મા જશોદાએ ભલે ભગવાન શ્રીકૃષ્ણના મોઢામાં બ્રહ્માંડ જોયેલું, પણ… મને પપ્પાએ એમના ખભા પર બેસાડીને બ્રહ્માંડ દેખાડ્યું છે

પુરુષ

પ્રિય પપ્પા…-વિપુલ વિઠ્ઠલાણી

અમે મૂળ સૌરાષ્ટ્રના કેશોદના વતની. મારા દાદાના ધંધાને કારણે વર્ષોથી મુંબઈમાં જ સ્થાયી થયા હતા, એથી પપ્પાનો અને મારો જન્મ અને ઉછેર મુંબઈમાં જ થયો. મારા પપ્પાને ત્રણ ભાઈઓ હતા. મારા પપ્પા મનસુખલાલ તુલસીદાસ વિઠ્ઠલાણી, પણ લોકો એમને મનુભાઇ તરીકે જ ઓળખતા. દક્ષિણ મુંબઈમાં મૂળજી જેઠા કાપડ બજારમાં અમારી દુકાન હતી. મારા દાદાના અવસાન બાદ પપ્પા અને તેમના ભાઈઓ છૂટા પડ્યા અને પપ્પાએ કાપડની દલાલીનું કામ શરૂ કર્યું. અમે પણ ચાર ભાઈ-બહેનો. બે મોટી બહેનો, એક ભાઈ અને ત્યાર બાદ હું સૌથી નાનો. મોટું કુટુંબ અને આર્થિક પરિસ્થિતિ સાથે ઝૂઝતાં ઝૂઝતાં પપ્પા-મમ્મીએ અમારો ઉછેર કર્યો. ચાર ભાઈ-બહેનોમાં હું સૌથી નાનો એટલે સ્વાભાવિક છે કે સૌનો લાડકો. હું જ્યારે પ્રાથમિક (ધોરણ ૧થી ૪)માં હતો ત્યારે બહુ સરસ ચિત્રકામ કરતો હતો. મારાં દોરેલાં ચિત્રો જોઈને પપ્પા મને પાંચ પૈસા (એ સમયે પાંચ પૈસા અને દસ પૈસાનું ચલણ હતું) ઇનામ તરીકે આપતા અને પ્રોત્સાહિત કરતા. ખૂબ જ જાણીતી ‘અપ્સરા’ પેન્સિલવાળા ચિત્રકળા સ્પર્ધા કરતા. એમાં પપ્પા દર વર્ષે મને લઈને જતા. એ સ્પર્ધા દક્ષિણ મુંબઇના હેંગિંગ ગાર્ડનમાં થતી હતી. ત્યાં ઘણા છોકરાઓ આવ્યા હોય. એ સ્પર્ધામાં એવું હતું કે તમે ગાર્ડનમાં ક્યાંય પણ બેસી શકો અને તમારી આંખની સામે જે પણ કંઈ દેખાય એનું ચિત્ર બનાવવાનું. પપ્પા ત્યારે મારી સાથે એકથી દોઢ કલાક સુધી બેસી રહેતા. આ રીતે પપ્પા મને હંમેશાં મનગમતું કામ કરવા માટે પ્રોત્સાહિત કરતા રહેતા. હું એમનો એટલો બધો લાડકો કે પપ્પાએ જ્યારે પોતાનો કાપડનો ધંધો શરૂ કર્યો તો એનું નામ પણ ‘વિપુલ ટેક્સટાઇલ’ રાખ્યું હતું. પપ્પાએ મારું બાળપણ એટલું અમીર બનાવ્યું હતું કે મને ક્યારેય પ્રતીતિ ન થઇ કે અમે રાંક હતા.
