કળજુગમાં પણ સૌને સુપ્રીમ પાવર સાથે કનેક્શન તો બાંધવું જ છે

ઉત્સવ

ઓપન માઈન્ડ- નેહા.એસ.મહેતા

વિદ્વાન લોકો અત્યારે ધનની પાછળ કે વૈભવની પાછળ નથી ભાગી રહ્યા. વિદ્વાન લોકો અત્યારે પોતાની સમજણ કેળવી રહ્યા છે. પોતાનો અભ્યાસ વધારી રહ્યા છે.
કૃષ્ણ ક્ધહૈયા લાલ કી જય,
આજ કે આનંદ કી જય,
પ્રકૃતિ દેવ કી જય,
માનવ સમાજની જય
કેમ છો મારા વહાલા વાચકમિત્રો? અત્યારે હું આ લખી રહી છું ત્યારે જન્માષ્ટમીનો સુંદર મજાનો મહોત્સવ ઊજવાઈ રહ્યો છે. હું ગુજરાત ખાતે ૧૫મી ઓગસ્ટના સમારંભ માટે ઉપસ્થિત હતી અને જેમ તમે જાણો છો કે આપણે બધાએ – આખા ભારતમાં અને વિશ્ર્વમાં વસતાં સનાતની ભાઈ-બહેનોએ તથા વિવિધ પંથોના માણસોએ શ્રાવણ માસમાં ઊજવાતા ઉત્સવોની હારમાળા પહેરીને આનંદની અનુભૂતિ કરી. રક્ષાબંધન, નાગપંચમી રાંધણ છઠ, શીતળા સાતમ, જન્માષ્ટમીના તહેવારો ઊજવાયા. જાણે પ્રસંગોની, ઉત્સવોની એક સુંદર મજાની લહેરખી બધે ફરી વળી હોય એવું વાતાવરણ છે.
એમાં ૧૫ ઓગષ્ટ સ્વતંત્રતા દિવસની દેશભક્તિની ભાવના સાથે ઊજવાઈ. ૭૫ વર્ષની સમાપ્તિ અને ૭૬મા વર્ષનો સ્વાતંત્ર્ય દિવસ મારી દૃષ્ટિએ મેં જોયો. આ વખતે ખાલી પોલિટિકલ નહોતો. એટલે માત્ર રાજકારણીઓ અને ઓર્ગેનાઇઝેશન્સનું જ મહત્ત્વ નહોતું. આ વખતે ખરેખર દરેકેદરેક વ્યક્તિના હૃદયમાં થોડા દુ:ખ, થોડી ખુશી સાથે પણ એક ઉત્સાહનું વાતાવરણ હતું. ધાર્મિક, કાર્મિક અને ઐતિહાસિક સંગમ હતો.
આમ કહીએ આપણે કળજુગ કળજુગ, પણ આપણને બધાને કનેક્ટ તો સુપ્રીમ પાવર સાથે જ કરવો છે. એટલે કે આપણને બધાને રેશમના, સોનાના, સૂતરના, જે પણ તાંતણે બંધાય પ્રભુ સાથે જ આપણે કનેક્શન બાંધવું છે. એ માનવજાતિએ દેખાડી દીધું.
પ્રભુ, પ્રકૃતિ અને પ્રાણ એક જ તાંતણે બંધાયેલાં છે,
કર્મ, ધર્મ અને કલ્યાણ એક જ તાંતણે બંધાયેલાં છે
પ્રકૃતિ અને પ્રભુતાને સાચવી પ્રગતિ થાય તો એને માણસાઈ કહેવાય છે. બાકી એમાં રોડાં નાખતી વ્યક્તિ કે કોઈને માનસિક રીતે હેરાન કરતી વ્યક્તિ કે પોતાની જાતને બહુ પરાક્રમી સમજી અને બીજા પર પાવર દેખાડતી વ્યક્તિઓનું કુદરત કલ્યાણ ક્યારેય નથી કરવાની. એ ખાતરી રાખીને આપણે હવે જીવન જીવવું જોઈએ.
