કવર સ્ટોરી -પૂર્વી દેસાઈ
એક રિપોર્ટ પ્રમાણે વર્ષ ૨૦૧૭માં લગભગ ૨.૬૪ મિલિયન લોકો હૃદયરોગથી મૃત્યુ પામ્યા જેમાં ૧.૧૮ મિલિયન એટલે કે લગભગ ૧૮ લાખ મહિલાઓ હતી! જી હા, આ વાસ્તવિકતા છે. હજુ હમણાં સુધીની સામાન્ય માન્યતાઓ એવી હતી કે પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓને હૃદયરોગના હુમલાઓ ઓછા આવે છે, પરંતુ ભૂતપૂર્વ મિસ યુનિવર્સ અને આપણી એકદમ ફિટ એન્ડ ફાઈન અભિનેત્રી સુષ્મિતા સેનને અટેક આવ્યા પછી ફરી આ ચર્ચાએ માથું ઊંચક્યું છે.
હૃદયરોગનો હુમલો પુરુષોને જ વધુ આવે એવી સર્વસામાન્ય માન્યતાનો અમેરિકન હેલ્થ એસોસિયેશને પણ છેદ ઉડાડી દીધો છે. આ એસોસિયેશનના કહેવા મુજબ હાર્ટ અટેકના કિસ્સાઓ પાછલાં થોડાં વર્ષોથી પુરુષોની તુલનામાં સ્ત્રીઓમાં વધારે જોવા મળ્યા છે. આંકડાઓ કહે છે કે ભારતમાં દરવર્ષે જેટલાં લોકો મૃત્યુ પામે છે એમાં સી.વી.ડી એટલે કે કાર્ડીઓ વેસ્ક્યુલર ડિસીઝને કારણે મોતને ભેટતા લોકોનું પ્રમાણ અધધ કહી શકાય એટલું એટલે કે લગભગ ૧૭.૭ મિલિયન જેટલું છે! શું છે આ કાર્ડીઓ વેસ્ક્યુલર ડિસીઝ એટલે સાદી ભાષામાં કહીયે તો હૃદયરોગ.
આ હૃદયરોગના પણ પ્રકારો અને કારણો જુદાં જુદાં જોવાં મળે છે. જેમ કે કોરોનરી હૃદયરોગ,સ્ટ્રોક, હાઇપર ટેન્શન વગેરે, પરંતુ આ બધામાં સૌથી વધારે સંવેદનશીલ અને ખતરનાક કહી શકાય હાર્ટ અટેક. સરળ ભાષામાં કહીયે તો એક રીતે આનું મોટું કારણ રક્તવાહિનીઓમાં ઉદ્ભવતા વિકારો અને તેને લીધે હૃદયની કાર્યક્ષમતામાં બાધા આવવી એ છે. હૃદયરોગનો હુમલો ત્યારે આવે છે જયારે હૃદયના સ્નાયુઓ સુધી ઓક્સિજન પહોંચાડતો રક્તના પ્રવાહમાં અવરોધા ઊભો થાય અથવા સાવ બંધ થઇ જાય. આને કારણે હૃદય ધબકતું બંધ પડી જાય અથવા ધબકારના પ્રમાણમાં એ હદે ફેરફાર થાય કે માણસ મૃત્યુના મુખ સુધી પહોંચી જાય.
