ તેની રચનાના મુખ્ય સિદ્ધાંતોને આધારિત હોવો જોઈએ, નહિ કે બહારથી ચોંટાડેલા પતરાનો મુખોટા જેવો.
ફ્રેન્કો ઘેરી તથા કાલાત્રાવા જેવા સ્થપતિઓએ સ્થાપત્યમાં વળાંકાકાર રચનાઓ પ્રચલિત કરવામાં મોટો ફાળો આપ્યો છે. જો કે આવા શરૂઆતના પ્રયોગોમાં બી કાર્બુઝિયરનું રોંચેપ ચર્ચ મહત્ત્વનો મુકામ ગણાય છે; પરંતુ ઘેરી તથા કાલાત્રાવાએ મુક્ત આકારોને નવી વ્યાખ્યા જ આપી. જો કે આવી રચના પાછળનો બંનેનો અભિગમ સાવ ભિન્ન રહ્યો છે. પોતાની રચનામાં ઘેરી ‘જડતરના પતરાં’થી આકાર આપે છે. જ્યારે કાલાત્રાવા મૂળ માળખામાં જ વળાંકાકારને તકનિકી અભિગમથી સમાવે છે. આમ ઘેરીનાં મકાનોના મુક્ત આકારો ક્યાંક માત્ર દેખાવમાં વિશિષ્ટતા લાવવા માટે છે જ્યારે કાલાત્રાવા માટે તો તર્કબદ્ધ છે અને તેવી જરૂરી છે.
એમ પણ કહેવાય છે કે માત્ર નવીનતા ખાતર કરાયેલા પ્રયોગોનું આયુષ્ય વધુ નથી હોતું. આવી રચનાઓ નવી નવી હોય ત્યારે જ તે લોકોના ધ્યાનનું કેન્દ્ર બને. જો તે નવીનતામાં યથાર્થતા ન હોય તો સમય જતાં તે નામંજૂર થાય. જો કે, આજના ‘ઉપયોગ કરીને ફેંકી દેવાના’ અભિગમવાળા જમાનામાં થોડા સમય માટે પણ “ક્લીક થઈ જવાનું મહત્ત્વ છે. એટલા સમયગાળામાં જો જરૂરી માઈલેજ મળી જતું હોય તો સ્થપતિ કે ગ્રાહકને કંઈ ખોટું નથી લાગતું. પછી તો તે માઈલેજના જે કંઈ લાભો મળે તે જ માણવાના હોય ને! આવી વિચારસરણીને પરિણામે, સ્થાપત્યમાં ટૂંકા ગાળાના લાભો માટેનું પ્રલોભન હાવી થતું જાય છે. ધીમે ધીમે પણ લાંબા ગાળા સુધી પ્રશંસા પામે તેની રચના માટેની ધીરજ ખૂટતી જાય છે.
દરેકની પોતાની પસંદગી હોય છે. આવી પસંદગી ઘણી બાબતો પર આધારિત હોઈ શકે. સ્થાપત્યની રચનાના નિર્ધારણમાં ક્યારેક સંવેદનશીલતાને કારણે રચના આકાર પામે છે તો ક્યારેક વ્યાપારિક આડંબર હાવી થઈ જાય છે. મજાની વાત એ છે કે આવા ભિન્ન પરિબળો પણ ક્યાંક અંતિમ પરિણામ સરખું જ આપે છે! ક્યારેક કોઈ સ્થપતિ ખૂબ જ સભાનતાપૂર્વક મુક્તતા પ્રયોજે તો ક્યારેક કોઈ અકસ્માતે જ તેવી રચના કરી દે.