મીણબત્તીઓ, જન-આક્રોશ કે વિરોધના વાવટા ફરકાવ્યા પછી કાયદામાં તો બદલાવ આવ્યો છે, પરંતુ નિર્ભયા ઘટનાને દસ વર્ષ બાદ પરિસ્થિતિ ખરેખર બદલાઈ છે કે નહીં એની છણાવટ કરતો લેખ
કવર સ્ટોરી -ગીતા માણેક
વર્ષ ૨૦૨૦ની સરખામણીમાં ૨૦૨૧ના વર્ષમાં સ્ત્રીઓ સામેના અપરાધમાં ૧૯ ટકાનો વધારો થયો છે, એવું નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના આંકડાઓ કહે છે.
ગયા વર્ષે દેશમાં કુલ ૩૧,૮૭૮ એટલે કે દરરોજ સરેરાશ ૮૭ બળાત્કારના કેસ નોંધાયા હતા.
દસ વર્ષ અગાઉ દિલ્હીમાં ચાલતી બસમાં ફિઝિયોથેરપીની ટ્રઈની યુવતી પર કમકમા ઉપજે એ રીતે સામૂહિક બળાત્કાર થયો એ કેસે આખા દેશને હચમચાવી મૂક્યો હતો. થોડાક સમય માટે ટેલિવિઝન ન્યૂઝ ચેનલ અને અખબારો ચીસો પાડી-પાડીને ન્યૂઝ દર્શાવતા રહ્યા.
આખા દેશમાં વિરોધનો સૂર ઊઠયો હતો. આ કેસ પર ફિલ્મો અને વેબ-સિરીઝો બની અને અત્યંત સફળ પણ થઈ પરંતુ સ્ત્રીઓ પર થતી જાતીય હિંસામાં કોઈ ફરક પડ્યો? આનો જવાબ છે – ના.
હા, કાયદામાં કેટલાંક ફેરફાર આવ્યા જેમ કે જાતીય હિંસાની પરિભાષામાં ફેરફાર આવ્યો, બળાત્કારીઓને આકરી સજાની જોગવાઈ થઈ, બળાત્કારનો ભોગ બનેલી સ્ત્રીઓ પર અગાઉ કરવામાં આવતા અવૈજ્ઞાનિક બે આંગળી ટેસ્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો, મહિલાઓ પોલીસ સ્ટેશનમાં જઈને આસાનીથી ફરિયાદ નોંધાવી શકે એ પ્રકારના ફેરફારો થયા પરંતુ આ બધું જ પરિવર્તન માત્ર કાગળ પર જ રહ્યું છે.
નિર્ભયા તરીકે દેશના લોકોની સ્મૃતિમાં અંકાઈ ગયેલી તે યુવતીની માતા આશાદેવી તો કહે છે કે છેલ્લા દસ વર્ષમાં નિર્ભયા સિવાય કોઈને ન્યાય મળ્યો નથી. વાસ્તવિક જીવનમાં સ્ત્રીઓની સ્થિતિમાં કોઈ ફેરફાર આવ્યો નથી. માત્ર એટલું જ થયું છે કે જે મહિલાઓ જાતીય હિંસા કે બળાત્કારનો ભોગ બને છે તેમાંની વધુ ને વધુ મહિલાઓ એ વિશે જાહેરમાં બોલવા માંડી છે, ફરિયાદ નોંધાવા માંડી છે. આ વિષય પર પોતાનું મંતવ્ય આપતા દેશના જાણીતા વકીલ ઈન્દિરા જયસિંઘે એક જગ્યાએ કહ્યું હતું કે ઊલટું આ દસ વર્ષમાં બળાત્કારીઓ વધુ આક્રમક થયા છે અને ગેન્ગ રેપ એટલે કે સામૂહિક બળાત્કારના કેસ વધવા માંડ્યા છે.
દરરોજના અખબારો પર નજર નાખીએ તો પણ દરરોજ બળાત્કાર અને સામૂહિક બળાત્કાર વિશેના સમાચારો વધુ ને વધુ જોવા મળી
રહ્યા છે.
