ભૂલો ભલે બીજું બધું, સંતાનને ભૂલતા નહીં!

ઉત્સવ

ટાઇટલ્સ: એક ભૂલ બે વાર કરવાનું નામ પ્રેમ-લગ્ન (છેલવાણી)

મિજાજ મસ્તી-સંજય છેલ

હવે કેટલાંક રાજ્યોમાં ચૂંટણી આવે છે ત્યારે ભોળી પ્રજા
જૂની વાતો ભૂલીને ફરીથી નવા વાયદાઓ પર વિશ્ર્વાસ મૂકીને નેતાઓને ચૂંટશે! એક ઉંમર પછી યાદશક્તિ જાય, ૭૪ વરસ
જૂની લોકશાહીમાં પ્રજાનુંયે એવું જ છે! આમ તો ભૂલી જવું
આશીર્વાદ છે.
તમે વીસ વર્ષ પહેલાં કૉલેજમાં છોકરીને પ્રપોઝ કર્યું હોય ને જવાબમાં એણે થપ્પડ મારી હોય એમાં યાદ રાખવાનું શું? પણ એણે થપ્પડ એટલે મારી હોય કે એ છોકરીએ બે દિવસ અગાઉ ઓલરેડી તમને ‘હા’ પાડેલી, તો પ્રોબ્લેમ છે!
હમણાં હોનુલૂલૂમાં કપલ પોતાના બાળકને ઘરે ભૂલીને
એરોપ્લેનમાં બેસી ગયું ત્યારે એમને યાદ આવ્યું! એ તો બહુ
મોટી ભૂલ કહેવાય! પણ શું છે કે માણસનાં દિમાગમાં અનેક માહિતીઓ, આંકડાઓ યાદો ધરબાયેલી હોય તો નવું યાદ રાખવાની સ્પેસ ના બચે.
ટૂંકમાં, ઓરંગઝેબને પત્નીઓ વધારે હતી કે એના સૈનિકો? પાણીપતનું યુદ્ધ પાણીપતમાં થયેલું કે પતિયાલામાં? એવી બધી બાળપણના ભણતરની નક્કામી ફાઈલો મગજમાંથી કાઢી નાખવી જોઈએ!
એક અંગ્રેજી ફિલ્મમાં પ્રેમીયુગલ, જીવનનાં અમુક વર્ષો જ દિમાગમાંથી ભૂંસાવી નાખે છે! (આય થિંક, ફિલ્મનું નામ ‘ઇટર્નલ સનશાઈન ઓફ સ્પોટલેસ માઈન્ડ’ કે પછી ‘હમને તુમ કો ભૂલા’ હતું? યાદ નથી!)
જો કે કશુંક ભૂલી ગયા પછી વાતને કેમ સંભાળી લેવી,એ કળા છે. જેમ કે- પ્રેમિકાએ પ્રેમીને કહ્યું, ‘તેં ડાયમંડ રિંગ આપવાનું વચન આપેલુંને? ભૂલી ગયો?’ ભૂલકણાં પ્રેમીએ તરત કહ્યું, ‘યાદ છેને..દુકાનેથી લાવવાનું ભૂલી ગયો છું બસ!’
અથવા-
ક્યારેક તમારી પત્ની ચિઢાઈને કહે, ‘તમને બધું યાદ રહે છે
પણ આપણા લગ્નની તારીખ યાદ નથી!!’ ત્યારે તરત જ
કહેવાનું, ‘યાદ છેને! એ દિવસે વરઘોડા સમયે કેવો ટ્રાફિક હતોને! રાઈટ?’
ચિંતા ત્યારે કરવી જ્યારે કે યાદશક્તિ સુધારવા તમે ડોક્ટર પાસે જાવ અને એ પોતે તમારો પ્રોબ્લેમ ભૂલી ગયો હોય ને દરવખતે કેસ પેપર બનાવે!! અથવા તો ડોક્ટર પૂછે કે ‘ભૂલવાનો પ્રોબ્લેમ ક્યારથી છે?’ ને તમે કહો કે, ‘યાદ નથી’ અથવા તો તમે તમારાં બેસ્ટ ફ્રેન્ડને કહો, ‘યાર, આજકાલ ભૂલવાની સમસ્યા એટલી વધી ગઈ છેને?’ ને તમારો ફ્રેન્ડ કહે, ‘ભૂલી જા એ વાત, પપ્પુ!’ ત્યારે તમે ચોંકી જશો કારણ કે તમારું નામ પપ્પુ છે કે પ્રકાશ એ યાદ નથી !
ઇન્ટરવલ
મૈં તો ભૂલ ચલી બાબુલ કા દેસ
પિયા કા ઘર પ્યારા લગે (ઈંદીવર)