હું છઠ્ઠા ધોરણમાં ભણતો હતો ત્યારથી જ કોમર્શિયલ બાળનાટકોમાં કામ કરવા લાગ્યો હતો. એ વખતે બાળનાટકોમાં પણ પૈસા (વેતન/કવર) મળતા. તો અભિનયના આ કામમાં પણ પપ્પા મને બહુ પ્રોત્સાહન આપતા. એ સમયે આજના જેટલાં વાહનવ્યવહારનાં સાધનો નહોતાં. એ જમાનો સ્કૂટર અને લેન્ડલાઈન ફોનનો હતો, ત્યારે પપ્પાની આર્થિક પરિસ્થિતિ પણ બહુ સારી નહોતી, તેથી એ બધું પોસાય એમ નહોતું. સમાચારનાં માધ્યમ પણ બહુ ઓછાં, તેથી પપ્પા બજારમાંથી નાટકના શો વિશે જાણીને તે દિવસે પોતાનું બધું કામ છોડીને મારી સાથે આવે. નાટકનો શો પૂરો થાય ત્યાં સુધી મારી સાથે જ રહે. હું નાટકના શો કરીને રાત્રે બે વાગે ઘરે આવું ત્યારે બીજા બધા ભલે સૂઇ ગયા હોય, ત્યારે આજે પણ ડાઇનિંગ ટેબલ પર અદૃશ્ય રહીને મારી રાહ જોતા બેઠા હોય છે, એ મારા પપ્પા!
પપ્પાના સ્વભાવની વાત કરું તો તેમણે મારા સહિત મારાં ભાઈ-બહેનોને ટપલી પણ મારી નથી એટલે કે અમારા પર ક્યારેય હાથ ઉપાડ્યો નથી. અમારા મગજ પર એમના ગુસ્સાનો ડર જ એવો હતો કે એની જરૂર જ નથી પડી. એમના આવવાના સમયે અમે બધા એકદમ શાંત થઈ જતા અને પોતપોતાના કામે લાગી જતા. એમનો એ સ્વભાવ મને બહુ ગમતો. એ વખતે મને આશ્ર્ચર્ય પણ થતું કે મારા અન્ય મિત્રોના પપ્પા તો એમના પર હાથ ઉપાડે છે, પણ મારા પપ્પાએ ક્યારેય અમારા પર હાથ ઉપાડ્યો નથી. પપ્પાનો એ સ્વભાવ મારામાં પણ આવ્યો છે. મેં પણ મારાં સંતાનો પર ક્યારેય હાથ નથી ઉપાહ્યો. પપ્પાના એ સ્વભાવને કારણે મારા જીવનમાં શિસ્તતા આવી. મારા પપ્પા એટલે જેમણે ઓછું બોલીને મને પડઘા પાડતાં શીખવ્યું, એ અવાજ.
એ હસમુખા અને રમૂજી પણ એટલા જ. એમની સાથે અમારે કોઈ વાત કે મૂંઝવણ શૅર કરવી હોય તો એમના ડરને કારણે અમે કહી શકતા નહોતા, પરંતુ એ જ્યારે મજાકના મૂડમાં હોય ત્યારે અમે એમની સાથે એ વાત શૅર કરતા. એમની બીજી એક ખાસ વાત એ હતી કે એમને નાનાં બાળકો બહુ ગમતાં. રસ્તા પર પણ કોઈ નાનું બાળક જુએ તો આજુ-બાજુ કોણ છે એ સ્થળ-કાળ ભૂલીને પણ એને રમાડવા લાગે.
