અપેક્ષા પરિપૂર્ણ ન થાય તો પણ ટકી રહે એનું નામ સાચી શ્રદ્ધા

ધર્મતેજ

જિનદર્શન – મહેન્દ્ર પુનાતર

આચરણ વગરનું જ્ઞાન નકામું

જ્ઞાન, દર્શન, ચરિત્ર અને તપ એ મોક્ષનો માર્ગ છે. જ્ઞાનથી માણસ જાણી શકે છે, સમજી શકે છે. દર્શનથી શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. ચારિત્ર એટલે સંયમ. ત્યાગ અને તપથી શરીર અને મન વિશુદ્ધ
થાય છે.
જ્ઞાનથી આપણે વસ્તુને પદાર્થને જાણી શકીએ છીએ. પરંતુ માત્ર જાણવું પૂરતું નથી એમાં સંપૂર્ણ શ્રદ્ધા ઉત્પન્ન થવી જોઈએ. જાણવું એ ઉપર છેલ્લી બાબત છે. માત્ર જાણી લેવાથી શ્રદ્ધા પ્રગટ થતી નથી. જ્યાં સુધી આપણને પોતાને તેનું યથાર્થ દર્શન ન થાય, અને જ્યાં સુધી આપણે આપણી પોતાની આંખોથી જોવાનું શરૂ ન કરીએ ત્યાં સુધી સત્ય દર્શન અને શ્રદ્ધા ઊભી થતી નથી. કોઈ વસ્તુમાં વિશ્ર્વાસ ઊભો થાય પરંતુ આ વિશ્ર્વાસ એ શ્રદ્ધા નથી. વિશ્વાસ ભરોસો છે. કોઈની પાસેથી જે અપેક્ષા હતી તે પૂર્ણ થાય એટલે વિશ્ર્વાસ ઊભો થાય અને એવું વારંવાર બને છે ત્યારે વિશ્ર્વાસ દઢ થાય છે. આપણે ધાર્યું હતું તેવું થયું એટલે વિશ્ર્વાસ ઊભો થયો અને આપણે ધાર્યું હતું તેવું ન થયું તો વિશ્ર્વાસ તૂટી ગયો. આ એક શરત છે. શ્રદ્ધામાં એવી કોઈ શરત હોતી નથી. એમાં અપેક્ષા નથી. ગમે તે બને સારું નરસુ પણ શ્રદ્ધા ટકી રહે છે. આ આપણું પોતાનું દર્શન છે આ આપણું પોતાનો અનુભવ છે. વિશ્ર્વાસ ઉપરનો છે શ્રદ્ધા અંદરની છે. કોઈએ જોયું અને સાંભળી લીધું, જાણી લીધું અને માની લીધું પણ એનાથી શ્રદ્ધા ઊભી નહીં થાય અને કદાચ ઊભી થશે તો પણ એ જૂઠ્ઠી શ્રદ્ધા હશે. એનાથી જીવનનું પરિવર્તન નહીં થાય. જે સ્વીકારેલું છે ઉપરથી થોપેલું છે તેનાથી આંતરિક પરિવર્તન નહીં ઊભું થાય. શ્રદ્ધા એ સ્વયંભૂ છે અને તેનો આધાર સત્ય દર્શન પર છે. આપણને ધર્મ પ્રત્યે શ્રદ્ધા હોય અને ધર્મ જે કરવાનું કહે એમાં શંકાને સ્થાન નથી. જેના પર સાચી શ્રદ્ધા હોય એ અંતરમાં ઉતર્યા વગર રહે નહીં. આસ્થા અને શ્રદ્ધાની સાચી પરીક્ષા એ છે કે આપણે પ્રભુ પાસેથી જે ઈચ્છા રાખી હોય એ ન મળે તો પણ તેમના પ્રત્યેનો આપણો ભાવ જરા પણ ઓછો ન થાય અને પ્રભુનો ઉપકાર કદી પણ ભૂલાય નહીં. જેમણે આપણને જીવન આપ્યું છે. જે કાંઈ થાય છે તે આપણા સારા માટે જ થાય છે. સાચી શ્રદ્ધા અંતરમાં ઉતર્યા વગર રહે નહીં. શ્રદ્ધાનો આધાર માત્ર જ્ઞાન પર નથી. દર્શન અને દૃષ્ટિ પર છે. તર્કથી, બુદ્ધિથી, વિચારથી જે વાત યોગ્ય લાગે તે આપણે સ્વીકારી લઈએ છીએ. તર્ક એ દલીલ છે જે ખોટી વાતને સાચી ઠરાવી શકે છે. પરંતુ જે વાત હૃદય સુધી પહોંચતી નથી તે શ્રદ્ધા બની શકે નહીં. ધર્મ એ તર્ક નથી, દલીલ નથી, એ સંપૂર્ણ શ્રદ્ધા છે. ધર્મમાં શંકા અને તર્કને સ્થાન નથી. આ શ્રદ્ધા અને સમર્પણનો માર્ગ છે. પ્રેમ અને વિશ્ર્વાસ બીજા પર આધારિત છે જ્યારે શ્રદ્ધા આપણા પર. આમાં કશું મેળવવાની અપેક્ષા હોતી નથી. ત્યાગની ભાવના અને તૈયારી હોય છે. આવો ભાવ જ્યાં સુધી ન હોય ત્યાં સુધી ધર્મના માર્ગમાં કશું મળતું નથી. આમાં ત્યાગ અને સમર્પણ ટોચ પર છે