જ્યોતિર્મય દત્તના નાટકમાં એક સંવાદ આવે છે કે ભગવાન બુદ્ધને આ જન્મની પ્રેમિકામાં, ગયા જન્મની પ્રેમિકાનાં
ચહેરાનાં આંસુ દેખાતાં! વેલ, એ બુદ્ધ હતાં એટલે શક્ય છે,
પણ ઘણાંને તો ગયા જ મહિને આપણે આપેલાં ઉધારીનાં
પૈસા પણ યાદ નથી રહેતાં! કહે છે હાથીઓની યાદશક્તિ બહુ સારી હોય છે.
સવાલ એ છે કે હાથીલોકો પોતાની સારી યાદશક્તિથી શું ઉકાળી લેતાં હશે? ‘ફલાણાં બગીચામાં કેળાં લેતા કેવા લપસી પડાયેલું!’ વગેરેથી વધીને સારી યાદદાશ્તનો એમને શું ફાયદો?
ક્યાંક વાંચેલું કે આફ્રિકાનાં જંગલમાં મળતી ‘હિંબોલો
બઝૂકા’ જેવાં અજીબ નામવાળી અજીબ વનસ્પતિનાં મૂળીયાં ખાવાથી સ્મરણશક્તિ વધી શકે છે. એ વનસ્પતિમાં એટલી તાકાત હોય છે કે એને ખાવાથી તમે રસ્તે જતી ગાડીઓનાં નંબર પણ એક જ વાર
જોઈને યાદ રાખી શકો! (શું ફાયદો?) પણ આવી યાદશક્તિની દવાનો પ્રોબ્લેમ એ છે કે જો આપણાંથી એ આડીઅવળી મુકાઈ જાય તો આપણને યાદ ના આવે કે યાદશક્તિની દવા ક્યાં મૂકી છે! એટલે વળી દવાની બોટલ પર લખવું પડે: ‘આ યાદશક્તિની દવા છે, એને જુલાબની નહીં.’
ટૂંકમાં ભૂલવાની સમસ્યાનો સચોટ ઇલાજ છે જ નહીં! જો ભૂલવાની બીમારી જ ના હોત તો ‘લોસ્ટ-એન્ડ-ફાઉંન્ડ’ની, મેળામાં ખોવાયેલાં બાળકોની કથાવાળી હિંદી ફિલ્મો જ ન બનત.(ફિલ્મી માતા, નિરુપા રોય દુનિયાની સૌથી ભૂલક્કડ અને કેરલેસ મમ્મી હતી, જે દરેક ફિલ્મમાં બાળકોને ખોઈ દેતી!) ‘અભિજ્ઞાન શાકુંતલમ્’માં જો દુશ્યંત, પ્રેમિકાને ભૂલી ના ગયો હોત તો એ સુપરહિટ નાટક જ આગળ ના વધત! અરે, મહેબૂબાઓ જો એમનાં મહેબૂબને ભૂલતી ના હોત તો કેટકેટલાં કવિઓ જોબલેસ થઈ જાત!
એટલે ભૂલી જવું અને ના ભૂલી શકવું એ બંને વાતોને કારણે કવિતા વાર્તા, ફિલ્મો-નાટકો લખાયાં છે… વર્ના યે ઝાલિમ ઝિંદગાની કિતની બોરીંગ હોતી, લાહૌલવિલાકુવ્વત! યુ સી? (સોરી,ગુજરાતીમાં લખવાનું ભૂલી ગયો)
આપણે સૌ ભૂલવામાં એક્સપર્ટ છીએ. નેતાઓ વચનો ભૂલી જાય છે અને પ્રજા નેતાઓનાં જૂઠ્ઠાણાં ભૂલી જાય છે. આપણાં કવિઓ-લેખકો સામાજિક આક્રોશ કરવાનું ભૂલી ગયાં છે. શિક્ષકો, નૈતિકતા શીખવવાનું ભૂલી ગયાં છે. મા-બાપો, માતૃભાષા શીખવવાનું ભૂલી રહ્યાં છે, બાળકો ખુદ મા-બાપોને ભૂલી રહ્યાં છે. જુઓને આજે આપણે સૌ ગાંધી-હત્યાનો દિવસ ને વાતો ભૂલી રહ્યાં છીએને?
એન્ડ ટાઇટલ્સ
ઇવ: તું મને ભૂલી તો નહીં જાયને?
આદમ: પરમદાડે મેં શું જવાબ આપેલો?

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.