મારી કારકિર્દી માટે પણ તેમણે મને સંપૂર્ણ સપોર્ટ કર્યો હતો. મને ચિત્રકામનો શોખ હતો, તેથી મને જે. જે. આર્ટ્સમાં પ્રવેશ લેવા માટે પણ સલાહ આપી હતી, પરંતુ અગિયાર વર્ષની ઉંમરથી જ હું અભિનય ક્ષેત્રે આવી ગયો હતો અને કદાચ મારા નસીબમાં પણ આ જ ક્ષેત્રે સફળ થવાનું લખ્યું હશે તો હું મીડિયા લાઈનમાં આવી ગયો. હું કોલેજમાં નાટકોમાં અભિનય કરતો ત્યારે જ મને લાગતું હતું કે આ ક્ષેત્ર જ મારે માટે યોગ્ય છે. આ ક્ષેત્રે આર્થિક બાબતે ખૂબ જ ઉત્તર-ચઢાવ આવતા હોય છે, તેમ છતાં પપ્પાએ મને નાટકોમાં કામ કરવા માટે પ્રોત્સાહિત કર્યો હતો. અત્યારે તો આ લાઈનમાં આર્થિક ઉપાર્જન માટે ઘણી બધી તકો મળી રહે છે, પણ એ વખતે એવું નહોતું એટલે નાટ્યક્ષેત્રે કારકિર્દી બનાવવી વધારે રિસ્કી હતું. તે સમયે પણ પપ્પાએ મને કહ્યું હતું કે તને જે કામ કરવામાં માજા આવે એ કર. તું તારું મન મારતો નહિ. તને મારો સંપૂર્ણ સહકાર છે.
હું નાટકો કરતો અને સાથે સાથે નાનાં-મોટાં કામ કરીને મારો ખર્ચ કાઢી લેતો હતો, પરંતુ ઘરમાં આર્થિક રીતે કોઈ સપોર્ટ કરી શકતો નહોતો, તેમ છતાં પણ પપ્પાએ ક્યારેય એ વિશે મને ટોક્યો ન હતો. મેં આગળ કાયદાનું ભણવાનું નક્કી કર્યું. એ વખતે પણ પપ્પાને આર્થિક તકલીફ હોવા છતાં પણ મને આગળ ભણવા માટે પરવાનગી આપી. જોકે એ વાત અલગ છે કે લૉ કર્યા બાદ પણ મારું નસીબ નાટ્યક્ષેત્રમાં લખાયેલું હતું એટલે નાટકોને સંપૂર્ણ સમય આપવા લાગ્યો.
અંજુમન અને ગવર્નમેન્ટમાં લૉ ભણતો હતો ત્યારે ઈપ્ટા અને કોપવુડ નાટ્યસ્પર્ધા થતી. ઈપ્ટા તો હજુ પણ થાય છે. ઇપ્ટાની નાટ્યસ્પર્ધામાં ‘બલરાજ સહાની ટ્રોફી’ એ સર્વોચ્ચમ કહેવાતી. એ મને મળી. જાણીતાં અખબારોમાં મારા વિશે આર્ટિકલ પણ છપાયા હતા. એ સમયે જાણીતાં અખબારોના પહેલા પાને ચમકવું એ બહુ મોટી વાત હતી અને મારા માટે સૌથી સારી વાત હતી કે એ સમયના ખૂબ જ મોટા ક્રિટિક્સ ખાલિદ મોહમ્મદે મારા વિશે લખ્યું હતું. મારા હાથમાં ટ્રોફી જોઈને પપ્પાની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં હતાં. અખબારોની હેડલાઇનમાં ચમક્યા બાદ જ પપ્પાને ખબર પડી કે હું આટલું બધું કામ કરું છું. કોપવુડ નાટ્યસ્પર્ધામાં ‘મુનશી ટ્રોફી’ સર્વોચ્ચ કહેવાતી. કોપવુડ નાટ્યસ્પર્ધામાં ૬૦-૭૦ કૉલેજો ભાગ લેતી. એ બધી કૉલેજોના ૬૦૦-૭૦૦ વિદ્યાર્થીઓમાંથી ‘સર્વોત્કૃષ્ટ કલાકાર’ માટેની ‘મુનશી ટ્રોફી’ પણ મને જ મળી. ત્યાર બાદની ઘટના પપ્પાએ મને આપેલી સૌથી મોટી યાદગીરી છે અને ‘બેસ્ટ કોમ્પ્લીમેન્ટ’ પણ છે. પપ્પાને વિશ્ર્વાસ હતો કે આ ટ્રોફી પણ મને જ મળશે અને જ્યારે ‘બેસ્ટ કલાકાર’ તરીકે મારા નામની જાહેરાત થઇ, ત્યારે એમણે મારા ગાલ પર એક નાના બાળકને પપ્પી કરીએ એ રીતે મને કિસ કરી હતી. આ ઘટના મારે માટે સૌથી મહત્ત્વની એટલે પણ છે કે હું સમજણો થયો ત્યારથી લઈને એ જીવ્યા ત્યાં સુધી એ એકમાત્ર પપ્પી હતી, જે પપ્પાએ મને કરી હતી. એ દૃશ્ય યાદ કરું તો આજે પણ મારી આંખો ભીની થઇ જાય છે.