દમણની એક હૉસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે સેવા આપતા ડૉક્ટર તપન જણાવે છે કે તાજેતરના સમયમાં સ્ત્રીઓમાં હૃદયરોગના હુમલાઓનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધ્યું છે. એટલે હવે અટેક ફક્ત પુરુષોને જ આવે એ વાત ખોટી સાબિત થઇ રહી છે. આનું કારણ સમજાવતા તેઓ કહે છે કે હૃદયરોગના હુમલાનાં મુખ્ય કારણોમાં સ્મોકિંગ, સ્ટ્રેસ, ખાવા પીવાની ખરાબ અને અનિયમિત આદતો તેમ જ બેઠાડુ જીવનશૈલીને મુખ્ય ગણાવી શકાય. પહેલાં એવું હતું કે સ્મોકિંગનું સ્ત્રીઓમાં પ્રમાણ બહુ જ માર્યાદિત હતું આ ઉપરાંત સ્ત્રીઓની સામાન્ય સહનશક્તિ પણ પુરુષો કરતાં વધારે હોય છે એટલે તનાવની તેમના પર બહુ અસર નહોતી થતી. મોટેભાગે ઘરનાં બધાં જ કામ સ્ત્રીઓ જાતે જ કરતી એટલે બેઠાડુ જીવનનો તો કોઈ પ્રશ્ર્ન જ નહોતો અને આ ઉપરાંત બહારનું ખાવાનું પણ માર્યાદિત રહેતું. આ બધાં કારણોને લઈને સ્ત્રીઓમાં હૃદયરોગના હુમલાઓનું જોખમ સાવ ઓછું રહેતું, પરંતુ અત્યારના આધુનિક સમયમાં જયારે દરેક ક્ષેત્રમાં ધરમૂળથી પરિવર્તન આવી રહ્યું છે ત્યારે સ્ત્રીઓની માનસિકતા અને તેમની સ્થિતિમાં પણ બહુ જ મોટા ફેરફાર થયા છે. જેમકે હવે મોટાભાગની સ્ત્રીઓ ઘરની સાથે સાથે નોકરી કે વ્યવસાય પણ સંભાળતી હોય છે. તો સ્વાભાવિક જ છે કે તેમનું સ્ટ્રેસ લેવલ પહેલાંની સરખામણીમાં અનેકગણું વધ્યું છે. આ ઉપરાંત હવે કામને કારણે ઘરે મોટેભાગે નોકરો હોય છે, વોશિંગ મશીન, રેફ્રિજરેટર જેવાં અનેક સાધનો પણ ઉપલબ્ધ છે એટલે શારીરિક શ્રમ પણ ઓછો થઇ ગયો છે. અને એ પણ વાસ્તવિકતા છે જ કે ઘણી આધુનિક સ્ત્રીઓ શરાબ અને સિગારેટ જેવાં વ્યસનોને રવાડે ચડી ગઈ છે! બીજું એક અગત્યનું કારણ છે મહિલાઓની બેદરકારી. આખા ઘરને સંભાળતી સ્ત્રીઓ પોતાની તંદુરસ્તી માટે મોટેભાગે બેપરવાહ હોય છે. તે પોતાના શરીર અને રોગનાં લક્ષણોને એટલી હદે અવગણે છે કે એની અસર તેમના હૃદય પર પણ થાય છે. આવી સ્ત્રીઓને એટેક આવે ત્યારે ખ્યાલ આવે છે કે તેમણે શરીર પ્રત્યે કેટલું દુર્લક્ષ કર્યું હતું. આ અંગે જ્યારે સમજ આવે છે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે.
ડૉક્ટરો બીજો એક અગત્યના મુદ્દા તરફ ધ્યાન ખેંચતા કહે છે કે સ્ત્રી અને પુરુષોમાં હૃદયરોગના હુમલાનાં લક્ષણો સાવ અલગ હોય છે. આ પણ એક કારણ છે કે ખબર પડતાં મોડું થઇ જાય છે. આ લક્ષણો શા માટે અલગ હોય છે એનાં કારણો પણ છે. એક તો બંનેની શારીરિક રચનામાં ઘણો બધો ફરક છે. મહિલાઓનું હૃદય પુરુષોની તુલનામાં થોડુંક નાનું હોય છે. આ ઉપરાંત સ્ત્રીઓનાં હૃદયની દીવાલ પણ પુરુષો કરતાં થોડીક પાતળી હોય છે. આને કારણે સ્ત્રીઓનું હૃદય પુરુષોના હૃદયની તુલનામાં દસ ટકા ઓછું રક્ત પમ્પ કરે છે.