શ્રદ્ધા એટલે આપણો પોતાનો અનુભવ અને આપણું પોતાનું દર્શન. એમાં બીજાનો અનુભવ કામ લાગે નહીં. માતા બાળકને જન્મ આપે છે ત્યારે તેને માતા હોવાનો ખરો અનુભવ થાય છે. બાળકને દત્તક લઈને પણ માતા બની શકાય છે. પણ એ ખરા અર્થમાં જાણી નહીં શકે કે માં શું છે? પોતાનાં અનુભવ વગરનું જ્ઞાન એ સાચું દર્શન નથી.
મહાવીર કહે છે જ્ઞાનથી સમજ, દર્શનથી શ્રદ્ધા, ચારિત્રથી નિષેધ અને તપથી મનુષ્ય વિશુદ્ધ થાય છે. જ્ઞાન ભલે હોય પરંતુ શ્રદ્ધાના સહારા વગર હૃદય સુધી પહોંચી શકાતું નથી. જે વસ્તુમાં શ્રધ્ધા ન હોય તે આપણા ચારિત્રમાં ઉતરી શકે નહીં અને ઉતારી લઈએ તો પણ એ પાખંડ બની જાય. શ્રદ્ધા વગરની ક્રિયા એ બીજાને બતાવવા માટે હોય છે. તે માત્ર દેખાવ છે. અંતર મન તેનાથી વિપરીત હોય છે. જ્ઞાનથી જાણકારી અને સમજ મળે પરંતુ માત્ર જ્ઞાનથી ચારિત્ર નિર્માણ કરી શકાય નહીં અને એવો પ્રયાસ કરીએ તો પણ તે દેખાવ બની જશે. જ્ઞાન શ્રદ્ધાના માધ્યમથી ચારિત્ર સુધી પહોંચે છે. ચારિત્રનો અર્થ છે વ્યર્થ ખરી પડે અને સાર્થક ટકી રહે.
ચારિત્રથી આત્મા સુધી પહોંચી શકાય છે. રાખમાં અંગારો હોય અને જેમ આપણને દેખાતો નથી તેમ આત્મા પરા આવરણો છવાયેલા છે એટલે તે આપણને દેખાતો નથી. રાખમાં ફૂંક મારીએ અને અંગારો દેખાય એમ આવરણ દૂર થઈ જાય ત્યારે આત્માનાં દર્શન થાય છે. આ રાખ છે આપણી વાસનાની, રાગ – દ્વેષ અને અહંકારની. તપથી આ વિશુદ્ધ થાય છે. તપનો અર્થ છે મન પરનો અંકુશ. તપનો અર્થ છે જીવનમાં આવતા દુ:ખો અને મુશ્કેલીઓનો સહજતાથી સ્વીકાર કરવો. સુખ અને દુ:ખને સમાન ગણવા. બંનેથી ભાગવું નહીં, પકડવું નહીં અને દૂર ધકેલવું નહીં. સુખ આવે તો સમજવું કે આ પુણ્ય અને કર્મોનું ફળ છે. બંને આવશે અને જશે. જે આવે છે તે જવાને માટે હોય છે. એટલે એના પ્રત્યે રાગ કે મોહ રાખવાનું વ્યર્થ છે. સમ્યગ્ય દર્શન વગર જ્ઞાન નહીં, જ્ઞાન વિના ચારિત્ર નહીં અને ચારિત્ર વગર મોક્ષ નહીં.
જ્ઞાન દર્શન અને ચરિત્રની પરખ આચરણ છે. વિચાર અને આચરણ એક યાત્રાનાં બે હિસ્સા છે. વિચાર પહેલું કદમ છે અને આચરણ અંતિમ કદમ. કોઈ વિચાર આચરણ ન બને તો સમજી લેવું કે આપણા વિચારમાં ઉણપ છે. અથવા આ વિચાર આપણો નથી. જે વિચાર આપણો નથી તે આપણું આચરણ કેવી રીતે બની શકે? આચરણ વગરનું જ્ઞાન નકામું છે. જંગલમાં આગ લાગી હોય અને એક વિકલાંગ માણસ બિલકુલ ચાલી શકતો ન હોય એ આગને જોઈ તો શકે છે પરંતુ ચાલી નહીં શકવાને કારણે આગની લપેટમાં આવી જાય છે. એક અંધ માણસ છે. જે ચાલી શકે છે પણ જોઈ શકતો નથી. તે આગની સામે ઊભો રહી જશે. જેની પાસે જ્ઞાન હોય પણ આચરણ નથી તે લંગડા માણસ જેવો છે અને જે માણસ પાસે આચરણ છે પરંતુ જ્ઞાન નથી બોધ નથી તે માણસ અંધ છે. જ્ઞાન વગરની ક્રિયા પણ નકામી છે. લંગડો આંધળા ના ખભા પર ચડીને તેને દોરવે તો કામ સરી જાય. આમ જીવનમાં પણ જ્ઞાન અને આચરણ સાથે હોય તો સંસારની આગમાંથી બચી શકાય છે. જ્ઞાન, દર્શન, ચરિત્ર અને તપ એ ચાર સ્થંભો છે. આ ચાર ચક્રો આપણને ધર્મ, સાધના અને મોક્ષના- મુક્તિના માર્ગે લઈ જાય છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.