મારા જીવનની સૌથી મોટી અઘરી ઘટના એ મારાં લગ્ન. એ સંઘર્ષમાં પણ એ મારા પડખે ઊભા હતા. મારી અને વંદના (મારી પત્ની)ની ઓળખાણ નાટકોના કારણે જ થઇ હતી. મેં પપ્પા સાથે વંદનાની ઓળખાણ કરાવી કે હું આની સાથે લગ્ન કરવા માગું છું, ત્યારે પણ પપ્પાએ મને એક જ સલાહ આપી હતી કે હવે તું ઉંમરલાયક થઇ ગયો છે. જે પણ કરે એ સમજીવિચારીને કરજે અને ખાસ એનાં (વંદનાનાં) મમ્મી-પપ્પાને નારાજ કરીને કોઈ પણ કામ કરતો નહિ, પરંતુ સંજોગવશાત્ અમે ભાગીને લગ્ન કર્યાં હતાં, કારણ કે હું નાટકોમાં કામ કરતો હતો. વંદના ગર્ભશ્રીમંત ઘરની હતી અને તેના ઘરના નહોતા ઇચ્છતા કે નાટકમાં કામ કરતી વ્યક્તિ એમનો જમાઈ બને. કારણ એ જ કે આ લાઈનમાં આર્થિક બાબતે ખૂબ જ અનિશ્ર્ચિતતા હોય છે. એ વખતે પણ મારા પપ્પાની મૂક સંમતિ હતી. અમુક લાગણીઓની વ્યાખ્યા નથી હોતી. મારા પપ્પા એ મારી લાગણી છે. એમણે કહ્યું હતું કે અમને દુ:ખ થાય છે કે અમે તારાં લગ્નમાં નહિ આવી શકીએ. અમે ભાગીને લગ્ન કર્યાં, ત્યાર બાદ એ જ રાતે અમને આશીર્વાદ આપવા માટે હૉટેલમાં પહોંચી ગયા હતા અને વંદનાને ગિફ્ટ પણ આપી હતી. તેઓ હંમેશાં મારી સપોર્ટ સિસ્ટમ બનીને ઊભા રહ્યા છે. મારા સસરા ભગવાનના માણસ, પણ મારાં સાસુ અને મારો સાળો થોડા ગરમ દિમાગનાં હતાં. મારા પપ્પાએ વંદનાના પિયર પક્ષના લોકોને અમારા ઘરે જમવા માટે આમંત્ર્યા અને એમની સાથે શાંતિથી વાત કરીને એમની નારાજગીનો અંત લાવ્યા.
વંદનાએ પણ મને ખૂબ જ સર્પોટ કર્યો છે. ગર્ભશ્રીમંત ઘરની એ છોકરી જે કેમ્પ્સ કોર્નર જેવા પોશ વિસ્તારમાં ત્રણ બેડરૂમ હૉલ કિચનમાં રહેનારી, એણે મારા સ્ટ્રગલના સમયમાં મારી સાથે કાંદિવલી જેવા પરામાં એક રૂમ રસોડાના ઘરમાં પણ ખુશીથી રહીને મને સતત પ્રોત્સાહિત
કરતી રહેતી.