જયારે મહિલાઓ તનાવમાં હોય ત્યારે તેમનું હૃદય જરૂર કરતાં વધારે રક્ત પમ્પ કરે છે. આની સરખામણીમાં જયારે પુરુષો તનાવમાં હોય ત્યારે તેમનું હૃદય જરૂર કરતાં ઓછું રક્ત પમ્પ કરે છે. સામાન્ય રીતે જોઈએ તો છાતીમાં દુખાવો થવો એ હૃદયરોગનું સામાન્ય લક્ષણ છે, પરંતુ અમેરિકાની ક્લિવલેન્ડ ક્લિનિક મેડિકલ સેન્ટરનાં એક રિપોર્ટ અનુસાર મહિલાઓમાં આ લક્ષણ મોટાભાગે જોવા મળતું નથી. શું હોય છે સ્ત્રીઓમાં હાર્ટ એટેકનાં લક્ષણો એ જાણીએ. આ જ રિપોર્ટમાં જણાવાયું છે કે એક તો પુરુષોની જેમ મહિલાઓને છાતીમાં દુખતું નથી, પરંતુ તેમને હૃદય પર વજન અનુભવાય અને ક્યારેક એકદમ બેચેની એટલે કે રેસ્ટલેસનેસનો અનુભવ થઇ શકે. આ ઉપરાંત પીઠ દુ:ખવી, હાથ, ગરદન અને જડબાંમાં પણ દુખાવો થઇ શકે. વળી એક અત્યંત અગત્યની વાત એ છે કે આ દુ:ખાવો એટેક આવે ત્યારે જ થાય એવું બિલકુલ જરૂરી નથી. મહિલાઓને લગભગ પંદર દિવસ કે મહિના પહેલાં પણ દુ:ખાવો થઇ શકે. જો સામાન્ય દવાઓથી આ દુ:ખાવો બે ત્રણ દિવસમાં ન મટે તો સત્વરે ચેકઅપ કરાવી લેવું જોઈએ. બીજું એક લક્ષણ છે થાક લાગવો. નાના-નાના કામ કરવામાં પણ બહુ શ્રમ પડે છે એમ લાગે ત્યારે મહિલાઓએ ચેતી જવું જોઈએ. આ સિવાય શ્ર્વાસ લેવામાં તકલીફ થવી, અચાનક પરસેવો વળી જવો વગેરે પણ હૃદયરોગના સ્ત્રીઓમાં જોવા મળતાં સામાન્ય લક્ષણો છે. આ ઉપરાંત પેટમાં દુ:ખવું એ પણ હૃદયરોગનું જ એક લક્ષણ હોઈ શકે છે જે સામાન્ય રીતે મહિલાઓમાં જ જોવામાં આવ્યું છે. એટલે સતત અને લાંબો સમય પેટમાં દુ:ખે તો એને ફૂડ પોઇઝન કે પેટની અન્ય બીમારી સમજીને ઈલાજ કર્યાં કરવાં કરતાં હાર્ટને લગતાં ચેક અપ પણ કરાવી જ લેવામાં શાણપણ છે.
શું કરી શકાય હૃદયને સ્વસ્થ રાખવા? ડૉક્ટર તપનના જણાવ્યા અનુસાર સ્ત્રીઓ આખાં ઘરનું ખાવાપીવાનું ધ્યાન બરાબર રાખતી હોય છે, પરંતુ પોતાનો વારો આવે ત્યારે તે થોડીક બેદરકાર થઇ જતી હોય છે. તો હવે આહાર પ્રત્યે બેકાળજી રાખવાથી નહીં ચાલે. અનાજ અને એમાં પણ આખ્ખા અનાજ જેને અંગ્રેજીમાં મિલેટ્સ કહેવાય છે એટલે કે બાજરી, જુવાર, રાગી વગેરેનો રોજિંદા આહારમાં સમાવેશ કરવો જોઈએ. હવે જયારે નોકરીને કારણે અને ઘરે હોય તો પણ વોશિંગ મશીન અને ઘરઘંટી જેવી વધી રહેલી સગવડોને કારણે શારીરિક શ્રમ ઓછો થઇ ગયો છે ત્યારે આહારમાંથી મીઠાઈઓ અને અન્ય પચવામાં ભારે હોય એવી ચીજોને બાકાત જ રાખવી જોઈએ. કામના કલાકો અને ભાગદોડમાં ઓછામાં ઓછી સાત કલાકની ઊંઘ તો લેવી જ જોઈએ. વહેલી જાગીને લુસ લુસ ખાઈને ઓફિસ ભાગતી સ્ત્રીઓને માટે ઊંઘ બહુ જ જરૂરી છે.
તમને જાણીને આંચકો લાગશે પણ યુ.એસ.માં લગભગ ૨ લાખ મહિલાઓ સિગારેટ પીવાને કારણે મરી જાય છે! ભારતમાં પણ સ્ત્રીઓમાં ધૂમ્રપાનનું પ્રમાણ આશ્ર્ચર્યજનક રીતે વધી રહ્યું છે ત્યારે આ બાબતે ચેતી જવું બહુ જ જરૂરી છે. અન્ય એક જરૂરી બાબત છે વ્યાયામ. રોજ લગભગ ત્રીસ મિનિટની હળવી કસરત હૃદયને વધુ સ્વસ્થ રાખશે. આજના સમયમાં જયારે મહિલાઓ ઘર અને ઓફિસ બંને સંભાળી રહી છે ત્યારે ખૂબ જરૂરી છે સ્ટ્રેસ મેનેજમેન્ટ. મહિલાઓમાં તનાવનું એક મોટું કારણ હોર્મોનલ ચેન્જ પણ હોય છે. શરીરના બદલાતાં હોર્મોન્સ વિષે સજાગ રહીને અને એને માટે યોગ્ય પગલાંઓ લઈને તનાવને દૂર રાખી શકાય.