માત્ર પૈસો સફળતાની નિશાની નથી મિત્રો. આ વસ્તુને આપણે આટલા સુંદર સાંસ્કૃતિક, ધાર્મિક અને કાર્મિક પ્રસંગો દ્વારા હવે સમજીને વિશ્ર્વાસ સાથે જીવન જીવવું જોઈએ. આઝાદીનાં ૭૫ વર્ષે આપણને એક વિશ્ર્વાસ આવી જવો જોઈએ મિત્રો કે સત્યમાં પ્રભુતા છે. પૈસાથી જ પાવર છે એવું નથી. ધન, સંપત્તિ, જાહોજલાલી અને વાહવાહી જ પ્રગતિની નિશાની નથી. પરમાર્થ કરવાની સમજણ રાખીને, પોતાના જીવનની કર્મની દોરી, પોતાના જીવનની ધર્મની દોરી, પોતાના જીવનની માનવતાની દોરીને સમજીને પોતાના જીવનની મર્યાદાઓ, મજબૂરી અને આવતી પરિસ્થિતિઓનો સામનો કરીને ટકી રહેવું એ સફળતા છે.
બે વર્ષમાં મેં એક વસ્તુ જોઈ કે વિદ્વાન લોકો અત્યારે ધનની પાછળ કે વૈભવની પાછળ નથી ભાગી રહ્યા. વિદ્વાન લોકો અત્યારે પોતાની સમજણ કેળવી રહ્યા છે. પોતાનો અભ્યાસ વધારી રહ્યા છે અને સારામાં સારા સ્વાસ્થ્ય સાથે ઓછામાં ઓછા પૈસા સાથે કેવી રીતે જીવી શકાય અને આનંદ લઈ શકાય એનો અભ્યાસ કરી રહ્યા છે.
મિત્રો, અભ્યાસનું અમારા પરિવારમાં ખૂબ મહત્ત્વ છે. અભ્યાસ એટલે સંપૂર્ણપણે કરિક્યુલમ કહો કે શાળાકીય અભ્યાસ, જીવન અભ્યાસ, પ્રભુતાનો કે પ્રકૃતિનો અભ્યાસ કરો. અભ્યાસ મહત્ત્વનો છે. આપણે સદીઓ, વર્ષો અને ઈસવી સનનો અભ્યાસ ભણતાં જે તહેવાર માણી રહ્યા છીએ, કૃષ્ણભક્તિનો એના કૃષ્ણજન્મ અને કૃષ્ણની વિદાય સુધીના સમયગાળાનો અભ્યાસ કોઈ વ્યક્તિએ કર્યો છે અને લોકોની વચ્ચે જ્ઞાનની ગંગા વહેતી મૂકી છે, તેનો લાભ લઇએ. આપણા મન-મસ્તિષ્કમાં ચાર બીજી વસ્તુઓ સારી કે સમજણવાળી ખબર પડે એના માટે ઉપયોગ કરીએ, પણ કોઈ જ જાતની ટીકા વગર, ટિપ્પણી વગર. જેમ આપણી જન્મતારીખ અને મૃત્યુતારીખ હોય છે, તેમ પ્રભુ અવતર્યાની અને પાછા સમાઈ જવાની તારીખ, સમય ને કાળ વિશે જાણીએ. આપણે કોઈ જાતની કમ્પેરિઝન નથી કરવાની, ઓકે! કોઈ જાતની સાક્ષીમાં ઊતરવાનું નથી. આપણે કૃષ્ણભક્તિથી અને કૃષ્ણબુદ્ધિથી જીવનને આગળ વધારતા રહેવાનુ છે, પણ આનંદથી, સહાનુભૂતિ અને પરમાર્થથી. આવો આ વખતે પુસ્તક બહાર ઈતિહાસ વાંચીએ. કૃષ્ણભક્તિને, કાનુડાની શક્તિને અને સુંદર જીવનશૈલીને જાણીએ અને માણીએ. આપણે આ વખતે સમજણ તરફ પોતાને તાણીએ…
૧) કૃષ્ણનો જન્મ ૫૨૫૨ વર્ષ પહેલાં થયો હતો,