મારા પપ્પાના સ્વભાવની બીજી એક ખાસિયત એ હતી કે એમને કોઈ પણ વ્યક્તિ પ્રત્યે ઈર્ષાનો છાંટો પણ નહોતો. એમાં એમનું સહેજ પણ આડંબર નહોતું, એ ગુણ એમનામાં કુદરતી હતો. આપણી સાથે કામ કરતી વ્યક્તિ આપણાથી આગળ નીકળી જાય તો સ્વાભાવિક છે કે આપણને ઈર્ષા થવી એ માનવસહજ સ્વભાવ છે, પરંતુ એ બધાથી એમને કોઈ ફરક પડતો નહોતો. કોઈ એમનાથી આગળ નીકળી જાય તો એમને ઈર્ષા નહોતી થતી, પણ તેઓ ખુશ થતા અને કહેતા કે આ સારી બાબત છે. એની ઉજવણી થવી જોઈએ. કુટુંબમાં ક્યારેક કોઈની સાથે મનદુ:ખ થયું હોય તો સામેથી જઈને એ નારાજગી દૂર કરવાનો પ્રયત્ન કરે. આ બાબતે પપ્પા મને એવું સમજાવતા કે કોઈની ઈર્ષા કરવાથી એને જે મળ્યું છે એ આપણને મળી નથી જવાનું. એને સકારાત્મક રીતે લો અને વધારે મહેનત કરો કે તમે પણ એનાથી આગળ નીકળી શકો. એમની એ વાત મેં મારા જીવનમાં સારી રીતે ઉતારી લીધી છે. દરેક ક્ષેત્રમાં કામ કરતા લોકોમાં હરીફાઈ હોય જ છે. આમેય અમારા ક્ષેત્રમાં એ વધારે છે અને એ સ્વભાવિક પણ છે. હું ઇર્ષા ન થાય એના માટે ખૂબ જ પ્રયત્ન કરું છું અને એમાં મને મજા પણ ખૂબ જ આવે છે. તેમ છતાં માનવસહજ ક્યારેક મારા મનમાં કોઈના પ્રત્યે ઈર્ષાનો ભાવ જન્મે તો તરત જ પપ્પાની સલાહ યાદ કરું અને ‘ખુશ રહોને યાર, મજા કરો, ઈર્ષા મત કરો’ એમ વિચારીને પાછો કામે લાગી જાઉં છું.
મારા માટે જીવનમાં સૌથી અગત્યનાં મારાં પપ્પા-મમ્મી છે. મારા દરેક કોમર્શિયલ નાટકના પ્રથમ શોમાં એમને હું અચૂક બોલાવતો અને મારા નાટકના નિર્માતા સાથે એ કન્ડિશન પણ હોય જ કે એમના માટે આગળની સીટ રિઝર્વ રાખવામાં આવે. એ રીતે મારા પપ્પાએ મારી થોડી ઘણી સફળતા જોઈ અને એનો આનંદ પણ માણ્યો. હું જે જગ્યાએ પહોંચ્યો હતો એના માટે એમને મારા પર ગર્વ પણ થતો હતો. એ સમયે મારી પાસે બાઈક હતું અને મારી ઈચ્છા હતી કે હું પપ્પાને મારી પોતાની ગાડી (ફોર વ્હીલર)માં ફેરવું, પણ એ પહેલાં એમનો સ્વર્ગવાસ થયો. એક રાતે તેઓ સૂઈ ગયા અને સવારે ઊઠ્યા જ નહિ. ત્યાર બાદના એકાદ વર્ષમાં મેં ગાડી ખરીદી. ત્યારથી લઈને આજ દિન સુધી મમ્મીને ટ્રેનમાં બેસવા નથી દીધી. જ્યાં પણ જવું હોય ગાડીમાં જ જવાનું. જે સુખ હું પપ્પાને ન આપી શક્યો એ મમ્મીને આપીને આનંદની અનુભૂતિ કરું છું.