હજુ ત્રણ દિવસ અગાઉ જ પાલઘરમાં સોળ વર્ષની સગીરા પર લગભગ સાત પુરુષોએ સામૂહિક બળાત્કાર કર્યો હોવાના સમાચાર આવ્યા છે. નાની-નાની અબુધ બાળકીઓ પર બળાત્કાર થવાનાં કિસ્સાઓ પણ વધી રહ્યા છે એવું સમાચારો પર નજર નાખતા જણાઈ રહ્યું છે.
આંચકાજનક બાબત તો એ છે કે નિર્ભયા પર જ્યાં બળાત્કાર થયો હતો એ દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા દસ વર્ષમાં જાતીય હિંસા અને બળાત્કારના કેસ ઘટ્યા નહીં પણ વધ્યા
છે. દેશભરમાં બળાત્કારના સૌથી વધુ કેસ દિલ્હીમાં નોંધાય છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના આંકડાં મુજબ ગયા વર્ષે ફક્ત
રાજધાની દિલ્હીમાં બળાત્કારના ૧,૨૨૬
કેસ નોંધાયા છે.
નિર્ભયા બળાત્કાર કેસ બાદ ફક્ત કાયદામાં જ ફેરફાર નથી થયા પણ વિવિધ પ્રકારના ભંડોળને પણ મંજૂરી આપવામાં આવી છે. ઈન્ટરનેશનલ ચેરિટી ઓક્સફેમના જણાવ્યા પ્રમાણે નિર્ભયાની ઘટના બાદ બળાત્કારનો ભોગ બનેલી મહિલાઓ માટે હેલ્પલાઈન, ક્રાઈસિસ સેન્ટર એટલે કે આવી સ્થિતિમાં સપડાયેલી મહિલાઓને મદદરૂપ થાય એવું સેન્ટર, પોલીસ તથા અન્ય વિભાગના અધિકારીઓએ ફરિયાદી મહિલાઓ સાથે સંવેદનશીલતાપૂર્ણ વ્યવહાર કરવા માટે તાલીમ આપવા માટે પણ ભંડોળ ફાળવવામાં આવ્યું છે પણ નીંભર તંત્રએ આ ભંડોળની રકમ આ બધા કાર્યો માટે વાપરી સુધ્ધાં નથી. આ સિવાય સરકારે ‘નિર્ભયા ફંડ’ના નામે પણ એક ચોક્કસ રકમ ફાળવી છે જેનો ઉપયોગ સ્ત્રીઓની સુરક્ષા અને સલામતી માટે કરવો જોઈએ પરંતુ આ રકમ વપરાયા વિનાની એમ જ પડી છે.
ભારત દેશમાં હજુ પણ બેફામપણે જાતીય હિંસા અને બળાત્કાર થઈ રહ્યા છે. દેશમાં જેટલા બળાત્કાર થાય છે એમાંના પિસ્તાળીશ ટકા બળાત્કાર દલિત અને પછાત જાતિની મહિલાઓ પર થઈ રહ્યા છે. નીચલા વર્ગની અને
દલિત મહિલાઓનો અવાજ કોર્ટ કે સરકારી બાબુઓના કાન સુધી પહોંચતો નથી ઊલટું એ કાયદા અને કાયદાકીય પ્રક્રિયાઓ વચ્ચે અટવાઈ જાય છે.
અહીં જે આંકડાઓ લખ્યા છે એ તો માત્ર ચોપડે નોંધાયેલા આંકડાઓ છે. બદનામી કે પોલીસના ભયથી જે મહિલાઓ પોલીસ સ્ટેશન પહોંચતી નથી એ આંકડાઓ આનાથી અનેકગણા વધુ છે.
આંકડાઓ જણાવે છે કે જાતીય હિંસા અને બળાત્કારની સૌથી વધુ ઘટનાઓ ઉત્તર પ્રદેશ, બિહાર અને રાજસ્થાનમાં થઈ રહી છે પણ દેશના અન્ય રાજ્યો પણ એમાં પાછળ નથી.
વાસ્તવિકતા એ છે કે નિર્ભયા ઘટના પછી જાતીય હિંસા અને બળાત્કારની બાબતમાં મહિલાઓની સ્થિતિમાં સુધારો નથી આવ્યો. ઊલટું પરિસ્થિતિ વધુ કથળી છે અને દયનીય થઈ છે.