૨) જન્મ તારીખ ૧૮મી જુલાઈ, ૩૨૨૮ બીસી,
૩) મહિનો શ્રાવણ,
૪) તિથિ અષ્ટમી,
૫) નક્ષત્ર રોહિણી,
૬) દિવસ બુધવાર,
૭) સમય ૦૦:૦૦ એએમ (મધરાત),
૮) શ્રી કૃષ્ણ ૧૨૫ વર્ષ, ૦૮ મહિના અને ૦૭ દિવસ જીવ્યા,
૯) મૃત્યુ તારીખ ૧૮મી ફેબ્રુઆરી, ૩૧૦૨ બીસી,
૧૦) જ્યારે કૃષ્ણ ૮૯ વર્ષના હતા ત્યારે મહાયુદ્ધ (કુરુક્ષેત્ર યુદ્ધ) થયું,
૧૧) કુરુક્ષેત્ર યુદ્ધનાં ૩૬ વર્ષ પછી તેમનું અવસાન થયું,
૧૨) કુરુક્ષેત્ર યુદ્ધ મૃગાશિરા શુક્લ એકાદશી, એટલે કે ૮મી ડિસેમ્બર, ૩૧૩૯ બીસીના રોજ શરૂ થયું અને ૨૫મી ડિસેમ્બર, ૩૧૩૯ બીસીના રોજ સમાપ્ત થયું,
૧૩) ૨૧મી ડિસેમ્બર, ૩૧૩૯ બીસીના રોજ ૩થી ૫ વચ્ચે સૂર્યગ્રહણ થયું હતું. જયદ્રથના મૃત્યુનું કારણ,
૧૪) ભીષ્મનું મૃત્યુ બીજી ફેબ્રુઆરી (ઉત્તરાયણની પ્રથમ એકાદશી), ૩૧૩૮ બી.સી.ના રોજ થયું હતું.
૧૫) કૃષ્ણને આ રીતે પૂજવામાં આવે છે: (૧)કૃષ્ણ ક્ધહૈયા મથુરામાં, (૨) જગન્નાથ ઓડિશામાં, (૩) વિઠોબા મહારાષ્ટ્રમાં, (૪) શ્રીનાથજી રાજસ્થાનમાં, (૫) દ્વારકાધીશ ગુજરાતમાં, (૬) રણછોડ ગુજરાતમાં, (૭) કૃષ્ણ કર્ણાટકમાં (ઉડુપી), ૮) કેરળમાં ગુરુવાયુરપ્પન
૧૬) જૈવિક પિતા વાસુદેવ,
૧૭) જૈવિક માતા દેવકી,
૧૮) પાલક પિતા નંદબાબા,
૧૯) પાલક માતા યશોદા,
૨૦) મોટા ભાઈ બલરામ,
૨૧) બહેન સુભદ્રા,
૨૨) જન્મસ્થાન મથુરા,
૨૩) પત્નીઓ રુક્મિણી, સત્યભામા, જાંબવતી, કાલિંદી, મિત્રવિંદા, નાગનાજીતિ, ભદ્રા, લક્ષ્મણા,
૨૪) કૃષ્ણએ તેમના જીવનકાળમાં માત્ર ૪ લોકોની હત્યા કરી હોવાનું મનાય છે: (૧) ચાણુર – કુસ્તીબાજ, (૨) કંસ – તેમના મામા, (૩) અને (૪) શિશુપાલ અને દંતવક્ર – તેમના પિતરાઈ ભાઈઓ.
૨૫) જીવન તેમના માટે બિલકુલ ન્યાયી નહોતું. તેમની માતા ઉગ્ર કુળમાંથી અને પિતા યાદવ કુળમાંથી એટલે કે આંતર-વંશીય લગ્ન હતાં.
૨૬) તે જન્મથી ઘેરી ત્વચાવાળા હતા. ગોકુળનું આખું ગામ તેમને કાળો કહેવા લાગ્યું; કાન્હો કાળો, ટૂંકો અને દત્તક લેવા માટે તેની મજાક ઉડાવવામાં આવી હતી અને તેને ચીડવવામાં આવ્યો હતો. તેમનું બાળપણ જીવલેણ પરિસ્થિતિઓમાં વીત્યું હતું.
૨૭) ‘દુષ્કાળ’ અને ‘જંગલી વરુઓના ખતરા’એ તેમને ૯ વર્ષની ઉંમરે ‘ગોકુલ’માંથી ‘વૃંદાવન’માં શિફ્ટ કર્યા.