જો પપ્પા હયાત હોત તો મારી આ સફળતા જોઈને ગર્વ કરતા હોત. જ્યારે પણ મને એમની સલાહ કે સૂચનની જરૂર હોત એ મને આપતા હોત, જે અત્યારે મમ્મી પાસેથી મને મળી રહ્યું છે.
મારો અને પપ્પાનો બન્નેના સ્વભાવ એક સરખા હતા. ઘણી વાર એવું બનતું હોય છે કે સરખા સ્વભાવના હિસાબે સારું બનતું હોય, પણ ક્યારેક એના કારણે તણખા પણ ઝરતા હોય છે. મારે મારા દીકરા સાથે પણ એવું જ છે. એના કારણે એને ન ગમતું કોઈ કામ મારાથી થઇ જાય તો એ તરત મારા પર ભડકી જાય. જે ટશન મારે મારા પપ્પા સાથે થતી હતી, એ ટશન હવે મારે મારા દીકરા સાથે પણ થતી રહે છે. ત્યારે પપ્પા સાથે જે વાતે તણખા ઝરતા હતા એ આજે મને સમજાય છે કે એ સમયે પપ્પા સાચા હતા. એ સમયે પપ્પાને જે ફીલ થતું હતું, એ આજે મને થઇ રહ્યું છે.
સામાન્ય રીતે, આપણે કોઈ વાર્તામાં વાંચતા હોઈએ, ફિલ્મ કે સિરિયલમાં જોતા હોઈએ છીએ એવી એક ભાવુક ઘટના તમને જાણવું જે મારી સાથે બની હતી. ૧૯૯૯માં પપ્પા સખત બીમાર પડ્યા. એમને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. એમના મગજમાં લોહીની ગાંઠો થઇ ગઇ હતી. એમના ઓપરેશનનો ખર્ચો લાખોમાં હતો અને ડૉક્ટરોએ પણ એમના જીવવાની આશા છોડી દીધી હતી. ત્યારે હું કે મારો ભાઈ આર્થિક રીતે પગભર નહોતા થયા. મમ્મીએ પૈસા માટે અમારા પર કોઇ પણ પ્રકારનું દબાણ કર્યા વગર અમારી મન:સ્થિતિ સમજીને અમારી પાસે આવીને એકદમ નરમાશથી કહ્યું કે જો તમારાથી પૈસાની વ્યવસ્થા થાય તો ઠીક છે, નહીં તો એમને (પપ્પાને) હસતાં હસતાં વિદાય આપી દઈએ. આ સાંભળીને અમે બંને ભાઈઓએ તો નક્કી કરી જ દીધું હતું કે અત્યારે ઑપરેશન તો કરાવી જ દઈએ. આપણે આપણી જાત વેચીને પણ પૈસા પૂરા ચૂકવી દઇશું અને ભગવાનની મહેરબાનીથી ઑપરેશન સફળતાથી પાર પડ્યું, પણ એમની યાદદાસ્ત પર અસર થઇ હતી. ત્યાર બાદ એ લગભગ છ વર્ષ જીવ્યા. એમનો નિયમ હતો કે રોજ હવેલીમાં સવારે મંગળાનાં દર્શન કરવા જવાનું. એમના બેસણામાં અમારી ધારણા કરતાં પણ વધારે માણસો આવ્યા હતા. બેસણા માટે જે હૉલ બુક કર્યો હતો, એ આખો ભરાઇ ગયો હતો અને એની બહાર પણ લોકો ઊભા હતા. એ જોઇને અમને ખ્યાલ આવ્યો હતો કે લોકોના દિલમાં મારા પપ્પા માટે કેટલું માન હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.