હારીને પણ દિલ જીતી લીધાં

લાડકી

હાલ યુકેમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ઍથ્લીટ્સના સહભાગ બાબત ઉત્સુકતા અને અપેક્ષાની માત્રા અગાઉ કરતાં વધારે છે. છેલ્લાં વીસેક વર્ષમાં ભારતીય ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચમક દાખવી રહ્યા છે એનું આ પરિણામ છે. યુકેના રમતોત્સવમાં સહભાગી થયેલી સ્ક્વોશ પ્લેયર અનાહત સિંહ માટે ખેલકૂદપ્રેમીઓમાં ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. એનું મુખ્ય કારણ એ છે કે અનાહત માત્ર ૧૪ વર્ષની છે અને સંપૂર્ણ રમતોત્સવમાં ઉંમરમાં સૌથી નાની ખેલાડી છે. કોમનવેલ્થ ગેમ્સની શરૂઆત થયા પછી પહેલા રાઉન્ડમાં કેરેબિયન ટાપુ સેન્ટ વિન્સેન્ટ એન્ડ ગ્રેનેડાઈન્સની ખેલાડી જેડ રોસને સીધા સેટમાં પરાજિત કરી બધાને સ્તબ્ધ કરી દીધા હતા. હારી ગયેલી રોસ અનાહતના ખેલથી ખૂબ પ્રભાવિત થઈ અને મેચ પૂરી થયા પછી એને રીતસર ભેટી પડી અને અભિનંદન આપ્યાં. અલબત્ત બીજા રાઉન્ડમાં અનાહત આંતરરાષ્ટ્રીય સ્તરે રમવાનો વધુ અનુભવ ધરાવતી સિનિયર ખેલાડી એમિલી વ્હિટલોક સામે હારી ગઈ, પણ કુશળ ખેલાડી સામે એક સેટ જીતી લીધો. પરિણામે મેચમાં હારી જવા છતાં ખેલકૂદપ્રેમીઓનાં દિલ તેણે જીતી લીધાં. ૧૪ વર્ષની ઉંમરે આઠ આંતરરાષ્ટ્રીય ટાઈટલ મેળવી ચૂકેલી ગજબનો આત્મવિશ્ર્વાસ ધરાવતી અનાહતે બર્મિંગહેમ આવતાં પહેલાં એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘મારે પ્રોફેશનલ સ્ક્વોશ રમી વર્લ્ડ ચેમ્પિયન બનવું છે.’ પીવી સિંધુની ચાહક અનાહત બેડમિન્ટન ચેમ્પિયન બનવા માગતી હતી, પણ એની મોટી બહેન સ્ક્વોશ પ્લેયર છે અને ટુર્નામેન્ટમાં એની સાથે રહ્યા પછી અનાહતને પણ સ્ક્વોશ માટે પ્રીતિ જાગી અને તેણે આ રમત અપનાવી લીધી. હવે ફ્રાન્સમાં યોજાનાર વર્લ્ડ જુનિયર સ્ક્વોશ ચેમ્પિયનશિપમાં ઝળકવા અનાહત થનગની રહી છે. ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.