૨૮) તેઓ વૃંદાવનમાં ૧૦ વર્ષ અને ૮ મહિના સુધી રહ્યા. તેમણે મથુરામાં ૧૦ વર્ષ અને ૮ મહિનાની ઉંમરે તેમના પોતાના મામાની હત્યા કરી. ત્યાર બાદ તેમણે તેમનાં જૈવિક માતા અને પિતાને મુક્ત કર્યાં.
૨૯) ફરી ક્યારેય વૃંદાવન પાછા ફર્યા નહિ.
૩૦) સિંધુ રાજાની ધમકીને કારણે તેમને મથુરાથી દ્વારકામાં સ્થળાંતર કરવું પડ્યું; કાલ યવન.
૩૧) તેમણે ગોમંતકા ટેકરી (હવે ગોવા) પર ‘વૈનાથેય’ આદિવાસીઓની મદદથી ‘જરાસંધ’ને હરાવ્યો.
૩૨) તેમણે દ્વારકાનું પુન: નિર્માણ કર્યું.
૩૩) ત્યાર બાદ તેઓ ૧૬-૧૮ વર્ષની ઉંમરે શાળાનો અભ્યાસ શરૂ કરવા માટે ઉજ્જૈનમાં સાંદીપનિના આશ્રમમાં ચાલ્યા ગયા.
૩૪) તેમણે આફ્રિકાના ચાંચિયાઓ સામે લડવું પડ્યું અને તેમના શિક્ષકપુત્રને બચાવવો પડ્યો; પુનરદત્ત; જેનું પ્રભાસ નજીક અપહરણ કરવામાં આવ્યું હતું; ગુજરાતમાં દરિયાઈ બંદર.
૩૫) તેમના શિક્ષણ પછી, તેમને તેમના પિતરાઈ ભાઈઓ, વનવાસના ભાવિ વિશે જાણવા મળ્યું. તેઓ ‘લાક્ષાગૃહ’માં તેમના બચાવમાં આવ્યા હતા અને પછી તેમના પિતરાઈ ભાઈઓએ દ્રૌપદી સાથે લગ્ન કર્યાં હતાં. આ ગાથામાં તેમની ભૂમિકા ઘણી મોટી હતી.
૩૬) એ પછી તેમણે તેમના પિતરાઈ ભાઈઓને ઈન્દ્રપ્રસ્થ અને તેમના રાજ્યની સ્થાપના કરવામાં મદદ કરી.
૩૭) તેમણે દ્રૌપદીને વસ્ત્રહરણ થતી બચાવી. તેઓ સમગ્ર સ્ત્રીજાતિના મિત્ર, સખા, ભાઈ બન્યા. સ્ત્રીશક્તિને સમાન ગણી.

૩૮) દેશનિકાલ દરમિયાન તેઓ તેમના પિતરાઈ ભાઈઓના પડખે ઊભા રહ્યા અને તેમને કુરુક્ષેત્રના યુદ્ધમાં જિતાડ્યા.
૩૯) તેમણે તેમના પ્રિય શહેર દ્વારકાને ધોવાઈ ગયેલું જોયું. સર્જનનું સંપૂર્ણ વિસર્જન જોયું.
૪૦) અંતે જંગલમાં શિકારી (નામથી જારા) દ્વારા પગમાં બાણ વાગવાથી કૃષ્ણએ જીવન લીલા સંકેલી.
૪૧) તેમણે ક્યારેય કોઈ ચમત્કાર કર્યો નથી. તેમનું જીવન સફળ નહોતું. તેમના સમગ્ર જીવનમાં એકપણ ક્ષણ એવી નહોતી કે જ્યારે તેમને શાંતિ મળી હોય. દરેક વળાંક પર, તેમની પાસે પડકારો અને તેનાથી પણ વધુ મોટા પડકારો હતા. તેમણે જવાબદારીની ભાવના સાથે દરેક વસ્તુનો અને દરેકનો સામનો કર્યો અને છતાં તે અસંબંધિત રહ્યા. તે એકમાત્ર વ્યક્તિ છે, જે ભૂતકાળ અને ભવિષ્ય જાણતા હતા; તેમ છતાં તે વર્તમાન ક્ષણે હંમેશાં જીવતા હતા. કૃષ્ણે તેમનું જીવન ખરેખર દરેક મનુષ્ય માટે એક ઉદાહરણ બનાવ્યું છે, માટે કૃષ્ણં વંદે જગદ્ ગુરુને નમન.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.